- ખાંભાના દલડીની સીમમાં એક વર્ષના સિંહબાળને સાવજે ફાડી ખાધું ?
સૌરાષ્ટ્રને દુનિયાભરમાં ગૌરવભર્યુ સ્થાન અપાવનાર દેશની અમુલ્ય ધરોહર સમા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. એકપછી એક સાવજોના કમોતની ઘટના બહાર આવી રહી છે. સાવરકુંડલાના ભમ્મર નજીક માલગાડી હડફેટે ચડી જતા એક સિંહના મોતની ઘટના બાદ હવે ખાંભા તાલુકાના દલડી ગામની સીમમાં એક નેહરામાંથી સિંહબાળનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળતા વનતંત્રએ હડીયાપાટી કરી મુકી છે. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ સિંહબાળને અન્ય સાવજે ફાડી ખાધાનું જણાય રહ્યુ છે. આમ છતાં પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો એક પછી એક મોતને ભેટી રહ્યા છે. આજે વધુ એક સિંહબાળના કમોતની ઘટના બહાર આવી છે.
વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખાંભા તાલુકાના રબારીકા રાઉન્ડમાં દલડી ગામની સીમમાં દેવજીભાઇ દાનાભાઇ તલસરીયા નામના ખેડૂતની વાડી નજીક પસાર થતા નહેરામાંથી આશરે એકાદ વર્ષની ઉંમરના સિંહબાળનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. સિંહબાળના આ મૃતદેહ ફાડી ખાધેલી અવસ્થામાં હતો અને તેની હોજરી પણ મૃતદેહથી અલગ પડી હતી. તેના નખના આધારે વન વિભાગે આ સિંહબાળ એકાદ વર્ષની ઉંમરનો હોવાનું જણાવ્યુ હતું.
ધારીના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે સિંહબાળનું મોત પાંચેક દિવસ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે. વાડી માલીક દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ખાંભાના આરએફઓ સ્ટાફ સાથે અહિં દોડી ગયા હતાં અને મૃતદેહ કબજે લઇ પોસ્ટ ર્મોટમ માટે કાર્યવાહી શરૂ કરાવી હતી.
ઇનફાઇટમાં મોત થયાની શક્યતા-ડીએફઓ
ધારીના ડીએફઓ અંશુમન શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે ઘટનાસ્થળેથી નર સિંહના સગડ મળ્યા છે. વળી જે રીતે સિંહબાળનો મૃતદેહ ખવાયેલો છે અને હોજરીઅલગ પડી છે ઇનફાઇટમાં નરસિંહે સિંહબાળને મારી નાખ્યાની શક્યતા છે. આમ છતાં પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.
સાવજોની રક્ષા માટે રેલકર્મીઓને સાસણમાં ટ્રેનીંગ અપાશે
રેલવે તંત્ર દ્વારા સાવજોના વિસ્તારમાં ટ્રેઇન કઇ રીતે ચલાવવી તે અંગે તો જડ વલણ અપનાવાયુ છે પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે બે દિવસ બાદ સાસણમાં રેલવેના ડ્રાઇવર, ગાર્ડ, ગેંગમેન વિગેરે કર્મચારીઓની ટ્રેનીંગ શરૂ થશે. જેમાં સાવજોના વિસ્તારમાંથી પસાર થતી વખતે શું શું તકેદારી રાખવી તેની તાલીમ આપવામાં આવશે. રેલવે અને વનતંત્રના સંયુક્ત પ્રયાસોથી રેલ કર્મચારીઓને બે દિવસ બાદ સાસણમાં ખાસ તાલીમ આપવામાં આવશે.
અમરેલી જીલ્લાના લીલીયાથી લઇ પીપાવાવ પોર્ટ સુધીના વિસ્તારમાં સાવજોનો વસવાટ છે અને અહિં માલગાડીઓની સતત અવર જવર રહે છે ત્યારે તાજેતરમાં માલગાડી હડફેટે ત્રણ સાવજના મોતની ઘટના બાદ આ વિશેષ તાલીમનું આયોજન કરાયુ છે. ધારીના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે અહિં રેલવેના ડ્રાઇવર, ગાર્ડ, ગેંગમેન વિગેરેને રેલવે ટ્રેક પર તથા ટ્રેક આસપાસ દુરથી સિંહ નઝરે પડે તો શું કરવું તે અંગે જાણકારી અપાશે. બહારના વિસ્તારમાંથી નોકરી કરવા આવતા આ રેલ કર્મીઓ સાવજોથી અજાણ હોય તેમને સાવજો અંગે ઉપયોગી જાણકારી અપાશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ધારી, ભાવનગર વર્તુળમાં ચાર નવી ટ્રેકરપાર્ટી ઉભી કરી આ માટે જરૂરી ભરતી કરવાનો નિર્ણય પણ લેવાયો છે.સાવજોની રક્ષાની ઐસી તૈસી... ટ્રેઇનની ગતિ મર્યાદા અંગે અધિકારીઓએ હાથ ઉંચા કર્યા
ખુબ જ ટુંકાગાળામાં અમરેલી જીલ્લામાં પીપાવાવ પોર્ટમાં આવતી-જતી માલગાડીઓએ હડફેટે લેતા ત્રણ સાવજોના મોતને કારણે ઉભા થયેલા ઉહાપોહને પગલે ભાવનગરમાં રેલ અધિકારીઓ, પીપાવાવ પોર્ટના સતાધિશો અને વન અધિકારીઓની બેઠક મળી હતી પરંતુ સાવજોના વિસ્તારમાં રેલવેની ગતિ મર્યાદા અંગે રેલ અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા હતાં. આ બેઠકમાં સાવજોની રક્ષા માટે કોઇ વિશેષ નિર્ણયો થઇ શક્યા ન હતાં. રાજુલાના ભેરાઇ નજીક બે સિંહણ અને સાવરકુંડલાના ભમ્મર નજીક એક સિંહનું માલગાડી હડફેટે મોત થયા બાદ પીપાવાવ પોર્ટમાં આવતી-જતી માલગાડીઓ પર ગતિ નિયંત્રણ લાદવાની ઉગ્ર માંગ ઉઠી છે.
તેની વચ્ચે ગઇકાલે ભાવનગરમાં ડીવીઝનલ રેલવે મેનેજર એડીઆરએમ, રેલ કોર્પોરેશન, પીપાવાવ પોર્ટના અધિકારીઓ, ધારી-અમરેલી અને ભાવનગરના ડીએફઓ વિગેરે અધિકારીઓની એક બેઠક મળી હતી. વન અધિકારીઓ દ્વારા જ્યાં સાવજોનો વિસ્તાર છે તે વિસ્તારમાં માલગાડીઓની ગતિ પર નિયંત્રણ અંગેનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ રેલ અધિકારીઓએ આ નિર્ણય અમારા લેવલ પર નહી લઇ શકાય તેમ કહી હાથ ખંખેરી નાખવામાં આવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે જો ગતિ નિયંત્રણ લદાય તો ટાઇમ ટેબલ પણ ફેરવવુ પડે અને તેના કારણે અન્ય ટ્રેનોના રૂટ પણ પ્રભાવિત થાય. એકંદરે સાવજોનું જે થવું હોય તે થાય પરંતુ રેલવે તંત્ર પોતાની રીતે જ ચાલશે તેવો સુર આ મીટીંગમાં જોવા મળ્યો હતો.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-child-death-in-amreli-latest-news-4532636-PHO.html
No comments:
Post a Comment