Saturday, November 30, 2019

150 વર્ષ પછી સિંહના ચોટીલે ડાકલાં વાગ્યાં

DivyaBhaskar News Network

Nov 20, 2019, 07:17 AM IST

અત્યાર સુધી જૂનાગઢ, અમરેલી, ભાનવગર, ગીર-સોમનાથમાં જોવા મળતા એશિયાટિક સિંહે વર્ષો પછી પહેલાવાર ચોટીલા નજીક દેખા દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી, રામપરા અને ઢેઢુકી ગામની સીમમાં સિંહો જોવા મળતા સમગ્ર પંથકમાં ખુશીની સાથે ફફડાટની લાગણી ફેલાઈ છે. સોમવારે મોડી રાત્રે રામપરા અને ચોબારીના ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગની ટીમોએ સમગ્ર પાંચાળ પંથકમાં ધામા નાખ્યા છે અને સાવજનું લોકેશન જાણવાની કામગીરી શરૂ કરી છે. હાલ બે સાવજમાં એક માદા સિંહણ અને એક નર બચ્ચું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ચોટીલા અને થાન પંથકમાં આવેલા માંડવવન સહિતના વિસ્તારોમાં રાની પશુઓ વસવાટ કરતા હોવાની વાત જાણીતી છે. 150 વર્ષમાં પહેલીવાર સિંહ વિસ્તારમાં જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવાનાં નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યાં હતાં. આ વિસ્તારમાં સિંહોએ 2 વાછરડી અને 1 પાડા સહિત 3 પશુનું મારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 2 સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગે બન્ને સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, જસદણ, વિંછીયા અને હિંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 60 કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી આસપાસનાં તમામ ગામની સીમો ખૂંદી રહી છે. સિંહના ડરને લીધે લોકો સીમમાં ખેતરોમાં કામ અર્થે જવાથી ડરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે સિંહની હાજરીને લઈને લોકોને તકેદરી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સિંહને ખલેલ ન પહોંચાડવા તેમજ સિંહ દેખાય કે મારણ કરેલું દેખાય તો તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.

સાવજના ભયે ખેતરો સૂમસામ 60ની ટીમ દ્વારા મોનિટરિંગ

ચોટીલા નજીક ઢેઢૂકી, ચોબારી ગામમાં જોવા મળેલી સિંહણ.

ચોટીલા કેમ આવ્યો? ‘સિંહ માટે 120 કિમી સામાન્ય ’

કેટલાક સમયથી ચોટીલા પંથકમાં સિંહની મુવમેન્ટ જોવા મળતી હતી જેને લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બે સિંહોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીથી અંદાજે 120 કિમી અંતર કાપી સિંહણ-નર બચ્ચુ આવ્યા છે. અત્યારે 8 ટીમના અંદાજે 60 વધુ માણસો દ્વારા સતત મોનિટરિંંગ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સિંહની 200 કિલોમિટરથી વધુની રેન્જમાં મુવમેન્ટ હોય છે. એટલે 120 કિમી અંતર સામાન્ય છે.

પુખ્ત નર નથી એટલે સ્થળાંતર નહીં: CCF

જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ સંજય શ્રીવાસ્તવના જણાવ્યા માતા-પુત્ર સિંહ છે. સિંહણ સાથે મેટીંગ માટે નર નથી એટલે તે પરત ફરશે.

એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર

સિંહ એક રાતમાં 25, 30 કિમી ચાલી શકે છે

સિંહ દિવસે આરામ કરે છે અને એક રાતમાં 25થી 30 કિલોમીટર ચાલે છે. સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 દિવસ ભોજન વિના રહી શકે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહણ અને નર બચ્ચાની જોડી બાબરા, હિંગોળગઢથી 120 કિમી અંતર કાપી ચોટીલા નજીક ઢેઢુકી ગામ પાસે જોવા મળી હતી.

ચોટીલા

વીંછિયા

હિંગોળગઢ

ખંભાળા

બાબરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-after-150-years-the-lion39s-chute-sounded-loud-071711-5977995-NOR.html

ચોટીલા નજીક સાવજ બેલડી નહીં પરંતુ 3 સિંહની આશંકા

DivyaBhaskar News Network

Nov 21, 2019, 06:46 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા પંથક ગીરના સાવજની ડણકથી ગરજી ઊઠ્યો છે. ચોબારી-રામપરા ગામની આસપાસ એક સિંહ અને સિંહણ દેખાયા હોવાની વાતને વનવિભાગે સત્તાવાર સમર્થન પણ આપ્યું હતુ઼ં. ત્યારે મંગળવારે રાત્રીના સમયે મારણ ખાતા બે સિંહ વનવિભાગના ટ્રેકીંગ કેમેરામાં જોવા મળતા આ વિસ્તારમાં બે નહીં પરંતુ ત્રણ સિંહનો પૂરો પરિવાર આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

મંગળવારે સવારે ચોબારી અને રામપરા ગામની સીમમાં એક સિંહ અને સિંહણે મારણ કર્યું હતું અને સિંહ બેલડી ગામની સીમમાં ફરતી હોવાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો. વનવિભાગ દ્વારા સીમમાં અમુક

...અનુસંધાન પાના નં. 2



અંતરે ટ્રેકીંગ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં મંગળવારે રાત્રે 10 કલાકની આસપાસ બે સિ઼હ મારણ ખાતા વનવિભાગના કેમેરામાં જોવા મળ્યા હતા. ત્યારે અગાઉ જે સિંહણ અને સિંહ જોવા મળ્યા હતા ત્યારે ચોબારી-રામપરા પંથકની સીમમાં કદાચ બે નહીં પરંતુ ત્રણ સિંહ હોવાની શક્યતા જોવા મળી રહી છે. બુધવારે જુનાગઢ વનવિભાગના મુખ્ય વનસરંક્ષક એસ.કે.શ્રીવાસ્તવ પણ ચોટીલા દોડી આવ્યા હતા. ચોબારી તેમજ રામપરાના ગ્રામજનો સાથે અંદાજે બે કલાક સુધી બેઠક યોજી હતી.

સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો સ્થાયી થશે

વનવિભાગના કર્મચારીઓ દ્વારા બંને સિંહોની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ બન્ને સિંહો છેલ્લા એકાદ અઠવાડિયાથી આ વિસ્તારમાં છે ત્યારે આ સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો તે સ્થાયી પણ થઇ શકે છે. એસ.કે.શ્રીવાસ્તવ, મુખ્ય વન સરંક્ષક જુનાગઢ

હાલ બે નર સિંહ દેખાયા છે, ત્રીજા સિંહ અંગે આશંકા

સૌ પ્રથમ જે વીડિયો સામે આવ્યો હતો તેમાં એક નર અને એક માદા સિંહણ હોવાનું અનુમાન હતું. તેમાં ક્ષતિ હોઈ શકે હાલ કેમેરામાં જે બે સિંહો કેદ થયા છે તે બંને નર છે. સિંહણનો વસવાટ છે કેમ તે હવે જાણવા મળશે. એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-not-an-average-bullock-but-a-3-lion-suspect-near-the-chotila-064634-5985995-NOR.html

જશાધાર નજીકનાં તુલસીશ્યામ જંગલમાં સિંહણનું શંકાસ્પદ મોત

  • મોતનું કારણ અકબંધ, મૃતદેહ પીએમ માટે લઇ જવાયો

Divyabhaskar.com

Nov 21, 2019, 10:08 AM IST
ઉના: જશાધાર નજીક તુલસીશ્યામનાં જંગલમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનું મોત ક્યાં કારણથી થયું છે તેમને લઇ મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. તેમનાં રીપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. ગીરજંગલમાં આવેલ સુપ્રિધ્ધધામ તુલસીશ્યામ નજીક એક સિંહણ મૃત હાલતમાં પડી હોય જેમની જાણ વન વિભાગને થતાં સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઇ જશાધાર ખાતે પીએમ માટે મોકલાયો હતો. જો કે આ સિંહણનું મોત બિમારી સબબ કે પછી ઇન્ફાઇટથી થયું છે. તે તો પીએમ રીપોર્ટ બાદ જ જાણવા મળી શકશે. આ મૃતક સિંહણ પાંચથી નવ વર્ષથી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો તે જ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગીરગઢડા તાલુકાના જશાધાર નજીક ગીરજંગલમાં આવેલ દોઢીનેસ વિસ્તારમાં વહેલી સવારે એક માલધારી પર સિંહણે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ વિસ્તારમાંથી જ સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ એ જ સિંહણ છે કે, તે મૃદ્દે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે તો તપાસ બાદ જ બહાર આવશે. થોડા મહિનાઓ પહેલા સિંહોનાં મોતની ઘટનાઓ બની હતી અને વન તંત્ર દોડતું થયું હતું. ત્યારે ફરી વખત સિંહણનું મોત થતાં વનતંત્રએ તપાસ શરૂ કરી છે. આમ, અવારનવાર સિંહ અને સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/get-dead-body-of-lioness-near-jashadhar-range-of-una-126101558.html

જૂનાગઢમાં સિંહ દર્શન મામલે CMએ ફરી નવો વાયદો આપ્યો

  • 2018માં જૂનાગઢમાં સિંહ દર્શનની વાત કરી હતી

Divyabhaskar.com

Nov 25, 2019, 01:16 AM IST
જૂનાગઢ: જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું. સાથે મહાબત મકબરા તેમજ ઉપરકોટ માટે પણ કરોડોની ગ્રાન્ટ ફાળવી તાલીઓ પડાવી લીધી. જોકે, જૂનાગઢ માટે મહત્વના એવા સિંહ દર્શન શરૂ કરવા મામલે સીએમએ ફરી નવો વાયદો આપ્યો છે. આ અંગે ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2018ના ઓકટોબર માસમાં સાસણની સાથે જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ માટે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી. અનેક લોકોએ આ માટે જીપ્સી ગાડીઓ પણ ખરીદી લીધી હતી. જોકે, જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાની કરેલી જાહેરાતના 1 વર્ષ બાદ પણ કોઇ કામગીરી થઇ નથી. ત્યારે અટક્યું છે કયાં? તે પ્રશ્ન તમામને મુંજવી રહ્યો છે. દરમિયાન જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ફરી નવો વાયદો આપતા ટૂંક સમયમાં સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું કહ્યું હતું. જોકે, કેટલો સમય એ મામલે કોઇ ફોડ પાડ્યો ન હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/cm-reaffirms-promise-of-lion-sighting-in-junagadh-126126776.html

એશીયાઇ સિંહનું રહેણાંક એવા સાસણ ગીર અને કાસીયાનેસ સુધી

DivyaBhaskar News Network

Nov 26, 2019, 06:50 AM IST

એશીયાઇ સિંહનું રહેણાંક એવા સાસણ ગીર અને કાસીયાનેસ સુધી હાલ ખાનગી કંપની દ્વારા જેસીબી જેવા મોટા મશીનોથી ખોદકામ કરી ફોર જી કે ફાઇવ જી નેટવર્કના વાયર નાખવામાં આવી રહ્યા હોય, જે જંગલી જાનવર અને પર્યાવરણ માટે નુકશાનકર્તા છે. આ બાબતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સીસીએફને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે કે, ફોરેસ્ટ વિભાગ દ્વારા જ્યાં જાહેર રસ્તો બનાવવા દેવામાં ન આવતો હોય તેવી જગ્યાએ ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કેબલો ભવિષ્યમાં ગમે ત્યારે ખરાબ થવાની કે લીકેજ થવાની સમસ્યા હોય, તેના રેડિએશનના કારણે અત્યંત ભયજનક અને જીવલેણ કિરણો પેદા થવાથી વન્ય પ્રાણીઓ અને પર્યાવરણને ભારે નુકશાન થવાની શક્યતા છે. ત્યારે જે ખોદકામ થયું છે તે વ્યવસ્થિત જેવું હતું તેવું કરવામાં આવે અને મંજુરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ખોદકામ તાત્કાલીક ધોરણે અટકાવવામાં નહિ આવે તો સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે હાઇકોર્ટમાં અરજી કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. તેમ અલ્તાફ બ્લોચે જણાવ્યું હતું
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-asians-of-gir-and-kasianes-reside-in-asian-lions-065014-6024721-NOR.html

જૂનાગઢ સક્કરબાગ ઝૂને સિંહના બદલામાં રીંછ મળ્યા

DivyaBhaskar News Network

Nov 27, 2019, 06:50 AM IST
જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહોની સાથે સાથે દિપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી દેશના વિવિધ 13 ઝૂને સિંહ આપવામાં આવી રહ્યા છે. તેની સામે અન્ય પ્રાણીઓ સક્કરબાગમાં લાવવામાં આવી રહ્યા છે.

દેશના વિવિધ ઝૂમાંથી સફેદ વાઘ, બાયસન, શિયાળ સહિતના વિવિધ પ્રાણી, પક્ષીઓ સક્કરબાગ ઝૂમાં આવ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે સક્કરબાગ ઝૂને સારી આવક થઇ રહી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ અન્ય ઝૂને આપવામાં આવી રહ્યા છે અને તેની સામે અન્ય પ્રાણી, પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યા છે. ત્યારે અઠવાડીયા પહેલા જ હિમાચલ પ્રદેશના એક ઝૂમાંથી હિમાલીયન રીંછની જોડી લાવવામાં આવી છે. જેને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. એક મહિના બાદ તેને ડીસપ્લેમાં રખાશે. સક્કરબાગ ઝૂમાંથી સિંહની જોડી હિમાચલ પ્રદેશના ઝૂને આપવામાં આવી છે તેની સામે રીંછની જોડી આપવામાં આવી હોવાનું સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-sakkarbagh-zoo-finds-a-bear-in-exchange-for-a-lion-065037-6032908-NOR.html

ગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા

DivyaBhaskar News Network

Nov 27, 2019, 06:50 AM IST

ગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા વખતથી દીપડાના માનવી પર હુમલાના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. આ પૈકીના ઘણા દીપડા પકડાયા પણ છે. જે પૈકીના એક દીપડાનું આજે સાસણમાં વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું છે.આ અંગેની મળતી વિગત મુજબ ગિર પશ્વિમ વનવિભાગ હેઠળની વિસાવદર રેન્જના કુટિયા રાઉન્ડમાંથી એક માનવી પર હુમલો કરનાર દીપડાને પકડી સાસણની લાયન હોસ્પિટલમાં રખાયો હતો. જ્યાં તેનું વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું હતું. દીપડાની વય 11 થી 12 વર્ષની હોવાનું સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું. તેના મૃતદેહનું પીએમ કરાયું હતું. અત્રે નોંધનીય છેકે, વિસાવદર પંથકમાં દીપડાએ માનવી પર હુમલો કરી ફાડી ખાધાના પણ અનેક બનાવો બન્યા છે. જેને પગલે વનવિભાગે ઠેકઠેકાણે પાંજરા પણ મૂક્યા છે. જેમાં ઘણા દીપડા પકડાયા પણ છે. માનવની હત્યા કરનાર દીપડાને ફરી ક્યારેય છોડાતો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-last-of-several-villages-in-viswadar-taluka-on-the-border-of-gir-065041-6032950-NOR.html

આફ્રિકાના ગીની દેશમાં પાણી સમસ્યા, ગુજરાતના એકમાત્ર ગામ જામકા ગીરનું મોડલ અપનાવશે

  ગીની દેશના એનજીઓએ જામકા ગીર ગામની મુલાકાત લીધી

  • જળક્રાંતિ, ગાય આધારિત ખેતી,પશુપાલનની કામગીરીથી પ્રભાવિત

Divyabhaskar.com

Nov 27, 2019, 03:57 PM IST
જૂનાગઢ: જૂનાગઢ નજીકના જામકા ગીર ગામની આફ્રિકાના ગીની દેશના એનજીઓએ મુલાકાત લીધી હતી. તેઓ જામકામાં થતી જળક્રાંતિ, પશુપાલન, ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થયા છે અને તેમના દેશમાં જામકાનું મોડેલ અપનાવવા તૈયાર થયા છે. ગુજરાત આખામાં જામકાગીરનું મોડલ અપવાનના ગીની દેશના એનજીઓએ પસંદગી કરી છે.
પાણીની સમસ્યા દૂર કરવા જામકાનું મોડલ અપનાવશે
આ અંગે જામકાના જળક્રાંતિ ટ્રસ્ટના પરસોતમભાઇ સિદપરાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના ગીની દેશમાં એનજીઓ તરીકે કામ કરતા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુએ જામકાગીર ગામની મુલાકાત લીધી હતી. તેઓ ખાસ કરીને ચેકડેમ દ્વારા કરાતું જળ સંગ્રહ, ગાય આધારિત ખેતી અને પશુપાલનની કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગીની દેશની સમસ્યા દૂર કરવા તેઓ ત્યાં જામકાનું મોડેલ અપનાવશે. જેમાં ખાસ કરીને સારી ટેકનીક દ્વારા ત્યાં રોજગારી ઉભી કરાશે.
ગાય આધારિત ખેતી કરી રોજગારી મેળવશે
ખેતરમાં ગાય આધારિત ખેતીથી પપૈયા, કેળા, સીતાફળ, શેરડી, બાજરી, તરબુચ, લસણ, ઘઉં જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરશે. જેથી રોજગારી વધશે અને પ્રકૃત્તિનું જતન થશે. તેમની સાથે કૃષિ યુનિવર્સિટીના આર.ડી. પટેલ, રતિલાલ સોની, અશોક વાસવાણી વગેરેની ઉપસ્થિતી રહી હતી.
જળક્રાંતિ ટ્રસ્ટની ટીમ ચેકડેમ બનાવવા ગીની દેશ જશે
ગીનીમાં પાણીની ખૂબ સમસ્યા છે. વરસાદી પાણી વહી જાય છે. ત્યારે જામકામાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહની કામગીરીથી પ્રભાવિત થયેલા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુ જામકાની જળક્રાંતિ ટ્રસ્ટની ટીમને ચેકડેમથી જળક્રાંતિ કરવા ગીની બોલાવશે.
(અતુલ મહેતા, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/gini-country-take-jamakagir-village-model-126150575.html

જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં દિપડાના હુમલામાં 8 માસમાં 13નાં મોત, 52 લાખનું વળતર

  • વન વિભાગે સિંહ, દિપડા, અન્ય પ્રાણીઓનાં હુમલાથી ઈજા પામનાર 61 લોકોને 1.20 લાખ રૂપિયાની સહાય ચૂકવી

Divyabhaskar.com

Nov 27, 2019, 10:19 AM IST
જૂનાગઢ: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં એશિયાઇ સિંહો જોવા મળે છે. સિંહોની સાથોસાથ દિપડાની સંખ્યામાં વધારો થયો છે. સાથોસાથ આ દિપડા માનવ પર હુમલો કરતા હોવાની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં માત્ર 8 માસમાં દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. જ્યારે સિંહ, દિપડા અને અન્ય જંગલી પ્રાણીઓએ 61 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. મૃતકોને 52 લાખની વળતર ચૂકવવામાં આવ્યું છે.
જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે
વન્ય પ્રાણીઓના વધી રહેલા હુમલાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખેડૂત એકલા ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ લોકો અને સરકારના પ્રયાસને કારણે સિંહ અને દિપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સિંહ, દિપડા સહિતના જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે. જેનાથી માનવ પર હુમલાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં દિપડાના હુમલાના બનાવોમાં વધારો થયો છે. માનવ પર પ્રાણીઓના હુમલા બાદ વન વિભાગ દોડતું થઇ જાય છે અને દિપડાને પકડવા માટે પાંજરા મુકી દેવામાં આવે છે. જો કે, હુમલામાં ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ પામનારના પરિવારજનોને વન વિભાગ દ્વારા સહાય પણ ચૂકવવામાં આવે છે.
8 માસમાં વન્યપ્રાણીઓ દ્વારા 14ના મોત થયા, 52 લાખ ચૂકવાયા
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં 8 માસમાં સિંહના હુમલાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. જ્યારે દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. તેમજ અન્ય પ્રાણીએ એકનો જીવ લીધો હોવાનું વન વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. 8 માસમાં પ્રાણીઓના હુમલામાં 14 લોકોના મોત થતા તેમના પરિવારજનોને વન વિભાગે 52,00,000 રૂપિયા ચૂકવ્યા છે.
સિંહ દ્વારા 4, દીપડાએ 49ને ઘાયલ કર્યા
સિંહ દ્વારા 4 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા, દિપડાએ 49 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. અન્ય પ્રાણીઓએ 8ને ઇજા પહોંચાડી. કુલ 61 ઇજાગ્રસ્તોને વન વિભાગ દ્વારા 1,20,400 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
હુમલાથી બચવા માટે માર્ગદર્શન અપાય છે
પ્રાણીઓના હુમલાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા સેમિનાર, અવરનેશ પ્રોગ્રામ, પ્લેપ્લેટ વિતરણ તેમજ ગામડાના લોકો સાથે બેઠક કરી વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે લોકોને માર્ગદર્શન અપાય છે. સાથે વનતંત્રનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ પણ કરાય છે.
દિપડાનાં ભયથી લોકો એકલા નિકળતા નથી
વિસાવદર, ધારીમાં દિપડાના આતંકને લઇને લોકો એકલા બહાર નિકળતા નથી. ટોળામાં જ બહાર જાય છે. ખેડૂતો, પશુપાલકોએ પોતાના માલ, ઢોરને પણ વેચી દીધા છે. ઘણા લોકોએ ઘરની બહાર ઉંચી દીવાલો ચણી લીધી.
નોનવેજનો એઠવાડ ખુલ્લામાં ન નાખવો
સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં તેમજ ખુલ્લામાં સુવુ નહી. ખુલ્લામાં નોનવેજનો એઠવાડ ફેકવો નહીં તેમજ બહારથી જે મજૂરોને કામ કરવા આવે છે તેમને સ્થાનિક પરિસ્થિતિ વાકેફ કરવા, બાળકોને એકલા રમવા ન દેતા તે સહિતની તકેદારો ધ્યાને રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો ઘટી શકે છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ
(અહેવાલ-સરમન રામ, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-attack-and-13-people-death-last-8-month-in-three-district-of-gir-forest-126150220.html

પ્રવાસી પાસેથી સિંહણ પસાર થઇને સૌના હાજા ગગડી ગયા

DivyaBhaskar News Network

Nov 29, 2019, 06:55 AM IST
ગિરમાં પરવાનગી લઇને રૂટ પર જતી જીપ્સીઓમાંથી એક સિંહનો નજીકનો વિડીયો વાયરલ થયો છે. જોનારના મનમાં બે ઘડી હવે શું થશે એવી ઇંતેજારી ઉભી કરતા આ વિડીયોમાં કશું વાંધાજનક નથી. પરંતુ ફરી સિંહના વિડીયોના નામે ઉત્તેજના ફેલાવી દીધી છે ખરી. તાજેતરમાંજ એક ગિરના જંગલમાં પરવાનગી લઇને કાયદેસર રીતે જીપ્સીમાં સિંહ દર્શન કરતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ થયો છે. આથી સ્વાભાવિકપણેજ ફરી જોનારના મનમાં ઉત્તેજના ફેલાઇ જાય છે. વિડીયોમાં જોકે, કશું વાંધાજનક નથી. પણ જે રીતે સિંહ જીપ્સીની સાવ નજીક આવી જાય. એ દૃશ્ય જોનારને બે મિનીટ હવે શું થશે ? એવો સવાલ મનમાં ઉભો કર્યા વિના રહે નહીં. આ અંગે સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, વિડીયોમાં કાંઇ વાંધાજનક નથી. અને ઘણી વખતે સિંહો આટલા નજીક આવી જતા હોય છે. દરેક જીપ્સીમાં ગાઇડ હોય જ છે. આથી કોઇ વિકટ પરિસ્થિતી ઉભી થવાનો ભય રહેતો નથી. અત્રે નોંધનીય છે કે, ગિરમાં સિંહને ગેરકાયદેસર રીતે મારણ કરાવતા વિડીયો વાયરલ થયા બાદ વનવિભાગે કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, ત્યારબાદ સમયાંતરે કેટલાક તત્વો જેતે વખતે બનાવેલા વિડીયો સોશિયલ મિડીયામાં વહેતા કરતા રહે છે.

પીપાવાવ પોર્ટમાં સાવજોએ ધોળે દીએ કર્યું પશુનંુ મારણ

રાજુલા પંથકમા સિંહોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પીપાવાવ પોર્ટ હવે સિંહોનુ નિવાસ સ્થાન બન્યુ છે. તે હવે સાબીત થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો વહેતો થયો છે. તેને લઈને રાજુલા વનવિભાગ પણ તપાસ શરૂ કરી છે. આ વિડીયોમા સ્પષ્ટ પણ દેખાય રહ્યું છે પોર્ટની અંદર કન્ટેઇનર યાર્ડ નજીક મુખ્ય ગેટ અંદર સિંહોએ એક પશુનુ મારણ કર્યુ છે. પીપાવાવ પોર્ટના કોઈ પરપ્રાંતીય ઓફિસર આ દ્રશ્ય નીહાળી રહ્યાં છે અને અન્ય મોબાઈલ ધારક દ્વારા આ વિડીયો ઉતાર્યો હોવાનુ સ્પષ્ટ થાય છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા વનવિભાગ હરકતમા આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પીપાવાવ પોર્ટ અંદર અને આસપાસ ઉધોગોમા સિંહણ, સિંહ, સિંહબાળ એમ આખો પરિવાર મોટી માત્રામા વસવાટ કરી રહ્યો છે. ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા કોઈ સુરક્ષા અને તેમની જાળવણી માટે કોઈ પ્રકારની વ્યવસ્થા ઉભી નથી કરી જેને લઈને સિંહ પ્રેમીઓમા પોર્ટ સામે વધુ નારાજગી જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-lion-passed-by-the-traveler-and-all-the-people-were-lost-065539-6049211-NOR.html

સુડાવડમાં વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડ્યો, પાંજરાનો ઘેરાવ કરી ગ્રામજનોની નજર સામે ઠાર કરવાની માંગ

માનવભક્ષી દીપડાએ પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યો હતો

  • ગ્રામજનો વન વિભાગની ગાડી પર ચડી ગયા અને ઉગ્ર બોલાચાલી કરી

Divyabhaskar.com

Oct 31, 2019, 12:17 PM IST
અમરેલી: બગસરાના સુડાવડ ગામે બેથી ત્રણ માનવભક્ષી દીપડા વસવાટ કરી રહ્યા છે. આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓને પકડવા કવાયત હાથ ધરી હતી. આજે એક માનવભક્ષી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો એકઠા થયા હતા અને પાંજરાનો ઘેરાવ કરી દીપડાને અમારી નજર સામે જ ઠાર કરો તેવી માંગ કરી હતી. આથી વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે રકઝક થઇ હતી. ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો.
ગ્રામજનોએ વન વિભાગની મુશ્કેલી વધારી
મોટી સંખ્યામાં ગ્રમજનો એકઠા થઇ એક જ માંગ કરી હતી કે અમારી સામે જ દીપડાને ઠાર કરો. આથી વન વિભાગને મુશ્કેલીમાં વધારો થયો હતો. સુડાવડ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ લોકો દોડી આવ્યા હતા અને વન વિભાગને દીપડાને ઠાર કરવાની માંગ કરી હતી. માનવભક્ષી દીપડાને લઇને ખેડૂતો પોતાના ખેતર પણ જઇ શકતા નહોતા. દીપડો પાંજરે પૂરાતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને બીજી તરફ દીપડાને ઠાર કરવા માંગ કરતા હતા.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-arrested-by-forest-department-in-sudavad-village-of-bagasara-125975460.html

10 વર્ષના દિપડાનો મૃતદેહ મળ્યો

DivyaBhaskar News Network

Nov 01, 2019, 05:56 AM IST
ગીરપૂર્વની તુલસીશ્યામ રેન્જમાં કંટાળા વિસ્તારમાં તંત્રને એક 10 વર્ષના દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દિપડાનું મોત કુદરતી રીતે થયાનું જણાતા વનતંત્રએ તેનું પીએમ કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો.અહિં ગામની સીમમાં એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને જાણ કરાતા સ્થાનિક વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવુ જણાયુ હતું કે આશરે દશેક વર્ષની ઉંમરના દિપડાનું કુદરતી રીતે મોત થયુ હતું. વૃધ્ધાવસ્થાના કારણે આ દિપડાનું મોત થયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-body-of-10-year-old-dipada-was-found-055651-5834724-NOR.html

સરાકડીયામાં વાડી વિસ્તારમાં 10 સિંહના ધામા

DivyaBhaskar News Network

Nov 03, 2019, 05:56 AM IST
ખેતીની સિઝન ચાલી રહી છે તેવા સમયે જ ખાંભા તાલુકાના સરાકડીયાની સીમમા વાડી વિસ્તારમા 10 સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. આ સાવજો અવારનવાર રસ્તા પર પણ અડ્ડો જમાવી દેતા હોય ખેડૂતોની અવરજવર અટકી પડે છે. જો કે અહીના ખેડૂતો આ સાવજોને કયારેય દુર હડસેલતા નથી.

ગીરકાંઠાના ખાંભા તાલુકામા રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. અહી ગ્રામ્ય વિસ્તારમા સાવજના આંટાફેરા હોય તો તે કોઇ નવાઇની વાત નથી. પરંતુ એકસાથે 10 સાવજોનુ ટોળુ અહી લાંબા સમય સુધી એક જ વિસ્તારમા ધામા નાખે તેવુ ભાગ્યે જ બને છે. હાલમા અહી 10 સાવજોએ સરાકડીયા ગામની સીમમા એક વાડીમા ધામા નાખ્યા છે. અહી કપાસના ખેતરમા આ સાવજો પડયા પાથર્યા રહે છે. એક સિંહ, બે સિંહણ અને સાત બચ્ચાએ કપાસના ખેતરમા જ વસવાટ કર્યો છે. જેથી ખેડૂત પરિવાર કપાસ વિણવા પણ જઇ શકતો નથી.

જો કે અહીના ખેડૂતો આ સાવજોને કયારેય હટાવતા નથી. સિંહની હાજરીના કારણે ખેતીપાકને નુકશાન કરતા અન્ય પશુઓ વાડી ખેતરથી દુર જ રહે છે. આ સાવજો કયારેક વાડી માર્ગો પર પણ અડ્ડો જમાવી દે છે.

વાડીએ જવાના રોડ પર સાવજો તેના પરિવાર સાથે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-10-lion39s-tombs-in-the-wadi-area-in-saradia-055632-5849972-NOR.html

વાડી વિસ્તારમાં 6 સિંહણે ગાયનો શિકાર કર્યો વીડિયો વાઇરલ

  • બાબરાના ખાખરીયા ગામે બે સિંહે બળદનું મારણ કર્યું

Divyabhaskar.com

Nov 08, 2019, 01:10 PM IST

ગીરસોમનાથ/એમરેલી: ગીરગઢડાના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એકસાથે 6 સિંહણો આવી ચડ્યા હતી અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં એક સિંહણ પર ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે.
બે સિંહોએ બળદનો શિકાર કર્યો
બાબકા પંથકમાં બે સિંહો આવી ચડ્યા છે. ખાખરીયા ગામે આજે વહેલી સવારે પ્રકાશભાઇ ભોજાણીની વાડીએ બાંધેલા બળદનો શિકાર કરી મારણ કર્યું હતું. સિંહના પગના નિશાન ખેતરમાં જોવા મળ્યા હતા. હાલ ખેડૂતો માટે મોસમ હોય વાડીએ જતા ડરી રહ્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના/રાજુ બસિયા, બાબારા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/6-lion-hunt-cow-and-two-lion-hunt-bull-in-girgadhada-and-babara-126019256.html

ગીરના સિંહો બાબરા સુધી પહોંચ્યા, સાવજોના આંટાફેરાથી ખેડૂતોમાં ભય, વન વિભાગને MLAની રજૂઆત

  • સિંહોને પાંજરે પૂરી ખેડૂતોને ભયમુક્ત કરવા રજૂઆત

Divyabhaskar.com

Nov 10, 2019, 04:05 PM IST
બાબરા: બાબરામા રેવેન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીના આંટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. કારણ હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પૂરજોશમા ચાલી રહી છે. જેનું રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાત ઉજાગરા કરી રહ્યા છે. તેવા સમયે બાબરા પંથકમાં વન્ય પ્રાણી સિંહના આંટાફેરા વધતા ખેડૂતોમાં ભય ફેલાયો છે. આ પ્રશ્ને ધારાસભ્ય દ્વારા વનમંત્રીને રજૂઆત કરાઇ છે.
બાબરાના ગ્રામ્ય પંથકમાં સિંહના સગડ મળ્યા
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના વનવિભાગને પત્ર પાઠવી સિંહનું લોકેશન તાત્કાલિક અસરથી શોધી પાંજરે પૂરી ખેડૂતોને ભયમાંથી મુક્ત કરવા માંગણીઓ કરી છે. બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના કરીયાણા, તાઈવદર, ખાખરીયા સહિતના સીમ વિસ્તારમાં સિંહના સગડ મળ્યા છે. તેમજ સિંહના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે પણ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ વન્યપ્રાણીઓ ખેડૂતોના માલઢોર અને જાનમાલને નુકશાન કરે તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ધારાસભ્ય વિરજીભાઈ દ્વારા વન વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/see-lion-in-babara-area-so-mla-presentetion-to-forest-department-126029653.html

સિંહના મોતથી વાડીઓમાંથી પાણીના નમુના લેતંુ વનતંત્ર

DivyaBhaskar News Network

Nov 15, 2019, 05:55 AM IST
જાફરાબાદના પાટી માણસાની સીમમાંથી ગઇકાલે વાડીમાંથી આશરે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી થયુ ત્યારે વન વિભાગે આસપાસના પાણીના સેમ્પલો લઇ તપાસ શરૂ કરી છે. સિંહનો મૃતદેહ મળી આવ્યાની ઘટના ગઇકાલે જાફરાબાદના પાટી માણસામાં બની હતી. ગામની સીમમાં વાડી વિસ્તારમાંથી આશરે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કપાસના ઉભા પાક વચ્ચે પડયો હતો. વળી અહિં સિંહનું મોત ત્રણેક દિવસ પહેલા થયાનું અનુમાન છે. મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હતો અને બાબરકોટ નર્સરી ખાતે તેનું પોસ્ટ મોર્ટમ કરાયુ હતું. વન વિભાગ દ્વારા સિંહના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઇ છે. આસપાસની વાડીઓમાં પાણીની કુંડીમાંથી પાણીના નમુનાઓ પણ લેવામાં આવ્યા છે. પાણીમાં કોઇ પ્રકારની ભેળસેળથી સિંહનું મોત થયુ છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-forest-system-of-water-samples-taken-from-wadis-by-the-death-of-a-lion-055534-5939209-NOR.html

5 વર્ષની સિંહણ અજાણ્યા વાહનની અડફેટે આવી, બંને પગ અને પીઠના ભાગે ગંભીર ઈજા

5-year-old lioness was hit by an vehicle, causing serious injury to both legs and back

  • ખાંભા નાગેશ્વર હાઇવે પરની ઘટના
  • સિંહણ વાહનની ટક્કરે 10થી 15 ફૂટ ફંગોળાઈ

Divyabhaskar.com

Nov 15, 2019, 01:33 PM IST
અમરેલી: ખાંભા નાગેશ્રી હાઇવે પર વહેસી સવારે 5 વર્ષની સિંહણ અજાણ્યા વાહનની અડફેટે આવી હતી. વાહનની ટક્કરે સિંહણ 10થી 15 ફૂટ ફંગોળાતા બંને પગ અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી. સિંહણ સાથે 9 સિંહોનું અન્ય એક ગ્રુપ હોવાનું પણ ચર્ચા છે. વનવિભાગની ટ્રેકર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તો બીજી તરફ હાઇવે પર વાહનોની અવરજવર વચ્ચે રેસ્ક્યુ કરવામાં અડચણ પડી હતી.
(તસવીર અને અહેવાલ- હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/5-year-old-lioness-was-hit-by-an-vehicle-causing-serious-injury-to-both-legs-and-back-126057970.html

કુંકાવાવ-બગસરા વિસ્તારના આરએફઓ વી.એમ. ડવને આજે રાજકોટના સામાજીક વનિકરણ

DivyaBhaskar News Network

Nov 22, 2019, 05:55 AM IST

કુંકાવાવ-બગસરા વિસ્તારના આરએફઓ વી.એમ. ડવને આજે રાજકોટના સામાજીક વનિકરણ વર્તુળના વન સંરક્ષક એ.એમ. પરમારે સસ્પેન્ડ કરી દીધા હતાં. તેઓ ઘણા સમયથી કુંકાવાવ સામાજીક વનિકરણ વિભાગમાં ફરજ બજાવતા હતાં. તેમને સસ્પેન્ડ કરવાની સાથે જ દેવભુમી દ્વારકા જીલ્લામાં જામખંભાળીયા કચેરીમાં મુકી દેવાનો હુકમ પણ કરાયો હતો. વન અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવા પાછળ કોઇ જ કારણ આપવામાં આવ્યુ ન હતું.

જો કે અમરેલી વનતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો મામલો આ માટે કારણભુત હોવાનું મનાય છે. તેમના વિસ્તારમાં ચાલુ વર્ષે ખેડૂત શિબીરો અને અંગભુત યોજનાની શિબીરો વિગેરેનું આયોજન કરી તેનો ખર્ચ પાડી દેવાયો હતો. જો કે આરએફઓ ડવને તેની જાણ પણ ન હતી. એટલુ જ નહી તેઓ રજા પર ગયા ન હોવા છતાં તેમના વિસ્તારમાં ઇન્ચાર્જને હવાલો સોપી આ ખર્ચ પાડી દેવાયાનું જાણમાં આવતા ભવિષ્યમાં મામલો પોતાના પર ન આવે તેને પણ ધ્યાનમાં રાખી ખુદ આરએફઓ ડવે જ આ ગેરરીતી અંગે તાજેતરમાં એસીબીને જાણ કરી દીધી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-rfo-vms-of-kunkavav-bagsara-area-rajkot39s-social-forestry-today-055540-5994017-NOR.html

40 સિંહનો પરિવાર જુદો પડશે, નવી ટેરેટરીની શોધમાં પરિભ્રમણ

ક્રાંકચ ગ્રૂપ નામનો સિંહ પરિવાર
ક્રાંકચ ગ્રૂપ નામનો સિંહ પરિવાર

  • ક્રાંકચ ગ્રૂપનું કદ બેહદ મોટું થતાં પડશે ભાગલા
  • બાબરા પંથકમાં પ્રવેશી વિસ્તાર સર કરી લીધો

Divyabhaskar.com

Nov 23, 2019, 01:15 AM IST
દિલીપ રાવલ, અમરેલી: રાજમાતા છેલ્લાં 16 વર્ષથી એ સિંહ પરિવારને એક તાંતણે બાંધીને બેઠી છે. શેત્રુંજી નદીના કાંઠે કાંઠે ચાલતા એક સિંહ સાથે તે લીલીયાના ક્રાંકચ પંથકમાં આવી હતી અને અહીં બાવળની કાંટમાં પોતાનો પરિવાર વસાવ્યો હતો. તેની ત્રીજી પેઢી પણ સંતાનોને જન્મ આપી રહી છે. હવે આ સિંહ પરિવારમાં 40થી વધુ સભ્યો છે. આટલો મોટો પરિવાર સામાન્ય રીતે સાવજો વસાવતા નથી અને એટલે જ હવે આ પરિવાર તૂટવાની અણી પર છે. આ પરિવારના કેટલાક સાવજો પોતાની નવી ટેરેટરી શોધવા મથી રહ્યા છે.
તાજેતરમાં લાઠી, બાબરાના પંચાળ વિસ્તાર અને છેક ચોટીલા સુધી બે સાવજો દેખાયા. તે આ નવી ટેરેટરી શોધવાનો જ એક પ્રયાસ છે. ક્રાંકચ પ્રાઇડની વસતી વધતા વધતા 40ને પાર થઇ છે. સિંહ પરિવારમાં ઝઘડાઓ પણ વધ્યા છે. મારણને લઇને ખેંચતાણો થાય છે. વળી અહીંના પાઠડાઓ હવે પુખ્ત બની રહ્યા છે. જે નવા વિસ્તારમાં પોતાનું ઘર બનાવશે.
બે સાવજ બાબરાના પંચાળ વિસ્તારના કરીયાણા-ખંભાળાની સીમથી લઇ છેક ચોટીલા સુધી ચક્કર મારી આવ્યા
અગાઉ બે સાવજો દામનગરના છેવાડાના ગામો સુધી આંટો મારી આવ્યા હતાં. તો અન્ય બે સાવજ બાબરાના પંચાળ વિસ્તારના કરીયાણા-ખંભાળાની સીમથી લઇ છેક ચોટીલા સુધી ચક્કર મારી આવ્યા છે. અન્ય બે સાવજોએ હાલમાં વડીયા પંથકમાં ધામા નાખ્યા છે. એક વર્ષ પહેલા પણ બાબરા પંથકમાં સાવજોએ નવા ઘરની તલાશ કરી હતી. આવનારા સમયમાં લાઠી, બાબરા અને અમરેલીના ત્રીભેટાના વિસ્તારમાં સાવજોનું નવુ કાયમી રહેઠાણ બનવા જઇ રહ્યુ છે.
2015ના પૂરમાં 13 સાવજનાં મોત થતાં પરિવાર તૂટવાથી બચી ગયો હતો
વર્ષ 2015માં પણ આ ક્રાંકચ પ્રાઇડમાં 40થી વધુ સાવજો થઇ ગયા હતાં. તે સમયે પણ આમાંના કેટલાક સાવજો નવા ઘરની શોધમાં હતાં પરંતુ જૂન 2015ની જળ હોનારતમાં શેત્રુંજી નદી ગાંડીતુર બની કાંઠાઓ પર ફરી વળતા 13 સાવજના તણાઇ જવાથી મોત થયા હતાં. સાવજની સંખ્યા ઘટતા પરિવાર તુટતા બચી ગયો હતો.
ક્રાંકચ ગ્રૂપ ક્યાં સુધી ફેલાયું છે?
ક્રાંકચ પ્રાઇડની ટેરેટરી અમરેલી પંથકમાં છેક ચાંદગઢ અને બાબાપુર સુધી ફેલાયેલી છે. દામનગરના શાખપુર સુધી આ સાવજોની આણ છે. સાવરકુંડલાના ઘોબા અને પીપરડી સુધી આ સાવજોનું ઘર છે.
પરિવાર મોટો થાય એટલે જુદો પડે જ
સિંહનો પરિવાર મોટો થાય એટલે જુદો પડે જ. આમ પણ પરિવારના નર સિંહો મોટા થાય એટલે તેની માતા દૂર ધકેલી દે છે. પરિવારમાં ઝગડાઓ પણ વધે છે. મારણને લઇને ખેંચતાણો થાય છે. સાવજો ક્યારેય ભુલા પડતા નથી. પંચાળમાં પહોંચેલા સાવજો નવુ ઘર શોધી રહ્યા છે.-ભીખુભાઇ બાટાવાળા, લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ
ચોટીલા પંથક પસંદ આવશે તો ડાલામથ્થો ત્યાં રહેઠાણ બનાવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકમાં કેસરી સિંહ મહેમાન બનીને આવ્યા છે. ત્યારે નવા ઇલાકાની શોધ કરતા કરતા તે અહીંયા આવ્યા હોય તેવુ અત્યારે ફોરેસ્ટ માની રહ્યુ છે. હાલ તો આ સાવજો ચોબારી અને રામપરા ગામની સીમમાં લટાર મારી રહ્યા છે. ફોરેસ્ટની નિષ્ણાંત ટીમ તેમની ઉપર નજર રાખીને રાત દિવસ એક કરી રહી છે. જો આ પંથકની જમીન અનુકુળ આવી જશે તો તેના સ્વભાવ મુજબ ડાલામથ્થો આગવી ઓળખ એવી ડણક દઈને ડંકાની ચોટથી જાહેર કરશે કે આ ઇલાકો હવે મારો છે. સિંહને છંછેડવામાં આવે તો જ માનવી પર હુમલો કરતો હોવાની સાથે સિંહ વિશે સમજ આપીને તેનાથી ડરવાની જરૂર નથી. બસ તેની સાથે કેમ રહી શકાય તે શીખવાની જરૂર હોવાનું ફોરેસ્ટની ટીમ માહિતી આપી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓની પણ તપાસ કરાઈ રહી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/the-family-of-40-lions-will-be-separate-rotating-in-search-of-a-new-territory-126111094.html

વન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલી હદે ગળાડુબ છે કે

DivyaBhaskar News Network

Nov 26, 2019, 05:56 AM IST

વન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલી હદે ગળાડુબ છે કે નબળુ-સબળુ પણ કામ કરવાના બદલે કામ કર્યા વગર જ સીધે સીધો ખર્ચ ઉધારી નાખી સરકારી નાણા પોતાના ખીસ્સામાં પધરાવી રહ્યા છે. જાણે કોઇ પુછવાવાળુ જ નથી. તાજેતરમાં કુંકાવાવના આરએફઓ ડવ આવા મામલાઓને એસીબી સુધી લઇ ગયા હતાં. જો કે ભ્રષ્ટાચાર ખુલ્લો થવાના બદલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમને જ સસ્પેન્ડ કરી દીધા છે.

તેમના વિસ્તારમાં તેમની જાણ બહાર જ ઇન્ચાર્જ આરએફઓના નામે તગડી રકમના બિલો કોઇ કામ કર્યા વગર ઉધારી નખાયાનું કહેવાય છે. સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવતા હવે મહિનાઓ પછી આવા કામો તાબડતોબ રાતોરાત કરવામાં આવી રહ્યા છે. બગસરાના મુંજીયાસરમાં આવેલી નર્સરી ફરતે તાર ફેન્સીંગનો ખર્ચ તો ઉધારી નખાયો પરંતુ અહિં કોઇપણ પ્રકારનું તાર ફેન્સીંગ ન હતું. અહિં તાબડતોબ બે દિવસથી નવી તાર ફેન્સીંગ લગાવવામાં આવી રહી છે. જેથી તપાસ આવે તો પણ બચી શકાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-forest-department-officials-are-so-engrossed-in-corruption-055646-6024671-NOR.html

દીપડાના હુમલામાં 8 માસમાં 13નાં મોત, 52 લાખનું વળતર

DivyaBhaskar News Network

Nov 27, 2019, 05:56 AM IST
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં એશિયાઇ સિંહો જોવા મળે છે. સિંહોની સાથો સાથ દિપડાની સંખ્યામાં વધારો થયો છે. સાથોસાથ આ દિપડા માનવ પર હુમલો કરતા હોવાની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં માત્ર 8 માસમાં દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. જ્યારે સિંહ, દિપડા અને અન્ય જંગલી પ્રાણીઓએ 61 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. વન્ય પ્રાણીઓના વધી રહેલા હુમલાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખેડૂત એકલા ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ લોકો અને સરકારના પ્રયાસને કારણે સિંહ અને દિપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સિંહ, દિપડા સહિતના જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે. જેનાથી માનવ પર હુમલાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં દિપડાના હુમલાના બનાવોમાં વધારો થયો છે. માનવ પર પ્રાણીઓના હુમલા બાદ વન વિભાગ દોડતું થઇ જાય છે અને દિપડાને પકડવા માટે પાંજરા મુકી દેવામાં આવે છે. જો કે, હુમલામાં ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ પામનારના પરિવારજનોને વન વિભાગ દ્વારા સહાય પણ ચૂકવવામાં આવે છે.

8 માસમાં 14ના મોત થયા, 52 લાખ ચૂકવાયા

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં 8 માસમાં સિંહના હુમલાથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જ્યારે દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. તેમજ અન્ય પ્રાણીએ એકનો જીવ લીધો હોવાનું વન વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. 8 માસમાં પ્રાણીઓના હુમલામાં 14 લોકોના મોત થતા તેમના પરિવારજનોને વન વિભાગે 52,00,000 રૂપિયા ચૂકવ્યા છે.

સિંહ દ્વારા 4, દીપડાએ 49ને ઘાયલ કર્યા

સિંહ દ્વારા 4 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા, દિપડાએ 49 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. અન્ય પ્રાણીઓએ 8ને ઇજા પહોંચાડી. કુલ 61 ઇજાગ્રસ્તોને વન વિભાગ દ્વારા 1,20,400 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

હુમલાથી બચવા માટે માર્ગદર્શન અપાય છે

પ્રાણીઓના હુમલાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા સેમિનાર, અવરનેશ પ્રોગ્રામ, પ્લેપ્લેટ વિતરણ તેમજ ગામડાના લોકો સાથે બેઠક કરી વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે લોકોને માર્ગદર્શન અપાય છે. સાથે વનતંત્રનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ પણ કરાય છે.

દિપડાનાં ભયથી લોકો એકલા નિકળતા નથી

વિસાવદર, ધારીમાં દિપડાના આતંકને લઇને લોકો એકલા બહાર નિકળતા નથી. ટોળામાં જ બહાર જાય છે. ખેડૂતો, પશુપાલકોએ પોતાના માલ, ઢોરને પણ વેચી દીધા છે. ઘણા લોકોએ ઘરની બહાર ઉંચી દીવાલો ચણી લીધી.

નોનવેજનો એઠવાડ ખુલ્લામાં ન નાખવો

સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને છંછેડવા નહી તેમજ ખુલ્લામાં સુવુ નહી. ખુલ્લામાં નોનવેજનો એઠવાડ ફેકવો નહીં તેમજ બહારથી જે મજુરોને કામ કરવા આવે છે તેમને સ્થાનિક પરિસ્થિતિ વાકેફ કરવા, બાળકોને અેકલા રમવા ન દેતા તે સહિતની તકેદારો ધ્યાને રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો ઘટી શકે છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-13-killed-in-52-days-of-attack-52-lakh-return-055625-6032898-NOR.html

પીપાવાવ પોર્ટ નજીક રોડની બાજુમાં ચાર સિંહોએ પશુનું મારણ કર્યું

  • કારચાલકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતાર્યો 

Divyabhaskar.com

Nov 28, 2019, 02:26 PM IST
અમરેલી: પીપાવાવ પોર્ટ નજીક રોડની બાજુમાં ચાર સિંહોએ પશુનું મારણ કર્યું હતું. પીપાવાવ પોર્ટના રેલ યાર્ડ પાસે ફરી સિંહો ઘૂસી આવ્યા છે. વાહનોથી ધમધમતા પોર્ટ પર સિંહો આવી જતા સુરક્ષાને લઇને સવાલો ઉઠ્યા છે. જેટી અને જહાજો નજીક સિંહો પહોંચી ગયા છે. ચાર સિંહોએ પશુનું મારણ કર્યું તે કારચાલકે પોતાના મોબાઇલમાં દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-lion-hunt-animal-near-pipavav-port-of-amreli-and-this-video-viral-126159117.html

ધારીના ધારગણી ગામમાં ગુરૂવારે રાત્રે સિંહ ઘૂસી આવ્યો, મારણ માટે પશુઓ પાછળ દોડ્યો

Divyabhaskar.com

Nov 30, 2019, 01:41 PM IST
અમરેલી: ધારીના ધારગણી ગામમાં ગુરૂવારે રાત્રે સિંહ ઘૂસી આવ્યો હતો. ગામની બજારોમા પશુઓના ટોળા પાછળ સિંહે મારણ માટે દોડ લગાવી હતી. નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં સિંહ પશુ પાછળ દોડતો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ધારગણી ગામની બજારોમાં આવી સિંહો દ્વારા મારણની ઘટનાથી લોકો ભયભીત છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-entered-in-village-of-dhari-on-thursday-night-near-amreli-126175089.html