ધારીનાં ભુતીયા બંગલે પીએમ કર્યા બાદ વીડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી અંતિમવિધી કરવામાં આવી
સાવજોના નખ, દાંત સહિતના અંગો કિમતી ગણાતા હોય જો દફનાવી લાશનો નિકાલ કરાઇ તો લેભાગુ તત્વો આવા અંગોની ચોરી કરે તેવી શકયતા રહે છે. સાવરકુંડલાના અમૃતવેલ નજીક મૃત્યુ પામેલ સિંહબાળનો એટલે જ અગ્નિ સંસ્કારથી નિકાલ કરાયો હતો. બીજી તરફ આ વિસ્તારમા હજુ પણ ત્રણ સિંહણો આંટા મારતી હોવાનુ ધ્યાને આવતા વનવિભાગ દ્વારા આજે અહી વધારાનો સ્ટાફ વોચમા ગોઠવાયો હતો અને આ સિંહણો રેલવે ટ્રેક આસપાસ ભટકે નહી તેની તકેદારી રાખવા સુચના અપાઇ હતી.
કઇ રીતે અપાય છે અગ્નિદાહ ?
સાવજના મૃત્યુ બાદ પીએમ કરી જે રીતે માણસની ચિતા બનાવી અગ્નિદાહ અપાય છે તે જ રીતે સાવજને પણ અગ્નિદાહ અપાય છે. ગેઝેટેડ ઓફિસરની હાજરીમા મૃતદેહના નખ, દાંત સહિતના અંગોની ગણતરી કરી સલામત છે કે કેમ તેની ચકાસણી કરાય છે. અહી વિડીયો રેકોર્ડિગ પણ કરવામા આવે છે. અગ્નિદાહ અપાયા બાદ મૃતદેહ પુરેપુરો બળી ન જાય ત્યાં સુધી તમામ લોકો હાજર રહે છે.
ધારી-ખાંભા-વડાળ અને જસાધારમાં અગ્નિદાહની વ્યવસ્થા
ધારીના ભુત બંગલે અત્યાર સુધીમા સૌથી વધુ સાવજોના અગ્નિ સંસ્કાર કરાયા છે. આ ઉપરાંત સાવરકુંડલાના વડાળ ખાતે, ખાંભા તથા જસાધાર ખાતે પણ સાવજોના મૃતદેહની અંતિમવિધી થાય છે. કયારેક મૃતદેહ ખરાબ હાલતમા હોય કે અંતરિયાળ વિસ્તારમા હોય તો સ્થળ પર જ અગ્નિ સંસ્કાર થાય છે.
કઇ રીતે થાય છે સાવજનુ પીએમ ?
આનો આધાર સાવજનુ મોત કઇ રીતે થયુ છે તેના પર હોય છે. જો મોત શંકાસ્પદ હોય કે હત્યા હોય તો બે ડોકટરોની પેનલથી વિડીયો રેકોર્ડિગ સાથે પીએમ થાય છે. મૃતદેહને ચીરીને જુદાજુદા ભાગના જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમા મોકલાય છે. પીએમમા પણ નખ અને દાંતની તપાસ થાય છે. આ સમયે ગેઝેટેડ અધિકારી હાજર રહે છે. વેટરનરી ડોકટર મૃત્યુનુ પ્રાથમિક કારણ લેખિતમા ગેઝેટેડ અધિકારીને સોંપે છે.
No comments:
Post a Comment