Saturday, December 7, 2013

અમરેલી: સરકારી ચોપડે પરપ્રાંતિયનો હિ‌સાબ જ નથી.

અમરેલી: સરકારી ચોપડે પરપ્રાંતિયનો હિ‌સાબ જ નથી
Bhaksar News, Amreli | Dec 07, 2013, 01:18AM IST
- તંત્ર જાગે : ગીરકાંઠાના ગામોમાં વસતા પરપ્રાંતિયો દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર ?
- લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા પગલા લેવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત: તત્કાળ પગલાં લેવા માંગ


ભુતકાળમાં પરપ્રાંતિય શિકારી ગેંગે ગુજરાતની શાન સમા સાવજોનો શિકાર કરી હાહાકાર મચાવ્યો હતો. ત્યારબાદ પણ વહીવટીતંત્ર જાગ્યુ ન હોય તેવી સ્થિતિ છે. હાલમાં ખાંભા-ધારી પંથકમાં ધાવડીયા પરપ્રાંતિય મજુરોના ધાડેધાડા ઉતર્યા છે. લાયન નેચર ફાઉન્ડેશને આજે મુખ્ય વન સંરક્ષક અને જીલ્લા પોલીસ વડાને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે આ પરપ્રાંતિય શખ્સો દ્વારા સસલા, મોર, હોલા, તેતર જેવા જીવોનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડે અહિં આવતા પરપ્રાંતિયોનો કોઇ હિ‌સાબ નથી.

તે અંગે તાત્કાલીક પગલા લેવાવા જોઇએ.લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને અમરેલી જીલ્લા પોલીસ વડાને આજે આ બારામાં રજુઆત કરી હતી. તેમણે કરેલી રજુઆતમાં જણાવાયુ હતું કે ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા થવી ખુબ જ જરૂરી છે. આ વિસ્તારમાં હાલમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો આવીને વસ્યા છે. ખાંભા તથા ધારી તાલુકાના ગામડાઓમાં ગીર કાંઠાના વિસ્તારમાં સરકારી કામોમાં તથા વાડી-ખેતરોમાં ખેતીકામમાં આ પરપ્રાંતિય લોકો રોકાયેલા છે. તેઓ અહિં ક્યારે આવે છે અને જાય છે તેની દરકાર રાખનારૂ કોઇ નથી.

ગીર કાંઠાના ગામડાઓમાં વસતા કેટલાક પરપ્રાંતિય માંસાહારના શોખીન હોય તેતર, હોલા, મોર, સસલા, રોઝ અને સુરવ સહિ‌તના પ્રાણીઓનો ખુલ્લેઆમ શિકાર કરવામાં આવી રહ્યો છે. ભુતકાળમાં ગીરના અમુલ્ય સાવજોની પરપ્રાંતિય શખ્સોએ હત્યા કરી હતી. હાલમાં પણ આ વિસ્તારમાં ગેરકાયદે શિકારની પ્રવૃતિ ખુબ મોટા પ્રમાણમાં ફુલીફાલી છે. તેમણે એવી માંગ ઉઠાવી છે કે ગેરકાયદે શિકારની પ્રવૃતિ કરનારા આવા તત્વો સામે તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવે. વળી પરપ્રાંતિય મજુરોને કામે રાખવા છતાં વહીવટીતંત્રને જાણ કર્યા વગર આશરો આપનારા સામે પણ પગલા લેવાવા જોઇએ.

માંસભક્ષીઓને ગીરકાંઠામાંથી ખદેડી મૂકો
ભીખુભાઇ બાટાવાળાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ગીર કાંઠામાં આ પરપ્રાંતિય શખ્સોના વસવાટના કારણે વન્ય પ્રાણીઓ સલામત નથી. જેથી વહેલામાં વહેલી તકે નામ-ઠામ કે ઓળખ વગર રહેતા આ પરપ્રાંતિયોને ગીરકાંઠાના વિસ્તારમાંથી ખદેડી મુકવા જોઇએ.

No comments: