Source: Bhaskar News, Amreli | Last Updated 12:37 AM [IST](26/03/2012)
ગીરપુર્વમાં પાછલા દિવસોમાં સિંહ કે દીપડા ઘાયલ થવાની અનેક ઘટના બની છે. પરંતુ આવી વધુ એક ઘટનામાં ગીરપુર્વની જસાધાર રેન્જમાં મુંડીયા જંગલ વિસ્તારમાં એક સિંહણને પુંછડીમાં કોઇ રીતે ઇજા પહોંચી હોય વનતંત્રએ તેને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી છે.
સાવજ કે દીપડાને ઇનફાઇટમાં અવારનવાર ઇજા પહોંચતી હોય છે. ઘણી વખત શિકાર કરતી વખતે પણ આ વન્યપ્રાણીઓ ઘાયલ થઇ જતા હોય છે. પરંતુ તેમની આ ઇજા મોટે ભાગે મોઢા પર કે પીઠ અને પેટના ભાગ પર હોય છે. પરંતુ જસાધાર રેન્જના મુંડીયા જંગલમાં એક વિચિત્ર ઘટનામાં એક સિંહણને પુંછડીમાં ઇજા પહોંચી હતી.
આ જંગલમાં ઘાયલ સિંહણ આંટા મારતી હોવાની બાતમી મળતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે આરએફઓ બી.ટી.આહિર અને રેસ્કયુ ટીમે બે કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પુરી હતી. આ સિંહણને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. વનખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે આશરે ત્રણ વર્ષની ઉંમરની આ સિંહણને ઇનફાઇટ કે સિંહ પરિવારના અન્ય સભ્યો સાથે ગેલ ગમ્મત કરતી વખતે ઇજા પહોંચી હોય તેવી શક્યતા વધુ છે.
No comments:
Post a Comment