Saturday, November 30, 2019

પ્રવાસી પાસેથી સિંહણ પસાર થઇને સૌના હાજા ગગડી ગયા

DivyaBhaskar News Network

Nov 29, 2019, 06:55 AM IST
ગિરમાં પરવાનગી લઇને રૂટ પર જતી જીપ્સીઓમાંથી એક સિંહનો નજીકનો વિડીયો વાયરલ થયો છે. જોનારના મનમાં બે ઘડી હવે શું થશે એવી ઇંતેજારી ઉભી કરતા આ વિડીયોમાં કશું વાંધાજનક નથી. પરંતુ ફરી સિંહના વિડીયોના નામે ઉત્તેજના ફેલાવી દીધી છે ખરી. તાજેતરમાંજ એક ગિરના જંગલમાં પરવાનગી લઇને કાયદેસર રીતે જીપ્સીમાં સિંહ દર્શન કરતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ થયો છે. આથી સ્વાભાવિકપણેજ ફરી જોનારના મનમાં ઉત્તેજના ફેલાઇ જાય છે. વિડીયોમાં જોકે, કશું વાંધાજનક નથી. પણ જે રીતે સિંહ જીપ્સીની સાવ નજીક આવી જાય. એ દૃશ્ય જોનારને બે મિનીટ હવે શું થશે ? એવો સવાલ મનમાં ઉભો કર્યા વિના રહે નહીં. આ અંગે સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, વિડીયોમાં કાંઇ વાંધાજનક નથી. અને ઘણી વખતે સિંહો આટલા નજીક આવી જતા હોય છે. દરેક જીપ્સીમાં ગાઇડ હોય જ છે. આથી કોઇ વિકટ પરિસ્થિતી ઉભી થવાનો ભય રહેતો નથી. અત્રે નોંધનીય છે કે, ગિરમાં સિંહને ગેરકાયદેસર રીતે મારણ કરાવતા વિડીયો વાયરલ થયા બાદ વનવિભાગે કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, ત્યારબાદ સમયાંતરે કેટલાક તત્વો જેતે વખતે બનાવેલા વિડીયો સોશિયલ મિડીયામાં વહેતા કરતા રહે છે.

પીપાવાવ પોર્ટમાં સાવજોએ ધોળે દીએ કર્યું પશુનંુ મારણ

રાજુલા પંથકમા સિંહોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પીપાવાવ પોર્ટ હવે સિંહોનુ નિવાસ સ્થાન બન્યુ છે. તે હવે સાબીત થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો વહેતો થયો છે. તેને લઈને રાજુલા વનવિભાગ પણ તપાસ શરૂ કરી છે. આ વિડીયોમા સ્પષ્ટ પણ દેખાય રહ્યું છે પોર્ટની અંદર કન્ટેઇનર યાર્ડ નજીક મુખ્ય ગેટ અંદર સિંહોએ એક પશુનુ મારણ કર્યુ છે. પીપાવાવ પોર્ટના કોઈ પરપ્રાંતીય ઓફિસર આ દ્રશ્ય નીહાળી રહ્યાં છે અને અન્ય મોબાઈલ ધારક દ્વારા આ વિડીયો ઉતાર્યો હોવાનુ સ્પષ્ટ થાય છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા વનવિભાગ હરકતમા આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પીપાવાવ પોર્ટ અંદર અને આસપાસ ઉધોગોમા સિંહણ, સિંહ, સિંહબાળ એમ આખો પરિવાર મોટી માત્રામા વસવાટ કરી રહ્યો છે. ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા કોઈ સુરક્ષા અને તેમની જાળવણી માટે કોઈ પ્રકારની વ્યવસ્થા ઉભી નથી કરી જેને લઈને સિંહ પ્રેમીઓમા પોર્ટ સામે વધુ નારાજગી જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-lion-passed-by-the-traveler-and-all-the-people-were-lost-065539-6049211-NOR.html

No comments: