Tuesday, June 19, 2012

ગિરનારની સીડી અને પરિક્રમા રૂટ રૂ.૬૯.૩૩ લાખના ખર્ચે રિપેર કરાશે.


જૂનાગઢ, તા.૧૭
વર્ષ દરમિયાન જ્યાં લાખ્ખો યાત્રિકો આવે છે તેવા ગરવા ગિરનારની સીડી અને પરિક્રમા માર્ગને રિપેર કરવા માટે સરકાર દ્વારા રૂ.૬૯.૩૩ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. ગિરનાર યાત્રાધામના વિકાસ માટે લાંબા સમયથી સાધુ-સંતો દ્વારા કરવામાં આવી રહેલી માગણીઓના પ્રતિભાવ રૂપે આ રકમ ફાળવવામાં આવી છે. જેમાંથી ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
  • જરૂરિયાત અંગેની ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે
  • સાધુ-સંતોની માગણીને ધ્યાને લઈ રકમ ફાળવાઈ
ગિરનાર ઉપર દેશભરમાંથી લાખ્ખો યાત્રિકો આખા વર્ષ દરમિયાન આવતા રહે છે. આ ઉપરાંત કારતક મહિનામાં યોજાતી પરિક્રમામાં પણ લાખ્ખો યાત્રિકો ઉમટી પડે છે. વરસાદના કારણે અને આખુ વર્ષ પડયા રહેતા પરિક્રમા માર્ગને રિપેરીંગની જરૂર હોય છે. જેના માટે સાધુ-સંતો અને ભાવિકો દ્વારા અનેક વખત રજૂઆતો તથા માગણીઓ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટર મનિષ ભારદ્વાજ દ્વારા આ કામગીરી અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. જેના પગલે ગિરનાર પરિક્રમા રૂટની કામગીરી માટે રૂ.૪૪.૩૩ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ગિરનારની સીડી રિપેરીંગ માટે રૂ.રપ લાખની રકમ ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પરામર્શ તથા ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ કલેક્ટર દ્વારા આ રકમ ફાળવવામાં આવશે. નજીકના સમયમાં જ આ કાર્યવાહી હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા યાત્રાધામના વિકાસ માટે રકમ ફાળવવામાં આવતા ભાવિકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

No comments: