Thursday, June 9, 2011

કમોસમી વરસાદથી કેરીના પાકનો સોથ વળ્યો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:12 AM [IST](05/06/2011)
અમરેલીમાં પાછલા ત્રણ દિવસથી પડી રહેલ વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાન પહોચ્યુ છે. રાજુલા, ધારી, સાવરકુંડલામાં પાછલા બે દિવસ દરમ્યાન ભારે પવન સાથે વરસાદ પડતા આંબા વાડીઓમાં કેરી ખરી પડી હતી. વરસાદનું વહેલુ આગમન થયુ હોય કેરીના ભાવ પણ આજે ગગડી ગયા હતા. ઉપરાંત બજારમાં વ્યાપક પ્રમાણમાં કેરી વેચાવા માટે ઠલવાઇ હતી.
અમરેલીમાં કેસર કેરીની સૌથી વધુ ખેતી ધારી અને સાવરકુંડલામાં થાય છે. પાછલા બે દિવસ દરમ્યાન આ બે તાલુકામાં મેહુલીયાની પધરામણી થઇ છે. વળી વરસાદ ૧૦ થી ૧૨ દિવસ વહેલો આવી જતા આંબાવાડીના માલીકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે કેસર કેરીનો પાક હાલમાં સૌથી વધુ માત્રામાં ઉતારવામાં આવી રહ્યો છે.
એ સમયે જ વરસાદનું આગમન થતા પાકને વ્યાપક નુકશાન થયુ છે. ઝર, મોરઝર, દિતલા, દલખાણીયા વગેરે ગામોમાં ભારે પવન સાથે હળવા ભારે ઝાપટાથી વ્યાપક પ્રમાણમાં કેરી ખરી પડી હતી.આવી જ રીતે સાવરકુંડલા પંથકમાં પણ ગઇકાલે અચાનક ત્રાટકેલા વરસાદે કેરીના પાકને ખુબ જ નુકશાન થયુ છે. રાજુલા પંથકમાં પણ ગઇકાલે દોઢ ઇંચ વરસાદ પડી જતાં આ વિસ્તારમાં કેરી પકવતા ખેડૂતોને પણ મોટુ નુકશાન સહન કરવુ પડે તેવા સંજોગો ઉભા થયા છે.
બીજી તરફ આજે અમરેલીની બજારમાં કેરીનો ખુબ જ મોટો જથ્થો વેચાણ માટે ઠલવાયો હતો ઉપરાંત કેરીના ભાવ પણ ખાસ્સા ગગડયા હતા. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં ધમાકા ભેર મેઘરાજાનું આગમન થતાં ઠેર ઠેર કેરીઓનાં પાકને નુકશાન પહોચ્યું છે તેમજ અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવનના કારણે કેરીઓના પાક ખરી પડ્યાં હતા.જેના કારણે વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

No comments: