Jun 02,2010
જૂનાગઢ તા.૨ :
ગુજરાત પ્રવાસનને પ્રોત્સાહિત કરવાના ભાગરૃપે તૈયાર થઇ રહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ખુશ્બૂ ગુજરાત કી’ના બ્રાન્ડ એમ્બેસેડર અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાસણ ગીરમાં શૂટિંગ કરા રહ્યાં છે. એશિયન સિંહોને જોઇ બોલિલૂડના ખ્યાતનામ કલાકાર અમિતાભ અભિભુત થઇ ઉઠયા હતા. જોકે,અમિતાભ બચ્ચનને ગીર વિશે પૂરતી માહિતી જ નથી પરિણામે તેમણે પોતાના બ્લોગ પર પણ ભાંગરો વાટયો છે અને લખ્યું છે કે, ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ ખસેડયા હતાં. જ્યાં તેમની સારી માવજત થઇ શકે, પણ કોઇક કારણોસર ત્યાંનું વાતાવરણ સિંહો માટે અનુકુળ નથી. પરિણામે, સિંહોને ગુજરાત પરત લવાયા છે, મને ખબર નથી કે, સિંહોને કેમ પરત લવાયા પણ સિંહો અત્યારે ગીરના જંગલોમાં મોજ માણી રહ્યાં છે. સિંહોના અસ્તિત્વ માટે હાલમાં બે જ પ્રદેશો છે.એક આફ્રિકા અને બીજું ભારત.સાસણ ગીરના શૂટિંગ વિશે અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, દીવથી અમે બે કલાકમાં ગીર પહોંચ્યા.અહીં થોડાક દિવસ શૂટિંગ કર્યાં બાદ અને સોમનાથ મંદિરે જઇશું.
ગીર પહોંચ્યાં બાદ અમે થોડાક આરામ કર્યો અને જંગલમાં પ્રવેશ કર્યો. સિંહની શોધ કરવાની હતી એટલે અમે જંગલ વિસ્તાર છોડીને થોડાક સૂકા પ્રદેશમાં ગયા. અમારી ગાડીના આગળના ભાગે સિંહોનું પગેરું શોધનાર જાણકારોની ટુકડી જઇ રહી ત્યારે જ એક જાણકારે અમને સંકેત કર્યો કે, આટલા જ સિંહો હોવા જોઇએ. સિંહોને ઘોંઘાટથી નફરત છે તેવું જાણીને અમે તરત જ ગાડીમાંથી કેટલાંક લોકોને ઉતારી દીધા અને અમે જૂજ લોકો જ જંગલમાં સાવધાનીપૂર્વક આગળ વધ્યા.
અમિતાભે ગીરના જંગલમાં ચાલી રહેલાં શૂટિંગની વાતોનો રસપ્રદ અનુભવ વર્ણવતાં બ્લોગમાં લખ્યું કે, જંગલમાં જઇ રહ્યાં હતાં કે, અચાનક જ અમે થંભી ગયાં. પગેરુંના જાણકારે અમને ઇશારો કર્યો કે, સિંહ સામે છે પરિણામે કેમેરા સહિતના સાધનો તૈયાર કરી દીધાં. મેં ઝાડીમાં જોયું ત્યારે મને કંઈ સ્પષ્ટ દેખાયું નહીં એવા એક અન્ય જાંબાઝે મને ઇશારો કરીને આગળ આવવા જણાવ્યું પણ મને મનમાં થયું કે જીપમાંથી ઉતરીને આગળ વધવું કેટલું સલામતભર્યું છે. ઉત્સાહભેર સિંહ તરફ ઇશારો કરીને પગેરુંના જાણકારે મને કહ્યું કે, જુઓ,ત્યાં સિંહ બેઠાં છે.મેં જોયું કે, ત્રણ સિંહણો ગરમીથી બચવા વૃક્ષોની છાયાંમાં જાણે હાંફતી હોય તેમ બેઠી હતી.અમે તો સિંહણોથી ૩૦ ફૂટ દૂર હતાં પણ ફોરેસ્ટના જવાનો તો સિંહણથી માત્ર ૧૫ ફૂટના અંતરે જ હતા. એવા એક ફોરેસ્ટના જવાને મને કહ્યું કે,તમારે સિંહના બચ્ચાં જોવા હોય તો આગળ આવો પણ મેં તેને ના પાડી દીધી.
જોકે,તેઓ એવું સમજ્યા કે, મારે તેમની મદદની જરૃર છે પણ મેં હાથ હલાવતાં જવાનો મારી વાતને સમજી ગયા. આજની અમારી ગીરની સવારી પુરી થઇ અને આવતીકાલે ફરી અહીં આવીશું. હું જાણું છુ ત્યાં સુધી ગુજરાતમાં સિહોની સંખ્યા ૪૧૧ છે અને તાજેતરમાં થયેલી ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધી છે જે ગુજરાત માટે આનંદની વાત છે.
અમિતાભને મળવા ચાહક સાડા ૩ કિ.મી ચાલી જંગલમાં ઘૂસ્યો
જૂનાગઢ, તા.૨ : સુપરસ્ટર અમિતાભને મળવા માટે આજે સવારે કોડીનારના સીંધાજ ગામનો હિતેષ ભગવાનજી અજાબીયા નામનો યુવાન ખેતરોમાં થઈને ગિર જંગલના ભાલછેલ રાઉન્ડમાં આવેલ રાયડી વિસ્તાર સુધી સાડા ત્રણ કિ.મી. ચાલીને પહોંચી ગયો હતો. વનવિભાગનો સ્ટાફ તેને જોઈ જતા ધમકાવીને કાઢી મૂક્યો હતો. પરંતુ થોડે દુર ફરીને આ યુવાન ફરી વખત જંગલમાં પ્રવેશ્યો હતો. જો કે તેની ઈચ્છા પુરી થાય તે પહેલા જ તે ફરી વખત વનવિભાગના હાથે ઝડપાઈ ગયો હતો. અમિતાભનો કાફલો અહીથી દોઢેક કિ.મી. દૂર હતો. અને આ યુવાન ત્યાં પહોંચવા માગતો હતો. બીજી વખત પકડાયેલા આ યુવાનને આર.એફ.ઓ. આઈ.એમ.કુરેશીએ દંડ ફટકારી છોડી મૂક્યો હતો.
હિરણના કાંઠે અમિતાભને જોવા ભીડ, પોલીસે લાઠીઓ ઉગામી
જૂનાગઢ : આજે સવારે બરાબર ૬ વાગ્યે અમિતાભ બચ્ચન કાફલા સાથે સિંહ સદનમાંથી ગિર જંગલમાં જવા માટે રવાના થઈ ગયા હતાં. સાસણ નાકા ખાતેથી આખો કાફલો અંદર પ્રવેશ્યો હતો. તથા ગિર જંગલના કમલેશ્વર ડેમ વિસ્તારમાં શૂટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાળામાં એક નર સિંહ પાણી પીતો હોવાથી આશરે ૧પ મિનિટ જેટલા સમય માટેનું શૂટીંગ શક્ય બન્યું હતું. બાદમાં અમિતાભે લાંબા સમય સુધી સિંહ સદનમાં આરામ કર્યો હતો. બપોર બાદ મેંદરડા રોડ પર હિરણનદીના કાંઠે એડ્ ફિલ્મના શૂટીંગનો સેટ ગોઠવવામાં આવ્યો હતો. અને તેની ખબર પડતા જ અહી મોટા પ્રમાણમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. બીગ બી ને જોવા માટે લોકોએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ તેઓ આવતા જ તેને જોવા માટે થોડી ધક્કામૂક્કી થઈ હતી. પરિણામે હાજર પોલીસે લાઠીઓ ઉગામવી પડી હતી.
જો કે લોકોએ થોડી વારમાં સ્વયંશિસ્તમાં આવી જતા પોલીસે બળપ્રયોગની જરૃર પડી નહોતી. અને શાંતિપૂર્ણ શૂટીંગ થયું હતું. આશરે સવા કલાક જેટલા સમય માટે બીગ બી અહી રોકાયા ત્યાં સુધી તેમના સેંકડો ચાહકોએ મન ભરીને તેઓને નિહાળ્યા હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191663
No comments:
Post a Comment