Bhaskar News, Vanthali
| Nov 29, 2013, 23:42PM IST
- સાંતલપુરની ગારીમાં વાડીએ પાડરડાનો શિકાર કર્યો હતો
વંથલીનાં સાંતલપુરની ગારીમાં આવેલી વાડીમાં ગતરાત્રિનાં દીપડાએ ભેંસનાં બચ્ચાનો શિકાર કર્યા બાદ આજે પરોઢીયે અધુરૂ મારણ ખાવા આવતાં ઓરડીમાં પુરાઇ ગયો હતો. ત્યારબાદ વનવિભાગે તેને બેભાન કરી પાંજરામાં કેદ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વંથલીનાં સાંતલપુરની ગારી પાસે ઉબેણ નદીનાં કાંઠે સ્મશાનની પાછળ અનવરભાઇ મહંમદભાઇ બડુની વાડી આવેલી છે. ગત રાત્રિનાં અરસામાં આ વાડીમાં દીપડાએ આવી ચઢી ઓરડીમાં રહેલા ભેંસનાં બચ્ચાનો શિકાર કરી મારણની મિજબાની માણી હતી. આ બનાવનાં પગલે વન વિભાગનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ જરૂરી રોજકામ પણ કર્યુ હતું. જોકે દીપડો અધુરૂ મારણ મુકી ચાલ્યો ગયો હતો. આ અધુરૂ મારણ ખાવા દીપડો પરોઢીયે પરત ઓરડીમાં પહોંચી ગયો હતો.
દરમિયાન વહેલી સવારનાં અનવરભાઇ ભેંસોને દોહવા માટે વાડીએ જતાં ઓરડીમાં લાઇટ જેવો પ્રકાશ જોતા અને નરી આંખે નિહાળતાં દીપડો હોવાનો ખ્યાલ આવતાં તાત્કાલીક ઓરડીનું બારણું વાસી દઇ સાંકળ મારી દીધી હતી અને ઘરે પહોંચી વન વિભાગને જાણ કરતાં ખાન, મકવાણા સહિતનો સ્ટાફ ૧૧ વાગ્યે સ્થળ પર દોડી ગયેલ અને દોઢ કલાકની જહેમતથી રેસ્કયુ ઓપરેશન કરી દીપડાને ટ્રાન્કવીલાઇઝરથી બેભાન કરી પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. વંથલી પંથકમાં ત્રણેક જેટલા દીપડા હોય અને સીમ વિસ્તારમાં અવર જવર કરતા રહેતા હોવાથી ખેડૂતો સવારે વાડીએ જતાં ડર અનુભવી રહયાં છે. ત્યારે વન વિભાગે લોકેશન મેળવી તેને પાંજરે પુરવા કાર્યવાહી થાય એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.
No comments:
Post a Comment