- સા.કુંડલામાં બાળકને દીપડાએ ફાડી ખાધો
સાવરકુંડલાની સીમમાં ગઇસાંજે ખેતીકામ કરતા આદિવાસી પરિવારનાં દસ વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાતા ચકચાર મચી જવા પામી છે. ગઇ સાંજે બાજુની વાડીમાં પાણી ભરવા ગયેલો બાળક પરત ફરતો હતો, ત્યારે રસ્તામાં જ તેને પકડી લઇ દિપડાએ ફાડી ખાધો હતો. સવારે બાળકનાં શરીરનાં અવશેષો છુટાછવાયા મળી આવ્યાહતા. ઘટનાને પગલે વનતંત્ર અને પોલીસ સ્ટાફે દોડી જઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
સાવકુંડલાથી ત્રણ કિમી દુર ગોવિંદભાઇ વલ્લભભાઇ નાકરાણીની વાડીમાં ભાગીયું વાવેતર કરતા દાહોદ જિલ્લાનાં બાબુ વિરા મસાર નામનાં આદિવાસીનાં દસ વર્ષના પુત્ર કલ્પેશને ગઇસાંજે દિપડાએ ફાડી ખાધી હતો.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર, બાબુ મસાર પાછલા આઠ વર્ષથી ગોવિંદભાઇ નાકરાણીની વાડી ભાગવી વાવે છે અને વાડીમાં જ રહે છે. તેનાં પાંચ સંતાનો પૈકી એક પુત્ર કલ્પેશને તેમણે બાજુની વાડીમાં પાણી ભરવા માટે ગઇ સાંજે મોકલ્યો છે. બાજુની વાડી બાબુનાં સાળાએ ભાગવી વાવવા રાખી છે. કલ્પેશ ચાર વાગ્યે પાણી ભર્યા બાદ સાત વાગ્યા સુધી પરત ન આવતા તે મામાનાં ઘરે જ રોકાઇ ગયો હશે. તેમ માની સૌ સુઇ ગયા હતા. દરમિયાન આજે સવારે બાજુની વાડીમાં જઇને તપાસ કરતા ખબર પડી હતી કે કલ્પેશનો ગઇ સાંજે જ પરત ચાલ્યો ગયો હતો. પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવતા લીંબુડી નીચેથી તેના શરીરનાં ખવાઇ ગયેલા અવશેષો મળી આવ્યા હતા. દિપડો તેનું મોટાભાગનું શરીર ખાઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા ધારીનાં ઇન્ચાર્જ ડીએફઓ રૈયાણી, સાવરકુંડલાનાં આરએફઓ સીબી ધાંધીયા, તાલુકા પીએસઆઇ ગડુ વગેરે સ્ટાફ સાથે દોડી ગયો હતા અને બાળકની લાશને પીએમ માટે સાવરકુંડલા દવાખાને ખસેડી હતી. સ્થાનિક આગેવાનો જયસુખભાઇ નાકરાણી, ડી.કે.પટેલ, રાજુભાઇ બોરીસાગર વગેરે પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા.
દીપડાને પકડવા ચાર પાંજરા ગોઠવાયા –
સાવરકુંડલાની સીમમાં રખડતા આ માનવભક્ષી દિપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા આજે સાંજે ચાર પાંજરા ગોઠવી દેવાયા હતા. થોડા દિવસ અગાઉ આ દિપડો સાવરકુંડલા શહેરમાં પણ ઘુસી આવ્યો હતો. લોકોમાં દિપડાને લઇને ભારે ભયનો માહોલ છે.
ત્રણ માસ પહેલાં પણ એક બાળકી ભોગ બની હતી –
સાવરકુંડલા તાલુકામાં દિપડાએ બાળકને ફાડી ખાધાની ત્રણ માસમાં બીજી ઘટના બની છે. ત્રણેક માસ પહેલા પણ જાંબાળની સીમમાં દિપડાએ એક આદિવાસી બાળકીને ફાડી ખાધી હતી. દિપડાનાં આવા હુમલાનો ભોગ સીમમાં વસતા ખેતર મજુરોનાં બાળકો જ વધુ પ્રમાણમાં બની રહ્યા છે.
No comments:
Post a Comment