Tuesday, February 28, 2017

અમરેલી: રાજવી પરિવારે પરંપરાગત ખેતી છોડી, 300 વિઘામાં વાવી 2.5 લાખ નિલગીરી

અમરેલી: રાજવી પરિવારે પરંપરાગત ખેતી છોડી, 300  વિઘામાં વાવી 2.5 લાખ નિલગીરી,  amreli news in gujaratiBhaskar News, Amreli | Feb 17, 2017, 01:42 AM IST

અમરેલી:સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના રાજવી પરિવારના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી પોતાની 300 વિઘા જેટલી જમીનમાં નિલગીરી વાવવાનો નિર્ણય કર્યો અને અઢી લાખ નિલગીરી ઉછેરી તેમણે અહિંના ખેડૂતને પણ નવો રાહ ચિંધ્યો છે. ત્રણ વર્ષની માવજત પછી આ ખેડૂત નિલગીરી થકી મબલખ આવક મેળવી શકશે.
 
સૌરાષ્ટ્રની ખેતી વરસાદ આધારીત છે. વળી અહિં પીયતની પણ કોઇ સુવિધા નથી. એટલે ખેડૂતને સારો પાક મેળવવામાં નાકે દમ આવી જાય છે. વળી ખેતી કરવી એટલે દર છ મહિને નવો પાક વાવવાનો, તેની માવજત, મજુરી, દવાનો છંટકાવ અને છેલ્લે માર્કેટમાં વેંચવા જવુ અને ફરી ખેતર સાફ કરવું. પરંતુ હવે સૌરાષ્ટ્રમાં ખેડૂતો નવા નવા પાક તરફ વળી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના રાજવી પરીવારના દીલુભાઇ ખુમાણે પણ નવી પહેલ કરી છે.
 
પરંપરાગત ખેતીના બદલે તેમણે પાછલા કેટલાક સમયગાળામાં પોતાના પરિવારની 300 વિઘા જમીનમાં 2.50 લાખ નિલગીરીનું વાવેતર કર્યુ છે. નિલગીરીનો પાક તેમને ત્રીજા વર્ષે ઉત્પાદન આપવા લાગશે. હાલમાં 80 હજાર ઝાડ વેચાણ માટે તૈયાર થઇ ગયા છે. આવતા વર્ષે વધુ 80 હજાર ઝાડ તેઓ વેંચી શકશે. પેપર મિલના માલીકો અને પ્લાયવુડ બનાવતી કંપનીઓ નિલગીરીના ઝાડ ખરીદી લે છે. ખાસ કોઇ માવજત વગર અને પાણીની સુવિધા વગર આ ઝાડ ત્રણ વર્ષમાં મોટા થઇ જાય છે.
 
5 રૂપીયાનો છોડ અને 3 રૂપીયાનો રોપણી ખર્ચ
 
દિલુભાઇ ખુમાણ નિલગીરીના છોડ કર્ણાટક અને સુરત પંથકમાંથી લઇ આવ્યા હતાં. માત્ર પાંચ રૂપીયાની નજીવી કિંમતે આ છોડ મળે છે અને ત્રણેક રૂપીયાનો ખર્ચ રોપણી પાછળ આવે છે. આમ આઠ રૂપીયામાં ઝાડ તૈયાર થઇ જાય છે. આજુબાજુના ખેડૂતોને પણ હવે તેમાં રસ પડયો છે.

No comments: