- Bhaskar News, liliya
- Mar 26, 2015, 01:26 AM IST
- વનતંત્રએ આગને ભગવાન ભરોસે છોડતા વન્યસૃષ્ટિનો ખો બોલી ગયો : સ્થાનિક આરએફઓ ડોકાયા પણ નહી
- શેઢાવદરનો દવ 4 ગામના સીમાડા સુધી પહોંચ્યો
લીલીયા : બૃહદ ગીર વિસ્તારમાં આવતા અને જ્યાં 40થી વધુ સાવજોનો કાયમી વસવાટ છે તે લીલીયા પંથકમાં ગઇકાલે બપોરે દવ લાગ્યા બાદ વનતંત્ર દ્વારા આ દવને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતા ચાર હજાર વિઘાથી વધુ વિસ્તારમાં વન્ય સૃષ્ટિનો નાશ પામ્યો છે. રાત્રે વનકર્મીઓ દવના સ્થળે હાજર ન હતાં. એટલુ જ નહી આજે મોડી સાંજે પણ દવ કાબુમાં આવ્યો ન હતો અને આગના લબકારા ચાલુ હતા. પશુઓનું ચરીયાણ અને ઘાસચારો નાશ પામતા ખેડૂતોને મોટી નુકશાની સહન કરવી પડી હતી. અહિં એવું મનાય રહ્યુ છે કે કેટલાક શખ્સો દ્વારા જાણી જોઇને દવ લગાડાઇ રહ્યો છે. 45 દિવસમાં 6 વખત દવ લાગ્યો છે. આટલો ગંભીર મુદો હોવા છતાં આજે દવના સ્થળે આરએફઓ ડોકાયા પણ ન હતાં.
લીલીયા પંથકના ખારાપાટમાં સરકારી પડતર અને ખરાબા ઉપરાંત માલીકીના વાડી ખેતરો અને વિડીઓમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નિકળે છે. ખારાપાટના કારણે ખેતી થઇ શકતી ન હોય પડતર પડયા રહેતા માલીકીના વાડી-ખેતરોમાં પણ ઘાસચારો અને બાવળનું જંગલ ઉગી નિકળ્યુ છે. શેત્રુજી, ગાગડીયા, ખારી, નાવલી વિગેરે નદી અને બાવળના આ જંગલો અને ખરાબાઓનો વિસ્તાર સાવજને માફક આવી ગયો હોય અહિં 40થી વધુ સાવજોનો વસવાટ છે. સાવજોના આ ઘરમાં છેલ્લા 45 દિવસ દરમીયાન છઠ્ઠી વખત આગની ઘટના બની છે.
મહત્વની વાત એ છે કે ગઇકાલે બપોર બાદ લીલીયાના શેઢાવદરની સીમમાં દવ લાગ્યો હોવા છતાં વનતંત્ર દ્વારા આ દવને ઠારવાની સમયસર કામગીરી કરવામાં આવી ન હતી. ગઇસાંજે વનતંત્રનો સ્ટાફ અહિં ગયો હતો પરંતુ રાત્રે સમગ્ર વિસ્તારને ભગવાન ભરોસે છોડી દઇ વનકર્મીઓ ચાલ્યા ગયા હતાં. જેને પગલે આજે સવાર સુધીમાં અહિં ચાર હજાર વિઘાથી વધુ વિસ્તારમાં વન્ય સૃષ્ટિ બળીને રાખ થઇ ગઇ હતી. એટલુ જ નહી સ્થાનિક આરએફઓ આજે પણ દવના સ્થળે ડોકાયા ન હતાં. આજે મોડી સાંજે પણ ઠેકઠેકાણે આ દવ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.
લીલીયા પંથકમાં વારંવાર લાગતા દવના કારણે આ વિસ્તારમાં રહેતા સાવજો વ્યથીત થઇ રહ્યા છે. કુદરતી સહજ સમજ શક્તિના કારણે સાવજો આવા દવમાં ફસાઇને મોતને ભેટે કે દાજી જાય તેવી શક્યતા ભલે નહીવત હોય પરંતુ વારંવાર દવના કારણે સાવજો ડીસ્ડર્બ થઇ રહ્યા છે. શેઢાવદરની સીમમાં લાગેલા દવના કારણે ખેડૂતોને પણ મોટુ નુકશાન સહન કરવુ પડયુ છે. કારણ કે અનેક ખેડૂતોએ તેમની માલીકીની જમીનમાંથી છ-છ ફુટ ઉંચા ઘાસના પુડા કાપી ગંજીઓ ખડકી રાખી હતી. જે આગના કારણે નાશ
પામી હતી.
વળી પશુઓનું ચરીયાણ નાશ પામતા આગામી દિવસોમાં ઘાસચારાની પણ અછત રહેશે.
અહિં એવુ મનાય રહ્યુ છે કે જાણી જોઇને દવ લગાડવામાં આવી રહ્યો છે. પરંતુ
તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી જે ગંભીર
બાબત છે.
No comments:
Post a Comment