Wednesday, April 11, 2012

ગળાના કોલર આઇડીથી સિંહણનો સ્વભાવ બની ગયો ચીડિયો.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:50 AM [IST](10/04/2012)
- સિંહ રક્ષા માટે કરોડોનો ખર્ચ અને મોટી મોટી વાતો પરંતુ બંધ કોલર આઇડી હટાવવામાં અખાડા
વન તંત્ર દ્વારા વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો માટે ગીરની સાન સમા સાવજોને કોલર આઇડી લગાવે છે પરંતુ કોલર આઇડી બંધ થઇ ગયા પછી પણ તેનો પટ્ટો દુર કરવાની તસ્દી લેવામાં ન આવતી હોવાનો ગંભીર મુદો સામે આવ્યો છે. લીલીયાના ક્રાંકચની સીમમાં સિંહણના ગળામાં દોઢ વર્ષથી કોલર આઇડી બંધ હાલતમાં છે. આમ છતાં તંત્ર દ્વારા તે દુર કરાતુ નથી. પરિણામે આ સિંહણનો સ્વભાવ ચીડીયો બની ગયો છે અને ગમે ત્યારે લોકો પાછળ દોડે છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આજુબાજુના દસેક ગામોની સીમમાં ૨૮ જેટલા સાવજો વસે છે. જેમાં બચ્ચાનો પણ સમાવેશ થાય છે. આ તમામ સાવજો પૈકી માત્ર એક સિંહણ એવી છે કે જે લોકોને જોતા જ તેમની પાછળ દોટ મુકે છે. સાવજ પરિવારના અન્ય કોઇ સભ્યો આવું કરતા નથી. આ એક સિંહણનો જ સ્વભાવ ચીડીયો જોવા મળી રહ્યો છે અને તેનું કારણ પણ છે. કારણ કે પાછલા સાડા પાંચ વર્ષથી આ સિંહણના ગળામાં રેડીયો કોલરનો પટ્ટો લગાવેલો છે.

અહિં દહેરાદુનથી આવેલા વિદ્યાર્થીઓના સંશોધનમાં મદદરૂપ થવા આ પટ્ટો લગાવાયો હોવાનું કહેવાય છે. સંશોધનનું એક કામ ક્યારનુયે પુરુ થઇ ગયુ છે. બલ્કે પાછલા દોઢ વર્ષથી તો કોલર આઇડી પણ કામ આપતુ નથી. આમ છતાં તંત્ર દ્વારા તેને દુર કરવાની તસ્દી લેવાતી નથી. પરિણામે કારણ વગર જ આ સિંહણ પોતાના ગળામાં ભાર લઇને ફરી રહી છે. આ સિંહણ કોલર આઇડીના કારણે જ ચીડીયા સ્વભાવની થઇ ગઇ હોવાનું કહેવાય છે.

આ વિસ્તારના સાવજો વાડી-ખેતરો તથા જાહેર માર્ગો પર પણ અવર જવર કરે છે. માણસો સાથે સાવજોનો અનેક વખત સામનો થાય છે. પરંતુ કોઇ સાવજ દ્વારા માણસ પર હુમલો કરવામાં આવતો નથી પણ કોલર આઇડી વાળી સિંહણ માણસને જોતા જ તેની પાછળ દોટ મુકે છે. ભુતકાળમાં એક વ્યક્તિ પર તેમણે હુમલો પણ કર્યો હતો.

મોટેભાગે તો તે પાછળ દોડી અટકી જાય છે. પરંતુ તે માણસ પર હુમલો નહી કરે તેવું કહી શકાય નથી. સાવજોની રક્ષા માટે કરોડોના ખર્ચ અને મોટી મોટી વાત કરનાર તંત્ર સિંહણના ગળામાં બિનજરૂરી લટકતુ કોલર આઇડી દોઢ વર્ષમાં કાઢી કેમ નહી શક્યુ હોય ?

આ સિંહણથી ખેડૂતો પણ દૂર ભાગે છે
આ વિસ્તારના ગામના લોકો કોલર આઇડી વાળી સિંહણ ખતરનાક છે તે જાણે છે. પરિણામે દુરથી પણ આ સિંહણને નહિાળે તો ઉલ્ટી દિશામાં ચાલ્યા જાય છે. પરંતુ દુર દુરથી સિંહ દર્શન માટે આવતા માણસો તેની વધુ નજીક જવા પ્રયાસ કરે છે. જે જોખમી સાબીત થાય છે.

No comments: