Wednesday, April 18, 2012

સક્કરબાગ : શહેરની અંદર ફેલાયેલું 'જંગલ' પુરા કરે છે ૧૫૦ વર્ષ (સમયાંતર).

Apr 17, 2012

સમયાંતર- લલિત ખંભાયતા
જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશમાં મૈસુર ઝૂ પછી બીજા નંબરનું અને રાજ્યમાં પહેલા નંબરનું સૌથી જૂનું ઝૂ છે. ૧૮૬૩માં સ્થપાયેલું ઝૂ પોતાની દોઢસોમી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. આજે જોકે ઝૂ એ માત્ર પ્રાણી પ્રદર્શનનું સ્થળ રહ્યું નથી. અહીં સંરક્ષણ, સંશોધન, સારવાર, ઉછેર, શિક્ષણ એમ વિવિધ સ્તરોએ કામ થાય છે. એક લટાર એ શહેરમાં ફેલાયેલા અનોખા 'જંગલ'માં!
જંગલમાં શહેર હોય એવા દાખલાઓનો પાર નથી. અરે, દક્ષિણ અમેરિકા ખંડમાં તો આખેઆખા દેશ એમેઝોનનાં જંગલોમાં સમાયેલા છે. પણ શહેરની અંદર જંગલ હોય એવું દૃશ્ય જોવું હોય તો જૂનાગઢનું સક્કરબાગ ઝૂ જોવું પડે. આમ તો ઝૂ એટલે જ્યાં વિવિધ જંગલી જીવો એકઠા કરીને માણસોના પ્રદર્શન માટે રખાયા હોય એવી જનરલ વ્યાખ્યા બધાના મનમાં હોય છે. જોકે જ્યાં પ્રાણીઓનું સંરક્ષણ, વન્યસૃષ્ટિ વિશે લોકશિક્ષણ, સજીવોનું પ્રદર્શન અને સારસંભાળ સહિતની પ્રવૃત્તિઓ થતી હોય એવા સ્થળને આંતરાષ્ટ્રીય કક્ષાએ ઝૂ તરીકે સ્વીકારવામાં આવે છે. સક્કરબાગ ઝૂની વ્યાખ્યાના એ બધા જ માપદંડ પૂરા કરે છે.
ઝૂ ડિરેક્ટર વિશ્વજિતસિંહ રાણા કહે છે, 'પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના અંગત શોખ માટે પ્રાણીઓ પાળતાં અને વાર-તહેવારે લોકોમાં પ્રર્દિશત પણ કરતાં. બાદમાં રજવાડાં ખતમ થયાં ત્યારે કેટલાક શોખીનોએ પોતાનો સજીવ સંગ્રહ લોકો માટે ખુલ્લો મૂકી દીધો. એ સંગ્રહ સમય જતાં ઝૂ તરીકે જાણીતો થયો.' વાત તો સાચી છે. ભાવનગરથી માંડીને ભુવનેશ્વર સુધીના રાજવીઓ પોતાના શોખ માટે પ્રાણીઓ પાળતાં પણ ઝૂના બદલાતા આયામો વિશે રાણા સાહેબ સરસ વાત કરે છે. '૧૯મી સદીમાં ઝૂ માત્ર મનોરંજન માટે હતાં. વીસમી સદીમાં પ્રદર્શન ઉપરાંત લોકોને જાણકારી મળે એ હેતુથી શિક્ષણનું તત્ત્વ પણ ઉમેરાયું. હવે શિક્ષણ ઉપરાંત સંરક્ષણની તાતી આવશ્યક્તા છે એટલે ૨૧મી સદીનાં ઝૂ સજીવ સંરક્ષણ પર વધારે ભાર મૂકે છે.' ટૂંકમાં હવે ઝૂ એટલે માત્ર પ્રાણી પ્રદર્શન નહીં, વ્યાખ્યા ઘણી વિસ્તરી ચુકી છે.
***
જેતપુરથી જૂનાગઢ જતાં શહેરની ભાગોળે ગિરનારની આડશ કરીને બનેલું સક્કરબાગ જોકે દોઢસો વરસ પુરાણું નથી. ૧૮૬૩માં સ્થપાયેલું ઝૂ જૂનાગઢના બીજા વિસ્તારમાં હતું. ત્યારે સજીવોની સંખ્યા ૧૮૦ હતી. લગભગ એકાદ સદી પહેલાં આ નવી જગ્યાએ ઝૂનું બાંધકામ કરી બધાં પ્રાણીઓને અહીં ખસેડાયાં. આજે તમે ૮૫ હેક્ટર (સાડા આઠ લાખ ચોરસ મીટર અથવા ૦.૮૫ ચોરસ કિલોમીટર)માં ફેલાયેલા સક્કરબાગમાં પ્રવેશો અને ફરીને બહાર નીકળો ત્યાં સુધીમાં ૫૫ પ્રજાતિના ૧,૧૦૦ સજીવો જોઈ ચૂક્યા હો. આટલા બધા સજીવો જ્યાં જોવા મળે એ સ્થળને મીની જંગલ કેમ ન ગણવું! આ સજીવોમાં પણ વળી ભારે વેરાઇટી છે. સિંહ-વાઘ-દીપડા તો જાણે મુખ્ય આકર્ષણ છે, જ પણ સફેદ અને કેસરી એમ બન્ને વાઘ એકસાથે તમે અહીં જ જોઈ શકો! આફ્રિકાથી આવેલા ચિત્તા વળી ભારતમાં મૈસુર ઉપરાંત માત્ર જૂનાગઢના ઝુ પાસે જ છે. તો વળી હમણાં જ એમેઝોનનાં જંગલોમાંથી આવેલા હથેળીમાં સમાઈ જાય એવા માર્માસેટ વાંદરાંઓ પણ બીજે ક્યાં જોવા મળે? અહીં ઝૂમાં સૌથી વયોવૃદ્ધ ૫૦ વરસની પાકટ મગર પણ છે અને હજી તાજાં જન્મેલાં બચ્ચાં પણ છે.
ઓપન એર, ઓપન વોલ!
ઝૂ આમ તો ઓપન એર જ હોય. ચારેય દિશામાં પાંજરાં અને ઉપર ખુલ્લું આકાશ. વાંદરાં કે પક્ષીઓનાં રહેઠાણો વળી ઉપરથી બંધ હોય. પણ તોય ખુલ્લું કહી શકાય એવું તો બાંધકામ હોય જ છે. પણ આ ઝૂમાં વળી ઓપન વોલ ઝૂ કહી શકાય એવું બાંધકામ કરવામાં આવ્યું છે! તમે જંગલમાં જોતાં હો એ રીતે બંધનમુક્ત અવસ્થામાં અહીં માંસાહારી હિંસક સજીવો જોવા મળી શકે છે. અહીં ખૂબ મોટાં પાંજરાં બનાવાયાં છે. તેની ત્રણ દિશામાં જાળી છે જ્યારે ચોથી દિશા જ્યાંથી પ્રવાસીઓ સજીવોને જોવાના છે એ ભાગ ખુલ્લો છે. એટલે કે જાળી છે જ નહીં! તો સિંહ-વાઘ હુમલો ન કરી બેસે? એ માટે પૂરતાં પગલાં લેવાયાં છે. પહેલાં તો આ વિશાળ પાંજરાના આગળના ભાગમાં ઊંડા-પહોળા ખાડા બનાવાયા છે. એટલે તમારાથી ૪૦-૫૦ ફીટ દૂર ઊભેલો વાઘ કે દીપડો કે ચિત્તો આંશિક રીતે બંધનમુક્ત હોવા છતાં ધારે તો પણ તમારા સુધી પહોંચી શકે નહીં. પ્રવાસીઓને વળી રેઢા નથી મુકાતા. એમને ઝૂની બસમાં બેસાડીને આ સજીવો દેખાડાય છે. પણ એ અનુભવ જંગલમાં સફારી પાર્ક જોતાં હોઈએ એવો જ હોય. હરણ-ચિત્તલ જેવા સજીવો તો સાવ ખુલ્લા વિસ્તારમાં રખાયા છે. નહીં પાંજરા કે નહીં ખાડા કે નહીં દીવાલ. તમારી બસમાંથી થોડે દૂર જ ગીરના જંગલમાં જોતા હો એવું હરણનું ટોળું નજરે પડી જાય. આ ખુલ્લા વિસ્તારમાં મૈસુરના બાયસનથી માંડીને આફ્રિકાના ચિત્તા સહિતના સજીવો રખાયા છે. ઝૂની પાછળની દિશામાં ગિરનારની ટેકરીઓ આવેલી છે. એટલે ભારતની એક સીમા હિમાલય સંભાળે છે, એમ ઝૂની એક દિશા ગિરનારના હવાલે છે.
ઝૂનું કામકાજઃ યે ઈશ્ક નહીં આસાં!
ઘરમાં એક તોફાની બાળક હોય એનેય સાચવવું અઘરું પડતું હોય એમાં વેકેશનમાં એના ભાઈ-ભાંડુ આવી જાય પછી કેવી સ્થિતિ સર્જાય? બસ એવી જ સ્થિતિ ઝૂમાં હોય. જાત-જાતનાં પ્રાણીઓ, બધાની આદતો અલગ, પ્રકૃતિ અલગ, ખોરાક અલગ, એમને સાચવવા એ માથાનો દુખાવો છે. ઝૂના ૮૦ જેટલા સ્ટાફરો ૨૪ કલાક સજીવોની સંભાળમાં ખડેપગે રહે છે.
સવારમાં શાકાહારી પ્રાણીઓને થોડો નાસ્તો આપવામાં આવે. એ નાસ્તાનું પ્રમાણ વળી ફિક્સ હોય. જેમ કે, ફલાણા હરણને આટલા કિલોગ્રામ રજકો અથવા કડબ આપવામાં આવે. એ પછી દસેક વાગ્યે ચણા, દાણ અને એવો બીજો ખોરાક મળે. રોજેરોજનું મેનુ નક્કી હોય છે. બધા માંસાહારી પ્રાણીઓ ભેગા થઈને રોજનું ૫૦૦ કિલોગ્રામ માંસ આરોગી જાય છે. સાંજ પડયે ઝૂ બંધ થાય, ચહલપહલ શમી જાય એ વખતે માંસાહારી સજીવોને ખોરાક-પાણી આપવાની શરૂઆત થાય. વાઘ હોય તો ૮-૯ કિલોગ્રામ, સિંહને ૭-૮, દીપડાને ૩-૪, વરુને પોણોથી દોઢ કિલોગ્રામ માંસ આપવામાં આવે છે. આ અહીંનો રોજનો ક્રમ છે.
સજીવો માંદા પણ પડે ને? તો ખબર કેમ પડે? રાણા સાહેબ સમજાવે છે, 'સજીવોનો ખોરાક તેમની તબિયતનું બેરોમીટર છે. અહીં રોજ રોજ કયા સજીવને કેટલો ખોરાક અપાયો, કેટલો ખાધો અને કેટલો વધ્યો એનાં પત્રકો બને છે. એટલે સાંજે પત્રક જોઈને ખબર પડે કે આજે ગીતા નામની દીપડીએ ખાવામાં ડાંડાઈ કરી છે. એવું જો સતત ૩ દિવસ થાય તો સમજવું કે નિદાનની જરૂર છે.' ટૂંકમાં ખોરાકમાં ઘટાડો થાય એટલે સમજી લેવાનું કે સારવારનો સમય આવી ગયો. અહીં એ માટે ડોક્ટરો પણ છે. એક ડોક્ટરનું કામ ફુલટાઈમ ખોરાકનું ચેકિંગ કરવાનું જ છે. સ્થાનિક લેબમાં તપાસ થયા પછી જ બધો ખોરાક સજીવોના પાંજરાં સુધી પહોંચે. એમાંય વળી બચ્ચાં હોય તો એમને નરમ માંસ આપવું પડે. સિંહ કે દીપડી ગર્ભવતી હોય તો તેને એકદમ ઉચ્ચ કક્ષાનું માંસ આપવું પડે. આ બધું ખાધાખોરાકીનું કામ પાંજરામાં નહીં પણ પાંજરા પાછળ દેખાતા નાઈટ શેલ્ટર કહેવાતા ઓરડાઓમાં થાય. ખોરાક પણ રવાના થતાં પહેલાં તેનું વજન માપી લેવાય. સૌથી વધુ ખોરાક હિપ્પોને જોઈએ. રોજનો સરેરાશ ૧૦૦ કિલોગ્રામ! વર્ષના રૂપિયા ૩ કરોડના બજેટમાં એકલા ૧.૬૦ કરોડ તો ખોરાકમાં જ વપરાઈ જાય છે.
અહીં સજીવો માંદા પડે તો સારવાર માટે વિવિધ સાધન-સરંજામ ધરાવતું ઓપરેશન થિયેટર છે. બાય ધ વે, સજીવોને પણ આપણી જેમ લોહીનાં ગ્રૂપ હોય છે અને માણસો કરતાં ગ્રૂપની સંખ્યા વધારે હોય છે. વર્ષે કુલ સજીવોના ૫-૭ ટકા સજીવોનાં મોત થતાં હોય છે. મોટે ભાગે ઉંમરને કારણે મોત થતાં હોય છે. સામે પક્ષે બચ્ચાંઓનો જન્મ અને નવા સજીવોનો ઉમેરો પણ ચાલુ હોય છે.
હેરાફેરીઃ એક હાથ સે દેના...
સમાચાર આવતા હોય કે ફલાણા ઝૂમાંથી ફલાણા સજીવ લવાયા. તો એ સજીવોની હેરાફેરી કઈ રીતે થતી હોય છે? હવે કોઈ સજીવો ખરીદાતા નથી. મોટે ભાગે અદલા-બદલી કરાય છે. જેમ કે, કેનેડાના વિનિપેગને સિંહની જરૂર હોય તો એના બદલામાં એ લોકો ત્યાંની કોઈ વિશિષ્ટતા ધરાવતા અને અહીં રહી શકે એમ હોય એવા સજીવને મોકલી આપે. એમાં વળી સજીવનું કદ જોવાય નહીં. જેમ કે, માર્માસેટ વાંદરાંઓની જોડી સક્કરબાગને મળી તો સામે પક્ષે તેમણે એક સિંહ જોડી આપવી પડી. માર્માસેટનું વજન વધુમાં વધુ અડધો કિલોગ્રામ હોય જ્યારે પુખ્ત વયના સિંહનું ઓછામાં ઓછું વજન ૧૫૦ કિલોગ્રામ હોય. પણ હેરાફેરીમાં આવી બધી બાબતો ધ્યાનમાં ન લેવાય. એમાં તો નવતર સજીવનું મહત્ત્વ હોય છે. અહીં કુલ ૬૯ સિંહો છે એટલે સિંહ આપીને બીજા દુર્લભ પ્રાણીઓ મેળવાય તો સરવાળે ઝૂની શોભામાં જ વધારો થાય.
***
ઝૂમાં ફરતી વખતે ધ્યાન પડે કે વિવિધ વૃક્ષો પર પણ ઓળખનાં બોર્ડ માર્યાં છે, તો વળી અહીં એક પુરાતત્ત્વીય સંગ્રહાલય પણ છે. એ રીતે ઝૂ પ્રવાસીને જ્ઞાનસમૃદ્ધ બનાવ્યા વગર રહેતું નથી. શહેરની ભાગોળે આવેલું આ જંગલ જોઈ ઘણી વખત એમ વિચાર આવે કે શા માટે આ સજીવોને આ રીતે બંધનાવસ્થામાં રાખ્યા છે. તો વળી સામે પક્ષે થોડી ઘણી ધરપત એ વાતની થાય કે અહીં સજીવોના પ્રદર્શન ઉપરાંત સંવર્ધન અને સંરક્ષણ પણ થાય છે. 
સક્કરબાગ નામ કેમ?
સક્કરબાગનો આજે જે વિસ્તાર છે, ત્યાં એક કૂવો હતો. એ કૂવાનું પાણી મીઠું હતું. ખાંડ માટે સક્કર શબ્દ પણ વપરાય છે. આ કૂવાનું પાણી પણ જાણે સક્કર મિક્સ કરી હોય એવું હતું. એટલે લોકોએ ઓળખ આપી દીધી કે સક્કરવાળું પાણી ધરાવતો બાગ. બાદમાં ટૂંકું નામ થઈ ગયું સક્કરબાગ. આજે પણ સક્કરબાગમાં એ કૂવો છે, પણ હવે અવાવરું છે.
પ્રેક્ટિકલ ક્લાસરૂમ
જૂઓલોજી કે બાયોલોજી કે પ્રાણીઓ સાથે સંકળાયેલાં બીજાં શાસ્ત્રોના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જંગલમાં તો જે-તે સજીવને પકડીને તેની તપાસ કરી શકે નહીં એટલે તેમને અહીં અભ્યાસની તક મળે છે. વર્ષે ૧૦-૧૫ વિદ્યાર્થીઓ સંશોધન માટે અહીં આવે છે. એમના માટે ઝૂ પ્રેક્ટિકલ ક્લાસરૂમ છે.
માથાકૂટઃ ના રે ના!
માથું ઓળાવતી વખતે બાજુવાળાની કોણી અડી જાય તો પણ આપણે બાધા-બાધી પર ઊતરી આવીએ પણ સજીવો એમ સંઘર્ષમાં ઊતરવામાં માનતા નથી. એક જ પાંજરામાં બે વાઘ હોય તો પણ ભાગ્યે જ એકબીજા પર હાથ ઉપાડવાના બનાવો નોંધાય. મેટિંગની સિઝનમાં થોડી-ઘણી ઈન-ફાઈટ થાય. માદા નરના તાબે ન થતી હોય તો સિંહ સિંહણને પતાવી દે એવા બનાવો નોંધાય ખરા. એ સિવાય બધા પોતાના કામથી કામ રાખે. ખોટી લપમાં ક્યાં પડવું? બંધન અવસ્થામાં બધા સજીવોની રોગપ્રતિકારક શક્તિ ૧૦-૧૫ ટકા ઘટી જતી હોય છે એટલે ફાઇટિંગમાં ઈજા થાય તો સાજા થવું ભારે પડી જાય. આપણે જે પાંજરામાં સામેથી હિંસક સજીવો જોતાં હોઈએ એ પાંજરામાં અંદર પહોંચવા માટે કુલ ૪ દરવાજા હોય છે. આદર્શ રીતે એક દરવાજો બંધ કર્યા પછી બીજો ખોલીને અંદર જવાનું હોય છે. એમાં જો એનિમલ કીપર ગફલત કરે તો તેના પર હુમલો થઈ શકે. થયા પણ છે. જોકે હુમલામાં હજુ સુધી કોઈ માણસનો જીવ નથી ગયો.
સક્કરબાગની આંકડાકીય ઓળખ
સ્થાપના
૧૮૬૩
વિસ્તાર
૮૫ હેકટર
કુલ પ્રાણીઓ
૧,૧૦૦
પ્રાણીઓની પ્રજાતિ
૫૫
વાર્ષિક બજેટ
૩ કરોડ રૂપિયા
પ્રવાસીઓ
૧૨ લાખ (૨૦૧૧-૧૨માં)
કર્મચારીઓ
૮૦
lalitgajjer@gmail.com
Source: http://www.sandesh.com/article.aspx?newsid=50657

No comments: