Divyabhaskar.Com
Jan 10, 2020, 11:10 AM IST
તાલાલા: ગીરના સિંહોની અવરજવર ફક્ત ગીર અને ગીરનાર પૂરતી સિમીત નથી રહી. આજે જ્યાં જ્યાં સિંહોની અવરજવર થાય છે એ વિસ્તારની ઓળખ વનવિભાગ ઘણા વર્ષો પહેલાં ગ્રેટર ગીર તરીકે કરી ચૂક્યું છે. આ વિસ્તારોમાં દર વર્ષની 4 પુનમની રાત્રે સિંહોની ગણતરી થતી જ રહેતી હોય છે. જે મુજબ, આજે રાત્રે પણ વનવિભાગ સિંહોની ગણતરી હાથ ધરશે. સિંહોની સત્તાવાર વસ્તી ગણતરી દર 5 વર્ષે થાય છે. પુનમનાં દિવસે વનવિભાગ દ્વારા કરવામાં આવતી સિંહોની વસ્તી ગણતરીમાં તેના ફોટા કે અન્ય વિગતોનું દસ્તાવેજીકરણ કરવામાં આવતું નથી. 5 વર્ષે યોજાતી ફાઇનલ ગણતરી વખતે જ એ દસ્તાવેજીકરણ કરાય છે.
સાથોસાથ દીપડાનો પણ ડેટાબેઝ તૈયાર કરાશે
જે મુજબ આગામી મે 2020 દરમિયાન સિંહોની ગણતરી હાથ ધરાનાર છે. જો કે, એ પહેલાં પોષ, મહા, ચૈત્ર અને વૈશાખ માસની પુનમે વનવિભાગ વસ્તી ગણતરીનું રીહર્સલ કરી તેની સંખ્યાનો આંતરિક ડેટાબેઝ તૈયાર કરશે. સાથેસાથે દીપડા તેમજ આરક્ષિતની શ્રેણીમાં આવતા બીજા વન્યજીવોનો ડેટા પણ એકત્રિત કરશે. આ પ્રક્રિયા જો કે, વનવિભાગની આંતરિક કામગિરી રહેશે. ફાઇનલ ગણતરી પહેલાં આ પ્રકારે 4 વખત ગણતરી હાથ ધરાશે.
અજવાળું હોવાથી જ પુનમે ગણતરી થાય છે
પૂનમની રાત્રે અજવાળું હોય છે. આથી જંગલમાં નજર લાંબે સુધી પહોંચે. આજ કારણથી વર્ષની દર પુનમે વનવિભાગ દ્વારા સિંહોની ગણતરી કરવામાં આવે છે. - ડિ. ટી. વસાવડા, સીસીએફ, વાઇલ્ડ લાઇફ
ફાયદો શું?
- સિંહનું સતત મોનિટરીંગ થઇ શકે.
- વનવિભાગને ખાતરી થઇ જાય કે, સિંહો બરાબર છે.
- આ રીતે હેલ્થ ચેકઅપ થઇ જાય. જો સિંહનું વર્તન કે હલનચલન બરાબર ન હોય તો તુરંત તેની સારવાર થઇ શકે.
- ફિલ્ડ સ્ટાફ એ રીતે મુવમેન્ટમાં રહે.
- ગૃપની સંખ્યામાં થયેલી વધઘટ તરત નજરે ચઢી જાય
વન્યજીવો માટેના જોખમોની નોંધ લેવાશે
ગણતરી દરમ્યાન ખેતરોમાં લગાડાતા ઇલેક્ટ્રીક ફેન્સીંગ, ખુલ્લા કુવા અને વન્યજીવો માટે જોખમકારક સ્થિતીની નોંધ લેવાશે. પોલીસ, પીજીવીસીએલ, વનવિભાગની ટીમો વન્યજીવોની સુરક્ષા માટે જવાબદારો સામે કાર્યવાહી કરશે. - ગોપાલસિંહ રાઠોડ, રાઉન્ડ ફોરેસ્ટર, તાલાલા રેન્જ
(અહેવાલ-જીતેન્દ્ર માંડવીયા, તાલાલા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/today-will-be-count-lion-in-night-at-gir-forest-126483799.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/today-will-be-count-lion-in-night-at-gir-forest-126483799.html
No comments:
Post a Comment