Saturday, June 19, 2010

સિંહણને પામવા ખૂંખાર જંગ ખેલાયો હતો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:40(19/06/10
 ઘાયલ સાવજોની સારવારમાં બેદરકારી
ઇન ફાઇટમાં ઘાયલ થયેલા સિંહના ઘા રૂઝાઈ ગયા હશેની વનવિભાગની વાહિયાત દલીલો
ગીર પૂર્વની હડાળા રેન્જમાં એક પખવાડિયા પહેલાં સિંહણને પામવાની લહાયમાં બે સિંહો વચ્ચે જંગ જામતા બન્ને ઘાયલ થઈ ગયા બાદ જંગલાખાતાને આ સિંહને પકડી સારવાર કરવામાં સરિયામ નિષ્ફળતા સાંપડી છે. બલકે બન્ને સિંહોના ઘાવ રૂઝાઈ જશે તેવી દલીલ સાથે તેને પકડવાના પ્રયત્નો પણ પડતા મુક્યા છે.
એક બાજુ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે. બીજી તરફ જંગલખાતાના કર્મચારીઓની નિષ્ફળતા સિંહોના અસ્તિત્વ પર ખતરો ઊભી કરી રહી છે. ગીર પૂર્વમાં બે ઘાયલ સિંહો હાલ ભગવાન ભરોસે છે. ગીર પૂર્વની હડાળા રેન્જમાં એક પખવાડિયા પહેલાં સિંહણ સાથે સંવનન માટે બે ડાલામથ્થા વચ્ચે ખૂંખાર જંગ જામ્યો હતો.
આ લડાઈ એટલી આક્રમક અને ઘાતક હતી કે બન્ને સિંહ ઘાયલ થઈ ગયા હતા. એક સિંહને મોઢા પર ઈજા પહોંચી હતી. જ્યારે બીજાને પાછલા પગ પર ઈજા થઈ હતી.
ઘટનાની જાણ થતાં જંગલ ખાતાના સ્ટાફ દ્વારા સિંહોનું લોકેશન મેળવવા અને તેની સારવાર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ એક પખવાડિયાની મહેનત પછી પણ જંગલ ખાતાને આ બે સિંહોને પકડવામાં સફળતા મળી નથી.
અંદરના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સિંહોનું લોકેશન મેળવવામાં પણ કામિયાબી મળી નથી ત્યારે તેમની સારવાર કરવાની વાત તો બાજુએ રહી હવે જંગલખાતા દ્વારા સિંહોના ઘાવ કુદરતી રીતે રૂઝાઈ જશે તેવી આશાએ તેને પકડવાના પ્રયાસો પડતા મુકાયા હોવાનું જાણવા મળેલ છે.
ચોમાસામાં નાનો ઘાવ પણ જીવલેણ નિવડે શકે
સિંહ જેવા જંગલી પ્રાણી માટે ચોમાસામાં નાનો ઘાવ પણ જીવલેણ નિવડી શકે છે. જો બન્ને સિંહોના ઘાવ રૂઝાયા નહીં હોય તો વરસાદના કારણે આ ઘાવ વકરશે. સામાન્ય રીતે ચોમાસામાં સિંહોના ઘાવ રૂઝાતા નથી ત્યારે આ કિસ્સામાં વિશેષ તકેદારીની જરૂર છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-injured-lion-have-no-treatment-1072791.html

No comments: