Bhaskar News, Talala
| Nov 30, 2013, 01:20AM IST
- નિદ્રાધીન ભાઇના માથામાં પંજો મારી પાંચ વર્ષની માસૂમને ઉપાડી ગયો-તાલાલાના સુરવામાં દીપડાએ માસૂમ બાળકીને ફાડી ખાધી
તાલાલાનાં સુરવા ગામે દીપડાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.તાલાલાનાં સુરવા(ગીર) ગામે હડમતીયા રોડ પર ધીરૂભાઇ ભીમજીભાઇ ચોવટીયાનાં ખેતરમાં શેરડીમાંથી ગોળ બનાવવા રાબડો શરૂ કરવામાં આવ્યો હોવાથી મધ્યપ્રદેશનાં અલીરાજપુત જિલ્લાનાં ચોકી ગામથી ૨૦ જેટલા શ્રમિકોનો સમુહ આવેલ છે.
ગતરાત્રિનાં ખેતરમાં બનાવેલા કાચા ઝુંપડામાં સુતા હતા ત્યારે મધરાતે ચાર વાગ્યાની આસપાસ દીપડો અહીંયા આવી ચઢેલ અને પ્રતાપભાઇ કલછાની પાંચ વર્ષની પુત્રી રેખાને નિંદ્રાધીન અવસ્થામાંજ મોઢામાં દબોચી ઉપાડી જવા લાગતાં બહેનની ચીસથી બાજુમાં જ સુતેલો તેનો ભાઇ હીરૂ (ઉ.વ.૧૮) જાગી જતાં દીપડાએ તેના માથા પર તીક્ષ્ણ ન્હોરવાળો પંજો મારી ઘાયલ કરી દીધો હતો અને બાળકીને ઉપાડી નજીકનાં શેરડીનાં વાડમાં નાસી છુટેલ.
આ ઘટનાને પગલે પરપ્રાંતિય શ્રમિકોમાં ભારે રોક્કળ સાથે દેકારો બોલી ગયેલ. આ બનાવને પગલે વાડી માલીક ધીરૂભાઇએ દોડી આવી વિગતો જાણી તાલાલા રેન્જ કચેરીને જાણ કરતાં એસીએફ કંડોરીયા, આરએફઓ બી.કે. પરમાર કાફલા સાથે દોડી ગયેલ. તપાસમાં નજીકમાંજ આવેલ રસીકભાઇ વલ્લભભાઇ નસીતની વાડીનાં શેરડીના પાકમાંથી માસુમ બાળાનો મોઢુ અને ખંભો ખવાઇ ગયેલ અર્ધમૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવાર ભાંગી પડયો હતો. દીપડાથી ઘાયલ યુવાનને પ્રથમ તાલાલા અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયો હતો.
પહેલા જવાબદારી નક્કી કરો પછી જ મૃતદેહનો કબજો
દીપડાથી મોતને ભેટેલી બાળાનાં મૃતદેહનો વનવિભાગ કબજો લેવાની તૈયારી કરતું હતું ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ અધિકારીઓને અટકાવી પહેલા જવાબદારી નક્કી કરો કે અમારી માલિકીનાં ખેતરમાં વન્યપ્રાણી હૂમલા કરે તો તેની જવાબદારી કોની ? આ ઉપરાંત ખેતરમાં પાંજરા મુકવામાં પાકને નુકસાન પણ થાય છે. આ મુદ્દે ઘર્ષણ વધવા લાગતાં આંકોલવાડી ઓપીનાં જમાદાર અમરસિંહભાઇ રાઠોડ અને કિસાન સંઘનાં પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ ખેડૂતોને સમજાવ્યા બાદ પીએમ માટે મૃતદેહને લઇ જવા દીધો હતો.બાળકને ફાડી ખાવાની આ પાંચમી ઘટના
તાલાલા પંથકમાં એક વર્ષ દરમિયાન ભોજદે, ગુંદરણ, ચીત્રોડ, સાસણ અને હવે સુરવામાં માસુમને દીપડાએ ફાડી ખાધાની આ પાંચમી ઘટના ઘટી છે. સુરવા, હડમતીયા, આંકોલવાડી, માધુપુર, જશાપુર સહિતનાં ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી સિંહ - દીપડા જેવા વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે.
આદમખોરને કરાયો પાંજરામાં કેદ
આ બનાવને પગલે વન વિભાગે પાંજરા ગોઠવી દેતાં શેરડીની વાડમાં છુપાયેલો આ માનવભક્ષી દીપડો મારણની લાલચે ફરી આવી ચઢી પાંજરામાં કેદ થઇ જતાં ખેડૂતો, શ્રમિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
No comments:
Post a Comment