Bhaskar News, Rajula
Feb 14, 2016, 01:18 AM IST
- નાગેશ્રીની સીમમાં બની ઘટના : વનતંત્રનું બીમારીથી મોત થયાનું રટણ
રાજુલા: જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં ગઇરાત્રે એક
ખેડૂતે પોતાની વાડીમાં ઘઉંના પાકના રક્ષણ માટે ફરતે લગાવેલી નેટમાં ફસાઇ
જવાથી બે સિંહબાળના મોત નિપજ્યા હતા.
વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ ઘટના નાગેશ્રીની સીમમાં
ગઇરાત્રે બની હતી. અહિંના મોહનભાઇ પરમાર નામના ખેડૂતે પોતાની વાડીમાં ઘઉં
વાવ્યા હોય ઘઉંના પાક ફરતે રક્ષણ માટે ઉંચી નેટ લગાવી દીધી હતી. જેથી
પ્રાણીઓ પાકને નુકશાન કરી ન શકે. રાત્રીના સમયે એક સિંહણ તેના બે બચ્ચા
સાથે ફરતી ફરતી જ્યારે મોહનભાઇ પરમારની વાડી પાસે પહોંચી ત્યારે આ નેટમાં
તેના બન્ને બચ્ચા ફસાઇ ગયા હતાં. રાત્રે જો કે કોઇને આ બનાવની જાણ થઇ ન હતી
અને સવારે જ્યારે ગામલોકોનું બન્ને બચ્ચા મૃત હાલતમાં પડયા હોવા અંગે
ધ્યાન ગયુ ત્યારે કોઇએ રાજુલાની વન કચેરીમાં જાણ કરી હતી. જેને પગલે
સ્થાનિક આરએફઓ સી.બી. ધાંધીયા સ્ટાફ અને રેસ્ક્યુ ટીમ સાથે અહિં દોડી ગયા
હતાં. બન્ને બચ્ચાના શરીર પર કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતાં અને આ બચ્ચા
આશરે ત્રણેક માસની ઉંમરના હોવાનું જણાયુ હતું. વન વિભાગ દ્વારા બન્ને
બચ્ચાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બાબરકોટ ખાતે લઇ જવાયા હતા.
આખી રાત સિંહણ ત્રાડો પાડતી રહી
નાગેશ્રીની સીમમાં પોતાના બે બચ્ચા નેટમાં ફસાયા બાદ અહિં આખી રાત સિંહણ
ત્રાડો પાડતી રહી હતી. રાત્રે વાડી-ખેતરોમાં ખેડૂતો કામ કરતા હોય છે. પરંતુ
સાવજોના અવાજો આ રીતે તેમને કાયમ સાંભળવા મળતા હોય નવાઇ લાગી ન હતી.
પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
અહિંના ઇન્ચાર્જ આરએફઓ સી.બી. ધાંધીયાએ જણાવ્યુ હતું કે નાગેશ્રીની સીમમાં
બે સિંહબાળના મૃતદેહ મળ્યા છે. બન્નેના મૃત્યુ બિમારીથી થયા હોય શકે છે. આમ
છતાં મોતનું સ્પષ્ટ કારણ પીએમ રીપોર્ટ બાદ ખબર પડશે. તેમણે એમ પણ જણાવ્યુ
હતું કે બન્નેના શરીર પર ઇજાના કોઇ નિશાન ન હતાં.