Friday, March 31, 2017

ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર નેસમાં મહિલાઓ ચુલા પર રસોઇ કરવા મજબુર

Bhaskar News, Amreli | Mar 20, 2017, 03:53 AM IST

ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર નેસમાં મહિલાઓ ચુલા પર રસોઇ કરવા મજબુર,  amreli news in gujarati
ગીર નેસમાં મહિલાઅો પરંપરાગત ચુલા પર રસોઇ કરવા મજબુર
અમરેલી: દેશના પ્રધાનમંત્રી ચુલા પર રસોઇ કરી તેના ધુમાડાથી બિમાર પડતી મહિલાઓની ચિંતા કરી રહ્યાં છે. તે કદાચ જનતાને ગમતી વાત છે. પરંતુ ગીરની મહિલાઓને સરકારની ઉજ્જવલા જેવી યોજનાનો હજુ કોઇ લાભ મળતો નથી. અહીની મહિલાઓ હજુ પણ પરંપરાગત ચુલાઓ પર રસોઇ કરે છે જે સતત ધુમાડો ઓકે છે. અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જિલ્લો છે. ગીરકાંઠે અને જંગલની અંદર હજુ પણ ઇંધણ તરીકે મોટાભાગે લાકડા અને છાણાનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉજ્જવલા યોજનાનો લાભ દેશના અનેક વિસ્તારમા મળી રહ્યો છે. 
 
મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે

જો કે વાસ્તવિક રીતે તમામ મહિલાઓને આ સમસ્યામાથી મુકિત અપાવવી હશે તો સરકારે ગીરની મહિલાઓની પણ ચિંતા કરવી પડશે. ગીરની અંદર જુદાજુદા નેશમા હજુ પણ પરંપરાગત ચુલાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમા વપરાતા ચુલા કરતા અલગ પ્રકારના છે. જેની વધારાની રાખ ચુલાના આગળના ભાગમા જમા થાય છે. ગીરના માલધારીઓને આસપાસના ગામોમાથી કેરોસીન તો મળી રહે છે પરંતુ ગેસના ચુલાઓ હજુ અહી પહોંચ્યા નથી. જેના કારણે અહીની મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે.

કયા કયા નેશમાં ચુલાનો ઉપયોગ?

ગીર જંગલની અંદર આવેલ ખજુરી નેશ, નાના મેઢી નેશ, લેરીયાનેશ, દોઢીનેશ, આંસુદરીનેશ, ભુતડાનો નેશ, સાપનેશ, ગંધારાનો નેશ, રેબડીનેશ, અરબનેશ વિગેરે નેશમા આ પ્રકારનુ ચિત્ર જોવા મળી રહ્યું છે.

અમરેલી: સાવજોને વાડી-ખેતરો ફાવી ગયા, ખેડુતો તેની હાજરીમાં પણ ખેતી કરે છે

Dilip Raval, Amreli | Mar 20, 2017, 00:54 AM IST

અમરેલી: સાવજોને વાડી-ખેતરો ફાવી ગયા, ખેડુતો તેની હાજરીમાં પણ ખેતી કરે છે,  amreli news in gujarati
  • સાવજોની હાજરી હોય ત્યાં નિલગાય અને ભુંડ ભુલમાં પણ ભટકતા નથી.
અમરેલી:દેશના લોકોને મન સાવજો એટલે ગીર જંગલનો રાજા, જંગલનુ પ્રાણી પણ આ વિસ્તારના લોકો સારી પેઠે જાણે છે કે હવે સાવજ એટલે માત્ર જંગલનું પ્રાણી નહી. અમરેલી પંથકમાં બાવળની કાંટ હોય કે દરિયાકાંઠો હોય. હાઇવે હોય કે રાજુલા જાફરાબાદ પંથકના ઉદ્યોગોની ખાણો હોય. સરકારી ખરાબા હોય કે ડુંગર અને કોતર હોય નદી નાળા હોય ગાડા માર્ગો હોય સર્વત્ર તેનું ઘર. આ વિસ્તારમાં વાડી ખેતરોમાં પાક  લહેરાતો હોય કે કોરાકટ્ટ વાડી ખેતર હોય તેના પર સાવજોનો કબજો અચુક જોવા મળશે.
 
ખેડુતો સાવજોની હાજરીમાં ખેતી કરતા થઇ ગયા. દોઢ દાયકા પહેલા એવુ ન હતું
 
અમરેલી પંથકમાં છેલ્લા દોઢ દાયકામાં ખેતી ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું. બીટી બિયારણથી લઇ મગફળી છોડી કપાસ તરફ પ્રયાણ, ગાડાના બદલે ટ્રેકટર અને સનેડો આવી ગયા, આવુ જ એક ચિત્ર બદલાયેલુ એ જોવા મળ્યુ કે અહીં ખેડુતો સાવજોની હાજરીમાં ખેતી કરતા થઇ ગયા. દોઢ દાયકા પહેલા એવુ ન હતું. પરંતુ જેમ જેમ સાવજોની વસતી વધતી ગઇ તેમ તેમ રેવન્યુ વિસ્તારમાં તેનો વ્યાપ વધતો ગયો. અને હવે તો ખુલ્લા વાડી ખેતરો સાવજોને ફાવી ગયા છે.
 
એક શેઢે સીંહનો અડ્ડો હોય અને બીજા શેઢે ખેડુતો 
 
વાડીના એક શેઢે સીંહનો અડ્ડો હોય અને બીજા શેઢે ખેડુતો કામ કરતા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઇ પડ્યા છે. કોઇ કોઇને ખલેલ ન પહોંચાડે તો કાંઇ વાંધો આવતો નથી. ખેડુતો આ વાત સારી રીતે સમજે છે. અને તેથી જ તે સાવજોની હાજરીમાં પણ ખેતી કરી લે છે. સાવજોને હાકલા પડકારા કરી કયારેક દુર પણ ખદેડે છે. પણ એકંદરે ખેડુત અને સાવજ બન્નેને આ સ્થિતિ ફાવી ગઇ છે.


સાવજોના કારણે નિલગાય અને ભુંડ રહે છે દુર
 
જ્યાં સાવજોની હાજરી હોય ત્યાં નિલગાય અને ભુંડ ભુલમાં પણ ભટકતા નથી. સાવજની ગંધ મળ્યા બાદ આ પ્રાણીઓ વાડી ખેતરમાં ઘુસતા ન હોય ખેડુતોના પાકનું આપોઆપ રક્ષણ થાય છે.

હુમલાની ઘટના પણ બને છે
 
કયારેક સિંહ દર્શન માટે અજાણ્યા લોકો પણ ખડુતોના વાડી ખેતરમાં ઘુસી આવે છે. અને કા઼કરીચાળો કરતા જાય છે તેનાથી સાવજો ચીડાય છે. કાંકરીચાળા કરનારાઓ અથવા ખેડુતો પર હુમલાની ઘટનાઓ પણ બનતી રહે છે. આમ છતાં ખેડુતો સાવજોને પ્રેમ કરતા રહે છે.

વંથલી કેશોદ રોડ પર દીપડાનો મૃતદેહ મળતા વનતંત્રમાં દોડધામ

Bhaskar News, Amreli | Mar 17, 2017, 00:54 AM IST

  • વંથલી કેશોદ રોડ પર દીપડાનો મૃતદેહ મળતા વનતંત્રમાં દોડધામ,  amreli news in gujarati
વંથલીઃવંથલી-કેશોદ રોડ પર વંથલીથી 1 કિમી દૂર આજે સવારે 8 વાગ્યે ડીવાઇડરનાં ખાંચામાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ અંગે દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ જે. સી. હીંગરાજીયાએ જણાવ્યું હતું કે, વંથલી-કેશોદ રોડ પર વંથલીથી 1 કિમી દૂર જૂની-નવી સડક સામે આવેલા હાઇવે પર બે રોડ વચ્ચેનાં ડિવાઇડર પાસે સવારે 8 વાગ્યે અહીંથી  પસાર થતા લોકોને દીપડાનો મૃતદેહ જોવા મળ્યો હતો. આથી કોઇ રાહદારીએ વનતંત્રને જાણ કરતાં જૂનાગઢનો  સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતદેહને  પીએમ માટે ખસેડ્યો હતો.

આશરે 1 વર્ષની વયનાં નર દીપડાનું મોત કોઇ વાહનની ઠોકર વાગવાને લીધે થયાનું પ્રાથમિક રીતે મનાઇ રહ્યું છે. પરંતુ ડાબા અંગમાં આંતિરક રીતે ગંભીર ઇજા થઇ છે. આ બનાવ રાત્રિનાં સમયે બન્યો હતો. આથી વનવિભાગે હાઇવે ઓથોરિટી પાસેથી સીસી ટીવી ફૂટેજ મેળવી તેમજ આસપાસનાં લોકોનાં નિવેદનો લઇ દીપડાને ઠોકર મારનાર વાહનને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

ગીરના આ બે સાવજો જ્યાં જાય ત્યાં કરે છે ડખ્ખો, તેમની પાસે જવા કોઇ સિંહ તૈયાર નથી

Bhaskar News, Amreli | Mar 17, 2017, 01:48 AM IST
ગીરના આ બે સાવજો જ્યાં જાય ત્યાં કરે છે ડખ્ખો, તેમની પાસે જવા કોઇ સિંહ તૈયાર નથી,  amreli news in gujarati
  • સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો.
લીલીયા/અમરેલીઃચાંદગઢથી અંટાળીયા સુધી એ બે સાવજો ડખ્ખો કરવા જ આવે છે. બાધવા સિવાય એને કોઇ ધંધો જ નથી. જ્યાં જાય ત્યાં મારામારી અને રમખાણ. ઝગડાખોર સ્વભાવના આ બે સાવજે આ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો છે. એને કોઇની સાથે ભડતુ નથી. આઠ-દસ દિવસ વિતે કે બન્નેને ચાનક ચડે અને બખેડો કરવા પહોંચી જાય આસપાસના વિસ્તારમાં. ગઇકાલે પણ ચાંદગઢના આ સાવજોએ અટાળીયા નજીક ગાગડીયાના પુલ પાસે સ્થાનિક સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો. એ બે સાવજો જ્યાં જાય ત્યાં બીજા સાવજોને હેરાન-પરેશાન કરી નાખે છે.

કારણ કે બન્ને લુચ્ચા, લફંગા અને રેઢીયાર છે. આમ તો ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના સાવજો એક જ પરિવારના છે. પરંતુ આ બન્ને જાણે પરિવારથી નોખા થયા હોય તેમ ચાંદગઢની સીમમાં જઇને રહે છે. પણ આ તુંડ મીજાજી સાવજોને અઠવાડીયુ થાય કે કોઇની સળી કરવાનું મન થાય. બીજા સાવજો સાથે ડખ્ખો કરવા મન ઉલાળા લેવા લાગે અને પછી તો તે કોઇના બાપની સાડીબાર રાખતા નથી. ગઇકાલે પણ મગજનો પારો સાતમા આસમાને પહોંચાડી બન્ને પહોંચી ગયા અંટાળીયા નજીક ગાગડીયા પાસે. અહિં એક ડાલામથ્થા સાથે એવો તે ઝગડો કર્યો કે જોનારાની આંખો ફાટી જાય. બન્નેનું મગજ કઇ જાતનું છે એ તો રામ જાણે પણ દર આઠ-દસ દિવસે આ નજારો અચુક જોવા મળે. બે સાવજો વચ્ચે ડખ્ખાની જાણ થતા વનકર્મીઓ મારતે ઘોડે અહિં પહોંચ્યા. જો કે આ સાવજોને છુટ્ટા પડાવવામાં તેમને પણ નાકે દમ આવી ગયો.

ક્યારેક ક્રાંકચ તો કયારેક બાબાપુર પહોંચે છે
અસામાજીક તત્વો જેવા આ બન્ને સાવજો માત્ર અંટાળીયામાં જ આવુ કરે છે તેવુ નથી. ક્યારેક તે ક્રાંકચ સુધી પહોંચી જાય છે તો ક્યારેક બાબાપુર તરફની વાટ પણ પકડે છે પણ એટલુ ચોક્કસ છે કે જ્યાં જાય ત્યાં પોતાની પાલી ચલાવવા ડખ્ખો અચુક કરે છે.
 
આ સાવજો પાસે જવા કોઇ રાજી નથી
સાવજ બેલડી ક્રાંકચ પંથકમાં આટો મારે તો આ વિસ્તારમાં રહેતા સાવજો તેની સાથે ડખ્ખાના ભયે પોબારા ભણી જાય છે. બે-ચાર દિવસ સુધી સ્થાનિક સાવજો દુર ચાલ્યા જાય છે અને આ બન્નેના ત્યાંથી ગયા બાદ જ પાછા ફરે છે.

આકર્ષણ| એશિયાઇ સિંહનો વિદેશમાં વસવાટ: વિદેશીઓએ નેસ બનાવી સોરઠનો પ્રદેશ ઉભો કર્યો, લંડનમાં 2000 રૂપિયા સુધીની ટિકીટ

DivyaBhaskar News Network | Mar 13, 2017, 03:45 AM IST

  • આકર્ષણ| એશિયાઇ સિંહનો વિદેશમાં વસવાટ: વિદેશીઓએ નેસ બનાવી સોરઠનો પ્રદેશ ઉભો કર્યો, લંડનમાં 2000 રૂપિયા સુધીની ટિકીટ,  amreli news in gujarati
ગીરનાંસિંહોનું સંવર્ધન લંડનનાં પ્રાણી સંગ્રહાલય ખાતે થાય છે. ઝુ લોજીકલ સોસાયટી ઓફ લંડન નામની સંસ્થાએ લંડનમાં સોરઠ જેવો માહોલ ઉભો કરી નેસ બનાવ્યો છે. જ્યાં વિદેશીઓ 2000 રૂપિયા સુધીની ટિકીટ ચૂકવી સિંહને જૂએ છે.

ગુજરાત રાજ્યનાં ગીર વિસ્તારમાં સિંહની છેલ્લી વસતી ગણતરી મુજબ 523 સિંહોનો વસવાટ છે. વિસ્તારમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતનાં વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય તરીકે સુરક્ષિત કરાયો છે. 2011ની સાલમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને ઝુ લોજીકલ સોસાયટી ઓફ લંડન નામની સંસ્થાએ સિંહનાં સંવર્ધન માટે લંડનમાં સિંહને મોકલ્યા છે. ઝુ લોજીકલ સોસાયટીએ લંડનમાં પ્રાણી સંગ્રહાલયમાં 2016ની સાલમાં સિંહનું ઘર ખુલ્લુ મુક્યું છે. સંસ્થાએ સિંહનાં આવાસની માહિતી મેળવી નેસ ઉભો કર્યો છે. જ્યાં સહેલાણીઓ 2000 સુધીની ટિકીટનું ચુકવણું કરે છે. જ્યારે જૂનાગઢ સક્કરબાગમાં 20 રૂપિયાનું ચૂકવણું કરે છે.

ઝુ ખાતે ચાર સિંહનું આકર્ષણ

ગીરનાં એશિયાટીક સિંહ લંડનમાં બન્યા આવકનું સાધન

^ ભાનુ: 2010નાંજર્મનીનાં મેલબર્ગ ઝુ ખાતે ભાનુનો જન્મ થયો છે. તેમનું હિન્દીમાં નામકરણ કરાયું છે. હાલ લંડનનાં ઝુ ખાતે તેની કેશવાળીથી આકર્ષણ જમાવે છે.

^રૂબી:લડનનાંઝુ ખાતે 2009ની સાલમાં જન્મ થયો છે. રૂબીનાં સ્વભાવને કારણે પ્રવાસીઓ તેને નિહાળે છે. તેનો મનપસંદ ખોરાક સસલું અને ઘોડો છે.

^હેઇદી:2011નીસાલમાં લંડનનાં ઝુ ખાતે હેઇદીનો જન્મ થયો છે. તેની બહેન ઇન્ડો નામની સિંહણ સાથે મજામસ્તીમાં જોવા મળે છે.

^ઇન્ડો: ઇન્ડોહેઇદીની બહેન છે. તેનો જન્મ લંડનનાં ઝુ ખાતે થયો છે. તે ચુગલીખોર છે અને હેઇદી સાથે લડાઇ કરતી જોઇ શકાય છે.

સાવરકુંડલામાં સિંહબાળ કુવામાં ખાબક્યું, વનવિભાગની રેસ્કયુ ટીમ સાથે દોડધામ

Jaydev Varu, Amreli | Mar 11, 2017, 08:48 AM IST

  • આદસંગ ગામમાં સિંહબાળ કુવામાં ખાબકયું
અમરેલી:અમરેલી જિલ્લામા સાવજો પર જાણે ઘાત બેઠી હોય તેમ એક પછી એક સાવજો સાથેની દુઘર્ટના બની રહી છે હવે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે એક સિંહબાળ કુવામા ખાબકતા વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ આ સિંહબાળને બચાવી લેવા દોડધામ હાથ ધરી છે.

આદસંગ ગામે સિંહબાળ કુવામાં ખાબકયું

અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા ખુલ્લા કુવાઓ આમપણ સાવજો માટે મોતનુ કારણ બની રહ્યાં છે. અવારનવાર સાવજો કુવામા ખાબકવાની ઘટના બનતી રહે છે. કેટલાક કિસ્સામા સાવજોને બચાવી શકાય છે તો કયારેક સાવજોના મોતની ઘટનાઓ પણ બને છે. આજે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામની સીમમા એક સિંહબાળ કુવામા ખાબકયાની ઘટના બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર એક ખેડૂતની વાડીમા આજે સાંજના સમયે સિંહબાળ કુવામા ખાબકયુ હોવાની વનવિભાગને જાણ થઇ હતી.

સિંહબાળને બચાવી લેવા ઓપરેશન હાથ ધર્યુ

સ્થાનિક વન અધિકારી, કર્મચારીઓ રેસ્કયુ ટીમને લઇને ઘટના સ્થળે દોડી ગયા હતા અને કુવામા દોરડા વડે ખાટલો ઉતારી સિંહબાળને બચાવી લેવા ઓપરેશન હાથ ધર્યુ હતુ. ખેડૂત દ્વારા તેની વાડીમા કપાસનુ વાવેતર કરાયુ છે. અહી ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. કાંઠા વગરના આ કુવામા પાણી પણ ભરેલુ હતુ. વનવિભાગને રેસ્કયુ ઓપરેશનમા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

બોરડીમાં વનકર્મીની હત્યા કરનારને કડક સજા કરો

DivyaBhaskar News Network | Mar 12, 2017, 03:35 AM IST
રાજ્યપાલને રજુઆત કરવામાં આવી

ગીરપુર્વ વિભાગની દલખાણીયા રેંજના બોરડી ગામે તાજેતરમા વનકર્મીની હત્યા કરવામાં આવી હતી. અહી ગેરકાયદે સિંહદર્શન કરનારાને અટકાવવા જતા તેમણે ઘાતકી હથિયારે વડે ટ્રેકરની હત્યા કરી નાખી હતી. ત્યારે અંગે લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રાજયપાલને વેદનાપત્ર પાઠવી હત્યારાઓની તાકિદે ધરપકડ કરી કડક સજા ફટકારવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા રાજયપાલને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે દલખાણીયા રેન્જના બોરડી ગામે ગેરકાયદેસર સિંહદર્શન કરનારાને સિંહ દર્શન કરવા દેતા ગીર પુર્વે વન વિભાગના ઝાંબાજ ટ્રેકરગાર્ડ ઉપર જીવલેણ હથીયારોથી સમુહમાં હુમલો કરી જંગબાજ યુવાન ધર્મેશભાઇ વાળાને મોતને ઘાટ ઉતારી દેતા વન અને વન્યપ્રાણી અસુરક્ષીત બનવા સાથે મૃતક પરિવારના યુવાનના મોતથી સ્વ.વાળાના પરિવારજનો ઉપર આભ ફાટયું છે. ગીર પુર્વ વન વિભાગના દલખાણીયા રેન્જમાં બોરડી ગેઇટ ઉપર ફરજ દરમીયાન વન અને વન્ય પ્રાણી માટે પોતાના જીવનની આહુતી આપનારા જંગબાજ ટ્રેકરગાર્ડ ધર્મેન્દ્રભાઇ વાળાના પરિવારજનોને રૂ.10 દસ લાખ અર્પણ કરવા તેમજ મૃતકના પરિવારજનો પૈકી એકને વન વિભાગમાં કાયમી નોકરી આપવા તેમજ વન વિભાગમાં વન્યપ્રાણી અને વનની સુરક્ષા અર્થે ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાને પોતાની ફરજ સમજી ગેરકાયદેસર સિંહ દર્શન કરવા દેતા ગેરકાયદેસર સિહદર્શન કરનારાઓએ જીવલેણ હથીયારોથી ધર્મેન્દ્રભાઇ વાળા ઉપર હુમલો કરી હત્યા કરનારા તમામની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.