Wednesday, June 15, 2011

ગિરનારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સધન બનાવાઈ.


જૂનાગઢ : ૧૪, જૂન
વૈવિધસભર વનસ્પતિઓ અને વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સાવજો રૂપી વન્યસંપદાથી ભરપુર એવા ગિરનાર અભયારણ્યના સંરક્ષણાત્મક કવચને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને વન્યપ્રાણીઓના રક્ષણ માટેની વ્યવસ્થા સધન બને તે માટે માળખાકિય સુધારણા હાથ ધરવામાં આવી છે. જંગલમાં આવેલા રસ્તાઓ વ્યવસ્થિત બનાવવાની સાથે જંગલનો વિકાસ થાય અને જળસંચય માટે ચેકડેમ તથા કોઝ-વે ની દિશામાં પણ વનવિભાગ દ્વારા પગલા લેવામાં આવ્યા છે. 
રક્ષણ દિવાલો બનાવાઈ, માળખાકિય સુધારણા દ્વારા પ્રાથમિક કક્ષાએથી સંરક્ષણ કામગીરી મજબૂત બનાવાઈ
એશિયાઈ સિંહોના શરૂ થઈ રહેલા સંવનન કાળ દરમિયાન સંવર્ધનની પ્રક્રિયા વેગવાન બને તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૧૮ર ચો.કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલ ગિરનાર અભયારણ્યમાં અત્યારે ર૪ જેટલા સિંહો અને ૮૦ થી વધુ દીપડા સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. આ પ્રાણીઓ પર કાયમી નિયમીત દેખરેખ રાખવા માટે પરિક્રમા માર્ગની સુધારણા વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જંગલના રક્ષણ માટે ડી.સી.એફ. અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ લેવાયેલા પગલા અંગે માહિતિ આપતા આર.એફ.ઓ. દિપક પંડયાએ જણાવ્યું છે કે, બોરદેવી જતા કોઝ વે તથા ભવનાથથી બોરદેવી જતા રોડ પર ચાર સ્થળોએ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ભારે ધોવાણ વાળા વિસ્તારમાં રસ્તાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સી.સી. રોડ બનાવવામાં આવ્યા છે. સરકડીયા હનુમાન મંદિર રોડ પર ત્રણ કોઝ વે બનાવવામાં આવ્યા છે.
જાંબુડી રાઉન્ડમાં ચાર ચોક પાસે પરિક્રમા રૂટ પર વનકુટિર અને વોચટાવર બનાવવામાં આવ્યા છે. ઈન્દ્રેશ્વરથી રાણશીવાવ વચ્ચે ૧૧ નવા કોઝ વે બનાવવામાં આવ્યા છે. જ્યારે ડૂંગરપુર અને રામનાથ વચ્ચે રસ્તા સુધારણા હેઠળ મોરમ પાથરીને વ્યવસ્થિત રસ્તો બનાવવામાં આવ્યો છે. ઉનાળાના સમયમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ૮૧ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા હતાં.
સિંહોને ચાલવાની કેડીઓ ઉપર સિંહોના રહેઠાણ સુધારણા માટે કરમદાના વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ગિરનારના જંગલને વધુ હરિયાળુ અને ગાઢ બનાવવા માટે ૧૦ નવા વધારાના ચેકડેમો બનાવવામાં આવ્યા છે. અભયારણ્યના આયોજન પૂર્વકના રક્ષણ માટે હજી પણ પગલા લેવામાં આવશે.

જંગલ ફરતેના ૬૦૦ ખુલ્લા કૂવા માટે જાગૃતિ અભિયાન
ગિરનાર જંગલની આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે પારાપેટ કરવાની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે. જો કે આમછતાં હજી સુધી ૬૦૦ જેટલા કૂવા ખૂલ્લા રહી ગયા છે. આ ખૂલ્લા કૂવા ફરતે પારાપેટ કરવા માટે ગ્રામજનોમાં જાગૃતિ આવે તે અંગે વનવિભાગ દ્વારા ખાસ અભિયાન શરૂ કરાયું છે. ખૂલ્લા કૂવામાં પડી જવાથી વન્યપ્રાણીઓના મોતના બની રહેલા બનાવો અટકાવવા માટે સરકારની યોજના ગ્રામજનો સુધી પહોંચે તે દિશામાં વનવિભાગે પ્રયાસો શરૂ કર્યા છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=298739

No comments: