Source: Bhaskar News, Junagadh | Last Updated 11:04 AM [IST](21/03/2012)
સુપ્રીમે હજુ ગુજરાત સરકારને સાંભળવાની બાકી છે : વનઅગ્ર સચિવ
સુપ્રીમ
કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત બાદ
જે રીપોર્ટ આપ્યો છે તેમાં ગિરનારી ગીધને લઇને નકારાત્મક મુદ્દો ઉપસ્થિત
કરાયો છે. જોકે, હજુ સુપ્રીમની બેન્ચે ગુજરાત સરકારને સાંભળવાની બાકી
હોવાનું રાજ્યનાં અગ્ર વનસચિવે જણાવ્યું છે.
ગિરનાર રોપ-વે
બનાવવા આડે અનેક સરકારી વિઘ્નો દૂર થયા બાદ ગીધનો મામલો ‘ફાચર’ બન્યો છે.
જ્યાં સુધી ગિરનારનાં જંગલને અભયારણ્ય જાહેર નથી કરાયું ત્યાં સુધી મામલો
ગુજરાત સરકારને હસ્તક જ હતો. પરંતુ આ જંગલને અભયારણ્ય બનાવાયા પછી રોપ-વેની
મંજૂરી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ સુધી પહોંચી હતી. જોકે, કેન્દ્રિય
વાઇલ્ડ લાઇફ બોર્ડે જૂનાગઢની મુલાકાત લઇ રોપ-વે ને શરતી મંજૂરી આપી દીધા
બાદ છેલ્લે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી સુધી વાત ગઇ હતી.
કમિટીએ પણ જૂનાગઢની મુલાકાત લીધા બાદ તેનો રીપોર્ટ સુપ્રીમની બેન્ચ સમક્ષ
રજૂ કરાયો છે. આ રીપોર્ટમાં ગિરનાર રોપ-વે બનાવવા સામે નેગેટીવ મુદ્દો
ઉપસ્થિત કરાયો છે.
આ મુદ્દો ગીધની સલામતી અંગેનો છે. જોકે,
સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ હવે સુનાવણી થશે જેમાં હજુ ગુજરાત સરકારની
રજૂઆતો પણ સાંભળવામાં આવશે. એમ અગ્ર વનસચિવ એસ. કે. નંદાએ ‘દિવ્ય ભાસ્કર’
સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. જોકે, રોપ-વેને કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ
બોર્ડે જ્યારે શરતી મંજૂરી આપી એ વખતે ગિધનાં કૃત્રિમ માળા બનાવવા સાથે
રોપ-વેનાં ટાવરની ઉંચાઇ વધારવા, તેમાં સીસી કેમેરા રાખી ગિધની રોપ-વે
ટ્રોલી સાથેની ટક્કર ટાળવા, ગિધનાં ભોજન માટે ખાસ કાફેટેરિયા બનાવવા, વગેરે
બાબતોનું આયોજન કરવા સુચના અપાઇ જ હતી.
દ્વાર હજુ બંધ નથી થયાં : નંદા
એસ.
કે. નંદાએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વાર હજુ સાવ બંધ નથી થયા. જોકે, આ
રીપોર્ટને પગલે રોપ-વે યોજના વિલંબમાં પડી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
આ મામલે અભ્યાસ કરવો જરૂરી હોવાનું પણ રીપોર્ટમાં દર્શાવાયું છે. આથી
ગીધનાં મામલે ફરી અભ્યાસ હાથ ધરવામાં આવશે.
ફકત બે માળા નડી ગયા ?
સેન્ટ્રલ
એમ્પાવરમેન્ટ કમિટીએ જૂનાગઢની મુલાકાત લીધી એ વખતે તેની સમક્ષ રોપ-વેની
સીધની આસપાસ આવતા ગિધનાં માળાઓની વીગતો અપાઇ હતી. વનવિભાગનાં સૂત્રોનાં
કહેવા મુજબ, પગથિયાં પર આવેલી વેલનાથ બાપુની સમાધિ-ધૂણા થી ઉપર આવેલી
પથ્થરની ઉભી કરાડમાં ગિધનાં ૨૬ માળાઓ આવેલા છે. આ માળાઓ પૈકી બે માળા
રોપ-વે રૂટથી ૨૦ મીટરનાં અંતરે છે. જ્યારે બાકીનાં માળા ૧૦૦ મીટર દૂર છે. આ
નજીકનાં માળા નકારાત્મક પરબિળ બન્યાં હોઇ શકે એવી શક્યતા જાણકારોએ વ્યક્ત
કરી હતી.