Source: Bhaskar News, Amreli | Last Updated 12:56 AM [IST](09/06/2011)
- બે એકર જમીનમાં વર્ષે ૮૦૦ મણ કેરી પકાવે છે
ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ તેમના આંબાવડીયામાં વિવિધ પ્રકારની જાતોની કેરીઓ ઉછેરી છે અને કેરીની સ્પર્ધાઓમાં અનેક ઈનામો પ્રાપ્ત કર્યા છે.
અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો કૃષિક્ષેત્રે અનેકવિધ નવતર પ્રયોગો કરી કૃષિક્ષેત્રે વિકાસ સાધી રહ્યાં છે. ઉકાભાઈએ તેમના આંબાવડીયામાં આમ્રપાલી, દશેરી, શ્રાવણિયો, બનારસી, બંગડો, નાયલોન, નાળિયેરી, કેપ્ટન, લીલેશાન, બાટલી, તોતાપુરી અને કેસર જેવી જાતો ઉછેરી છે.
રેસા વિહીન, સ્વાદે મીઠી, ધાટી કેસરી અને વધુ ફાલ આપતી આમ્રપાલી જાત ઉતર પ્રદેશની જાન છે તો દશેરી અને બનારસી લંગડો મીઠી હોય છે. આ બધી યુ.પી.ની કેરીઓ છે. જ્યારે લીલેશાન મહારાષ્ટ્રની છે જે ખાવામાં અને અથાણા બંનેમાં અનુકુળ છે.
સૌરાષ્ટ્રની દેશી કેરી એવી શ્રાવણિયો જે શ્રાવણમાસમાં પાકે છે જે કાચી અથાણામાં પણ ચાલે અને પાકી સ્વાદે મીઠી થાય છે. સૌરાષ્ટ્રની જ જાતોમાં નાળિયેરી, સ્પેશ્યલ રસની કેરી છે અને પળ મોટુ હોય છે, જ્યારે કેપ્ટનનો મુરબ્બા અને છુંદામાં ઉપયોગ થાય છે.
ઉકાભાઈએ કેરીમાં અનેક અખતરાને અંતે પાયલોટ જાત વિકસાવી છે જેનુ ફળ એકદમ મોટુ બે થી અઢી કિલોનું અને પાંચેક કિલોનું ફળ વિકસાવવા તેઓ પ્રયત્નશીલ છે.
ઉકાભાઈ આંબાવડીયા મય બની સવારથી ઘરેથી ટીફીન લઈને તેમની વાડીએ આવી સખત પરિશ્રમ કરી આંબાવડીયાઓનું જતન કરે છે ઉકાભાઈ માત્ર બે એકર જમીનમાં કેરીનું વાર્ષિક ૭૦૦ થી ૮૦૦ મણ કેરીનો પાક લે છે.
વધુમાં પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને પણ બાગાયત ખેતી કરવા તરફ ભલામણ કરતા ઉકાભાઈએ જણાવ્યું હતું કે, એકવાર બગીચાના ઉછેર કર્યા બાદ માત્ર તેની માવજત કરી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. પરંપરાગત ખેતીની માફક દર વર્ષે બિયારણ, ખેતર ખેડવાની કે અન્ય વધુ ખર્ચની આવશ્યકતાઓ રહેતી નથી. પોતાના આંબાવાડિયામાં દેશી ખાતર જ વાપરવાનું અને વિલાયતી દવાનો બિલકુલ પ્રયોગ ન કરી જે તે કેરીના અસલ સ્વાદ સુંગધને ઉકાભાઈએ બરકરાર રાખી છે. કેસરના ૧૩૦ અને અન્ય મળી અંદાજે ૧૫૦ જેટલા આંબાનો બગીચો ધરાવતા ઉકાભાઈના આંબાવડીયા બાગમાં બીલ્લી, રાવણા, લીંબુ, બીજેરા, નાળિયેરી, સરઘવો, કરમદાના પણ વૃક્ષો છે.
કેરીની સ્પર્ધાઓમાં પ્રથમ, દ્રિતીય ઈનામો મેળવ્યાં -
ઉકાભાઈએ ઈ.સ.૨૦૦૦માં રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી કેરીની સ્પર્ધામાં કેસર કેરી માટે પ્રથમ ઈનામ અને આમ્રપાલી જાત માટે દ્રિતીય ઈનામ પ્રાપ્ત કર્યું હતું વર્ષ ૨૦૦૩માં આમ્રપાલી માટે પ્રથમ ઈનામ અને ૨૦૦૬માં અન્ય જાતોની કેરીઓ માટે તૃતિય નંબર મેળવ્યો હતો.
આંબાવડીયાનો નાશ ન કરવા ખેડૂતોને અનુરોધ -
કેસર કેરીની સોડમે વિદેશમાં પણ ઘેલુ લગાડ્યું હોય ત્યારે એનો નાશ કરીને આપણે બીજી ખેતી તરફ વળવાનું કેમ પાલવે ? કૃષિ યુનિવર્સિટી દ્વારા અધ્યતન તાલીમ આપવામાં આવે તો ખેડૂતોએ તેનો લાભ બદલાતા સમયે લેવા ઉકાભાઈએ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-progressive-farmer-cultivate-12-type-of-mango-near-amreli-2171364.html
No comments:
Post a Comment