Thursday, June 3, 2010

મંગળવારથી બિગ બી ચાર દિવસ માટે ગીર-સોમનાથમાં.


May 29,2010
જૂનાગઢ, તા.૨૮
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા બિગ બી ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે આગામી મંગળવારથી જૂનાગઢ જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે. ગિર જંગલ અને સોમનાથમાં ચારેક દિવસ સુધી તેઓનું રોકાણ થશે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગિર જંગલના બે રૃટ પર અમિતાબ માટે સિંહોનું લોકેશન પણ અત્યારથી જ મેળવાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલી ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે અત્યારે સુપરસ્ટાર અમિતાબ બચ્ચન ભુજમાં છે. આગામી તા.૧ ને મંગળવારના રોજ તેઓ હવાઈ માર્ગે જૂનાગઢ જિલ્લામાં કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને ત્યાંથી સીધા જ મોટર માર્ગે સાસણ ખાતે પહોંચશે. પ્રથમ દિવસે સિંહસદનમાં આરામ કર્યા બાદ તેઓ તા.ર ના રોજ શૂટિંગ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગિર જંગલમાં રૃટ નં.ર અને ૬ બિગ બી માટે પસંદ કરવામાં આવ્યા છે. રૃટ નં.૬ માં અત્યારે ૩પ જેટલા સિંહો વસવાટ કરે છે. જ્યારે રૃટ નં.ર પર ૧૦ સિંહોનો પરિવાર વસવાટ કરે છે. અત્યારથી વનવિભાગ દ્વારા લોકેશન ગોઠવાઈ રહ્યું છે.
બે દિવસ સુધી સાસણમાં રોકાણ કર્યા બાદ તેઓ તા.૩ ના રોજ સોમનાથ ખાતે જશે. અને અહીં બે દિવસનું રોકાણ કરી વિવિધ સ્થળોએ શૂટિંગ કરશે. જૂનાગઢ કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સત્તાવાર રીતે ચાર દિવસનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમા માત્ર ગિર અને સોમનાથનો સમાવેશ થાય છે. બન્ને સ્થળોએ અમિતાબ બે-બે દિવસનું રોકાણ કરશે. દરમિયાનમાં સૂત્રોના કહેવા પ્રમાણે આજે કલેક્ટરે સાસણ ખાતે રૃબરૃ જઈને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
ધૂળની ડમરીના કારણે બચ્ચનને શ્વાસોચ્છ્વાસની તકલીફ થવાની શક્યતા
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને ગુજરાત ટુરિઝમની એડ. માટે હાલમાં કચ્છ આવેલા હિંદી ફિલ્મ જગતના શહેનશાહ અમિતાભ બચ્ચનના આગમનના કારણે સરકારી તંત્રમાં ચહલ-પહલ પ્રસરી ગઈ છે. હાલ આ સમયગાળામાં કચ્છમાં એડ. શૂટિંગ કેમ ગોઠવવામાં આવ્યું તે પ્રશ્ન જાણકાર લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. કેમ કે, હાલ, કચ્છના રણમાં ધૂળની ભયંકર ડમરી ઊડી રહી છે. ક્યારેક ઝીરો ટકા વિઝિબિલિટી થઈ જાય છે, ત્યારે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, આ સ્થિતિમાં કોઈ પણ અસ્થમાના પેશન્ટને શ્વાસોચ્છ્વાસની તકલીફ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પણ અસ્થામાના રોગી છે ત્યારે તેમને કોઈ તકલીફ ન થાય તે માટે તબીબો સહિતની વ્યસ્વસ્થા રાખવામાં આવી છે.
ઐતિહાસિક ધરોહર જૂનાગઢ અને ગિરનાર વિસરાયો
દેશના ટોચના સુપરસ્ટાર અમિતાબ બચ્ચન ગુજરાતની ડોક્યુમેન્ટરી માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે આ શૂટિંગમાં ઐતિહાસિક ધરોહર સમાન જૂનાગઢ અને ગિરનાર જંગલ વિસરાઈ ગયા હોવાનો વસવસો પ્રજાજનો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં એક માત્ર જૂનાગઢના ઉપરકોટમાં જૂના રજવાડાનો કિલ્લો અકબંધ છે. તથા આ ઉપરાંત અનેક ઐતિહાસિક ઈમારતોનો વારસો જૂનાગઢમાં છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ધરેણા સમાન ગિરનાર પર્વત પણ હોવાથી અમિતાબ જ્યારે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરવાની જરૃર હોવાનું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=190521 

No comments: