- ક્રાંકચ ગ્રૂપનું કદ બેહદ મોટું થતાં પડશે ભાગલા
- બાબરા પંથકમાં પ્રવેશી વિસ્તાર સર કરી લીધો
Divyabhaskar.com
Nov 23, 2019, 01:15 AM ISTતાજેતરમાં લાઠી, બાબરાના પંચાળ વિસ્તાર અને છેક ચોટીલા સુધી બે સાવજો દેખાયા. તે આ નવી ટેરેટરી શોધવાનો જ એક પ્રયાસ છે. ક્રાંકચ પ્રાઇડની વસતી વધતા વધતા 40ને પાર થઇ છે. સિંહ પરિવારમાં ઝઘડાઓ પણ વધ્યા છે. મારણને લઇને ખેંચતાણો થાય છે. વળી અહીંના પાઠડાઓ હવે પુખ્ત બની રહ્યા છે. જે નવા વિસ્તારમાં પોતાનું ઘર બનાવશે.
બે સાવજ બાબરાના પંચાળ વિસ્તારના કરીયાણા-ખંભાળાની સીમથી લઇ છેક ચોટીલા સુધી ચક્કર મારી આવ્યા
અગાઉ બે સાવજો દામનગરના છેવાડાના ગામો સુધી આંટો મારી આવ્યા હતાં. તો અન્ય બે સાવજ બાબરાના પંચાળ વિસ્તારના કરીયાણા-ખંભાળાની સીમથી લઇ છેક ચોટીલા સુધી ચક્કર મારી આવ્યા છે. અન્ય બે સાવજોએ હાલમાં વડીયા પંથકમાં ધામા નાખ્યા છે. એક વર્ષ પહેલા પણ બાબરા પંથકમાં સાવજોએ નવા ઘરની તલાશ કરી હતી. આવનારા સમયમાં લાઠી, બાબરા અને અમરેલીના ત્રીભેટાના વિસ્તારમાં સાવજોનું નવુ કાયમી રહેઠાણ બનવા જઇ રહ્યુ છે.
2015ના પૂરમાં 13 સાવજનાં મોત થતાં પરિવાર તૂટવાથી બચી ગયો હતો
વર્ષ 2015માં પણ આ ક્રાંકચ પ્રાઇડમાં 40થી વધુ સાવજો થઇ ગયા હતાં. તે સમયે પણ આમાંના કેટલાક સાવજો નવા ઘરની શોધમાં હતાં પરંતુ જૂન 2015ની જળ હોનારતમાં શેત્રુંજી નદી ગાંડીતુર બની કાંઠાઓ પર ફરી વળતા 13 સાવજના તણાઇ જવાથી મોત થયા હતાં. સાવજની સંખ્યા ઘટતા પરિવાર તુટતા બચી ગયો હતો.
ક્રાંકચ ગ્રૂપ ક્યાં સુધી ફેલાયું છે?
ક્રાંકચ પ્રાઇડની ટેરેટરી અમરેલી પંથકમાં છેક ચાંદગઢ અને બાબાપુર સુધી ફેલાયેલી છે. દામનગરના શાખપુર સુધી આ સાવજોની આણ છે. સાવરકુંડલાના ઘોબા અને પીપરડી સુધી આ સાવજોનું ઘર છે.
પરિવાર મોટો થાય એટલે જુદો પડે જ
સિંહનો પરિવાર મોટો થાય એટલે જુદો પડે જ. આમ પણ પરિવારના નર સિંહો મોટા થાય એટલે તેની માતા દૂર ધકેલી દે છે. પરિવારમાં ઝગડાઓ પણ વધે છે. મારણને લઇને ખેંચતાણો થાય છે. સાવજો ક્યારેય ભુલા પડતા નથી. પંચાળમાં પહોંચેલા સાવજો નવુ ઘર શોધી રહ્યા છે.-ભીખુભાઇ બાટાવાળા, લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ
ચોટીલા પંથક પસંદ આવશે તો ડાલામથ્થો ત્યાં રહેઠાણ બનાવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકમાં કેસરી સિંહ મહેમાન બનીને આવ્યા છે. ત્યારે નવા ઇલાકાની શોધ કરતા કરતા તે અહીંયા આવ્યા હોય તેવુ અત્યારે ફોરેસ્ટ માની રહ્યુ છે. હાલ તો આ સાવજો ચોબારી અને રામપરા ગામની સીમમાં લટાર મારી રહ્યા છે. ફોરેસ્ટની નિષ્ણાંત ટીમ તેમની ઉપર નજર રાખીને રાત દિવસ એક કરી રહી છે. જો આ પંથકની જમીન અનુકુળ આવી જશે તો તેના સ્વભાવ મુજબ ડાલામથ્થો આગવી ઓળખ એવી ડણક દઈને ડંકાની ચોટથી જાહેર કરશે કે આ ઇલાકો હવે મારો છે. સિંહને છંછેડવામાં આવે તો જ માનવી પર હુમલો કરતો હોવાની સાથે સિંહ વિશે સમજ આપીને તેનાથી ડરવાની જરૂર નથી. બસ તેની સાથે કેમ રહી શકાય તે શીખવાની જરૂર હોવાનું ફોરેસ્ટની ટીમ માહિતી આપી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓની પણ તપાસ કરાઈ રહી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/the-family-of-40-lions-will-be-separate-rotating-in-search-of-a-new-territory-126111094.html
No comments:
Post a Comment