Wednesday, April 11, 2012

ઘરમાં ઘૂસેલ દીપડાએ સર્જયો ફફડાટ.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:04 AM [IST](05/04/2012)
સાવરકુંડલાના ઝીંઝુડામાં આજે સવારે બનેલી ઘટનાથી ભારે ઉતેજના પ્રસરી : બાર કલાકની વન વિભાગ ટીમની લાંબી જહેમત બાદ દીપડો પાંજરામાં પૂરાતાં હાશકારો

અમરેલી જીલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા દીપડાઓની સંખ્યા ઘણી મોટી છે ત્યારે આજે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આજે એક પટેલ ખેડૂતનાં ઘરમાં સવારે દીપડો ઘુસી ગયો હતો. જેને પગલે ગામમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયુ હતું. વન વિભાગને જાણ કરાતા જંગલખાતાનો સ્ટાફ પાંજરા સાથે ત્યાં દોડી ગયો હતો.

જો કે વનતંત્રની લાંબી મહેનત બાદ છેક મોડી સાંજે આ દીપડો પાંજરામાં સપડાતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો. દીપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
સાવરકુંડલા તાલુકામાં દીપડાઓની સંખ્યા સતત વધતી જ જાય છે.

થોડા સમય પહેલા એક દીપડો છેક સાવરકુંડલાના પાદરમાં આવી ચડતા લોકો ભયભીત બની ગયા હતાં. અન્ય એક દીપડાના બચ્ચાનું રસ્તો ક્રોસ કરતી વખતે વાહન હડફેટે મોત થયુ હતું ત્યારે હવે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આજે વહેલી સવારે એક દીપડો વિનુભાઇ વિરજીભાઇ રાદડીયા નામના ખેડૂતના ઘરમાં ઘુસી જતા ગામલોકો ફફડી ઉઠ્યા હતાં. વિનુભાઇ રાદડીયા ઘનશ્યામપરા વિસ્તારમાં રહે છે. તેમણે ફરજામાં બંધ ઓરડી બનાવી છે.

સવારે દીપડો આ ઓરડીમાં પુરાઇ જતા તેના પરિવારજનોએ દરવાજો બહારથી બંધ કરી દઇ વન વિભાગને જાણ કરી હતી. સાવરકુંડલા રેન્જનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. અને ઓરડીના દરવાજે પાંજરૂ ગોઠવી દઇ દીપડાને પાંજરે પુરવા પ્રયાસ હાથ ધર્યો હતો.

જો કે દીપડો વન વિભાગ કરતા પણ ચાલાક નીકળ્યો હતો અને પાંજરાની દિશામાં ફરક્તો પણ ન હતો. વન વિભાગ પાસે હાથપર હાથ ધરી બેઠા રહેવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. દીપડો પાંજરામાં આવવાની રાહ જોતા છેક સાંજ પડી ગઇ હતી અને અંતે સાડા છએક વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સૌએ હાંશકારો અનુભવ્યો હતો. આ દીપડાને હાલમાં જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો.

લોકોના ટોળેટોળાં એકઠા થયા

મોટા ઝીંઝુડાના ઘનશ્યામપરામાં એક મકાનમાં દીપડો ઘુસ્યો હોવાની જાણ થતા અહિં ગામલોકો ટોળે વળ્યા હતાં. લોકોના ટોળેટોળાના કારણે વન વિભાગના સ્ટાફને પણ થોડી અગવડતા પડી હતી. જો કે બાર કલાક સુધી દીપડો પાંજરામાં ન સપડાતા આખરે લોકો પણ કંટાળ્યા હતાં.

No comments: