- Bhaskar News, Junagadh
- Feb 25, 2016, 01:05 AM IST
- જૂનાગઢ-સાસણ હાઇવે પાસે ઘટના બન્યાની વાતો વ્હેતી થતાં ફોરેસ્ટની ગાડીઓએ આખો વિસ્તાર ખુંદી નાંખ્યો
જૂનાગઢ: સાસણમાં આજે મોડી રાત્રે કોઇએ સિંહ પર બંદૂકનાં ભડાકા કર્યાની વાતો વ્હેતી થઇ હતી. જેને પગલે વનવિભાગનો સાસણ સ્થિત આખો સ્ટાફ તપાસમાં જોતરાયો હતો. અંતે આ વાત અફવા હોવાનું સ્પષ્ટ થતાં રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.
સાસણમાં આજે મોડી રાત્રે એવી વાતો વ્હેતી થઇ હતી કે, જૂનાગઢ-સાસણ હાઇવે પરની એક હોટલની નજીકનાં જંગલ વિસ્તારમાં કોઇએ સિંહ પર બંદૂકમાંથી ભડકા કર્યા જેમાં સિંહનું મૃત્યુ થયું. વાતની ગંભીરતા પારખી વનવિભાગનાં અધિકારીઓ, બીટ ગાર્ડ સહિતનો કાફલો ગાડીઓ લઇને જંગલ ખુંદવા અને આવી કોઇ ઘટના બની હોય તો તેની તપાસમાં નિકળી પડ્યો હતો. ઘણી બધી તપાસનાં અંતે એવું કશું જોવા ન મળતાં આખી વાત અફવા હોવાનું સ્પષ્ટ થયું હતું.
વનવિભાગને જોકે, દોડધામ થઇ હતી. પરંતુ અંતે સહુએ રાહતનો દમ ખેંચ્યો હતો. જોકે, વનવિભાગે આ મામલે મૌન જ સેવ્યું છે. પરંતુ સાસણ-જૂનાગઢ હાઇવે પર વનવિભાગની ગાડીઓનો ખડકલો જોવા મળતાં રસ્તેથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કૂતુહલ છવાયું હતું. જોકે, એક-દોઢ કલાકનાં સમયગાળામાં વન વિભાગને મળેલી વિગતોની તપાસમાં પરસેવો વળી ગયો હતો.
No comments:
Post a Comment