Bhaskar News, Khmbha
| Dec 06, 2013, 03:40AM IST
- શિકારને જડબામાં લઈને ઝાડ પર ચડી જતો દીપડો શેઢાડી સામે માર્યો ગયો- જીવ સટોસટના જંગમાં શેઢાડીનું અણીદાર પીંછું છેક હૃદયમાં ઘૂસી ગયું
- શાહુડીનો શિકાર કરવા જતા ખૂંખાર દીપડો શિકાર થઈ ગયો
દીપડાની શક્તિ અમર્યાદ હોય છે. ગાય કે હરણ જેવા વજનદાર પ્રાણીનો શિકાર કર્યા બાદ તેને જડબાથી પકડી વૃક્ષ ઉપર ચડી જતો દીપડો ગમે તેવો ખૂંખાર હોય તો પણ કયારેક નાના પ્રાણીઓ સામે પણ પરાજયનો સ્વાદ ખમવો પડે છે. એટલું જ નહીં ખાંભાના માલકનેસની સીમમાં તો શેઢાડીનો શિકાર કરવા તત્પર બનેલા એક દીપડાનું એ જંગમાં મૃત્યુ પણ નિપજયું હતું.
ખાંભાના માલકનેસની સીમમાં શિકારની શોધમાં નિકળેલા દિપડાએ શેઢાડી સાથે બાથ તો ભીડી પરંતુ ખોરાકને બદલે દિપડાને મોત મળ્યુ. શેઢાડીનું પીછુ દિપડાના શરીરમાં ઘુસી હ્દયમાં પેસી જતા તેનો જીવ નિકળી ગયો. કુદરતે શિકારી પ્રાણીઓ બનાવ્યા તો તેની સામે શિકારને બચવા માટે પણ જાતજાતના હથીયારો આપ્યા.
શેઢાડીના શરીર પર શિકારી પ્રાણીઓથી બચવા માટે ધારદાર મજબુત પીછાઓ ઉગી નિકળે છે. આ પીછાઓએ જ ખાંભાના માલકનેસની સીમમાં એક દિપડાનો ભોગ લઇ લીધો. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર તુલશીશ્યામ રેન્જની રબારીકા બીટમાં ભીમભાઇ દેવાયતભાઇની બીડમાં આ ઘટના બની હતી.
શિકારની શોધમાં નિકળેલા એક દિપડાની નઝરે શેઢાડી ચડતા જ શિકાર પર તેણે તરાપ મારી હતી. જો કે શેઢાડીનો શિકાર કરવાના પ્રયાસમાં તેનું એક પીંછુ દિપડાની છાતીમાં ઘુસી ગયુ હતું. જેને પગલે દિપડાનું તરફડીને ઘટના સ્થળે જ મોત થયુ હતું. ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે આરએફઓ એન.બી. પરડવા, સ્ટાફના ડી.બી. વાળા, પરમારભાઇ, અમીત ઠાકર, વેટરનરી ડો. હિતેષ વામજા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.અને ખાંભા ખાતે દિપડીનું પોસ્ટ ર્મોટમ કર્યુ હતું.ખૂંખાર દીપડાનું હદય વીંધાઈ ગયું
દિપડાની છાતીમાં શેઢાડીનું પીછુ ખુપી જતા તેણે શેઢાડીને પડતી મુકી દીધી હતી અને બાદમાં આ પીંછુ કાઢવા માટે દિપડાએ ધમપછાડા કરતા પીંછુ વધુ ઉંડે સુધી છાતીમાં ખુપ્યુ હતું. આ પીંછાએ દિપડાના હદયની દિવાલ તોડી નાખતા તેનું તરફડીને મોત થયુ હતું.
No comments:
Post a Comment