Friday, March 31, 2017

અમરેલી: સાવજોને વાડી-ખેતરો ફાવી ગયા, ખેડુતો તેની હાજરીમાં પણ ખેતી કરે છે

Dilip Raval, Amreli | Mar 20, 2017, 00:54 AM IST

અમરેલી: સાવજોને વાડી-ખેતરો ફાવી ગયા, ખેડુતો તેની હાજરીમાં પણ ખેતી કરે છે,  amreli news in gujarati
  • સાવજોની હાજરી હોય ત્યાં નિલગાય અને ભુંડ ભુલમાં પણ ભટકતા નથી.
અમરેલી:દેશના લોકોને મન સાવજો એટલે ગીર જંગલનો રાજા, જંગલનુ પ્રાણી પણ આ વિસ્તારના લોકો સારી પેઠે જાણે છે કે હવે સાવજ એટલે માત્ર જંગલનું પ્રાણી નહી. અમરેલી પંથકમાં બાવળની કાંટ હોય કે દરિયાકાંઠો હોય. હાઇવે હોય કે રાજુલા જાફરાબાદ પંથકના ઉદ્યોગોની ખાણો હોય. સરકારી ખરાબા હોય કે ડુંગર અને કોતર હોય નદી નાળા હોય ગાડા માર્ગો હોય સર્વત્ર તેનું ઘર. આ વિસ્તારમાં વાડી ખેતરોમાં પાક  લહેરાતો હોય કે કોરાકટ્ટ વાડી ખેતર હોય તેના પર સાવજોનો કબજો અચુક જોવા મળશે.
 
ખેડુતો સાવજોની હાજરીમાં ખેતી કરતા થઇ ગયા. દોઢ દાયકા પહેલા એવુ ન હતું
 
અમરેલી પંથકમાં છેલ્લા દોઢ દાયકામાં ખેતી ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું. બીટી બિયારણથી લઇ મગફળી છોડી કપાસ તરફ પ્રયાણ, ગાડાના બદલે ટ્રેકટર અને સનેડો આવી ગયા, આવુ જ એક ચિત્ર બદલાયેલુ એ જોવા મળ્યુ કે અહીં ખેડુતો સાવજોની હાજરીમાં ખેતી કરતા થઇ ગયા. દોઢ દાયકા પહેલા એવુ ન હતું. પરંતુ જેમ જેમ સાવજોની વસતી વધતી ગઇ તેમ તેમ રેવન્યુ વિસ્તારમાં તેનો વ્યાપ વધતો ગયો. અને હવે તો ખુલ્લા વાડી ખેતરો સાવજોને ફાવી ગયા છે.
 
એક શેઢે સીંહનો અડ્ડો હોય અને બીજા શેઢે ખેડુતો 
 
વાડીના એક શેઢે સીંહનો અડ્ડો હોય અને બીજા શેઢે ખેડુતો કામ કરતા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઇ પડ્યા છે. કોઇ કોઇને ખલેલ ન પહોંચાડે તો કાંઇ વાંધો આવતો નથી. ખેડુતો આ વાત સારી રીતે સમજે છે. અને તેથી જ તે સાવજોની હાજરીમાં પણ ખેતી કરી લે છે. સાવજોને હાકલા પડકારા કરી કયારેક દુર પણ ખદેડે છે. પણ એકંદરે ખેડુત અને સાવજ બન્નેને આ સ્થિતિ ફાવી ગઇ છે.


સાવજોના કારણે નિલગાય અને ભુંડ રહે છે દુર
 
જ્યાં સાવજોની હાજરી હોય ત્યાં નિલગાય અને ભુંડ ભુલમાં પણ ભટકતા નથી. સાવજની ગંધ મળ્યા બાદ આ પ્રાણીઓ વાડી ખેતરમાં ઘુસતા ન હોય ખેડુતોના પાકનું આપોઆપ રક્ષણ થાય છે.

હુમલાની ઘટના પણ બને છે
 
કયારેક સિંહ દર્શન માટે અજાણ્યા લોકો પણ ખડુતોના વાડી ખેતરમાં ઘુસી આવે છે. અને કા઼કરીચાળો કરતા જાય છે તેનાથી સાવજો ચીડાય છે. કાંકરીચાળા કરનારાઓ અથવા ખેડુતો પર હુમલાની ઘટનાઓ પણ બનતી રહે છે. આમ છતાં ખેડુતો સાવજોને પ્રેમ કરતા રહે છે.

No comments: