Tuesday, March 31, 2020

ત્રણ સિંહબાળ સાથે એક સિંહણ પોતાના વિસ્તારમાં આવતા સિંહે એક વર્ષના સિંહબાળને મારી નાખ્યું

વન વિભાગને બાવળની કાંટમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો (ફાઇલ તસવીર)
વન વિભાગને બાવળની કાંટમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો (ફાઇલ તસવીર)

  • બાવળની કાંટમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો

Divyabhaskar.Com

Mar 01, 2020, 10:34 AM IST

લીલીયા: તાજેતરમાં કાર્યરત થયેલા પાલીતાણા શેત્રુંજી વાઇલ્ડ લાઇફ ડીવીઝન નીચે આવતા લીલીયા તાલુકાના વાઘણીયા-ટીંબડી ગામની સીમમાં આજે સાવજે એક વર્ષના સિંહબાળને મારી નાખ્યું હતું. અન્ય વિસ્તારમાંથી ત્રણ સિંહબાળ સાથે એક સિંહણ અહીં આવી હતી. ત્યારે સ્થાનિક સિંહે હુમલો કરી એક સિંહબાળને મારી નાખ્યું હતું.


ત્રણ દિવસથી સિંહણ બચ્ચા સાથે આ વિસ્તારમાં આવી છે

લીલીયા તાલુકાના વાઘણીયા-ટીંબડી વિસ્તારમાં પાછલા ત્રણ દિવસથી એક સિંહણ પોતાના ત્રણ સિંહબાળ સાથે આવી છે. જેના બચ્ચા એકાદ વર્ષની ઉંમરના છે. આ સિંહણ અન્ય વિસ્તારમાંથી આ વિસ્તારમાં લટાર મારવા આવી હતી. આ દરમિયાન સ્થાનિક સિંહ અહીં આવી ચડતા તેણે એક સિંહબાળ પર હુમલો કરી મારી નાખ્યું હતું. અહીંના સુખધામ આશ્રમ નજીક બાવળની કાંટમાંથી આ સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-killed-one-cub-near-liliya-so-forest-department-get-cub-dead-body-126880282.html

આંબરડી નજીક માર્ગ પર સાવજોની લટાર, વાહનચાલકોએ સિંહદર્શનનો લહાવો લીધો

લોકોને સિંહદર્શન કરવા મળ્યા
લોકોને સિંહદર્શન કરવા મળ્યા

  • બે સિંહબાળ અને ત્રણ સિંહણની લટારે રસ્તો રોક્યો

Divyabhaskar.Com

Mar 03, 2020, 10:13 AM IST
અમેરલી: ધારીના આંબરડી નજીક રોડ પર રાત્રી દરમિયાન એક સાથે પાંચ સાવજો લટાર મારતા નજરે પડ્યા હતા. અહીં થોડીવાર માટે વાહનચાલકો પણ થંભી ગયા હતા અને સિંહ દર્શનનો લ્હાવો માણ્યો હતો. અહીંના આંબરડી વિસ્તારમાં સિંહોનો વસવાટ જોવા મળે છે. અહીં અનેક વખત રાત દિવસ સિંહો માર્ગ પર આવી પોતાનો અડ્ડો જમાવે છે. ત્યારે ગતરાત્રી દરમિયાન આંબરડી નજીકના રસ્તા પર ત્રણ સિંહણની સાથે બે સિંહબાળ પણ લટાર મારવા નીકળી પડ્યા હતા. માર્ગ પર પાંચ સાવજ આવી ચડતા થોડીવાર માટે વાહન ચાલકો થંભી ગયા હતા અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-family-run-on-road-near-dhari-of-amreli-126895980.html

મેડિકલ કોલેજમાં દીપડાના આંટાફેરા, દ્રશ્યો CCTVમાં કેદ થયા

સીસીટીવીમાં દીપડો પ્રાણી પાછળ દોડતો નજરે પડ્યો હતો
સીસીટીવીમાં દીપડો પ્રાણી પાછળ દોડતો નજરે પડ્યો હતો

  • પ્રાણી પાછળ દોટ મુકતો દીપડો સીસીટીવીમાં કેદ થયો

Divyabhaskar.Com

Mar 03, 2020, 12:08 PM IST

જૂનાગઢ: જૂનાગઢ મેડિકલ કોલેજમાં દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ સહિત સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યા છે. ગત રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ દીપડો કોઇ પ્રાણી પાછળ દોટ મુકતો હોય તેવું સીસીટીવીમાં નજરે પડી રહ્યું છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. આથી દીપડાને પકડવા માટે વન વિભાગે કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(સરમન ભજગોતર, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-enter-in-junagadh-medical-college-126896542.html

રાજુલા રેન્જનો રેલવે ટ્રેક રેઢો પટ, સિંહોનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું, રેલવે ટ્રેક ક્રોસિંગ કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ


રેલવે ટ્રેક પર ફરતા સિંહોની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ
રેલવે ટ્રેક પર ફરતા સિંહોની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ

  • લેડી સિંઘમ રાજલ પાઠકને ફરી રાજુલા રેન્જમાં નિમણૂંક કરવા માંગ 

Divyabhaskar.Com

Mar 03, 2020, 07:45 PM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં અમરેલી અને શેત્રુંજી પાલીતાણા ડીવીજનમાં સૌથી મહત્વની અને અતિ સેન્સિટિવ રેન્જમાં 2 મહિનાથી ડાંગ આહવા વિસ્તારના આરએફઓને રાજુલા મહત્વની રેન્જમાં નિમણૂક કરતા વન્ય પ્રાણીના અસ્તિવ પર સંકટ ઉભું થયું છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના પર્યાવણ પ્રેમી અને વનવિભાગના કર્મચારીઓમાં ભારે ગણગણાટ ઉભો થયો છે. રાજુલા રેન્જમાં 50થી 60 જેટલા સિંહોનો વસવાટ છે. ત્યારે આરએફઓ કક્ષાના અધિકારીની ઢીલી નીતિના કારણે સિંહોની સુરક્ષા જોખમાય રહી છે. રાજુલાના વાવેરાથી લઇને પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક પર સિંહોની અવરજવર વધી પોર્ટના રેલવે ગેટ નજીક દરરોજ સિંહો પરિવાર સાથે અવરજવર કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પેટ્રોલિંગના અભાવથી વન્યપ્રાણીને ખતરો
જોકે અહીં 2 સિંહો ટ્રેક પર ક્રોસિંગ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને લઇને સિંહોની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે આરએફઓની નબળી કામગીરીના કારણે એશિયાટિક સિંહો પર ખતરો તોડાય રહ્યો છે. પેટ્રોલિંગના અભાવે રેલવે ટ્રેક સહીત ઉદ્યોગ એરિયા રેઢો પડ જેવી સ્થિતિ સર્જાય ફોરેવે પીપાવાવ પોર્ટની 3થી 4 ચોકીઓ સતત બંધ રહે છે. અધિકારીનું મોનીટરીંગ અને પેટ્રોલિંગના કારણે વન્યપ્રાણી પર મોટો ખતરો જોવા મળી રહ્યો છે. અહીં દરરોજ સિંહો ક્રોસિંગ થાય છે. મસમોટા ટ્રકો ટ્રેલરો ક્રેઈન જેવા વાહનો સતત દોડી રહ્યા છે. સૌથી વધુ રાજુલા પંથકમાં સિંહોં ખુલ્લા વિસ્તારમાં રહે છે. તાજેતરમાં અહીં થોડા દિવસ પહેલાનો પીપાવાવ પોર્ટ રેલવે ગેટ નજીકનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આરએફઓ બદલવાની લોકોની માગ
રેલવે ટ્રેક આસપાસ રહેતા લોકો પાસેથી જાણવા મળતી વિગત મુજબ દરરોજ સાંજના 4 વાગ્યા પછી અહીંથી ક્રોસ કરતા જોવા મળે છે. ત્યારે એશિયાટિક સિંહો પર ફરી સંકટના વાદળો છવાયા છે. તાકીદે સરકાર અને વનવિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી અગાઉ અહીં ફરજ બજાવી ચૂકેલા લેડી સિંઘમ આરએફઓ રાજલ પાઠક જેવા ઓફિસર જે કડક હાથે કામગીરી કરી શકે અને વન્યપ્રાણીની સુરક્ષા કરી શકે તેવા ઓફિસરની ફરી નિમણૂંક કરવા લોકોની માગણી ઉઠી છે. પીપાવાવ પોર્ટ કોવાયા અલ્ટ્રાટેક વિસ્તારમાં અતિ જોખમી વિસ્તારમાં સિંહો સિંહબાળ વન્યપ્રાણી સતત આંટાફેરા કરી રહ્યા છે. આરએફઓ અને વનવિભાગના કર્મચારી ફોરેસ્ટરોની ગેરહાજરીના કારણે સ્થિતિ કથળી છે. અગાઉ ફરજ બજાવી ચૂકેલા આરએફઓ રાજલ પાઠક 24 કલાક રાત-દિવસ પેટ્રોલિંગ કરતા હતા. પોર્ટ અને રેલવે ટ્રેક પર નાઈટ પેટ્રોલિંગ રેગ્યુલર જોવા મળતું હતું. જ્યારે હાલમાં પીપાવાવ પોર્ટની ગટર બંધ કરવા માટે પણ કોઈ એક્શન લેવાતા નથી વારંવાર સિંહબાળ ગટરમાં ખાબકે છે છતાં તંત્ર તમાશો જોઈ રહ્યું છે.

ફરી લેડી સિંઘમ પાઠકને મૂકવા માગ
અગાવ ફરજ બજાવી ચૂકેલા આરએફઓ રાજલ પાઠકની થોડા મહિના પહેલા વિસાવદર રેન્જમાં બદલી કરાય છે. પરંતુ તેમની જરૂરિયાત રાજુલા રેન્જની વાઈલ્ડ લાઈફમાં નિમણુંક કરવાની જરૂર છે. હાલમાં આરએફઓને વાઈલ્ડ લાઈફનો અનુભવ ન હોવાને કારણે સિંહોની સુરક્ષાની ચિંતા લોકોમાં જોવા મળી રહી છે.

પાઠક જેવા આરએફઓની જરૂર છે: વિપુલ લહેરી

રાજુલા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી એ પણ સિંહો ની ચિંતા કરતા કહ્યું હતું રાજુલા રેન્જ માં સિંહો ની સંખ્યા ઉધોગ વિસ્તાર માં વધુ છે સુરક્ષા માટે અગાવ ફરજ બજાવી ચૂકેલા આરએફઓ રાજલબેન પાઠક ની જરૂર છે ખુબ સારી કામગીરી કરી છે સતત પેટ્રોલિંગ અને મિનિટરિંગ રાખતા હતા સિંહો ની તમામ ગતિવિધિ પર નજર રાખી શકે તેવા ઓફિસર અથવા તો ફરી આરએફઓ પાઠક ની નિમણુંક કરવી જોઈએ.

આરએફઓ પાઠકની કામગીરી થી ઉધોગ ગૃહો ફફડતા

રાજુલા મહિલા આરએફઓ રાજલ પાઠક ની કામગીરી અને કાર્યપદ્ધતિ માં બાંધછોડ નહીં હોવાને કારણે ઉદ્યોગો પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટેક સિમેન્ટ,નર્મદા,પીપાવાવ રિલાન્સ સિન્ટેક્ષ સહીત ઉધોગો ના પરપ્રાંતી ઓફિસરો આરએફઓ પાઠક ના ઉદ્યોગો ના પેટ્રોલિંગ થી રીતસર ફફડતા હતા અને સિંહ દર્શન કરનારા સામે સતત તવાય બોલાવતા હતા જેના કારણે વધુ પડતી લોકો માં ચાહના જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/rajula-range-railway-track-crashed-lions-existence-threatened-photo-crossing-the-railway-track-went-viral-on-social-media-126896854.html

હવામાનમાં પલટો આવતા સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ

  •  ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે તો કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા
  • ચોમાસું લંબાતા અને ઠંડીને કારણે જમીન ઠંડી પડી ગઇ હતી આથી મોર બંધાવાની પ્રક્રિયા એક મહિનો મોડી શરૂ થઇ

Divyabhaskar.Com

Mar 05, 2020, 11:09 PM IST

રાજકોટ: હવામાન વિભાગની વરસાદની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે દ્વારકા અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ બંધાયો છે. આથી સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે હાલ આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ છે અને દરેક આંબામાં પુષ્કળ મોર જોવા મળી રહ્યો છે.

ચોમાસું ઓક્ટોબર સુધી રહેવાને લીધે આમેય કેરીની સિઝન 1 મહિનો મોડી ચાલે છે

જૂનાગઢમાં રહેતા અને કેરી પકવતા ખેડૂત અતુલભાઇ શેખડાએ જણાવ્યું હતું કે, આ વર્ષે વધારે વરસાદને કારણે જે કેરીનો પાક છે તે એક મહિનો મોડો આવ્યો હતો. કારણ કે વધારે વરસાદ અને ઠંડીને કારણે જમીન ઠંડી પડી ગઇ છે. આથી આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા છે તે દર વર્ષ કરતા એક મહિનો મોડી છે. ચોમાસું ઓક્ટોબર સુધી રહેવાને લીધે આમેય કેરીની સિઝન 1 મહિનો મોડી ચાલે છે.

અત્યારે મોર બેસી ગયા અને કેરીનો પાક સારો થવાની બગીચા માલિકોને આશા

અતુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં આંબામાં મોર ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યો છે. તેમાં ઝીણી ઝીણી કેરી બંધાવાનું શરૂ પણ થઇ ગયું છે અને તેને મગીયો કહેવામાં આવે છે. જો કોઇ કુદરતી આફત ન આવે તો કેરીનું ઉત્પાદન બહુ સારૂ આવશે. કેરી પકવતા બગીચા માલિકો અને ખેડૂતોને કેરીનો પાક સારો થવાની આશા છે.

ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે તો કેરીના પાકને વ્યાપક નુકસાન

પરંતુ આજકાલ હવામાનમાં પલટો આવ્યો છે ક્યારેક વાદછાયું, ક્યારેક ધૂંધળુ વાતાવરણ થાય છે તેને કારણે મોરમાંથી કેરી બંધાવાની પ્રક્રિયા છે તેમાં નુકસાન થાય છે. જો આગામી સમયમાં વરસાદ થાય તો નુકસાન થવાની પૂરી શક્યતા છે. જો કે કેવો વરસાદ થાય છે તે કુદરત પર આધારિત છે. આથી કેરી એક મહિનો લોકોને મોડી મળશે. વાતાવરણમાં કેવા પરિવર્તન આવે છે તેના ઉપર કેરીનો ઉતારો કેટલો રહેશે તેનો પછી ખ્યાલ આવે છે. પાક સારો આવશે તેવી આશા રાખીએ છીએ. જો કોઇ કુદરતી નુકસાની ન આવે તો.

નાઘેર પંથકની આંબાવાડીમાં થ્રીપ્સના ઉપદ્રવથી ધરતીપુત્રો ચિંતિત

ઉના-ગીરગઢડા પંથકમાં કેસર કેરીના બગીચાઓ આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. હાલ આંબાની ખેતી ધરાવતો વિસ્તાર મોટો હોય જેમાં કેસર કેરીના પાકને વાતાવરણના કારણે થ્રિપ્સ નામના જંતુનો ભારે ઉપદ્રવના કારણે આ વિસ્તારના મોટાભાગના કેસર કેરીના આંબાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આંબાના બગીચા ધરાવતા અને ઇજારો રાખી વ્યવસાય ધરાવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. આંબાના ઝાડમાં નાની ખાખડી કેરીઓ આવવાની શરૂઆત થઇ છે. પરંતુ વાતાવરણના કારણે પાકનો નાશ થવાથી કેરીની આવક ઓછી થશે. અને કેસર કેરીની આવક પણ મોડી અને મેં માસમાં આવશે. ઉના તાલુકાના 2000 હેક્ટરમાં તેમજ ગીરગઢડાના 780 હેક્ટરમાં આંબાનુ વાવેતર હોય પરંતુ આ વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા મોટાભાગના આંબાના પાકને ભારે નુકસાન થયું છે.

મગીયો બંધાવાથી ભારે નુકસાન: મુકેશભાઇ

અંજાર રોડ પર રહેતા આંબાનો વ્યવસાય ધરાવતા મુકેશભાઇ વાજાએ જણાવ્યું હતું કે, શિયાળાની ભારે ઠંડી અને હાલ ઝાકળ વર્ષાથી વાતાવરણના કારણે આંબામાં મોર બળીને સાફ થઇ ગયો છે. જેના કારણે આ વર્ષે કેસર કેરી ઉતરે તેવી સ્થિતિ જોવા મળતી નથી. અને ભારે નુકસાન થયું હોવાથી સરકાર સહાય ચૂકવે તેવી માંગ સાથે ચિંતા વ્યક્ત કરી હતી.

છેલ્લા સાત વર્ષથી ઓછુ ઉત્પાદન: કાળુભાઇ

મોઠા ગામે રહેતા આંબાની ખેતી ધરાવતા કાળુભાઇ ગોહિલે જણાવ્યું હતું કે મારે 20 વીઘામાં આંબાના ઝાડ આવેલા છે. પરંતુ ઓણસાલ શિયાળામાં ઠંડી વધુ પડી હોવાથી અને રાત્રે ઝાકળ, દિવસે તાપના કારણે કાળો મગીયો પડતા આને સુકારો રોગ કહેવાય છે. છેલ્લા સાત વર્ષથી ઓછુ ઉત્પાદન થાય છે. જેથી ભારે નુકસાની ભોગવી પડી છે.

અધિકારોઓનો એક બીજા પર ખો

ઉના-ગીરગઢડા તાલુકા વિસ્તારમાં આંબાની ખેતી કેટલા હેક્ટરમાં આવેલી છે તે બાબતે ઉના બાગાયત અધિકારી, ઉના ટીડીઓ તેમજ વિસ્તરણ અધિકારીને આ બાબતે સંપર્ક કરતા એક બીજા પર ખો આપી અને આ માહિતી જિલ્લામાંથી મળી જશે તેવું જણાવ્યું હતું. અંતે ગીરસોમનાથ જિલ્લાની કચેરીમાંથી આંકડો મળ્યો હતો. પરંતુ આ આંકડો માન્ય ન હોવાનું જણાવ્યું હતું.

ક્યાં વિસ્તારમાં વધુ આંબાનુ વાવેતર છે

ઉનાના અંજાર, કોઠારી, સામતેર, ગરાળ, મોઠા, સનખડા, ગાંગડા તેમજ ગીરગઢડા, થોરડી, ભાખા, જામવાળા સહિતના 30થી વધુ ગામોમાં આંબાનું વાવેતર વધુ હોય પરંતુ ઓણસાલ આંબામાં થ્રિપ્સ નામના જંતુનો ભારે ઉપદ્રવથી ભારે નુકસાન થયું છે. આ ઉપદ્રવને નાશ કરવા કોઇ ઉપાય જ નથી તેવું જાણવા મળ્યું છે. થ્રિપ્સ નામના જંતુનો નાશ કરવા માટે ફિપોનીલ 5 ટકા SC, લાંબડા સાયહેલોથ્રિન 4.9 ટકા CS, સ્પીન ટોરમ 11.9 ટકા SC, સ્પીનોસેડ 45 ટકા SC નામનો દવાનો છંટકાવ કરવાથી થ્રીપ્સનો ઉપદ્રવ ઘટવાની શક્યતા છે.

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/in-saurashtra-mango-cultivators-were-killed-when-weather-was-overturned-126913823.html

કોડીનાર નજીક વડનગર ગામમાં શેરડીના ખેતરમાંથી દીપડી અને બે બચ્ચા મળ્યા

પાંજરામાં પૂરાયેલી દીપડી અને બચ્ચુ
પાંજરામાં પૂરાયેલી દીપડી અને બચ્ચુ

Divyabhaskar.Com

Mar 07, 2020, 10:21 AM IST
ગીર સોમનાથઃ કોડીનારના વડનગર ગામમાં શેરડીના ખેતરમાંથી દીપડી અને બે બચ્ચા મળી આવ્યા છે. વાડનું કટિંગ કરતી વખતે 15 દિવસના બે બચ્ચા મળી આવતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગે બંને બચ્ચાઓને પાંજરામાં મૂક્યા હતા અને દીપડીને પાંજરામાં કેદ કરી હતી. બચ્ચા અને દીપડીને જામવાળા એનિમલકેર સેન્ટર લઇ જવામાં આવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/saurashtra/somnath/kodinar/news/leopard-and-two-cubs-found-in-vadnagar-village-near-kodinar-126929443.html

વનવિભાગે વાડીમાં આવેલા કૂવામાંથી દીપડાનું રેસ્ક્યૂ, જસાધાર એનિમલ સેન્ટરમાં ખસેડાયો

વનવિભાગે ખૂંખાર દીપડાને રેસ્ક્યૂ કરી એનિમલ સેન્ટરમાં ખસેડ્યો હતો
વનવિભાગે ખૂંખાર દીપડાને રેસ્ક્યૂ કરી એનિમલ સેન્ટરમાં ખસેડ્યો હતો

Divyabhaskar.Com

Mar 07, 2020, 07:51 PM IST
ગીર-સોમનાથઃ ગણેશ મદીરના ખારામાં આવેલી નારેળીના બગીચામાં દીપડાનું દીલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દીપડો શિકારની શોધમાં બગીચામાં આવી ચડ્યો હતો અને દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વાડીના માલિકે વનવિભાગને આ ઘટના જણાવી હતી. ત્યારે ઘટનાની જાણ થતા જ વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ દીપડાને જસાધાર એનિમલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/departure-rescue-moved-from-the-well-in-the-forest-department-to-the-jasadhar-animal-center-126930312.html

રાજુલાના કાતર ગામમાં રસ્તા પર રઝળતી ગાયોના ટોળા પાછળ સિંહો દોડ્યા, ઘટના CCTVમાં કેદ


સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો
સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો

  • સિંહો પાછળ દોડતા ગાયોના ટોળામાં અફરાતફરી મચી ગઇ હતી

Divyabhaskar.Com

Mar 08, 2020, 11:20 AM IST

અમરેલી: રાજુલાના કાતર ગામમાં સિંહો શિકારની શોધમાં બજારમાં ઘૂસ્યા હતા. રસ્તા પર રઝળતી ગાયોના ટોળા પાછળ સિંહોએ દોટ લગાવી હતી. આથી ગાયોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સિંહો ભૂખ્યા-તરસ્યા શિકારની શોધમાં વારંવાર કાતર ગામમાં ઘૂસી આવે છે. સિંહોના આતંકથી રાત્રે ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી. તેમજ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડેને ગામના લોકોએ પોતાના ઘરમાં પૂરાઇ રહેવું પડે છે.

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lions-run-behind-cow-group-in-katar-village-of-rajula-126937439.html

મધરાતે વનનો રાજા શહેરમાં ઘૂસ્યો, રસ્તા પર ગાયનું મારણ કર્યું, લોકોએ હાકલા પડકારા કરતા ભાગી ગયો


ભવનાથ દત્ત ચોક સુધી સિંહો આવી જાય છે
ભવનાથ દત્ત ચોક સુધી સિંહો આવી જાય છે

  • મારણ છોડી બીજી ગાયનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો

Divyabhaskar.Com

Mar 08, 2020, 01:01 PM IST

જૂનાગઢ: શિકારની શોધમાં જંગલનો રાજા સિંહના પગરણ હવે શહેર તરફ વળ્યા છે. ગત રાત્રે 12.20 વાગે જૂનાગઢના ભવનાથ દત્ત ચોક નજીક એક સિંહ આવી ચડ્યો હતો. આથી રસ્તા પર રઝળતી ગાયો અને કૂતરાઓમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે, સિંહે એક ગાયનું રસ્તા પર જ મારણ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં સિંહ ગાયનું મારણ કરે છે ત્યારે કૂતરા ભસી રહ્યા છે. આથી તે મારણ છોડી અન્ય એક ગાયની પાછળ દોટ મુકવા તૈયારી કરે છે. પરંતુ લોકોના હાકલા પડકારાથી તે ફરી જંગલ તરફ ભાગી જાય છે.

(સરમન ભજગોતર, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-hunt-cow-in-junagadh-and-this-video-viral-on-social-media-126937675.html

બકરીનો શિકાર કરવા પાછળ દોટ મુકતા સિંહણ કૂવામાં ખાબકી, વન વિભાગે બહાર કાઢી

કૂવામાં ખાટલો ઉતારી સિંહણને બહાર કાઢી
કૂવામાં ખાટલો ઉતારી સિંહણને બહાર કાઢી

  • સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાઇ

Divyabhaskar.Com

Mar 09, 2020, 05:29 PM IST

અમરેલી: ધારીના ડાભાળીજીરા ગામની સીમમાં કૂવામાં સિંહણ ખાબકી હતી. બકરીનો શિકાર કરવા પાછળ દોટ મુકી હતી.દિનેશભાઇ ગોંડલીયા નામના ખેડૂતના ખેતરમાં ઘટના બની હતી. આ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સિંહણને કૂવામાંથી બહાર કાઢવા જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહણને બહાર કાઢી હતી. જો કે, સિંહણ બેભાન હાલતમાં હોય તેને સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

(જયદેવ વરૂ, અંમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-fall-in-well-and-forest-team-take-rescue-operation-near-dhari-126945004.html

ગીર પથંકના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા

Sudden changes in the atmosphere of Gir spmnath rain clouds in the sky, farmers worried

  • ઘઉં, જીરૂ અને બાજરી સહિતના પાકોમાં નુકસાનીની ભીંતિ 

Divyabhaskar.Com

Mar 10, 2020, 01:51 PM IST
ગીર સોમનાથઃ ગીર પથંકના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો છે. આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા છે. જેથી ઘઉં, જીરૂ અને બાજરી સહિતના પાકોમાં નુકસાનીની ભીંતિ સેવાઇ રહી છે. જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે. 
આંબાના મોર ખરી જવાની શક્યતા
જો વરસાદ થાય તો આંબાનો મોર અને મગીયો ખરી જવાની સંભાવના છે. અને કેસર કેરી માર્કેટમાં ઓછ આવી શકે છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકો અને અનાજમાં ઘણું નુકસાન થયું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/somnath/kodinar/news/sudden-changes-in-the-atmosphere-of-gir-spmnath-rain-clouds-in-the-sky-farmers-worried-126948793.html

વનવિભાગ દ્વારા નાકુ બનાવવાને લઈને ગીર ગઢડાના જામવાળા ગામે બંધ પાળ્યો

ગીર સોમનાથના જામવાળા ગામે વનવિભાગના નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરતાં બંધ પાળ્યો છે.
ગીર સોમનાથના જામવાળા ગામે વનવિભાગના નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરતાં બંધ પાળ્યો છે.

  • વન વિભાગના નાકુ બનાવવાના નિર્ણયથી બંધ
  • 150 મીટર આગળ નાકુ બનાવવાની માંગ

Divyabhaskar.Com

Mar 12, 2020, 01:22 PM IST

રાજકોટઃગીર ગઢડાના જામવાળા ગીર ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે.ગામમાં વનવિભાગ દ્વારા નવું નાકુ બનાવવાના વિરોધમાં ગામ લોકોએ બંધ પાળીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગામલોકોની માંગ છે કે, નાકુ 150 મીટર આગળ બનાવવામાં આવે. પરંતુ વનવિભાગ દ્વારા યોગ્ય સહકાર ન અપાતા હોવાના રોષ સાથે ગામ લોકોએ જણાવ્યું હતું કે, અમારી માંગ વનવિભાગ પુરી નહી કરે તો આગામી સમયમાં અનિશ્ચિત કાળ માટે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/somnath/talala/news/taking-the-naku-making-through-the-forest-department-gir-kept-a-close-eye-on-the-jammed-village-of-gadha-126956214.html

ગીરમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન નહીં કરવામાં આવે, ગતિ 50થી ઘટાડી 30 કિમી પ્રતિ કલાક કરી

  • સાંસદ પરિમલ નથવાણીના રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જાણકારી આપવામાં આવી

Divyabhaskar.Com

Mar 13, 2020, 06:50 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકારે આજે પુનઃ ખાતરી આપી છે કે ગીરના જંગલમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન કરવામાં નહીં આવે. સરકારે જણાવ્યું છે કે, વર્ષ 2017-18ના બજેટમાં સમાવિષ્ટ વેરવળ, તલાળા, વિસાવદર ગેજ પરિવર્તન યોજનામાં તલાળા-વિસાવદર મીટર ગેજનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આ યોજના ગીર સંરક્ષિત જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી જંગલ સંબંધિત મુદ્દાઓના કારણે તેને મીટર ગેજ તરીકે જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી આપી હતી.

ટ્રેનની ગતિ ઘટાડીને 30 કિમી પ્રતિ કલાક કરવામાં આવી
મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવે દ્વારા ગીરના સિંહો જેવા લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમ કે, ગીરના જંગલમાં આવેલા તાલાળા-વેરાવળ સ્ટેશનો વચ્ચે ટ્રેનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 30 કિ.મી. કરવામાં આવી છે. જેથી જંગલના પ્રાણીઓ જ્યારે ટ્રેક પરથી પસાર થાય ત્યારે ટ્રેનને થોભાવી શકાય. એ ઉપરાંત વન વિભાગ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને રેલવે ટ્રેક નજીક સિંહોના આવાગમન અંગે જાણકારી મેળવીને ટ્રેનોનું ગતિ નિયંત્રણ રાખીશકાય અને એન્જિન ડ્રાઇવરો આ મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત અને સચેત બને તે માટે જાણકારી આપી શકાય.

નથવાણીએ રાજ્યસભામાં સિંહના જોખમનો પ્રશ્ન પૂછ્યો હતો
નથવાણીએ રાજ્યસભામાં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, તાલાળા અને વિસાવદર વચ્ચેના 72 કિમીના ગીર જંગલમાંથી પસાર થતા ટ્રેકના ગેજ પરિવર્તનના કારણે એશિયાઈ સિંહો પર કોઈ જોખમ ઊભું થશે કે કેમ? ઉપરાંત ગીરના સિંહો અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિને ધ્યાનમાં રાખીને સરકાર આ મીટર ગેજ રેલવે લાઇનને હેરિટેજ રેલવે લાઇન તરીકે જાળવવા માગે છે કે કેમ? ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓના રેલવે ટ્રેક પર થતાં મૃત્યુને અટકાવવા માટે રેલવે દ્વારા લેવાયેલા પગલાં અંગે તેમણે પણ પૃચ્છા કરી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-gauge-of-railway-tracks-passing-through-gir-will-not-be-changed-speed-reduced-from-50-to-30-km-per-hour-126964224.html

ઉના-તુલસીશ્યામ રોડ પર વનના રાજાની લટાર, વીડિયો વાઇરલ

  • વાહનચાલકોને સિંહદર્શનનો લાભ મળી જતા દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા

દિવ્ય ભાસ્કર

Mar 14, 2020, 10:43 AM IST

ગીરસોમનાથ: ઉના- તુલસીશ્યામ રોડ પર વનના રાજાની લટાર વીડિયોમાં કેદ થઇ છે. ડાલામથો સિંહ રાત્રી દરમિયાન રોડ પર લટાર મારવા આવી ચડ્યો હતો. વાહનચાલકોને સિંહદર્શનનો લાભ મળી જતા દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ રસ્તા પર અવારનવાર સિંહો લટાર મારતા જોવા મળે છે. વીડિયોમાં વનરાજ આગળ ચાલી રહ્યો છે અને પાછળ વાહનો ચાલતા નજરે પડે છે.

(જયેશ ગોંધિયા, ઉના) 
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-run-on-road-of-una-to-tulasishyam-126971416.html

સૈયદ રાજપરામાં બાવળના જંગલમાં ભીષણ આગ લાગી, ફાયર ફાઇટર ઘટનાસ્થળે

  • થોડા સમય પહેલા આ જંગલમાં સિંહ-સિંહણ જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 03:45 PM IST

ઉના: ઉનાના સીમર અને સૈયદ રાજપરા ગામ વચ્ચે આવેલા બાવળના જંગલમાં ભીષણ આગ લાગી છે. આગ જંગલમાં દૂર સુધી પ્રસરી છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. થોડા સમય પહેલા આ જંગલમાં સિંહ અને સિંહણ પણ જોવા મળ્યા હતા. જો કે, સિંહ-સિંહણ આ જંગલ છોડીને જતા રહ્યા હોય તેવું પણ બની શકે. નહીંતર તેમના પર જીવનું જોખમ મંડરાઇ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી છે. તેમજ વન વિભાગ પણ દોડી ગયું છે.

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/fire-in-forest-in-saiyad-rajapara-village-of-una-126979158.html

ચતુરી ગામમાં બાળકો ઘરમાં હતા અને દીપડો ઘૂસતા અફરાતફરી મચી, 2 કલાકના રેસ્ક્યુ બાદ પાંજરે પૂરાયો

દીપડાને દોરડાથી બાંધી બહાર કાઢવામાં આવ્યો હતો
દીપડાને દોરડાથી બાંધી બહાર કાઢવામાં આવ્યો હતો

  • દીપડો પાંજરે પૂરાતા ગામના લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 05:18 PM IST

ખાંભા: ખાંભાના ચતુરી ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો. ગામના ભીખુભાઇ જાજડાના ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. ઘરમાં નાના બાળકો રમી રહ્યા હતા અને અચાનક દીપડો આવી ચડતા બાળકોએ ચીંસાચીંસ કરી મુકી હતી. આજુબાજુના ઘરોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. બાદમાં ઘરના સભ્યો અને બાળકોને સલામત રીતે બહાર નીકળ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે કલાકની મહેનત બાદ દીપડાને પાંજરે
પૂર્યો હતો. દીપડો પાંજરે પૂરાતા ગામના લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડાને દોરડાથી બહાર કઢાયો

વન વિભાગને ટ્રેકર દ્વારા દીપડાને પહેલા બેભાન કરી દેવામાં આવ્યો હતો. બાદમાં દોરડું બાંધી દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. પહેલા દીપડો પટારા પર આરામ કરી રહ્યો હતો. બાદમાં લોકોની ચીચીયારીથી ઉશ્કેરાયો હતો. આથી દીપડાને પાંજરે પૂરવો મુશ્કેલ બન્યો હતો. જો કે, વન વિભાગને સરાહનીય કામગીરીથી દીપડો પાંજરે પૂરાયો હતો.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leaopard-come-in-home-at-chaturi-village-of-khanbha-126979209.html

સિંહણે બે માસના સિંહબાળને ત્યજ્યું, હિમોગ્લોબીન ઘટતા ઝૂમાં લાવ્યા હતા, સ્વસ્થ થતા માતા પાસે મુક્યું તો તરછોડ્યું

  • 2.3 ટકા હિમોગ્લોબીન હોય બચ્ચાનું રેસ્ક્યુ કરી સક્કરબાગમાં લાવી સારવાર આપવામાં આવી હતી
  • સિંહબાળનું નામ ખ્યાતિ રાખવામાં આવ્યું, ઉત્તર ડુંગર રેન્જના ખડિયા રાઉન્ડ પાસે આ બચ્ચું વિખૂટું પડ્યું હતું

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 10:29 AM IST

જૂનાગઢ: માનવીની જીંદગી માટે જે રીતે 108 આશીર્વાદરૂપ થઇ છે એ જ રીતે ગિરના સિંહોને બચાવવા ખાસ લાયન્સ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઇ છે. આ એમ્બ્યુલન્સે થોડા વખત પહેલાં જૂનાગઢના ખડિયા નજીકના જંગલમાંથી 2 માસના બિમાર સિંહણબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે સક્કરબાગ ઝૂ લાવવામાં આવ્યું હતું. તેને સારવાર આપ્યા બાદ ફરી માતા સાથે મિલન કરાવવા ગિરનારના જંગલમાં છોડ્યું. પણ સિંહણે તેને સ્વીકાર્યું જ નહીં. આથી તેને ફરી સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવ્યું. આ સિંહબાળ અત્યારે 11 માસનું થઇ ગયું છે. અને તેની સંભાળ ઝૂમાં જ થઇ રહી છે.

15 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી

સામાન્ય રીતે સિંહણ તેના બચ્ચાને તરછોડતી નથી. પરંતુ 2-3 બચ્ચામાંથી એક જો બિમાર હોય તો તેની સંભાળ તે ઓછી રાખે છે. જેના કારણે બિમાર બચ્ચું વિખૂટું પડી જાય છે. ગત જૂન 2019ના દિવસે ઉત્તર ડુંગર રેન્જના ખડિયા રાઉન્ડ પાસે આ બચ્ચું વિખૂટું પડ્યાની જાણ થયા બાદ સક્કરબાગના વેટરનરી ડોક્ટર સાથેની ટીમે તેનું રેસ્ક્યુ કરી સારવાર માટે સક્કરબાગ લાવી હતી. તેનામાં હિમોગ્લોબીન ઓછું હોવાને કારણે 15 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. 15 દિવસ બાદ ફરી તેની માતા સાથે મિલન કરાવવા જંગલમાં છોડ્યું તો માતા તેની પાસે આવી જ નહીં. અને બચ્ચાનો સ્વીકાર જ ન ર્ક્યો. હવે જો કે, આ બચ્ચું તંદુરસ્ત છે.

ઝૂમાં નામ મળ્યું ખ્યાતિ

જંગલના જે તે રાઉન્ડ અને વિસ્તારમાંથી સિંહનું બચ્ચું મળી આવે તેના પ્રથમ અક્ષર પરથી તેનું નામ રાખવામાં આવે. ખડિયાથી મળ્યું હોવાથી તેનું નામ ખ્યાતિ રખાયું છે. ત્યારબાદ તેના બચ્ચાના નામો પણ માતાના નામના પ્રથમ અક્ષર પરથી રખાય છે. જેથી તેના બ્રિડીંગ વખતે વંશવેલાનો ખ્યાલ આવે. -ડો.આર. એફ. કડીવાલ, વેટરનરી તબીબ

2.3 ટકા હિમોગ્લોબીન હોય સારવાર અપાઇ

2.3 ટકા હિમોગ્લોબીન હોય સારવાર અપાઇ જે બચ્ચાનું રેસ્ક્યુ કરી સક્કરબાગમાં લાવવામાં આવ્યું હતું. 2.3 ટકાથી પણ હિમોગ્લોબીન ઓછું હતું. આથી તેને તાત્કાલીક સારવાર માટે સક્કરબાગ ઝૂમાં લઇ આવવામાં આવ્યું અને 15 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. એમ ઝૂના સુત્રોએ જણાવ્યું હતું.

સિંહ માટે પણ 108 જેવીજ એમ્બ્યુલન્સ

સક્કરબાગ ઝૂ પાસે લાયન એમ્બ્યુલન્સ છે. જેમાં સ્વયં સંચાલિત પાંજરૂ, એનેસ્થેસિયા મશીન, માઇક્રોસ્કોપ, તમામ પ્રકારની ઇમરજન્સી મેડીસીન, ઓક્સિજન સપ્લાય, પોર્ટબલ બ્લડ એનેલાઇઝર, રેપિડ ડિસીઝ ડાયેગ્નોસ્ટીક કીટ્સથી સજ્જ કરવામાં આવી છે. વન્ય પ્રાણીને સ્થળ પર સારવાર મળે છે.

(સરમન ભજગોતર, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-month-old-lion-cub-leave-from-her-mother-lioness-in-junagadh-126985852.html

સોઢાયા ગામે વાડીમાં કામ કરી રહેલા યુવાન પર સિંહે હુમલો કર્યો, પરિવારજનો આવી જતા બચી ગયો

  • ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે કોડીનાર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો 

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 11:27 AM IST

ગીરસોમનાથ: કોડીનારના સોઢાયા ગામે સિંહે રામભાઇ રાજાભાઇ ભેડા નામના યુવાન પર હુમલો કર્યો હતો. યુવાન પોતાની વાડી વહેલી સવારે ખેતરમાં કામ કરી રહ્યો હતો. આ સમયે સિંહે અચાનક જ તેના પર હુમલો કરી દીધો હતો. સદનસીબે ઘરના સભ્યો આવી હાકલા પડકારા કરી સિંહને ખદેડી મુકતા યુવાનનો જીવ બચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ રામભાઇને સારવાર માટે કોડીનાર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. હુમલો કરનાર સિંહને શોધખોળ હાથ ધરી છે. સિંહ દ્વારા માનવીઓ પર થતા હુમલા વધી રહ્યા છે. સોઢાયા ગામમાં સિંહના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lione-attack-on-young-man-in-sodhaya-village-of-kodinar-126986261.html

સ્વાગત નહીં કરોગે હમારા... સાસણગીરના જંગલમાં સિંહણે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 05:04 AM IST
જૂનાગઢઃ બે વર્ષમાં 266 સિંહોનાં મોતને જોતા ગીરની આસપાસના જંગલોમાંથી એક ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. સાસણ ગીરમાં ત્રણ બચ્ચાંઓનો જન્મ થયો છે. ફોટો જર્નાલિસ્ટ પ્રવીણ ઇંદ્રેકરે આ બચ્ચાંઓની આ સુંદર તસવીરને કેમેરામાં ક્લિક કરી છે. એક સિંહણ પોતાના 3 બચ્ચાઓની ખૂબજ કાળજી લઈ રહી છે,તે સમયસર પોતાના બચ્ચાંઓને દૂધ પીવડાવે છે અને બળબળતા તાપથી બચવા છાંયડામાં આરામ કરે છે,ગીરના રેન્જરો પણ તેની સતત કાળજી લઈ રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/wont-you-welcome-us-three-cubs-were-born-in-the-forest-of-sassanigar-126994294.html

નાના વિસાવદરમાં ખેડૂત પર સિંહણે હુમલો કર્યો


સિંહણના હુમલામાં ઘાયલ ખેડૂત.
સિંહણના હુમલામાં ઘાયલ ખેડૂત.

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 11:06 PM IST
અમરેલી: ખાંભાના નાના વિસાવદરના ખેડૂત પર સિંહણે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. નાના વિસાવદરના ખેડૂત સંદીપભાઈ પરષોત્તમભાઈ ફીણવીયા પોતાની વાડીમાં મકાઈ કપાતા હતા ત્યારે પાછળથી સિંહણે હુમલો કર્યો હતો.જેમાં પીઠના પાછળના ભાગે સિંહણે પંજો માર્યો તેમજ હાથમાં બે દાંત બેસાડી દીધા હતાં. યુવાન ખેડૂતને ખાંભા સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યો છે. 

ધારી અને ખાંભા પંથકમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ, નદી-નાળા વહેતા થયા, કેરીના પાકને નુકસાન

  • ખેડૂતોના ખેતરમાં જીરૂ, ઘઉં, ચણાનો તૈયાર પાક પલળ્યો

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 06:23 PM IST

ખાંભા: 23 માર્ચે બપોર બાદ ખાંભા અને ધારી પંથકના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. એક તરફ કોરોના વાઇરસની મહામારી છે તો બીજી તરફ વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. ધારીના ફાચરીયા, ગોવિંદપુર, નાગધ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ધારી ઉપરાંત ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ધારીના ગોવિંદપુર, કુબડા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા વહેતા થઇ ગયા હતા.

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના ખેતરમાં જીરૂ, ઘઉં, ચણાનો તૈયાર થયેલા પાક પર વરસાદ પડ્યો હોવાથી તેને પણ નુકસાન પહોંચ્યું છે. ઉનાળુ મગફળી, તલ અને આંબામાં આવેલા મોર અને ખાખડીને પણ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/rain-fall-in-khanbha-and-dhari-area-127035153.html

સાવરકુંડલા રેન્જના સીમરણ ગામમાં વાડીમાં સૂતેલા 2 વર્ષના બાળકને દિપડાએ ફાડી ખાધો

  • વન વિભાગને ટીમ ઘટનાસ્થળે પહોંચી દીપડાની શોધખોળ હાથ ધરી

દિવ્ય ભાસ્કર

Mar 29, 2020, 12:58 PM IST

અમરેલી: ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના સીમરણ ગામે મધ્યપ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરી રહ્યો છે. સુરેશ મનસુખભાઇ લીંબાસીયાની વાડીએ પરિવાર ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગત રાત્રે પરિવારનો બે વર્ષ બાળક વિપુલ પીદુભાઇ બંગડીયા સૂતો હતો. ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેને ઉઠાવ્યો હતો અને ફાડી
ખાધો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. 

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lepard-attack-on-2-year-old-boy-so-his-death-near-savarkundala-127070654.html