Friday, March 31, 2017

ગીરના આ બે સાવજો જ્યાં જાય ત્યાં કરે છે ડખ્ખો, તેમની પાસે જવા કોઇ સિંહ તૈયાર નથી

Bhaskar News, Amreli | Mar 17, 2017, 01:48 AM IST
ગીરના આ બે સાવજો જ્યાં જાય ત્યાં કરે છે ડખ્ખો, તેમની પાસે જવા કોઇ સિંહ તૈયાર નથી,  amreli news in gujarati
  • સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો.
લીલીયા/અમરેલીઃચાંદગઢથી અંટાળીયા સુધી એ બે સાવજો ડખ્ખો કરવા જ આવે છે. બાધવા સિવાય એને કોઇ ધંધો જ નથી. જ્યાં જાય ત્યાં મારામારી અને રમખાણ. ઝગડાખોર સ્વભાવના આ બે સાવજે આ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો છે. એને કોઇની સાથે ભડતુ નથી. આઠ-દસ દિવસ વિતે કે બન્નેને ચાનક ચડે અને બખેડો કરવા પહોંચી જાય આસપાસના વિસ્તારમાં. ગઇકાલે પણ ચાંદગઢના આ સાવજોએ અટાળીયા નજીક ગાગડીયાના પુલ પાસે સ્થાનિક સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો. એ બે સાવજો જ્યાં જાય ત્યાં બીજા સાવજોને હેરાન-પરેશાન કરી નાખે છે.

કારણ કે બન્ને લુચ્ચા, લફંગા અને રેઢીયાર છે. આમ તો ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના સાવજો એક જ પરિવારના છે. પરંતુ આ બન્ને જાણે પરિવારથી નોખા થયા હોય તેમ ચાંદગઢની સીમમાં જઇને રહે છે. પણ આ તુંડ મીજાજી સાવજોને અઠવાડીયુ થાય કે કોઇની સળી કરવાનું મન થાય. બીજા સાવજો સાથે ડખ્ખો કરવા મન ઉલાળા લેવા લાગે અને પછી તો તે કોઇના બાપની સાડીબાર રાખતા નથી. ગઇકાલે પણ મગજનો પારો સાતમા આસમાને પહોંચાડી બન્ને પહોંચી ગયા અંટાળીયા નજીક ગાગડીયા પાસે. અહિં એક ડાલામથ્થા સાથે એવો તે ઝગડો કર્યો કે જોનારાની આંખો ફાટી જાય. બન્નેનું મગજ કઇ જાતનું છે એ તો રામ જાણે પણ દર આઠ-દસ દિવસે આ નજારો અચુક જોવા મળે. બે સાવજો વચ્ચે ડખ્ખાની જાણ થતા વનકર્મીઓ મારતે ઘોડે અહિં પહોંચ્યા. જો કે આ સાવજોને છુટ્ટા પડાવવામાં તેમને પણ નાકે દમ આવી ગયો.

ક્યારેક ક્રાંકચ તો કયારેક બાબાપુર પહોંચે છે
અસામાજીક તત્વો જેવા આ બન્ને સાવજો માત્ર અંટાળીયામાં જ આવુ કરે છે તેવુ નથી. ક્યારેક તે ક્રાંકચ સુધી પહોંચી જાય છે તો ક્યારેક બાબાપુર તરફની વાટ પણ પકડે છે પણ એટલુ ચોક્કસ છે કે જ્યાં જાય ત્યાં પોતાની પાલી ચલાવવા ડખ્ખો અચુક કરે છે.
 
આ સાવજો પાસે જવા કોઇ રાજી નથી
સાવજ બેલડી ક્રાંકચ પંથકમાં આટો મારે તો આ વિસ્તારમાં રહેતા સાવજો તેની સાથે ડખ્ખાના ભયે પોબારા ભણી જાય છે. બે-ચાર દિવસ સુધી સ્થાનિક સાવજો દુર ચાલ્યા જાય છે અને આ બન્નેના ત્યાંથી ગયા બાદ જ પાછા ફરે છે.

No comments: