- Bhaskar News, Amreli
- Mar 14, 2015, 01:27 AM IST
- પખવાડીયામાં બીજીવાર માવઠાથી ધરતીપુત્રો ચિંતીત બન્યા
સાવરકુંડલામા અડધો ઇંચ વરસાદ હતો. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે અમરેલી જિલ્લામાં કેરી ઉપરાંત ઘઉં, જીરૂ, ધાણા સહિતના પાકોને મોટા પ્રમાણમા નુકશાન થવા પામ્યું છે. કમોસમી વરસાદ છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લાને ઘમરોળી રહ્યો છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યા બાદ છેલ્લા બે દિવસથી માવઠુ વરસી રહ્યું છે. ગઇકાલની જેમ આજે પણ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ઝાપટાથી લઇ પોણો ઇંચ સુધીનો વરસાદ ખાબકયો હતો. અમરેલીમાં ગઇકાલે માત્ર હળવા ઝાપટા પડયા હતા પરંતુ મધરાતથી ફરી વરસાદ શરૂ થયો હતો. રાત્રીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો. વહેલી સવાર સુધી થોડી થોડી વારે વરસાદ શરૂ રહેતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. આજે આખો દિવસ પણ વાતાવરણ ધાબડીયુ રહ્યું હતુ.
આવી જ રીતે ધારી પંથકમાં ગઇકાલે કમોસમી વરસાદ ખાબકયો હતો. અહીના ખીચા,દેવળા, માધુપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતા ખેડુતો ચિંતામાં પડી ગયા હતા. અહી પણ મધરાતથી સવાર સુધી વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો.
સાવરકુંડલામાં પણ ગઇકાલે એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. અહી પણ મધરાતે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ રહ્યો હતો. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદથી કેરી, જીરૂ, લસણ, ડુંગળી, ઘઉં સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હોવાના વાવડ મળી રહ્યાં છે. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. સાવરકુંડલાના સંજળ, મેવાસા, પિયાવા, શેલણા, કાના તળાવ, નેસડી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી પાકને નુકશાન થયુ છે.
No comments:
Post a Comment