Monday, April 16, 2012

જૂનાગઢમાં ભારે વંટોળ અને ગાજવીજ સાથે તોફાની માવઠુ.



Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 11:51 AM [IST](16/04/2012)
-વાતાવરણમાં અચાનક પલ્ટાથી ભર ઉનાળે ચોમાસું માહોલ
સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી ઠેકઠેકાણે કમોસમી વરસાદ સાથે વંટોળિયો ફૂંકાઇ રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં પણ આજે ઢળતી બપોરે જોરદાર ગાજવીજ અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી કરા પડ્યા હતા. સાથોસાથ વંટોળિયો પણ ફૂંકાતાં થોડીવાર માર્ગો પર અવરજવર અટકી ગઇ હતી.

જૂનાગઢ શહેરમાં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં આકાશમાં અચાનક જ વાદળો ચઢી આવ્યા બાદ ધીમે ધીમે વરસાદી છાંટા શરૂ થયા હતા. અને જોતજોતામાં જોરદાર પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદ તૂટી પડતાં ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાઇ ગયો હતો.

વરસાદને પગલે શહેરનાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. વરસાદની સાથે પવનને લીધે માર્ગો પર થોડીવાર માટે રાહદારીઓની અવરજવર અટકી પડી હતી. રવિવારની સાંજે લોકો ઘરની બહાર નીકળવાની તૈયારી કરતા હતા એ વખતે જ વરસાદ ત્રાટકતાં લોકોએ ઘરમાંજ રોકાઇ જવું પડ્યું હતું. સતત ૨૫ મીનીટ સુધી વરસાદી તાંડવ ચાલ્યા બાદ વરસાદ અને પવન બંધ પડી ગયા હતા.

વરસાદ ચાલુ રહ્યો ત્યાં સુધી આકાશમાં એક તરફ સૂર્યનારાયણ તપતા હતા તો બીજી તરફ વાદળાં વરસી રહ્યા હતા. જેને પગલે એક જ સમયે ઉનાળા અને ચોમાસાનો માહોલ ખડો થઇ ગયો હતો. જોકે, વરસાદ અટકી ગયા બાદ પણ ટાઢકને બદલે ઉકળાટ વર્તાઇ રહ્યો હતો. વરસાદને પગલે શહેરમાં ઠેકઠેકાણે વીજળી ગુલ થઇ હતી.

યાર્ડમાં માલ પલળી ગયો
ઉનાળામાં હાલ કપાસની સીઝન ચાલતી હોઇ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કપાસ-ઘઉં વગેરે માલ મોટા જથ્થામાં ખડકાયો હતો. જે વરસાદમાં પલળી ગયો હતો.

વંથલી-શાપુરમાં વરસાદ
જૂનાગઢની સાથે વંથલી અને શાપુરમાં પણ વરસાદ થયો હતો. તો મેંદરડા, બરવાળા, સીમાસી, મીઠાપુરમાં પણ વરસાદ થયાનું જાણવા મળ્યું છે.

લગ્નનો મંડપ ઉખડી ગયો
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે એક સ્થળે લગ્નનો મંડપ ઉખડી ગયો હતો.

ઝાડ પડતાં રીક્ષાચાલક ઘાયલ
જૂનાગઢનાં ચોબારી રોડ પર વરસાદ અને પવન વખતે એક ઝાડ તૂટીને રીક્ષા પર પડતાં તેનાં ચાલકને ઇજાઓ થઇ હતી.

તમામ તસવીરો નિમિષ ઠાકર, જૂનાગઢ

No comments: