Friday, February 28, 2014

ધારી: રાજસ્થળીના જંગલમાં લાગ્યો દવ.

ધારી: રાજસ્થળીના જંગલમાં લાગ્યો દવ
Bhaskar News, Dhari | Feb 10, 2014, 00:59AM IST
-આગના કારણે ડુંગરાઓમાં દસેક એકરમાં ઘાસ બળીને રાખ થયું
-
દોડધામ : ગીર પૂર્વની તુલસી શ્યામ રેંજમાં બપોરના સમયે બનેલી ઘટના : કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં

ગીર જંગલમાં ચાલુ સાલે બીજી વખત દવની ઘટના આજે બનવા પામી હતી. ગીરપુર્વની તુલશીશ્યામ રેન્જમાં આજે રાજસ્થળી બીટમાં બપોરના સમયે કોઇ રીતે ડુંગરાળ વિસ્તારમાં આગની શરૂઆત થઇ હતી જો કે વન વિભાગે સમયસર જાણ થઇ જતા દવને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતાં. અને ચાર કલાકની મહેનત બાદ દવ કાબુમાં આવ્યો હતો. આગના કારણે ડુંગરાઓમાં દસેક એકરમાં ઘાસ બળીને રાખ થઇ ગયું હતું.
ગીર જંગલમાં જયારે ઝાડપાન અને વેલા તથા ઘાસ સુકાવા લાગે ત્યારે દવની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ દવ અનેક કારણોસર લાગી શકે છે. પ્રકૃતિના કારણો પણ જવાબદાર હોય છે. અને કયારેક માનવીય ભુલથી પણ દવ લાગી જતો હોય છે. કયારે ખુદ વન કર્મચારીઓની બેદરકારીથી પણ દવની ઘટના બને છે. આવી ઘટના લગભગ દર વર્ષે બને છે. ચાલુ સાલે અત્યાર સુધીમાં દવની બીજી ઘટના આજે બની હતી.વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરે ગીર પુર્વની તુલશીશ્યામ રેન્જમાં ટીંબરવા રાઉન્ડમાં આવેલ રાજસ્થળી બીટમાં વન વિભાગની જમીનમાં અચાનક કોઇ રીતે આગ લાગી હતી. રાજસ્થળી બીટમાં વન વિભાગની હદમાં મહદઅંશે ડુંગરાઓ આવેલા છે. અને આ ડુંગરાઓમાં ઝાડ તો નથી પરંતુ ઘાસ મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે.

આજે બપોરે બારેક વાગ્યા બાદ દવની શરૂઆત થઇ હતી. આ બારામાં કોઇ રીતે ગીર પુર્વના ડીએફઓ અંશુમન શર્માને જાણ થતા તેમણે તાબડતોબ તુલશીશ્યામ રેન્જ ઉપરાંત જશાધાર અને દલખાણીયા રેન્જના સ્ટાફને ત્યાં દોડાવ્યો હતો. અને તાબડતોબ પોતે પણ રાજસ્થળી દોડી ગયા હતાં. અહીં દવને કાબુમાં લેવા માટે વનકર્મચારીઓને કામે લગાડવા ઉપરાંત સ્થાનીક માલધારીઓ અને મજુરોની પણ મદદ લેવામાં આવી હતી.

વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે ચારેક કલાકની મહેનત બાદ માંડ માંડ દવ કાબુમાં આવ્યો હતો. જોકે આ દરમીયાન અહીં દસથી બાર એકર જમીનમાં ઘાસ બળીને રાખ થઇ ગયું હતું. અહીં વન વિભાગ હસ્તક અનેક ડુંગરાઓ આવેલા છે. આ ડુંગરોમાં વન્ય પ્રાણીઓ વિહરતા રહે છે. અહીં ઝાડ નથી પરંતુ મોટી માત્રામાં ઘાસ જરૂર ઉગી નીકળે છે. જેનો નાશ થયો હતો. હાલમાં ઘાસ અને જંગલ સુકાઇ રહ્યુ છે ત્યારે વન વિભાગ દ્વારા સાવચેતી રખાય તે જરૂરી છે.

હાલમાં જંગલમાં ઘાસ પુષ્કળ છે
ચોમાસુ કેવુ રહ્યુ તેની અસર જેમ ખેતીવાડી પર પડે છે. તેમ તેની અસર જંગલ પર પણ જોવા મળે છે. આગલા વર્ષે ચોમાસુ સારૂ ન હોવાના કારણે ઘાસ વધારે ન હતું. પરંતુ ગત ચોમાસામાં ખુબ જ વરસાદ પડતા ઘાસ ખુબ જ ઉગી નીકળ્યુ હતું. હાલમાં આ ઘાસ સુકાઇ ગયુ છે. અને સુકા ઘાસમાં દવ ઝડપથી લાગે તેવી શક્યતા વધુ રહે છે.

No comments: