Bhaskar News, Liliya
Mar 28, 2015, 23:57 PM IST
લીલીયા: લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના ખારાપાટના બાવળના
જંગલ અને ઉંચા ઘાસવાળી ઝાડીઓમાં છેલ્લા 45 દિવસ દરમીયાન દવની છ ઘટનાઓ બની
ચુકી છે. સાવજોના વસવાટવાળો આ રેવન્યુ વિસ્તાર છે. અહિં ખાનગી માલીકીની
વીડીઓ, પડતર વાડી-ખેતરો અને સરકારી ખરાબાઓ છે. જેમાં જાણી જોઇને લગાવાતો
હોય તે રીતે દવ લાગી રહ્યો છે. સાવજો અને વન્યસુષ્ટિપર ખતરો ઉભો થાય તે
રીતે દવ લાગતો હોવા છતાં તંત્ર લાચાર બની જોઇ રહ્યુ છે. તાજેતરમાં
શેઢાવદરની સીમમાં તો જુદા જુદા છ સ્થળેથી દવની શરૂઆત થઇ હતી. જાણીજોઇને દવ
લગાડવાના કારણો પણ આસપાસના વિસ્તારમાં સ્પષ્ટ નઝરે પડી રહ્યા છે.
- ક્રાંકચનાં જંગલમાં બાવળોકાપી કોલસો બનાવવા લગાડાય છે આગ
- શેઢાવદરની સીમમાં એક સાથે છ જગ્યાએ જાણી જોઇને આગ લગાવાઇ હતી: વન તંત્ર લાચાર
- આ વિસ્તારમાં સૌથી વધુ બાવળના વૃક્ષો આવેલા છે
- માલિકીની જમીનના કારણે તંત્ર કાર્યવાહી કરતુ નથી
લીલીયાના ખારાપાટ વિસ્તારની જમીનમાં હવે કશુ પાકતુ નથી. જેના કારણે ખેતી પડીભાંગી છે. માલીકીની વીડીઓ, વાડી-ખેતરો વર્ષોથી પડતર રહેતા તેમાં બાવળનું જંગલ ઉગી નિકળ્યુ છે. છ-છ ફુંટ ઉંચુ ઘાસ-બરૂ અને અન્ય વનસ્પતીઓએ પગદંડો જમાવ્યો છે. ગીરમાંથી નિકળથી શેત્રુજી અને અહિંની ગાગડીયો, નાવલી, ખારી વિગેરે નદીઓના કાંઠે સાવજોને પોતાનું નવુ ઘર મળી ગયુ છે. દોઢ દાયકા પહેલા પ્રથમ વખત સાવજો આવ્યા બાદ હાલમાં 40થી વધુ સાવજો અહિં રહે છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ વિસ્તારમાં જાણી જોઇને અવાર નવાર દવ લગાવડવામાં આવતો હોય સાવજોનું આ ઘર ખતરામાં છે.
જંગલમાં વૃક્ષોના ઘર્ષણથી સ્વયં દવ ફાટી નિકળે છે. પરંતુ આ વિસ્તારમાં દવ પેદા કરે તેવા વૃક્ષો જ નથી. મતલબ કે અહિં જાણી જોઇને આગ લગાડાઇ કે ભુલમાં કોઇનાથી લાગી જાય તો જ દવ લાગે. પાછલા કેટલાક વર્ષોથી નિશ્ચિત વિસ્તારમાં જ જાણી જોઇને લગાવાતો હોય તે રીતે દવ લાગી રહ્યો છે. છતાં માલીકીની જમીનના નાતે તંત્ર કોઇની સામે કાર્યવાહી કરતુ નથી. ચાલુ સાલે તો ખુબ મોટા વિસ્તારમાં સાવજોનું ઘર બરબાદ થયુ છે. છતાં તંત્રએ તે દિશામાં તપાસ કરવાની પણ તસ્દી લીધી નથી.
તાજેતરમાં શેઢાવદરની સીમમાં લાગેલો દવ તો એક સાથે છ-છ જગ્યાએથી રીતસર લગાડવામાં જ આવ્યો હતો. દરેક વખતે વનતંત્ર ખાનગી જમીનનું બહાનુ આગળ ધરી પહેલેથી જ દોડતી નથી. બાદમાં સરકારી જમીનમાં દવ પ્રવેશે તે પછી દોડધામ વધે છે. અહિંના સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ખાનગી જમીન હોય તો પણ માલીકોને આગ લગાડતા પહેલા તંત્રની પરવાનગી લેવી પડે. તે પ્રકારના નિયમો બનવા જોઇએ.
ચોક્કસ વિસ્તારમાં જ કેમ લાગે છે દવ ?
ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં જે પ્રકારનુ બાવળનું જંગલ અને વન્ય સુષ્ટિ છે આવું જ જંગલ આસપાસના અન્ય વિસ્તારમાં છે. પરંતુ ક્રાંકચ આસપાસના વિસ્તારમાં જ દવ લગાડાય છે. સાવરકુંડલાના ફીફાદ, ખાલપર, હીપાવડલી, લીલીયાના આંબા કણકોટ, અમરેલીના ચાંદગઢ વિગેરે વિસ્તારમાં આવું જ જંગલ હોવા છતાં ક્યારેય દવની ઘટના બનતી નથી.
તંત્રએ તપાસ કરવી જોઇએ-મહેન્દ્રભાઇ
ક્રાકચમાં જાણીતા સિંહપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે દવની ઘટનાઓ અટકાવવા માટે વનતંત્રએ સક્રિય થવુ પડશે. આવી ઘટનાઓમાં તંત્ર દ્વારા કોઇ તપાસ કરાતી ન હોય લેભાગુ તત્વોને મોકળુ મેદાન મળ્યુ છે. સખત પગલા લઇ તંત્રએ આવી ઘટના અટકાવવી જોઇએ.
ક્યાં વિસ્તારમાં કેટલો દવ ?
લીલીયા પંથકમાં છેલ્લા 45 દિવસ દરમીયાન દવની જુદી જુદી છ ઘટના બની છે. જેમાં 7700 વિઘા કરતા વધુ વિસ્તારમાં વન્યસુષ્ટિ બળી ગઇ છે.
ગામ વિસ્તાર કેટલા વિઘામાં દવ
ક્રાંકચ દાનબાપુનુ વિડ 1000
શેઢાવદર નાળીયેરો 800
નાના લીલીયા ભાંભળી પાસે 600
ક્રાંકચ વચલુ બેલુ 1000
કુતાણા-ભોરીંગડા વિડી પાસે 300
શેઢાવદર ચાર ગામની સીમ 4000
શા માટે લગાડાય છે આગ ?
આ વિસ્તારમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદે બાવળો કાપી કોલસો પાડવામાં આવે છે અને બાદમાં પુરાવાનો નાશ કરવા આગ લગાડી દેવાય છે. અહિં ગેરકાયદે રેતી ચોરીમાં પણ આ જંગલ નડતરરૂપ થાય છે. ગેરકાયદે અવર જવર કરતા શખ્સો ચા-પાણી બનાવે કે તાપણુ કરે કે બીડી ફેંકે ત્યારે પણ આગ લાગે છે. આ સિવાય જમીન ચોખ્ખી કરવા પણ આગ લગાડાઇ છે.
અમે તપાસ શરૂ કરી છે-આરએફઓ
સ્થાનિક આરએફઓ અગ્રવાલે જણાવ્યુ હતું કે આગ લગાડવામાં આવતી હોવાની શક્યતા નકારી શકાય નહી. હાલમાં અમે આ દિશામાં તપાસ શરૂ કરી છે. તેઓ આગ બુઝાવવા ફાયર બ્રીગેડની કેમ મદદ લેતા નથી તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે અગાઉ એક વખત મદદ લેવાઇ હતી પરંતુ અંદર વાહનો લઇ જવા મુશ્કેલ હોય હવે મદદ લેવાતી નથી.
No comments:
Post a Comment