- પ્રાણીઓમાં પણ ‘જોરું’ કજિયાનું છોરું!
કામાતુર સિંહણને પામવા જ્યારે બે ડાલામથ્થા સાવજો વચ્ચે ખૂંખાર જંગ ખેલાય ત્યારે ગીર પણ ધ્રુજી ઉઠે છે. જીવસટોસટનો આવો એક જંગ ગીર પૂર્વમાં હડાળા નેસ નજીક બે સાવજો વચ્ચે ખેલાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક સાવજે તરફડીને જીવ છોડી દીધો હતો. જ્યારે વિજેતા સિંહ સિંહણને લઈ સંવનન માટે ચાલી નિકળ્યો હતો.
જંગલનાં કાયદાઓ ક્રુર અને અનોખા હોય છે. અહિં માદાને પામવા માટે શકિતશાળી અને સર્વશ્રેષ્ઠ હોવું જરૂરી છે. પોતાની આ શ્રેષ્ઠતા માદાની સામે જ સાબિત કરવી પડે છે. તેમાં પણ માદાને પામવા જ્યારે બે સબળ દાવેદારો સામે આવે છે ત્યારે લડાઈ અચુક થવાની. આવી લડાઈ જ્યારે સાવજો વચ્ચે થાય ત્યારે બંનેમાંથી એકે પાછા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. ગંભીર ઈજા કે એકનું મોત જ બીજાને વિજેતા બનાવી શકે છે.
ગીર પૂર્વની હડાળા રેન્જમાં શુક્રવારની સાંજે બે ડાલામથ્થા સાવજ વચ્ચે એક સિંહણને પામવા માટે ખૂંખાર લડાઈ થઈ હતી. હડાળા નેસ નજીક જામવાળી વિસ્તારમાં કામાતુર સિંહણને મેળવવા બંને સાવજો જીવ સટોસટની બાજી પર આવી ગયા હતાં. જ્યાં એક કદાવર સાવજે આશરે પાંચ વર્ષની ઉમરના યુવાસિંહને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. દાંત અને ન્હોર વડે તેણે યુવા સિંહના શરીરને લોહી લુહાણ કરી દીધું હતું.
પરાજીત ઘાયલ સિંહને પડતો મૂકી સિંહ-સિંહણ સંવનન માટે ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતાં. જ્યારે પીડાથી કણસતો સાવજ ધૂળમાં તરફડીયા મારતો રહ્યો હતો. અને આખરે દમ તોડી દીધો હતો. પેટ્રોલીંગ દરમ્યાન જંગલખાતાનાં સ્ટાફને અહીંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃત સિંહનો કબજો લઇ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સિંહના બધા નખ યથાવત હતા.
No comments:
Post a Comment