Friday, November 23, 2012

પરિક્રમાના આયોજનમાં અનેક ખામી, યાત્રિકો રામભરોસે.


જૂનાગઢ, તા.૨૨:
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના આયોજનમાં તંત્ર દ્વારા લોલમલોલ કરવામાં આવી રહ્યું છે. આયોજનબદ્ધ અને પરિણામલક્ષી પગલાને બદલે તંત્રના ફકત દેખાડા પુરતા આયોજનોને કારણે લાખો પરિક્રમાર્થીઓ રામ ભરોસે મુકાયા છે.આ વર્ષે વરસાદના અભાવે પરિક્રમા માર્ગ પર પણ પાણીની સમસ્યા ઉદભવી છે.
  • તંત્રએ આગેવાનો કે અન્નક્ષેત્રના સંચાલકોને વિશ્વાસમાં નથી લીધા
  • દશેક લાખ યાત્રિકો માટે પીવાનું પાણી પુરૂ નહી પડે : જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઈ હોવાના માત્ર બણગા ફૂંકાયા
ત્યારે તંત્રએ અનેક બોર-કુવા કરવાના બણગા ફુક્યા બાદ માત્ર ૩ જ બોર કર્યા છે. તેમજ ૩૬ કિલોમીટરના પરિક્રમા માર્ગ પર ફક્ત ર૬ થી ૩૦ સ્થળોએ પાણીની વ્યવસ્થા કરી સંતોષ માની લીધો છે. આ વર્ષે અન્નક્ષેત્રના સંચાલકો, શહેરના આગેવાનો અને સાધુ સંતો સાથે બેઠક યોજવા સામે પણ નિષ્ક્રીયતા સેવી હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખે આ વર્ષે પરિક્રમાના આયોજનમાં ક્ષતિ રહી જવાની ભીતિ વ્યક્ત કરી છે.
ભરપુર ઐતિહાસિક અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ગરવા ગિરનારની ફરતે શિયાળાના પગરવની ગુલાબી ઠંડી વચ્ચે જંગલમાં યોજાતી પરંપરાગત પરિક્રમામાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે.
પૂણ્યનું ભાથુ બાંધવા દેશના ખુણે ખુણેથી આવતા પરિક્રમાર્થીઓ પોતાના ભાતીગળ પોશાક અને વિવિધ બોલી સાથે એક સંપ બની રાત્રિના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજી અનેરો માહોલ ખડો કરે છે.
પરિક્રમામાં આવતા ૮ થી ૧૦ લાખ ભાવિકોને શહેરની તમામ સુવિધાઓથી દુર જંગલમાં યોગ્ય સુવિધા અને સગવડ મળી રહે તે માટે દર વર્ષે તંત્ર દ્વારા એક મહીના પહેલા મીંટીંગનો દોર ચાલુ કરવામાં આવે છે.
વર્ષોથી પરિક્રમાના એક મહિના પહેલા ઉતારા સંચાલકો, અન્નક્ષેત્રના સંચાલકો, સાધુ સંતો, રાજકીય પક્ષો, વનવિભાગના અધિકારીઓ તેમજ શહેર અગ્રણીઓની મીટીંગ બોલાવી તમામ જવાબદારી અને આયોજનની ચર્ચા કરવામાં આવે છે.
પરંતુ આ વર્ષે જિલ્લા વહીવટી તંત્રએ પરિક્રમાના આયોજન અંગે મીટીંગ બોલાવવાને બદલે મનસ્વી વલણ અખત્યાર કરી તમામ નિર્ણયો પોતે જાતે જ લઈ લીધા છે. જેના કેફમાં રેવન્યુ અને વનવિભાગ પણ જડબેસલાક સુંદર વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોવાના બણગા ફુંકી રહ્યું છે.
પરંતુ આ બણગા બાદ પરિક્રમાના આયોજનમાં અનેક ક્ષતિઓ રહેવા પામશે તેવી ભીતિ વ્યક્ત કરી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે વધુમાં જણાવ્યું છે કે, આ વર્ષે તંત્ર સમક્ષ પરિક્રમાર્થીઓને પાણી પુરૂ પાડવાનો મસ મોટો પ્રશ્ન ઉભો છે. વરસાદના અભાવે જંગલમાં અનેક ઝરણાઓ ખાલી પડયા છે.
જંગલી પશુ પક્ષીઓને પુરૂ પડી શકે તેટલું પાણી પણ જંગલમાં નથી. ત્યારે ૮ થી ૧૦ લાખ પરિક્રમાર્થીઓને પાણી પુરૂ પાડવા માટે નક્કર પગલા લેવાને બદલે તંત્રએ જંગલમાં ૩૦ બોર કુવા બનાવવાની કરેલી જાહેરાત બાદ માત્ર ૩ જ બોર કુવા બનાવ્યા છે.
પાણીના અભાવે આ વર્ષે અન્નક્ષેત્રના સંચાલકો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. પરિક્રમા દરમિયાન જંગલની વચોવચ યાત્રિકોના ઘસારા વચ્ચે જો પાણીનો પ્રશ્ન ઉદભવે તો પરિક્રમાર્થીઓને જમવાની ના પાડવી કે કેમ ? તેવા અનેક પ્રશ્નો અન્નક્ષેત્રોના સંચાલકોમાંથી ઉદભવી રહ્યા છે. મર્યાદિત પાણીમાં લાખો ભાવિકોને જમાડવા શક્ય ન હોય આ વર્ષે અન્નક્ષેત્રોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષે વરસાદના અભાવે ખેતીની મોસમ ન હોય પરિક્રમાર્થીઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તંત્રએ ૩૬ કિલોમીટરના પરિક્રમા માર્ગમાં આશરે ત્રસેક જગ્યાએ પાંચ હજાર લીટરની પાણીની ટાંકીઓ મુકી સંતોષ માની લીધો છે.
લાખો લોકોનો ઝીંક ઝીલવા અસક્ષમ આ ટાંકીઓને કારણે પરિક્રમાર્થીઓને પાણીની સમસ્યા ઘેરી વળશે. રપ હજાર કરોડના ખર્ચે નર્મદા કેનાલમાંથી પાણી લાવવાની છેતરામણી જાહેરાતો કરતી રાજ્યસરકાર જો ૧પ થી ર૦ લાખના ખર્ચે પરિક્રમા માર્ગ પર ફક્ત ૪૦ - પ૦ બોર બનાવે તો અહીં પાણીની કાયમી વ્યવસ્થા ઉભી થઈ શકે છે.પરિક્રમા બાદ બોર ઢાંકી દેવામાં આવે તો વર્ષો વર્ષ તેનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાજ્યસરકારે પરિક્રમાર્થીઓને રામ ભરોસે મુકી દીધા છે.
નહીવત વરસાદને કારણે આ વર્ષે પરિક્રમા માર્ગનો એક પણ રોડ ખરાબ થયો ન હતો ત્યારે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા સ્થળોએ થીગડા મારી વનવિભાગ પરિક્રમા માર્ગ સુંદર અને વ્યવસ્થિત કરી દીધો હોવાના બણગા ફુંકી રહ્યું હોવાની રાવ સાથે કોંગ્રેસ પ્રમુખે પરિક્રમા પુરી થયા બાદ પરિક્રમા રૂટ પર તુટી ગયેલા ચેકડેમ રીપેર કરી તેમાંથી કાપ દુર કરવા, ઈટવા મહાદેવ, કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, સરખડીયા હનુમાન, માળવેલા અને બોરદેવીની જગ્યાઓમાં અન્નક્ષેત્રો માટે ચાર ચાર બોર બનાવવા સાથે પરિક્રમાર્થીઓનો ઘસારો ચાલુ થઈ ગયો છે ત્યારે કામના દેખાડા કરવાને બદલે તાબડતોડ પરિક્રમા માર્ગ પર યોગ્ય પાણીની વ્યવસ્થા ઉભી કરવા માંગણી કરી છે.
પરિક્રમાના દૂર્ગમ માર્ગની ઝાંખી કરાવતો બસસ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો
રેલ્વે સ્ટેશનથી બસસ્ટેન્ડને જોડતો રસ્તો લાંબા સમયથી મગરની પીઠ સમાન બની રહ્યો છે. જોષીપરામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આસપાસના રહેવાસીઓ તેમજ હજ્જારો મુસાફરો દિવસ દરમિયાન આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલમાં આ રસ્તો વાહન તો દુર ચાલીને જઈ શકાય તેવો પણ રહ્યો નથી. કાયમી આ રસ્તા પરથી પસાર થતા હજ્જારો લોકોને મગરની પીઠ સમાન આ રસ્તાને સ્ટ્રીટલાઈટના અજવાળાના અભાવ વચ્ચે પસાર કરવામાં નાકે દમ આવી જાય છે.
રેલ્વેની હદમાં આવેલા આ રસ્તાને રીપેર કરવાની વારંવાર કરાઈ રહેલી માંગણી સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે.
ત્યારે ગણતરીના દિવસો બાદ ચાલુ થનારી પરિક્રમામાં ઉમટી પડનાર લાખો ભાવિકોને પણ ખાડા ગાબડાથી ભરપુર આ રસ્તા રૂપી હાલાકીનો સામનો કરવો પડશે. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા અને સોરઠવાસીઓની માંગણીને અનદેખી કરવાની ટેવ વાળા રેલ્વેતંત્રની પરિક્રમાર્થીઓ પણ આબરૂ લઈ જશે. ત્યારે બે દિવસમાં અત્યંત બિસ્માર એવા રસ્તાને ડામરથી મઢવાનું કામ તંત્ર માટે શક્ય ન હોય રસ્તા પર થીગડાની કામગીરી હાથ ધરવાની માંગણી શહેરીજનોમાંથી ઉઠવા પામી છે.

ગીર નેચર યુથ ક્લબે માગેલી માહિતી વનતંત્રએ અધુરી આપ્યાની ફરિયાદ.


વેરાવળ તા.૨ર
ગીર નેચર યુથ ક્લબના સહસંયોજક દ્વારા કેટલીક માહિતી વનવિભાગ પાસે માંગવામાં આવી હતી પરંતુ વનવિભાગ દ્વારા દરેક માહિતી અધુરી આપવામાં આવી હતી તેમજ સુનાવણી વખતે પણ વેરાવળના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગેરહાજર રહ્યા હતા.
  • સુનાવણી વખતે પણ વેરાવળના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગેરહાજર રહ્યા
ગીર નેચર યુથક્લબના સહસંયોજક સલીમ મલેક દ્વારા વેરાવળ વનવિભાગ પાસેથી વેરાવળ રેન્જમાં આવતી બીટો, તેમાં રોજમદારો ચોકીદારોની સંખ્યા, બીટવાઇઝ માહિતી, રોજમદારોમાં કેટલા કાયમી અને કેટલા પાર્ટટાઇમ છે. પગારધોરણ ૨૦૦૫ થી હાલ સુધેમાં ચુકવાયેલા પગારના કાગળોની નકલ, સરકાર દ્વારા વેરાવળ રેન્જને કઇ કઇ યોજનામાં કેટલી ગ્રાંટ ફાળવી છે, ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા કામો, બીલ વાઉચર, એસ્ટીમેન્ટ, નક્શા, ધામળેજના રાઉન્ડ ફોરેસ્ટને બદલી થઇ હોય બાદમાં ચાર્જ લીસ્ટમાં શુ શુ દર્શાવ્યુ છે તેની નકલ,વેરાવળ રેન્જમાં ગીધની સંખ્યા દર્શાવવા વગેરે માહિતીમાં ઘણી માહિતીઓ અધુરી આપી હોય તેમજ સુનાવણી તારીખના દિવસે પણ વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગેરહાજર રહ્યા હતા. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી દરેક માહિતી પુરી પાડવા જણાવ્યુ છે.

ગિરનારની પરિક્રમામાં ભાતીગળ સંસ્કૃતિ, રીતરસમોના થશે દર્શન.


જૂનાગઢ, તા.૨૦ :
પ્રેમ, શક્તિ, પ્રકાશ, જ્ઞાન અને સત્યની સાથે સુખ શાંતિ પણ પ્રકૃતિ પરાયણતામાં જ છુપાયેલી છે. આ જ્ઞાન હાંસલ કરવા તેમજ પૂણ્યનું ભાથું બાંધવા દેશ વિદેશના ભાવિકો ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમામાં આવે છે. ખાસ કરીને દરિયાખેડુ પરિવારોમાં ઉત્સાહ, ઉલ્લાસ અને સંઘભાવના સાથે પ્રકૃતિના ખોળે વિહરવાનો અવસર એવી પરિક્રમાનું અનેરૂ મહત્વ છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતભરના ગ્રામીણો પરિક્રમામાં ઉમટી પડશે.
  • દરિયાખેડૂ પરિવારો સંઘભાવના સાથે પ્રકૃતિના ખોળે ઉમટી પડશે
  • વિવિધ જ્ઞાતિ અને અલગ-અલગ પ્રદેશના ભાવિકો એકત્ર થશે : અનેરો ભક્તિમય માહોલ સર્જાશે
નરસૈયાની નગરી જૂનાગઢમાં પ્રતિ વર્ષ કાર્તિક માસની અગિયારસથી પાંચ દિવસ માટે યોજાતી લીલી પરિક્રમામાં ખાસ કરીને દરિયાખેડૂઓ ભરત ભરેલા પરીધાનમાં હાથમાં રંગબેરંગી ભરત ભરેલી થેલી અને માથે જરૂરી સામગ્રીનું પોટલું મુકીને પરિક્રમા કરવા નીકળી પડે છે. આ ભાવિકો ગરવા ગિરનારમાં દામોદરરાયજી, ભવનાથ મહાદેવ થઈને, માં અંબાના શિખરો સર કરે ત્યારે દેવલોક ભુમિનો અહેસાસ કરી ધન્યતા અનુભવે છે.
આ ઉપરાંત વિશાળ સાગરકાંઠે વસવાટ કરતા વાણિયા, સોની, કણબી, લૂહાર, બ્રાહ્મણ, કોળી, રાજપૂત, મોચી, વાણંદ, ચારણ, આહિર, સુથાર, દરજી, ખારવા, કાઠી, મેર, સગર, સતવારા, સલાટ, લોહાણા, ઓડ, ઠાકોર, ભીલ, દલિત, સાધુ, રબારી, ભરવાડ સહિતના તમામ જ્ઞાતિજનો પોતાના આગવા પહેરવેશ, ભાતીગળ સંસ્કૃતિ, લોકબોલી, આગવી રીતરસમો, આભુષણો સાથે પરિક્રમામાં જોડાય છે.
તમામ જ્ઞાતિજનો કોઈપણ ભેદભાવ વગર ભજન કિર્તન અને સત્સંગ કરી અનેરો ર્ધાિમક માહોલ સર્જી દે છે. ખેડૂતો પણ ખરીફ પાકની લણણી અને રવી પાકના વાવેતરમાંથી ફુરસદ લઈને પુણ્યનું ભાથુ બાંધવા ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે પણ પ્રકૃતિના ખોળે વિહરવાનો આ અવસર ઝડપવા સોરઠ, કાઠીયાવાડ, બાબરીયાવાડ, નાઘેર, ઘેડ, ભાલ, હાલાર, બરડો, પાંચાળ, આલેચ સહિતના સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે.
પરિક્રમામાં દૂધ અને છાશના ભાવ નિયત કરાયા
જૂનાગઢમાં યોજાનાર આગામી ગિરનાર પરિક્રમા દરમિયાન યાત્રિકોને દુધ અને છાશ નિયત ભાવે અને સહેલાઈથી મળી રહે તે માટે જૂનાગઢ ડેરી, કિશાન મીલ્ક પ્રોસેસર્સ ધોરાજી અને ગિરનાર ડેરી જૂનાગઢના અધિકારીઓએ સાથે મળી બેઠકમાં નક્કી થયા મુજબ પરિક્રમા રૂટ પર જીણાબાવાની મઢી ખાતે પ વિતરણ કેન્દ્ર, માળવેલા ખાતે ર વિતરણ કેન્દ્રો તથા બોરદેવી ખાતે વિતરણ કેન્દ્રો ખુલ્લા મુકાશે. જેમાં પરિક્રમાર્થીઓને પ૦૦ એમ.એલ.ની એક નંગ થેલીના રૂ.૧૬ અને પ૦૦ એમ.એલ. છાશની એક થેલીના રૂ.૧૦ રહેશે તેમ કલેકટર મનીષ ભારદ્વાજે જણાવ્યું છે.

ક્રાંકચ અને આંબાગામમાં સાવજોએ કર્યું બે પશુનું મારણ.


Bhaskar News, Liliya | Nov 23, 2012, 00:18AM IST
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે શેંત્રુજી નદીના પટમાં રેડીયોકોલર સિંહણે આજે સાંજના સુમારે એક ગાયનો શિકાર કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત આંબા ગામની સીમમાં ચાર સાવજોએ એક વાછરડીનો શિકાર કરી મોતને ઘાટ ઉતારી હતી.

ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ પંથકમાં અવારનવાર સાવજો ગામમાં આવી ચડે છે. અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. આજે સાંજના સુમારે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે શેત્રુજી નદીના પટમાં રેડીયોકોલર સિંહણ અને બે બચ્ચાએ એક ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.

આવી જ રીતે સાંજના સુમારે આંબા ગામની સીમમાં પણ ચાર સાવજો આવી ચડયા હતા. અને એક વાછરડીનુ મારણ કર્યું હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગના ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, હિંગુભાઇ, કે.જી.ગોહિલ, પ્રફુલભાઇ મહેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં બે ડાલામથ્થાએ ભેંસના રામ રમાડી દીધા.


Bhaskar News, Amreli | Nov 21, 2012, 23:46PM IST
- સવારના પહોરમાં નદીના પટમાં દુઝણી ભેંસના રામ રમાડી દીધા

ગીર જંગલ બહાર વસતા સાવજો ધારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા વગેરે તાલુકામાં તો મોટી સંખ્યામાં જોવા મળે છે. પરંતુ આ સાવજો હવે અમરેલી તાલુકાના રેવન્યુ વિસ્તારમાં પણ કાયમી ધામા નાખેલા નઝરે પડે છે. આજે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે બે સાવજોએ વહેલી સવારે એક ભેંસને ફાડી ખાધી હતી. બનાવની જાણ થતા વનખાતાનો સ્ટાફ અહિં દોડી ગયો હતો.

અમરેલી તાલુકાના ચાંદગઢ તથા આસપાસના વિસ્તારોમાં સાવજોના સતત આંટાફેરા રહે છે. આ વિસ્તારના ખારામાં અને નદીનો પટ સાવજોને વધુ માફક આવી રહ્યો છે. જેને પગલે આ તેમનું નવું રહેઠાણ બની ગયુ છે. પાછલા કેટલાક દિવસોથી બે સાવજોએ અહિં ધામા નાખ્યા છે. સાવજોની સતત હાજરીના પગલે સીમ વિસ્તારમાં કામ કરતા લોકોમાં ફફડાટ રહે છે.

દરમીયાન આજે સવારે ચાંદગઢ ગામના નજુભાઇ હમીરભાઇ જેબલિયાની માલીકીની એક દુજણી ભેંસ ખારી નદીના પટમાં આંટા મારી રહી હતી ત્યારે બે ડાલામથ્થા ત્યાં આવી ચડયા હતાં અને આ ભેંસનું મારણ કર્યું હતું. બનાવની જાણ થતા આરએફઓ એ.કે. તુર્ક, સ્ટાફના હીંગુભાઇ, ખંખાળભાઇ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાગળપરની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

લીલીપરિક્રમા પૂર્વે જ હજારો યાત્રિકોનું પરિભ્રમણ.


Bhaskar News, Junagadh | Nov 23, 2012, 01:37AM IST
- ગઇકાલથી યાત્રાળુનો અવિરત ધસારો : બીજે દિવસે ૩૫ હજાર યાત્રાળુઓ આવ્યા

ગરવા ગિરનારની પરંપરાગત પાવનકારી ગિરનાર લીલીપરિક્રમાનો આવતીકાલથી વિધીવત પ્રારંભ થનાર છે તે પૂર્વે બુધવારથી યાત્રાળુઓનો ઘસારો શરૂ થઇ ગયો છે. આજે ૩પ હજાર જેટલા યાત્રાળુઓ પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યારે ૩ હજાર જેટલા યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. ઉપરાંત ભવનાથ તિર્થક્ષેત્રમાં અન્યક્ષેત્રો પણ શરૂ થઇ ગયા છે.

ગિરનાર લીલીપરિક્રમા વિધિવત તા.ર૪ નવેમ્બરથી પ્રારંભ થઇ રહયો છે અને તા.ર૮ નવેમ્બર સુધી ચાલનારીપરિક્રમામાં પાંચ દિવસ લાખો યાત્રાળુઓપરિક્રમા કરશે.પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા બુધવારનાં બપોરથી શ્રધ્ધાળુઓએપરિક્રમા શરૂ કરી દીધી છે. પ્રથમ દિવસ આઠ હજાર જેટલાપરિક્રમાર્થીઓ જંગલમાં પ્રવેશી ગયા હતા. ત્યારે આગોતરીપરિક્રમાનાં બીજા દિવસે ૩પ હજાર જેટલાપરિક્રમાર્થીઓએપરિક્રમા પ્રારંભ દીધી છે.

પરિક્રમાને લઇ એસ.ટી. બસ, ખાનગી વાહનો, રેલ્વે, રીક્ષાઓમાં લોકો ખીચોખીચ ભરાઇને આવી રહ્યા છે. વાહનોમાં ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. ધીમે ધીમે આ પ્રવાહમાં વધારો થઇ રહ્યો છે.ભવનાથ તીર્થક્ષેત્રમાં માનવ મહેરામણ ઉભરાયું છે. શહેરનાં મુખ્ય માર્ગો પર વાહન અને માણસોથી ટ્રાફીક જોવા મળી રહયો છે. ભવનાથ ઉપરાંત પરિક્રમા રૂટ પર અન્નક્ષેત્રનાં રસોડાં ધમધમવા લાગ્યા છે. તો બીજી તરફ હજુ કેટલીક સેવાભાવી સંસ્થાઓનું આગમન થઇ રહ્યું છે.

આગોતરી પરિક્રમાનાં બીજા દિવસે ૩પ હજાર જેટલા પરિક્રમાર્થીઓ જંગલમાં પ્રવેશી ચૂક્યા છે. ત્યારે ૩ હજાર જેટલા યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી પણ લીધી છે. જોકે આવતીકાલ શનિવારે બપોરનાં ૧ર વાગ્યાથી વિધિવત પરિક્રમાનો પ્રારંભ થશે.

- વનવિભાગ અને પોલીસ કર્મીઓ તૈનાત

પરિક્રમાને લઇ તેનાં રૂટ અને શહેરમાં વન વિભાગ અને પોલીસ દ્વારા રાવટીઓ ઉભી કરવામાં આવી છે. યાત્રાળુની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ રાવટીમાં વન વિભાગ અને પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

- તંત્રની તૈયારીઓને આખરી ઓપ

શનિવારથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઇ રહયો છે. ત્યારે વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

- ૩ હજાર લોકોએ ગિરનાર સર કર્યો

પરિક્રમાને લઇ ભવનાથ તીર્થક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ ઉભરાઇ રહ્યા છે. આગોતરી પરિક્રમામાં હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે ૩ હજાર લોકોએ ગિરનાર ચઢી ગુરૂદત્તાત્રેયનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Tuesday, November 20, 2012

ક્રાંકચઃ ગીર બહારનું સિંહારણ્ય.

સમયાંતર - લલિત ખંભાયતા. 18-November-2012, Sunday
- અમરેલી જિલ્લાના લિલિયા પાસેનો ક્રાંકચ વિસ્તાર છેલ્લા થોડા સમયથી સંિહોની હાજરી માટે જાણીતો બનતો જાય છે. માનવીય વસાહતનો વિસ્તાર હોવા છતાં ક્રાંકચ અને ત્યાંથી પસાર થતી શેત્રુંજીના કાંઠાના વિસ્તારોમાં ત્રીસેક સંિહોની હાજરી નોંધાઈ છે. માણસોની વસતી વચ્ચે સંિહોની મોટા પ્રમાણમાં હાજરીને કારણે વનવિભાગે ક્રાંકચ ખાતે ચેકપોસ્ટ પણ ઉભી કરવી પડી છે..
‘સિંહોના અવર-જવરનો વિસ્તાર છે, વાહન ધીમે અને સાવચેતીપૂર્ક ચલાવવું..’ અમરેલીથી ક્રાંકચ ગામ તરફ જતાં રસ્તામાં એક ચોકડી આવે. એ ચોકડી પર એક બોર્ડ મારેલું છે. થોડા ઘણા ઝાંખા થઈ ગયેલા અક્ષરોમાં લીલા કલરે આવા જ મતલબની લાંબી સૂચના ત્યાં લખેલી છે. સ્થાનિક લોકો માટે એ સૂચનાની કોઈ નવાઈ નથી, જ્યારે અજાણ્યા લોકો મોટે ભાગે આવી સૂચના ઘ્યાનથી વાંચતા નથી હોતા! પણ એ વિસ્તારની ભુગોળ (અમેરેલી-સાવરકુંડલા વચ્ચેનો વિસ્તાર)થી થોડા વાકેફ હોઈએ તો સવાલ જરૂર થાય કે અહીં સંિહ ક્યાંથી? ખેતરો છે, ગામડાંઓ છે, રહેણાંક મકાનો છે, વસાહતો છે. આખો વિસ્તાર તો માનવ-વસાહતથી ભરેલો છે. સંિહ ક્યારેક આવી ચડતા હોય એ તો સમજી શકાય એવી વાત છે, પણ કાયમી ધોરણે બોર્ડ મારવું પડે એટલી બધી સંિહોની અવર-જવર અહીં ક્યાંથી? થોડા દિવસો પહેલા સુધી આ સ્થિતિ હતી. હવે તો સંિહોના રક્ષણ માટે નાના લિલિયા ચોકડી કહેવાતા ચાર રસ્તે વનખાતાએ ડેરા-તંબુ તાણી ચેકપોસ્ટ ઉભી કરી છે! મતલબ કે મોટી સંખ્યામાં સંિહો ક્રાંકચ અને તેની આસપાસના વિસ્તારમાં આવ-જા કરે છે. સંિહોના ગીર બહાર જે રહેઠાણો છે, તેમાનું ક્રાંકચ એક છે.
મિની અભયારણ્ય
સંિહોએ પસંદ કરેલી આ જગ્યા આજે ગીર બહારનું મિની અભયારણ્ય બની ગઈ છે. સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ નદી શેત્રુંજી અહીંથી પસાર થાય છે. શેત્રુંજીના બન્ને કાંઠે ભેખડો અને થોડુ-ઘણુ જંગલ છે. સત્તાવાર રીતે ભલે આ વિસ્તાર ગીર ન ગણાય પરંતુ ત્યાંની જીવસૃષ્ટિ અને વન્યવસાહત સંિહોને બહુ માફક આવી ગઈ છે. એક સમયે બારેમાસ વહેતી શેત્રુંજી આજે પહેલા જેવી પાણીની વિપુલતા તો નથી ધરાવતી, પણ સંિહોને જોઈએ એટલુ પાણી મળી જ રહે છે. કાંઠે પાંખુ જંગલ હોવાથી ત્યાં રહેતા સજીવોને સંિહનો ખોરાક બનતા રહે છે. ક્યારેક જંગલમાં ખોરાક ન મળે ત્યારે આજુબાજુના ગામડાં જઈ મારણ ક્યાં નથી કરાતું?
આજુ-બાજુના ગામડાંઓમાં સંિહોની રંજાડ રહે છે. પણ સામે પક્ષે કેટલાક સ્થાનિક સળીબાજો દ્વારા સંિહોને થતી રંજાડ પણ એટલી જ છે. આ વિસ્તાર જંગલ નહીં પણ ગામ અને ખેતરોનો છે. કોઈકના ખેતરમાં કે ખેતરના શેઢે કે નદીના પટમાં સંિહ મારણ કરે કે ધામા નાખે તો પંથકમાં ખબર પડ્યા વગર રહેતી નથી. પરિણામ? કલાક-બે કલાકમાં તો સંિહ જોવા માંગતા અને વઘુ તો સંિહને સળી કરવા માગતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ જાય! સંિહ અને સંિહદર્શનાર્થીઓ વચ્ચે જંગલ અધિકારીઓ આવે ત્યાં સુધીમા ઘણો સમય નીકળી જતો હોય છે. વળી કેટલાક કિસ્સામાં જંગલખાતાના અધિકારીઓ પહોંચી પણ શકતા નથી. એ દરમિયાન સંિહોને સળી કરનારાઓને મજા પડી જાય છે. સંિહો પાછળ ટ્રેકટર-રીક્ષાઓ દોડાવવી, મારણ પર બેઠેલા સંિહોને પથ્થરો મારવા, મારણ પરથી હટાવી દેવા વગેરે પ્રવૃત્તિઓની અહીં નવાઈ નથી. સ્થિતિ એ સર્જાઈ છે, કે ક્રાંકચ આસપાસનો વિસ્તાર સંિહોની હાજરી માટે ગૌરવ લઈ શકત પણ કેટલાક લોકોને કારણે સંિહોને હેરાન-પેરશાન કરવા માટે બદનામ થઈ રહ્યો છે.
સાવધાન, તમે સંિહોના વિસ્તારમાં છો!
હવે જોકે વનવિભાગે ક્રાંકચ રોડ પર તત્કાળ ધોરણે એક ચોક-પોસ્ટ ઉભી કરી દેતાં સંિહોને થતી રંઝાડ ઓછી થશે. લોકે સંિહોને હેરાન ન કરે તો પણ રસ્તાઓ પર અવર-જવર કરતાં વાહનોને કારણે ક્યારેક અકસ્માત થવાની શક્યતા રહે છે. અમરેલી-લિલિયા રોડ પર ઘણી વખત રાત્રીના સમયે સંિહો આવીને આરામ ફરમાવતા હોય છે. અંધારમાં બેઠેલી સંિહોની ટોળકી પૂરપાટ આવતા વાહનોને નજરે પડે ત્યાં સુધીમાં ક્યારેક ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય એવુ બની શકે. થોડા દિવસો પહેલાં જ રોડ પર સંિહ પરિવાર આરામ ફરમાવી રહ્યો હતો. વન-વિભાગના અધિકારીઓ ત્યાં હાજર હતાં. એવામાં દૂરથી દેમાર ગતીએ એક જીપ આવી રહી હતી. જો જીપ સમયસર બ્રેક ન મારે તો અકસ્માત નક્કી હતો. હાજર રહેલા લોકોએ બૂમ-બરાડા પાડ્યા પણ જીપ-ચાલક સુધી એ અવાજ પહોંચે તો ને? એ તો પોતાની મસ્તીમાં જીપ ભગાવ્યે જતો હતો. પણ એવામાં કોઈએ લાઈટના શેરડાઓ મારી ઈશારાથી સમજાવતા જીપે સમયસર બ્રેક મારી દીધી. ત્યારે તો ખાસ વાંધો ન આવ્યો પણ આવો અકસ્માત ભવિષ્યમાં ન થાય એની કોઈ ખાતરી નથી હોતી. એટલે વનવિભાગે હાલ તુરંત થાણુ ઉભુ કરી દીઘું છે. વન વિભાગે સંિહોની મદદે આવવામાં મોડુ કર્યું છે, પણ જો હવે બરાબર કાળજી લેવાય તો આ વિસ્તારમાં સંિહોના વસવાટને ઘણો લાભ થશે.
સમય-સંજોગો પ્રમાણે પરિવર્તન!
ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહે છે, એમ કોઈ પણ સજીવે અસ્તિત્વ ટકાવવું હોય તો જે-તે સ્થળ-સમયને અનુરુપ થવું પડે. અહીં આવતા સંિહો પણ પોતાની જંગલી આદતોમાં થોડો-ઘણો ફેરફાર કરી સ્થાનિક પર્યાવરણને અનુરુપ બન્યાં છે. જેમ કે સામાન્ય રીતે સંિહો પાણીમાં હોય એવું દશ્ય દુર્લભ છે. પણ અહીં શેત્રુંજીના પટમાં જ હોવાથી ક્યારેક ક્યારેક છીછરા પાણીમાં સંિહો નજરે પડી જાય છે. ચોમાસામાં નદીમાં પુર આવે ત્યારે નહી કાંઠે કોતરોમાં રહેતા સંિહો માટે મુશ્કેલી થઈ શકે છે. ખાસ તો સંિહના બચ્ચાઓનું સમયસર સ્થાનાંતર ન થાય તો પાણી સાથે તણાઈ જાય એ નક્કી વાત છે. પણ સંિહોને ચોમાસું આવતાં જ ખબર પડી જાય. એટલે શિયાળામાં જેમ કાશ્મીરની રાજધાની શ્રીનગરથી જમ્મુમાં સ્થળાંતરીત થઈ જાય છે, એમ સંિહો પણ ચોમાસામાં આખી વણઝારનું નદીના પટમાંથી ડુંગરાળ વિસ્તારમાં સ્થળાંતર કરી નાખે છે.
આઠ માસ સુધી નદીના પટમાં જમાવડો કરતા સંિહો વરસાદના પહેલા આગમન સાથે જ નવા સ્થળે જવાની તૈયારી કરવા માંડે છે. નદીથી થોડે દૂર આવેલા ડુંગરાળ વિસ્તારો ચોમાસાના ચાર માસ માટે સંિહોનું રહેણાંક બને છે. ફરી જેવું ચોમાસુ પુરું થાય એટલે સંિહો મેદાનમાં આવી જાય છે. સંિહોને આવી બુદ્ધિ ક્યાંથી આવી એ તો કોને ખબર, પણ ભુતકાળના અકસ્માતો પરથી સંિહોએ કદાચ શીખ લીધી હશે. થોડાંક વર્ષો પહેલાં ભારે પુર આવ્યું ત્યારે શેત્રુંજીના પાણીમાં ચાર સંિહોને મૃતદેહો નજરે પડ્યા હતાં. એ પછી કોઈ સંિહ તણાયા હોવાના બનાવો નોંધાયા નથી. સંિહો સમજીને જ પાણી માટે માર્ગ કરી આપે છે. અલબત્ત, સંિહોને તકલીફ નથી પડતી સાવ એવુંય નથી. ગયા વર્ષે લિલિયામાં બે દિવસ સતત વરસાદ પડતાં એક સંિહ પરિવાર ગાંગડિયા નદીના પટમાં ફસાઈ ગયો હતો. કુલ છ સંિહોનો પરિવાર એક બાજુ પાણી અને એક બાજુ નદીની ભેખડ વચ્ચે મુશ્કેલીમાં મુકાયો હતો. અંતે પાણી ઓસરતાં બધા સંિહો સલામત રીતે જંગલ તરફ રવાના થયા હતાં.
ગીરના સંિહો બધા એકસાથે હોવાથી કોઈ રોગચાળો ફેલાય કે કોઈ આફત વખતે બધા સંિહો નાશ પામે તો? એ મુદ્દો ઉપસ્થિત કરી વારંવાર કેટલાક સંિહોને મઘ્યપ્રદેશ લઈ જવાની દલીલ થતી રહે છે. હકીકત એ છે, કે હવે સંિહો માત્ર ગીરમાં નથી રહેતાં. સો-સવાસો જેટલા સંિહો ગીર બહારના વિવિધ વિસ્તારોમાં ફરે છે. માટે ન કરે નારાયણને કદાચ ‘કેનાઈન ડિસ્ટેમ્પર (એક રોગચાળો, જે સંિહોમાં થવાની સંભાવના વધારે છે)’ ફાટી નીકળે તો પણ સંિહો સલામત રહેશે. ૧૯૯૧મા ટાન્ઝાનિયાના વિશ્વવિખ્યાત ‘સેરેંગટી નેશનલ પાર્ક’માં આ રોગચાળાને કારણે સંિહોની વસતી ૨૦ ટકા ઓછી થઈ ગઈ હતી. એટલે કેનાઈન ડિસ્ટેમ્પરનો ડર હોવો સ્વાભાવિક છે, પણ હાલ તુરંત ગીરના કિસ્સામાં વ્યવહારુ નથી. બીજો ડર જંગલમાં આગ લાગવાનો હોય. તો આગ તો બધા જ જંગલોમાં લાગે છે અને એમાં રાબેતા-મુજબ જંગલજગતને નુકસાન થતું હોય છે. ક્રાંકચમાં જ ઊનાળામાં ૩ વખત દાવાનળ લાગ્યો હતો. એમાં સદ્‌ભાગ્યે સંિહો સલામત રહ્યાં હતા.
સંિહના ટોળા છે જ!
ગીરના જંગલમાં રહેતા સંિહો હજુ એટલા મોટા ટોળામાં નથી રહેતાં. પણ શેત્રુંજી-ક્રાંકચ-ગાંગડિયોના વિસ્તારમાં ફેલાયેલા સંિહો ટોળામાં ફરે છે. મે, ૨૦૧૧માં તો જંગલખાતાએ એક સાથે ૧૮ સંિહોનો વિશાળ કાફલો જોયો હતો. એ પહેલાં લિલિયા-ક્રાંકચ રોડ ઉપર ગાંગડિયો નદીના પુલ માથે એક સવારે એક સાથે ૧૧ સંિહો આવી પહોંચતા પુલ પરનો વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. સંિહનું મોટું ટોળું જોઈને પણ ઘણી વખત સંિહ જોવા આવેલા લોકો પૈકી કેટલાંક અળવિતરાઓ સળી કર્યાં વગર રહેતાં નથી. સળી કરે ત્યારે સંિહ ત્યાંથી તો દૂર થઈ જાય છે, પણ તેનો ગુસ્સો બીજા કોઈ પર ઉતરે છે. ગુસ્સે થયેલા સંિહોને રસ્તામાં કોઈ માલધારી મળે તો તેમના પર અકારણ હુમલો કરી બેસે છે. ક્યારેક બે સંિહો પણ અંદરો-અંદર બથોબથ આવે છે. અહીંના સંિહો અન્ય વિસ્તાર કરતા વધારે ઉગ્ર સ્વભાવના છે. એમના સ્વભાવની ઉગ્રતા પાછળ તેમને થતી હેરાનગતિ જવાબદાર છે. એ હેરાનગતિ ઓછી થતી જશે એમ એમ સંિહોની રંજાડ પણ ઘટતી જશે.

દુર્લભ દૃશ્ય સંિહ પાણીમા
પાણીમાં ઉભેલા સંિહની ઉ૫રની દુર્લભ તસવીરો અમરેલીના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અમઝદ કુરેશીએ લીધી છે. એ દિવસ યાદ કરતાં કુરેશી કહે છે, ‘પહેલાં તો મને લાગ્યું કે કોઈ બીજુ જનાવર છે. સંિહ પાણીમાં ચાલ્યો જાતો હોય એવી તો કલ્પના પણ ક્યાંથી હોય! પણ પછી ઘ્યાનથી જોયું તો ડાલામથ્થો જ હતો. મે એ ક્ષણો કેમેરામાં કંડારવાની તક ઝડપી લીધી.’ સંિહો પાણીમાં ચાલતા હોય એવું દૃશ્ય સામાન્ય સંજોગોમાં જોવા મળવું મુશ્કેલ છે. અલબત્ત, સાવ સંિહોને પાણી સાથે દુશ્મની છે એવુંય નથી. આફ્રિકા ખંડના બોત્સવાના દેશમાં ઓકવાંગો ડેલ્ટા નામનો ઓકવાંગો નદીનો મુખત્રિકોણ પ્રદેશ છે. આ વિસ્તારમાં દોઢેક હજાર સંિહો રહે છે. પ્રાણીશાસ્ત્રી ક્રિસ્ટીઆન વિન્ટરબેચ અને તેમની પત્ની હેનલીને ખબર પડી કે પાણી ભરેલા વિસ્તારમાં સંિહો રહે છે, ત્યારે તેઓ કુતુહલવશ ઓકવાંગોના પટમાં આવ્યા. અહીં એમણે જોયું કે કેટલાક સંિહો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પાણીમાં ઝંપલાવે છે! સંિહને પાણીમાં જોઈ વિન્ટરબેચ દંપતિને આશ્ચર્ય થયું, કેમ કે સામાન્ય રીતે સંિહો પાણીથી દૂર રહેવાનું પસંદ કરતાં હોય છે. હા, પાણી પીવા પુરતાં જરૂર આવે પણ કાંઠેથી જ જીભ લાંબી કરીને પાણી પી, પરત થઈ જતાં હોય છે. અહીંના સંિહોનો અભ્યાસ કરવાનું નક્કી કરી ક્રિસ્ટીઆન અને હેનલી અહીં જ રહી ગયા. વર્ષોના અભ્યાસ બાદ તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે, કે સંિહો અનિવાર્ય હોય તો પાણીમાં ચાલવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે બે-અઢી ફીટ ઊંડુ હોય એવા પાણીમાં જ સંિહો ઝંપલાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાયે જવાનો રસ્તો સીધો હોય પણ ત્યાં પાણી ઊંડુ હોય તો સંિહો ફરીને જવાનું પસંદ કરે છે. બાકી પાણીમાં રહેવાનું તેમને જરા પણ પસંદ નથી.
લાદેન છે અને તાડકા પણ છે!
લાદેન કે તાડકા બેમાંથી કોઈ પણ હયાત નથી, છતાં એના દર્શન તમને જંગલમાં થઈ શકે એમ છે! એમાંય તાડકા તો છેક કૃષ્ણના વખતમાં રાક્ષણસી હતી. પણ જંગલમાં લોકોએ સંિહ-સંિહણ, તેમના બચ્ચાંઓને આવા નામો આપ્યા છે. સાવરકુંડલાના સાકરપરા વિસ્તારમાં રહેતો એક સંિહ બહુ મોટેથી ત્રાડો પાડતો હોવાથી તેનું નામ ‘ઓસામા બીન લાદેન’ પાડી દેવાયું છે! અમેરિકા આતંકવાદી ઓસામાને ઠાર કરી શક્યું પણ આ ઓસામા તેમની પહોંચથી બહાર છે. તુલશિસ્યામ વિસ્તારમાં એક ખુંખાર સંિહણને ‘ફૂલનદેવી’ નામ આપી દેવાયું છે. નામ સંિહોની ખાસિયત-ટેવો-લક્ષણના આધારે અપાતાં હોય છે. મિતિયાળા વિસ્તારમાં એક સંિહ હતો જેનો કલર જરા ઝાંબલી હતો એટલે નામ ‘ઝામ્બો’ પાડી દેવાયું. એ રીતે સાસણ પાસે એક પુંછડી કપાયેલો સંિહ ‘બાંડા’ તરીકે ઓળખાતો હતો. પુછડું કપાયેલી સંિહણ ‘બાંડી’ તરીકે ઓળખાય છે. નાત બહાર મુક્યો હોય એમ એક સંિહ એકલો જ ફરતો રહેતો એટલે એનું નામ પડી ગયું ‘એકલમલ’. ગઢિયા વિસ્તારમાં બે કદાવર સંિહો એક સાથે જ ફરતાં. જોઈને ભલભલાના ધબકારા વધી જાય એવા સંિહોના નામ ‘ભીમ-અર્જૂન’ રાખ્યાં હતાં. કપાળે જરાક ટીલું હોય તો એવા સંિહ ‘ટિલિયા’ તરીકે ઓળખાણ અપાય છે. એ રીતે ગીરમાં તો ‘તાડકા’, ‘તરખો’, ‘જળકટો’ એમ વિધવિધ પ્રકારના નામો ધરાવતા સંિહો રાજ કરે છે.
Source: http://gujaratsamachar.com/20121118/purti/ravipurti/ravi44.html

Monday, November 19, 2012

ગિરનારની આગોતરી પરિક્રમા કરતા સંતો-વનવિભાગ.


જૂનાગઢ, તા.૯:
ગિરનારના સાનિધ્યમાં યોજાતી પરિક્રમામાં દર વર્ષે દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડે છે. ભારતના ખુણે ખુણેથી ઉમટી પડતા ભાવિકોને પરિક્રમા માર્ગ પર કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. એવી સ્થિતિ વચ્ચે આજે સવારથી સાધુ સંતો અને વન વિભાગનો કાફલો પરિક્રમા માર્ગ પર પહોંચી ગયો હતો.પરિક્રમા માર્ગ પર પરિક્રમાર્થીઓ માટે ઉભી કરાયેલી તમામ વ્યવસ્થાનું સાધુ સંતોએ નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે પાણીની પળોજણ વચ્ચે અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવીઓ અને પરિક્રમાર્થીઓને જંગલમાં પાણી માટે વલખા મારવા ન પડે તે માટે વનતંત્રએ પાણીના પોઈન્ટ ઉભા કર્યા છે. આ આગોતરી પરિક્રમામાં વનવિભાગે પરિક્રમાર્થીઓને પાણીનો બગાડ ન કરવા અપીલ કરી હતી.
  • જંગલમાં પાણીના કૂટિયા સહિતના સ્ત્રોતો દૂષિત ન કરવા યાત્રિકોને વનવિભાગની અપિલ : જંગલમાં ત્રણ નવા બોર કરાશે
વર્ષોથી ગરવા ગિરનારની ગોદમાં યોજાતી અને જૂનાગઢની ઓળખ બની રહેલી પરિક્રમામાં પૂણ્યનું ભાથું બાંધવા આવતા લાખો યાત્રિકોને જંગલમાં તમામ સુવિધાઓ મળી રહે અને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ પરિક્રમાર્થીઓ શાંતિથી પરિક્રમા પૂર્ણ કરી શકે તે માટે તમામ તંત્રો આશરે એકાદ મહિના પહેલા તમામ તૈયારીઓ હાથ ધરે છે. પરિક્રમા રૂટને સ્વચ્છ કરવા ઉપરાંત પાણીની વ્યવસ્થા ગોઠવવા, પશુ પક્ષીઓની સુરક્ષા, પરિક્રમા માર્ગ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવવા સહિતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મનપા, વન વિભાગ સહીતના તંત્રોએ પરિક્રમાની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. કેટલીક કામગીરીઓને તો અત્યારથી જ આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે શિયાળાની સવારની ગુલાબી ઠંડી વચ્ચે અંબાજી મહંત તનસુખગીરીબાપુની આગેવાની હેઠળ મહંત ઈન્દ્રભારતીબાપુ, અચ્યુતાનંદજી, અશોકાનંદ, ચાંપરડાના સાધનાનંદ અને મોહનભારથી સહિતના સંતો સાથે એ.સી.એફ. કે.એ.ગાંધી અને આર.એફ.ઓ. પી.જે.મારૂની આગેવાની હેઠળ વનવિભાગના કાફલાએ આજ રોજ આગોતરી પરિક્રમા કરી તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
વનવિભાગે આશરે એકાદ અઠવાડિયા પહેલા જ પરિક્રમા રૂટને સ્વચ્છ બનાવી રસ્તા પર રીપેરીંગ કામ કર્યું હતું. ત્યારે સાધુ સંતોએ જીણા બાવાની મઢી, સરકડીયા હનુમાન, માળવેલા અને બોરદેવી રૂટ પર રસ્તા રીપેરીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ચાલુ વર્ષે કુદરતે વરસાવેલા પ્રકોપને કારણે ચો તરફથી પાણીના પોકારો ઉઠી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરીજનો વેંચાતું પાણી મંગાવી રહ્યા છે.
પાણીના તળ ઉંડા જતા રહ્યા છે. તેમજ શહેરીજનોને પાણી પુરૂ પાડનાર પાણીના સ્ત્રોતો પણ ખાલી પડયા છે. ત્યારે વનવિભાગે પરિક્રમાર્થીઓને શહેરની સુવિધાથી દુર જંગલમાં પાણી માટે વલખા ન મારવા પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ૩૬ કિલોમીટરના પરિક્રમાના રૂટ પર વનવિભાગે વિવિધ સ્થળોએ ર૩ પાણીના પોઈન્ટ ઉભા કર્યા છે. તેમજ જુના બોર કુવાની સફાઈ કરી જીણાબાવાની મઢી, સુખનાળા અને નળપાણીની જગ્યાએ ત્રણ નવા બોર કરવાનું આયોજન કર્યું છે.
પરિક્રમાર્થે આવતા આશરે ર લાખ જેટલા યાત્રિકો તો નિયત સમય કરતા વહેલા જ પરિક્રમા પુરી કરી નાંખે છે. તેમજ પરિક્રમાના ૪ દિવસ દરમિયાન આશરે ૮ લાખ ભાવિકો પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધે છે. ત્યારે વનવિભાગે આ વર્ષે પાણીની તંગીને ધ્યાને રાખી પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થીઓને પીવા સિવાય પાણીનો બગાડ ન કરવા તેમજ પાણીના સ્ત્રોતોને દુષિત ન કરવા અપીલ કરી છે. જેથી પરિક્રમા બાદ પશુ પક્ષી માટે બચેલુ પાણી દુષિત ન થાય અને મૃતઃપાય અવસ્થામાં આવી ગયેલા જંગલી પશુ પક્ષીઓ બચેલા પાણીમાં જીવન નિર્વાહ કરી શકે.
હિંસક પશુઓ અને યાત્રિકોની સલામતી માટે બે રેસ્ક્યૂ ટીમ તૈનાત કરાશે
જંગલમાં યોજાતી ૪ દિવસીય પરિક્રમાને કારણે જંગલમાં રહેતા પશુ પક્ષીઓ ક્યારેક પોતાના ઘરમાં માણસોની દખલગીરી સહન કરી શકતા નથી. પરિણામે ક્યારેક આવા જંગલી પશુઓએ પરિક્રમાર્થીઓ પર હુમલો કર્યાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે આ વર્ષે પરિક્રમા રૂટ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે બે રેસ્ક્યૂ ટીમ તૈનાત કરવામાં આવશે. જમાં એક સાસણની અને એક સકકરબાગની ટીમ રાખવામાં આવશે. આ ટીમ ટ્રાન્ક્યુલાઈઝ ગન, જીપ, એકસપર્ટ સ્ટાફ, આર.એફ.ઓ.ની આગેવાની હેઠળ સતત પરિક્રમા રૂટ પર ફરતી રહેશે. આ ટીમ પરિક્રમાર્થીઓ અને હિંસક પ્રાણીઓને એકબીજાને દુર રાખશે. જો કોઈ સ્થળે હિંસક પશુઓ દેખા દેશે તો આ ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમને પરિક્રમા માર્ગથી દુર લઈ જશે. હિંસક પ્રાણીઓ અને યાત્રિકોને એક બીજાથી ખતરો પેદા ન થાય તે માટે આ ટીમ સતત કાર્યરત રહેશે.
ગિરનાર જંગલને પ્લાસ્ટિક મૂક્ત રાખવા વનવિભાગનું અનોખુ આયોજન
પૂણ્યનું ભાથું બાંધવા આવતા પરિક્રમાર્થીઓ જંગલને કોઈ નુકશાન ન પહોંચે તે માટે તમામ દરકાર રાખે છે. પરંતુ ફક્ત ફરવા કે મોજ મજા કરવા આવતા કેટલાક યાત્રિકો જંગલમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાની મનાઈ હોવા છતા બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી આ પ્લાસ્ટીક ત્યાં જ નાંખીને ચાલ્યા જાય છે. પરિક્રમા બાદ પરિક્રમા રૂટ પર કરવામાં આવતી સફાઈ દરમિયાન ટન બંધ પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્લાસ્ટીકનું પ્રદુષણ ડામવા માટે વન વિભાગે એક અલગ આયોજન હાથ ધર્યું છે. પર્યાવરણની જાળવણી કરવા ઈચ્છતા અને પ્લાસ્ટીકના પ્રદુષણને ડામવા સ્વયંસેવક બની ફરજ બજાવવા ઈચ્છતા પરિક્રમાર્થીઓને થેલા આપવામાં આવશે. આ યાત્રિકો પરિક્રમારૂટ પર ફેંકવામાં આવેલા વેફરના રેપર, પ્લાસ્ટીકના પાઉચ અને પ્લાસ્ટીકની બોટલ રસ્તામાંથી એકત્ર કરીને થેલામાં ભરતા આવશે. બોરદેવી તેમજ વિવિધ સ્થળોએ રાખવામાં આવેલા કન્ટેનરમાં આ કચરો ઠાલવી દેવાશે. આ વર્ષે પરિક્રમાર્થીઆને પૂણ્યની સાથે સાથે પર્યાવરણને દુષિત થતુ અટકાવવાની સેવા કરવાનો પણ મોકો મળી રહેશે.

ગેરકાયદે સિંહદર્શન કરતા વીસ યુવાન પકડાયા.


Bhaskar News, Amreli | Nov 18, 2012, 04:39AM IST
દિપાવલીના તહેવારો પર લોકોએ ગીરમાં વસતા સાવજોને નજીકથી નીહાળવા માટે જંગલ તરફ વાટ પકડી હતી. ત્યારે ગેરકાયદે સિંહ દર્શન કરતા કેટલાક લોકોને વનવિભાગ દ્વારા સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો. ધારી તાલુકાના સરસીયા અને જાબ જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા વીસેક જેટલા લોકોને રૂ. ૧૨ હજારનો દંડ ફટકાર્યો છે.

દિવાળી વેકેશનમાં ગીરમાં વસતા ડાલામથ્થા સાવજોને નજીકથી નીહાળવા માટે કેટલાક લોકોએ જંગલમાં ગેરકાયદે ઘુસી સિંહ દર્શન કરવા જતા વનવિભાગના કર્મચારીઓએ તેને ઝડપી પાડી સ્થળ પર જ દંડ ફટકારતા સિંહ દર્શન કરવુ ભારે પડી ગયુ હતુ. ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સબ ડીએફઓ મુની, આરએફઓ એ.વી.ઠાકરે ગેરકાયદે સિંહ દર્શન કરતા વીસેક જેટલા યુવાનોને ઝડપી લઇ રૂ. ૧૨ હજારનો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે.

વાઘણીયામાં દસ સાવજના ટોળાએ કર્યું ત્રણ પશુનું મારણ.


Bhaskar News, Liliya | Nov 18, 2012, 02:38AM IST
- ગામના પાદર સુધી સાવજો ચઢી આવતા લોકોમાં ભાગદોડ : એક ગાયને ઘાયલ કરી દીધી

લીલીયા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વધતી જ જાય છે. જેને પગલે આ સાવજો દ્વારા મારણની ઘટનાઓ પણ અવાર નવાર બને છે. આજે લીલીયા તાલુકાના વાઘણીયા ગામની સીમમાં એક સાથે દશ સાવજના ટોળા દ્વારા ત્રણ પશુનું મારણ કરવામાં આવ્યુ હતું. એટલુ જ નહી એક ગાયને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. મારણની આ ઘટના લીલીયા શહેરથી છ કીમી દુર આવેલા વાઘણીયા ગામની સીમમાં બની હતી.

ગામની સીમમાં પાછલા કેટલાક સમયથી સાવજોનો વસવાટ છે. આજે એક સાથે દસ સાવજોનું ટોળુ છેક ગામના પાદર સુધી ધસી આવ્યુ હતું અને ત્રણ પશુનું મારણ કર્યુ હતું. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વાઘણીયા ગામના મેપાભાઇ લખમણભાઇની એક ગાય તથા દેવશીભાઇ રૂડાભાઇ અને મંગાભાઇ લક્ષ્મણભાઇના એક એક વાછરડાને સાવજના આ ટોળાએ ધોળા દિવસે ફાડી ખાધા હતાં.

આ ઉપરાંત સાવજના ટોળાએ મંગાભાઇની એક ગાયને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. અહિં લોકોનું ટોળુ પણ એકઠુ થઇ ગયુ હતું. બનાવની જાણ થતા આરએફઓ એ.કે. તુર્ક સ્ટાફના બી.એમ. રાઠોડ, કે.જી. ગોહિ‌લ, બીપીનભાઇ ગોહિ‌લ અને પ્રફુલભાઇ મહેતા ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને કાગળ પરની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિસ્તારમાં એક સાથે આટલા સાવજોના કારણે ગામલોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. દરમીયાન સાવજોનું આ ટોળુ મોડી સાંજે પણ ફરી છેક ગામના પાદર સુધી આવી ચડ્યુ હતું. જેને પગલે ગામલોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

ચાંદગઢની સીમમાં સિંહ પરિવારે કર્યું બળદનું મારણ.


Bhaskar News, Liliya | Nov 09, 2012, 01:37AM IST
લીલીયા તાબાના ક્રાંકચમાં બાવળની બીડના જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહીથી સાવજો છેક અમરેલીના ચાંદગઢ ગામની સીમ સુધી આવી જાય છે. આ ઉપરાંત સાવરકુંડલાની સીમમાં આંટાફેરા મારતા નજરે પડે છે. ત્યારે આજે સવારના સુમારે ચાંદગઢ ગામની સીમમાં સિંહ પરિવારે બે બળદોનો શિકાર કરી મજિબાની માણી હતી.

ગીરના જંગલમાંથી હવે સાવજો રેવન્યુ વિસ્તારમાં વધુ વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને લીલીયાના ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં તો ૨૮ ઉપરાંત સિંહો વસવાટ કરી રહ્યાં છે. આ સિંહ પરિવારો શેત્રુંજી નદીના કાંઠેથી ચાંદગઢ ગામની સીમમાં તેમજ છેક સાવરકુંડલા સુધી આંટાફેરા મારે છે.

ચાંદગઢમાં રહેતા હમીરભાઇ રામભાઇ ખુમાણની માલિકીના બે બળદોનો આજે સવારે ત્રણ સિંહ અને એક સિંહણે શિકાર કરી મારણ કર્યું હતુ. અવારનવાર સિંહો ચાંદગઢની સીમમાં આવી ચડે છે. જેના કારણે લોકોમાં પણ સતત ભય ફેલાઇ છે. સિંહ પરિવારો અહી કાયમી માટે ધામા નાખતા હોય ખેડુતો પણ વાડી ખેતરોએ જતા ભય અનુભવે છે. બે બળદોનુ સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતા હમીરભાઇએ વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટર હિંગુભાઇ, વનરક્ષક અશોકભાઇ ખંખાળ સ્થળ પર દોડી આવી જરૂરી કાગળોની કાર્યવાહી કરી હતી. સિંહ પરિવારના સીમમાં આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દીપડીથી વિખૂટા પડેલા બે બચ્ચાંનું આખરે કરાવાયું મિલન.

દીપડીથી વિખૂટા પડેલા બે બચ્ચાંનું આખરે કરાવાયું મિલન
Bhaskar News, Dolsa  |  Nov 08, 2012, 01:29AM IST
- ડોળાસા ગામે શેરડીનાં વાડની કાપણી વખતે બચ્ચાં મળી આવ્યા

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે શેરડીનાં વાડમાં કાપણી વખતે દીપડીથી વિખૂટાં પડેલા બે બચ્ચાં મળી આવ્યા હતા. વનવિભાગને જાણ કરાયા બાદ તેઓનું માતા સાથે મિલન કરાવાયું હતું.

પ્રાપ્ત વીગતો મુજબ, કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે નોંઘણભાઇ રાજાભાઇ રાઠોડની વાડી ચીખલી રોડ પર આવી છે. જ્યાં તેમણે શેરડીનો પાક લીધો છે. શેરડીની કાપણીનું કામ ખાંડ ફેક્ટરીનાં મજૂરો કરી રહ્યા હતા. એ વખતે સવારે ૧૧ વાગ્યે વાડમાંથી દીપડીથી વિખૂટા પડેલાં બે બચ્ચા મળી આવ્યા હતા. આથી દીપડી પણ નજીકમાંજ હોવાનું માની તેઓ વાડથી દૂર જતા રહ્યા હતા. અને વાડી માલિકને જાણ કરી હતી. આથી વાડીમાલિક નોંઘણભાઇ વન્યપ્રાણી પ્રેમી બાલુભાઇ રાઠોડ સાથે વાડીએ પહોંચ્યા હતા.

બાલુભાઇએ આ અંગે જામવાળા ખાતે આર.એફ.ઓ. પરમારને કરી હતી. આથી આર.એફ.ઓ. પરમારની સુચનાથી ફોરેસ્ટર ભરવાડ, બીટ ગાર્ડ જાદવ અને ડ્રાઇવર બુધેચા પાંજરા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને વાડી પાસે પાંજરું ગોઠવી દીધું હતું.

મોટા પાંજરા પાસે એક નાનું પાંજરું મૂકી તેમાં બે બચ્ચાંઓને મૂક્યા હતા. આથી સાંજે ૬:૩૦ વાગ્યે દીપડી તેના બચ્ચાંઓનો અવાજ સાંભળી ત્યાં આવી ચઢી હતી. અને પાંજરે પુરાઇ ગઇ હતી. દીપડી પકડાઇ જતાં આસપાસનાં ખેડૂતોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

- તસ્વીર: અનીલ કાનાબાર

વિસાવદરનાં નાના કોટડા ગામે દીપડો પાંજરે પૂરાયો.

Bhaskar News, Visavadar / Bhensan | Nov 10, 2012, 02:45AM IST
વિસાવદરનાં નાના કોટડા ગામમાં ૩ માસથી આવી ચડેલો દિપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.વન વિભાગ દ્વારા દીપડાને સાસણ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
 
નાના કોટડા ગામમાં ત્રણ માસથી એક દીપડો આવી ચડેલ હતો. જેથી ખેડૂતો અને લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. દીપડો લોકોને રંજાડતો હતો જેને લઇને ખેડૂતો પણ ખેતરે જવામાં ડર અનુભવતા હતા. પાંચ દિવસ પહેલા કામધેનુ ગૌશાળામાં જઇ ચડેલ દીપડાએ વાછરડીનું મારણ કર્યુ હતુ. 
 
ગત સાંજે વિસાવદર વન વિભાગનાં આરએફઓ જાડેજાની સુચનાથી ગ્રાસ રાઉન્ડનાં ફોરેસ્ટર ઠેબા સહિ‌તના સ્ટાફે અને ગ્રમજનોએ નાગજીભાઇ કોટડીયાના ખેતરમાં પાંજરૂ મૂકયુ હતું જેમાં મારણમાં બકરી રાખવામાં આવી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યે દીપડો શિકારની લાલચે પીંજરામાં પુરાઇ ગયો હતો. ત્યારબાદ વનવિભાગ દ્વારા આ દીપડાને સાસણ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

બોડકા ગામે છંછેડાયેલા સિંહે ‘લાદેન’ને ઘાયલ કર્યો.


Bhaskar News, Vanthly | Nov 11, 2012, 02:22AM IST
- સીમમાં ચીકુડીની બાગમાં આજે સવારે ત્રણ સાવજ આવી ચઢતાં લોકોના ટોળાં ઉમટ્યા : કોઇએ કાંકરીચારો કરતાં વિફર્યો

વંથલીના બોડકા ગામની સીમમાં એક ચીકુડીની બાગમાં આજે સવારના અરસામાં ત્રણ સાવજ આવી ચઢતા તેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. દરમિયાન ટોળામાંથી કોઇએ કાંકરીચારો કરતાં છંછેડાયેલા સિંહે દોટ મુકીને ‘લાદેન’ ઉપનામ ધરાવતા એક યુવાનને ઘાયલ કરી દેતાં તેને જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.સિંહ પરિવારને જંગલમાં ખદેડવા વન વિભાગની રેસ્કયુ ટીમએ સ્થળ પર દોડી જઇ કવાયત હાથ ધરી છે.

વંથલી પંથકમાં છેલ્લા થોડા દિવસોથી સિંહ પરિવારે ધામા નાખ્યાં છે. બે દિવસ પહેલાં વછપડા ગામની સીમમાં અને ગઇકાલે થાણાપીપળી ગામની સીમમાં જોવા મળ્યા બાદ આજે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ આ સિંહ પરિવાર બોડકા ગામની સીમમાં આવેલ દામજીભાઇ છગનભાઇ દેસાઇની ચીકુડીની બાગમાં આવી પહોંચેલ. આ વાત વાયુવેગે પ્રસરતા આ ત્રણ સાવજને નિહાળવા બોડકા ઉપરાંત ગાંઠીલા સહિતના આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.

દરમિયાન આ ટોળામાંથી કોઇએ પથ્થરો ફેંકી કાંકરીચારો કરતાં સાવજો વિફર્યો હતાં. જે પૈકી છંછેડાયેલા એક સિંહે ટોળા પાછળ દોટ મૂકતાં રમેશભાઇ બાબુભાઇ ચાવડા ઉર્ફે લાદેન નામનો યુવાન ટોળામાં સૌથી આગળ હોય તે આ સિંહથી બચવા દોટ મુકી એક ચીકુડીના ઝાડ પર ચઢવાની કોશીશ કરી હતી પરંતુ તે ચીકુડીના ઝાડ પર આશરો લે તે પહેલાં જ સિંહ તેની પાસે પહોંચી ગયેલ અને પાછળના ભાગેથી હુમલો કરતાં તીક્ષ્ણ પંજાના મારથી પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. વફિરેલા સાવજોને જોઇ ટોળામાં નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા જૂનાગઢથી અધિકારી જાદવ ઝૂની રેસ્કયુ ટીમ સાથે ધટના સ્થળે પહોંચી જઇ સાવજ પરિવારને જંગલમાં ખદેડવા કવાયત હાથ ધરી છે.

દીવાળી વેકેશન પર સોરઠ સહેલાણીઓથી ઉભરાયું.

દીવાળી વેકેશન પર સોરઠ સહેલાણીઓથી ઉભરાયું


Bhaskar News, Junagadh  |  Nov 17, 2012, 00:56AM IST
દીવાળીનાં મીની વેકેશનમાં ટુરીસ્ટોનો પ્રવાહ અવિરત રહ્યો : જૂનાગઢ, સોમનાથ, સાસણમાં કતારો લાગી : હોટલો, ધર્મશાળા, ગેસ્ટહાઉસ હાઉસફૂલ : ટુરીસ્ટોએ કેટલાક સ્થળે હાઇવે પર વાહનોમાં જ રાત વિતાવવી પડી
 
દીવાળીનું મીની વેકેશનમાં બેસતા વર્ષ અને ભાઇ-બીજનાં પવિત્ર પર્વે સોરઠની ખુશ્બુ જાણે છલકાઇ હોય તેમ જૂનાગઢ, સાસણ, સોમનાથ અને ઊના નજીકનાં કેન્દ્ર શાસિત દીવ પ્રદેશમાં માનવ સમુદાય ઉમટતા જાણે સોરઠ હાઉસફૂલ બન્યુ હોય તેવું સર્જાયુ હતું. જેમાં સોમનાથ, સાસણ અને દીવમાં તો હોટલ, ધર્મશાળા અને ગેસ્ટહાઉસમાં પણ અકડેઠઠની સ્થિતિમાં કેટલાક ટૂરીસ્ટોએ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોનાં ખેતરોમાં અને કેટલાક લોકોએ હાઇવે પરજ વાહનમાં જ રાત વિતાવી આ મીની વેકેશનનો ફરવાનો આંનદ માણ્યો હતો.
 
જૂનાગઢ : સોરઠમાં પ્રવેશ દ્વાર સમા જૂનાગઢમાં દીવાળીની સમી સાંજથી ટૂરીસ્ટોનો પ્રવાહ શરૂ થતાં શહેરની હોટલ, ધર્મશાળા અને ભવનાથમાં જ્ઞાતિઓની ધર્મશાળા પણ હાઉસફુલ થઇ ગઇ હતી. જયારે બેસતા વર્ષ અને ભાઇબીજનાં પવિત્ર પર્વે સક્કરબાગ, ભવનાથ, ગિરનાર, દાતાર, ઉપરકોટ સહિ‌તનાં જોવાલાયક સ્થળોમાં માનવ કિડીયારૂ ઉભરી આવ્યું હતું.
 
દીવ : દીવમાં દીવાળીનાં વેકેશનનાં પ્રારંભથી જ તમામ હોટલો અને ગેસ્ટહાઉસમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયા હતાં. જયારે આ બે દિવસ દરમ્યાન તો ટૂરીસ્ટોનો મહાસાગર છલકાતાં નાગવાબીચ ખાતે તો દોઢ થી બે કિલોમીટર બંને સાઇડ વાહનોનાં થપ્પા લાગી ગયા હતાં. આજ રીતે ટૂરીસ્ટો કિલ્લો, ચર્ચ, મ્યુઝીયમ અને માર્કેટમાં પણ ઉભરાતા બંદર ચોક ખાતે પણ વાહનોની કતાર લાગી ગઇ હતી.
 
આમ એક તરફ દીવમાં ટૂરીસ્ટોનું આગમન અને પાર્કિગ સહિ‌તની સમસ્યાને લઇને સ્થાનિક લોકોને નૂતન વર્ષાની આસપાસમાં શુભકામનાં આપવા જવા માટે હાલાકી સર્જા‍ઇ હતી. બીજી તરફ અહીં દારૂબંધી ન હોય જેથી પ્યાસીઓએ પણ દારૂ - બીયરની પરોઢીયાથી માંડીને મોડી રાત સુધી મજા માણી હતી જેથી અહીંનાં બારમાં પણ ખરીદીનો ઘસારો જોવા મળ્યો હતો. જોકે, અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
 
સોમનાથ : દિપાવલી અને નૂતનવર્ષના પ્રારંભે દિવાળીના મીની વેકેશન માણવા પર્યટકો, ભાવીકો અને સહેલાણીઓના ઘોડાપુર સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડતા ઘોડાપુર જેવા દ્રશ્યો સોથની ભીડ જોવા મળતી હતી. સોમનાથ- વેરાવળ ખાતે રેલ્વે અને એસ.ટી. બસોમાં ઘસારાથી ખાનગી વાહનોમાં પણ તડાકો બોલ્યો હતો અને ભાડામાં રપ ટકા જેટલો વધારો ચુકવી મુસાફરી કરી હતી. યાત્રાધામ વેરાવળ- સોમનાથમાં ઠેર-ઠેર માર્ગો ઉપર ફોર વ્હીલર વાહનના થપ્પા લાગવા લાગતા પાકીર્ગની અસુવિધાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તો ગેસ્ટહાઉસો અને હોટેલોમાં બુકીંગના અભાવે ખાનગી જ્ઞાતિની વાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવી પડી હતી.
 
અરબી સમુદ્ર કાંઠે વસેલ યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરે માત્ર ગુજરાતભરના નહી દેશભરમાંથી આ યાત્રિકો, ભાવીકો મીની વેકેશન માણવા ઉમટી પડયા છેલ્લા આઠ દિવસમાં ત્રણેક લાખ યાત્રિક - પર્યટકોએ સોમનાથની મુલાકાત લેતા ઉતારા ઉપરાંત જમવા, નાસ્તાની વ્યવસ્થામાં પણ ઓટ આવી હતી. તો સોમનાથ મહાદેવને શિશ નમાવવા ભાવીકો, યાત્રિકોની કતારો જામવા લાગી હતી. આ યાત્રિકોની ભીડ હજુ રવિવાર અને લાભ પાંચમ સુધી ચાલુ રહેશે તેવો માહોલ સાથે ગેસ્ટ હાઉસ, હોટેલના બુકીંગ ફુલ હોવાનું જણાવવામાં આવે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રસિધ્ધ સોમનાથ - વેરાવળમાં સોમનાથ યાત્રાધામના હિ‌સાબે વર્ષભર પર્યટકોની ભીડ કાયમ રહેતી હોય વેરાવળ- પ્રભાસપાટણ (સોમનાથ) શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જાળવવા ઉચ્ચકક્ષાએથી એક માસ્ટર પ્લાટ સાથે રસ્તાઓ પહોળા ઉપરાંત પાકીર્ગની સુવિધા વધારવાની જરૂર હોવાની તાતી જરૂર જોવા મળે છે.
 
દીવની અમુક હોટલમાં તો મનફાવે તેવા ભાડાં
 
દીવાળીનાં મીની વેકેશનનો લાભ લઇ ટૂરીસ્ટો દીવમાં ઠલવાતા અમુક હોટલ અને ગેસ્ટહાઉસનાં સંચાલકોએ તકનો લાભ લઇ ટેરીફ કાર્ડને બાજુએ મુકી મન ફાવે તેવા ભાડા વસૂલ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.

જૂનાગઢમાં પોલીસ તંત્રએ કર્યુ પરિક્રમા રૂટનું ચેકીંગ.


Bhaskar News, Junagadh | Nov 19, 2012, 00:30AM IST
ડોગ સ્ક્વોડ, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે જિલ્લા પોલીસવડાએ સુરક્ષા વ્યવસ્થા તપાસી
 
જૂનાગઢની આગવી ઓળખ બનેલી લીલી પરિક્રમામાં દેશ વિદેશથી સેંકડો યાત્રાળુઓ આવતા હોય છે. જેમની સુરક્ષા વ્યવસ્થા જેના શીરે છે તેવા પોલીસ તંત્રએ આજે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પરિક્રમા રૂટનું ચેકીંગ કર્યુ હતુ.
 
કારતક સુદ એકાદશીથી પ્રારંભ થનારી લીલી પરિક્રમામાં દેશ-વિદેશથી સેંકડો યાત્રાળુઓ ઉમટી પડે છે. સેંકડો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસતંત્ર પણ સાબદું થયુ છે. જેમાં આજે જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ એએસપી જયપાલ રાઠોડ, એલસીબી પીઆઇ હરેશ વોરા, એસઓજી પીએસઆઇ આર.જે.ચૌધરી, તાલુકા પીઆઇ,ભેંસાણ પીએસઆઇ ઝાલા સહિ‌તનો પોલીસ કાફલો પગપાળા સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યુ હતુ.
 
પોલીસ કાફલાની સાથે બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે મુખ્ય માર્ગ પર જ પોલીસની પ૬ રાવટીઓ નાંખવામાં આવી છે. ચૂંટણી અને પરિક્રમા સાથે જ આવતી હોય તેની તૈયારીમાં પોલીસતંત્ર પગે પાણી ઉતારી રહ્યુ છે.
 
પ્રથમ વખત જ પરિક્રમા રૂટ પર સીસીટીવી કેમેરાની નજર
 
જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવી ગુનેગારો પર અંકુશ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે પરિક્રમાનાં રૂટ પર પણ આ વર્ષે પ્રથમ વખત જ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
 
૨પ૦૦ જેટલા જવાનો રહેશે તૈનાત
 
પરિક્રમાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અમરેલી, પોરબંદર અને ભાવનગર પોલીસની મદદ લેવામાં આવશે. જેમાં ૧૬ ડિવાયએસપી, ૧૬ પોલીસ ઇન્સપેક્ટર, ૭૭ પીએસઆઇ, ૮૮૩ પોલીસ જવાન, પ૧ મહિ‌લા પોલીસ, ૧પ૧ ટ્રાફીક પોલીસ, ૧૧ ઘોડેસવાર, ૩પ૯ હોમગાર્ડ્સ, ૪૮૮ જીઆરડી, પ૨ મહિ‌લા જીઆરડી અને ૨૦૦ જવાન એસઆરપીનાં ખડેપગે ફરજ બજાવશે.

ઉતાવળે આંબા પાકે પણ ખરાં! માળીયામાં કેસર કેરી આવી.




Bhaskar News, Junagadh | Nov 18, 2012, 23:17PM IST
 
ઠંડીમાં આંબા ફુટવાનાં બદલે ''આંબે આવ્યા મોર’’
 
કેસર કેરીનો રસ હવે બારે માસ મળે છે પરંતુ સીઝન જેવી કેસર કેરી શિયાળામાં જોવા મળે તો મોઢામાં પાણી આવી જાય. માળીયાહાટીના તાલુકાનાં પીપળવા ગામનાં ખેડુતે શિયાળાની સિઝનમાં પાંચ મણ કેસર કેરી પકવવા નાંખી છે. તેના બગીચામાંથી શિયાળાની સિઝનમાં પાંચ મણ જેટલી કેરી આવી છે.
 
શિયાળાની સીઝનમાં એકલ - દોકલ આંબામાં મોર આવે કે કેરી થાય તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ પાંચ મણ જેટલી કેસર કેરી ઉતરે તે નવાઇની વાત કહેવાય. માળીયાહાટીના તાલુકાનાં પીપળવા ગામનાં ખેડુત વિજયભાઇ જોટવાનાં આંબાનાં બગીચામાંથી પાંચ મણ કેસર કેરી ઉતરી છે. 
 
આ અંગે પીપળવાનાં ખેડુત વિજયભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, દશ વિઘાનો આંબાનો બગીચો છે. તેમાંથી પાંચથી છ ઝાડવામાં થોડા સમય પહેલા મોર આવ્યો હતો. શરૂઆતમાં લાગતું હતું કે મોર ખરી જશે. પરંતુ ધીમે - ધીમે તેમાં કેરી બંધાવા લાગી હતી અને છેલ્લે સીઝનની કેરી જેવી મોટી થઇ
ગઇ હતી.
 
હાલ તેને ઉતારી લીધી છે. પકવવા માટે મૂકી દીધી છે. જે એકાદ સપ્તાહમાં પાકી થશે. વધુમાં જણાવ્યું હતું કે, શિયાળામાં આંબા ફૂટવાની શરૂઆત થતી હોય છે. પરંતુ હાલ આંબામાં મોર આવી રહયા છે. જે આંબામાં કેસર કેરી થઇ છે. તે પણ ફૂટવા લાગ્યા છે.
 
કોઇપણ પ્રકારની દવાનો છંટકાવ કર્યો નથી
 
વિજયભાઇએ જણાવ્યું હતું કે, કેસર કેરીનાં આંબા દવાનો છંટકાવ કરતા નથી. દવાનો છંટકાવ હોય તો સીઝનમાં કેરી ન થઇ હોય તો અન્ય ઋતુમાં કેરી થવાની સંભાવનાં રહેશે.
 
એક સરખા અને મોટા ફળ છે
 
જોકે સિઝન સીવાઇ કેરી થાય તો તે નબળી હોય કે ફળ નાના હોય તેમ બને ખરૂ પરંતુ હાલ થયેલી કેરી સીઝનનાં કેરી જેવી જ છે તેના ફળ અને સ્વાદ પણ તેના જેવાજ છે.

Saturday, November 3, 2012

સિંહદર્શને આવેલા સુરતી પરિવારનું કાર અકસ્માત: બેનાં મોત, દસ ઘાયલ.


Bhaskar News, Talala  |  Oct 29, 2012, 01:07AM IST Comment

સિંહદર્શને આવેલા સુરતી પરિવારનું કાર અકસ્માત: બેનાં મોત, દસ ઘાયલ

- સાસણ સિંહદર્શન કરી સોમનાથ જઇ રહેલાં સુરતનાં પરિવારની કાર સાથે રોંગ સાઇડમાં આવેલી કાર ટકરાઇ : દસ ઘાયલ

તાલાલા નજીક અકસ્માત ઝોન તરીકે કુખ્યાત થયેલા પાંચપીરનાં વળાંક પાસે આજે બપોરનાં સુમારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે દસ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં બે યુવાનને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ હતા.

સુરતથી સાસણ સિંહદર્શન અને સોમનાથ શીવદર્શન કરવા આવેલ પરિવારની કાર સાથે રોંગ સાઇડમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર કારનાં ચાલક અને અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયેલ અને સુરતનાં પરિવારનાં તમામ સભ્યોને ઇજા પહોંચી હતી. તાલાલાથી પાંચ કિ.મી. દૂર પાંચપીરનાં વળાંક પાસે બપોરે ૧૨:૩૦ વાગ્યાનાં સુમારે સાસણથી સિંહદર્શન કરી સોમનાથથી ઇન્ડીકા કાર નં. ૨૭૭૭માં જઇ રહેલા સુરતનાં હરીન મધુકર વાણીયા (ઉ.વ.૪૦), કાજલ હરીનભાઇ (ઉ.વ.૩૨), બે બાળકો ચાર્મી હરીનભાઇ (ઉ.વ.૧૦), મીન હરીનભાઇ (ઉ.વ.૩), જીતેન્દ્ર પ્રાણલાલ દોશી (ઉ.વ.૫૮), દક્ષાબેન જીતેન્દ્રભાઇ દોશી (ઉ.વ.૪૯)ની કારને તાલાલા તરફથી પુરઝડપે રોંગસાઇડમાં આવેલ વેગનઆર કાર નં. ૭૩૫૦નાં ચાલકે ઇન્ડીકા કાર સાથે જોરદાર ટકરાવી દેતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

બન્ને કારો રોડથી નીચે સાઇડમાં ઉતરી ગઇ હતી. વેગનઆર કારમાં બેસેલા વનરાજ જીવા સીસોદીયા હાલ લાખક્ષેત્રા મુળ જુથળ તા.કેશોદ અને અશોક રામભાઇ સીંધવ ગામ ગળોદર તા.માળીયા હાટીનાનાં અકસ્માત સ્થળે ગંભીર ઇજા થવાથી મોત થયેલ તેમજ ઘનશ્યામભાઇ જીવાભાઇ (ઉ.વ.૩૭)અને ભુપતભાઇ સીંધવ (ઉ.વ.૩૮) વાળાને ગંભીર ઇજા થઇ હોય પ્રથમ તાલાલા સારવાર માટે લાવવામાં આવેલ અને ત્યાંથી જૂનાગઢ રીફર કરવામાં આવેલ. અકસ્માતની જાણ થતાં તાલાલાથી ૧૦૮ એમ્બ્યુલન્સ અને પીએસઆઇ નવલસિંહ જાડેજા, પીએસઆઇ જી.આર. ગઢવી, હે.કો.કીશોરભાઇ ચાવડા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

વેગનઆર કારમાં બેસેલા કાળુ રાજસી સીંધવ (ઉ.વ.૩૦), શાહનવાઝ સલીમ(ઉ.વ.૨૮)ને પણ ઇજા પહોંચી હતી. સાસણ-તાલાલા હાઇવે ઉપર અકસ્માતથી ટ્રાફિક જામ થઇ ગયેલ. પોલીસે ટ્રાફિક કલીયર કરાવી નાંખેલ અને અકસ્માતથી બુકડો બની ગયેલ કાર સાઇડમાં ખસેડાવી મૃતકોનાં સગાસંબંધીને જાણ કરેલ અને મૃત યુવાનોની લાશ પીએમ માટે તાલાલા હોસ્પિટલમાં લઇ આવેલ સુરતથી સોરઠ ફરવા આવેલા વાણીયા પરિવારનાં સભ્યો અકસ્માત સર્જાતા હતપ્રભ બની ગયા હતા અને બાળકો દર્દથી કણસતા હતા.

- અકસ્માત સર્જનાર કારમાંથી ‘દારૂ ’ની બદબૂ

સુરતનાં પરિવારની ઇન્ડીકા કાર સાથે રોંગ સાઇડમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર વેગનઆર કારમાં બેસેલા બે યુવાનોનાં મોત થયા હતા. પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ વેગનઆર કારમાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી ત્યારે ચાલક અને અંદર બેસેલા અન્ય લોકો ચાલુ ગાડીએ દારૂનો નશો કરતા હતા કે કેમ ? તે અંગે તપાસ થાય તો અકસ્માત નશો કરેલી હાલતમાં ડ્રાઇવીંગ કરવાથી થયો છે કે કેમ તે ખબર પડી શકે.

- અકસ્માત ઝોન હોય સ્પિડ બ્રેકર મૂકવા જરૂરી

તાલાલાથી સાસણ તરફ પાંચપીરની દરગાહ પાસેનો વણાંક અકસ્માત ઝોન સમો હોય છાશવારે જીવલેણ અકસ્માતોથતા રહેતા હોય પીડબલ્યુડી દ્વારાસાઇન બોર્ડ અને સ્પીડ બ્રેકરો મુકે તો અકસ્માત થવાની શક્યતા ઘણી ઘટી જાય તેવી તાલાલા પંથકમાંથી માંગણી ઉઠી છે.

- ભૂકંપ જેવો ધડાકો અને કારનાં ફૂરચા ઉડી ગયા

તાલાલા પાસે બે કાર વચ્ચે થયેલ ટકરાવ એટલો જોરદાર હતો કે ભૂકંપ જેવા ધડાકાનો અવાજ દુર-દુર સુધી સંભળાયો હતો. એક ખેડૂતે જણાવેલ કે ધરતીકંપનાં ધડાકા જેવો અવાજ આવેલ હતો. બન્ને કારનાં ફુરચા ઉડી ગયા હતા.

કોડીનાર: બે બાળા પર દીપડો ત્રાટક્યો : એકનું મોત.


Bhaskar News, Kodinar | Nov 03, 2012, 02:50AM IST
કોડીનારના કડવાસણ ગામ નજીક આદમખોર દીપડાને પકડવા તંત્ર ઉંધેમાથે
 
કોડીનારનાં કડવાસણ ગામ નજીક આજે સમી સાંજનાં સુમારે દીપડાએ બે બાળકી પર હુમલો કરતાં એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. દીપડાનાં આ આતંકથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ બનાવનાં પગલે વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ આદમખોર દીપડાને પકડવા પાંજરા ગોઠવી દીધા છે.
 
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોડીનારથી ત્રણ કિલોમીટરનાં અંતરે આવેલ કડવાસણ ગામ નજીક રોડ પર કાળુભાઇ અરવીંદભાઇ વાળાની વાડી આવેલી છે. આ ખેડૂત પરિવાર આજે સાંજના સુમારે વાડીમાં બાજરો વાઢવાનું કામ કરી રહયા હતાં અને તેમની ત્રણ વર્ષની પુત્રી નિશા વાડી પાસે ઉભી હતી. ત્યારે સાંજનાં ૬ વાગ્યાની આસપાસ અચાનક ખુંખાર દીપડાએ આવી ચઢી નિશા પર હુમલો કરી દેતા આ બાળકીની ચીસાચીસથી પરિવારજનો અને આસપાસનાં લોકોએ દોડી આવી હોહા દેકારો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. 
 
દીપડાનાં નહોરથી નિશાને છાતીનાં ભાગે ઇજા પહોંચી હતી. આ બાળકી પર હુમલો કરીને દીપડો ૨૦૦ મીટર દુર જ સંતાય ગયો હતો અને ર૦ મીનીટ બાદ ફરી અહીં આવી ચઢી નજીકમાં જ રહેતા ભગુભાઇ બાલુભાઇ વાળાનાં મકાનમાં ઘુસી જઇ તેમની બે વર્ષની પુત્રી સંજનાને ડોકના ભાગેથી પકડી નાસવા જઇ રહયો હતો ત્યારે લોકોએ આ દ્રશ્ય જોઇ જતા બુમાબુમ કરી મુકતા સંજનાને ત્યાં મુકીને નાસી ગયો હતો. આ માસુમ બાળા સંજનાના ગળાના ભાગે દીપડાનાં તીક્ષ્ણ દાંત બેસી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. 
 
આ બનાવના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરતા સરપંચ સહિ‌ત ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતાં. વન વિભાગનાં આરએફઓ એલ.ડી. પરમાર, ફોરેસ્ટર મનસુખ પરમાર, એમ.એમ. ભરવાડ સહિ‌તનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પંચ રોજકામ કરી બંને બાળકીને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં સંજનાનું પીએમ કરાયેલ અને નિશાને તબીબોએ સારવાર આપી હતી. બનાવની જાણ થતા શિક્ષણ સમિતિના ચેરમેન સુરસિંહભાઇ મોરી સહિ‌તનાં આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં.
 
આ ઘટના બાદ વન વિભાગનાં સ્ટાફે દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને આ માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.
 
કોડીનાર પંથકમાં હાહાકાર : લોકો ભયભીત
 
કોડીનાર પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં દીપડાના હુમલાનો આ બીજો બનાવ બન્યો છે. બે દિવસ પહેલા અરણેજ ગામે દીપડાએ હુમલો કરી એક બાળકીને ઘાયલ કરી દેતા ત્યાં વન વિભાગે પાંજરા ગોઠવી દીધા છે. આ બનાવની હજુ શાહી સુકાય તે પહેલા કડવાસણ ગામે દીપડાએ એક બાળકીને ફાડી ખાધી અને અને બીજી બાળકીને ઘાયલ કરી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. હવે રાત્રીનાં બદલે સમી સાંજના સુમારે હિંસક પ્રાણીઓનાં ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં આંટાફેરાથી લોકો ભયના માર્યા ખેતરે જવાનું ટાળી રહ્યા છે.

પરિક્રમાનો હવાલો હવે મહેસૂલ વિભાગનાં હાથમાં.


Bhaskar News, Junagadh | Nov 03, 2012, 01:51AM IST
 
શિવરાત્રીની ઘટના બાદ તંત્રએ આ વખતે લીધો નિર્ણય : જૂનાગઢ કલેકટરની પત્રકાર પરિષદ
 
કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરીક્રમાને લઇ સુચારૂ આયોજન માટે વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી છે અને ગત શિવરાત્રીનાં મેળા બનેલી ઘટનાને ધ્યાને રાખી લીલી પરીક્રમા માત્રને માત્ર મહેસુલ વિભાગનાં નેતૃત્વ હેઠળ થનાર હોવાનું જિલ્લા કલેકટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું.
 
ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરીક્રમા આડે ગણતરીનાં દિવસો બાકી રહયા છે. લાખો યાત્રાળુઓની સુખાકારી વ્યવસ્થા માટે વહીવટીતંત્રએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. 
 
લીલી પરીક્રમાનાં આયોજન અંગે માહીતી આપતા જિલ્લા કલેકટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, પરીક્રમામાં આવતા લાખો યાત્રાળુઓની સુખ -સુવિધા અને સલામતી જળવાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસુલ વિભાગનાં નેતૃત્વ હેઠળ વિભિન્ન વિભાગો પોત પોતાની કામગીરી કરશે. તેમજ શિવરાત્રી મેળામાં બનેલી ઘટનાને ધ્યાને રાખી એસ.ટી. બસ તથા ખાનગી ટ્રાવેલ્સની મોટી બસને ગિરનાર દરવાજા સુધીજ પ્રવેશ આપવામાં આવશે.
 
આ પ્રકારની બસ ગિરનાર દરવાજા તેમજ ભરડાવાવનાં સ્થળે ડ્રોપીંગ પોઇન્ટ તરીકે કાર્ય કરશે. મનપાની સીટી બસને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી પ્રવેશ આપવામાં આવશે અને ભવનાથ તરફ ટુ વ્હીલરને જ પ્રવેશ મળશે. ઉપરાંત એસટી અને ખાનગી બસનું જરૂરીયાત મુજબ હાજીયાણીબાગ ખાતે પાકીર્ગ કરવામાં આવશે.
 
આરોગ્ય વિભાગ દ્વારા ભવનાથમાં પરીક્રમા દરમિયાન કામચલાવ દવાખાના શરૂ કરવામાં આવશે. જેમાં જીવનરક્ષક દવાઓ સાથે મેડીકલ - પેરામેડીકલ સ્ટાફ હાજર રહેશે. પરીક્રમા રૂટ પર ૨૩ જગ્યાએ પાણીનાં પોઇન્ટ વનવિભાગ અને પાણી પુરવઠા દ્વારા ઉભા કરવામાં આવશે.
 
એસ.ટી.ની ૧પ૦ બસ આ દિવસોમાં દોડશે
 
લીલીપરીક્રમા દરમિયાન આવતા યાત્રાળુને ધ્યાને રાખી એસટી વિભાગ દ્વારા ૧પ૦ જેટલી બસ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શહેરમાં ચારથી પાંચ પીકઅપ સ્ટેન્ડ નકકી કરવામાં આવ્યા છે. ઉપરાંત રેલ્વે વિભાગ પણ વિશેષ ટ્રેન શરૂ કરશે.
 
૧૦ હજાર લીટરની ક્ષમતાનાં પાણીનાં ટાંકા મુકાશે
 
ચાલુ વર્ષે વરસાદ ખુબ ઓછો પડતા જંગલ વિસ્તારમાં પાણીનાં સ્ત્રોત સુકાઇ ગયા છે. પરીક્રમાને ધ્યાને રાખી પરીક્રમા રૂટ પર ૧૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતા પાણીનાં ટાંકા મુકવામાં આવશે.
 
દુધનાં ભાવનું બાંધણું પણ તંત્ર દ્વારા કરાયું
 
કલેકટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે પરીક્રમામાં મોટી સંખ્યામાં લોકો આવતા કયારકે લોકો દુધ વગેરેનાં બમણા ભાવ લેતા હોય છે. ત્યારે દુધનાં ભાવ નકકી કરવામાં આવ્યા છે અને નકકી કરેલા ભાવ કરતા વધુ ભાવ લેનાર સામે પગલા લેવામાં આવશે.
 

ધારી તાલુકાનાં કરમદડીની સીમમાં બે દિપડી પાંજરે પુરાઇ.


Bhaskar News, Dhari | Nov 03, 2012, 01:08AM IST
કોળી યુવાન પર હુમલા બાદ વનવિભાગે ત્રણ પાંજરાઓ ગોઠવ્યા હતા
 
ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલ એક કોળી યુવક પર ગઇકાલે દિપડીએ હુમલો કરી ઘાયલ કરી દીધા બાદ ગામલોકોની માંગણીના પગલે દિપડીને પકડવા વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવાયા હતા. જેમાં ગઇરાત્રે બે દિપડી સપડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
 
ધારીના કરમદડીમાં લોકોને રંજાડનાર બે દિપડી પાંજરે સપડાઇ છે. ગઇકાલે કરમદડીમાં સવારે વાડીમાં કામ કરી રહેલ જયસુખભાઇ કોળી નામના ખેડુત પર એક દિપડીએ હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતા. આ વિસ્તારમાં દિપડા દિપડીની સંખ્યા વધારે હોય લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. ગામલોકો દ્વારા આ દિપડા દિપડીને પાંજરે પકડવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી.
 
જેને પગલે ડીએફઓ એમ.એમ.મુની તથા આરએફઓ એ.વી.ઠાકર દ્વારા ગામની સીમમાં ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગઇરાત્રે બે પાંજરામાં દિપડીઓ સપડાઇ ગઇ હતી. આ બંને દિપડીઓને હાલમાં જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. આ વિસ્તારમાં હજુ બે દિપડા પણ આંટા મારતા હોવાનુ કહેવાય છે. તો બીજી તરફ બે પૈકી એક દિપડી બચ્ચાવાળી છે. કોળી યુવાન પર હુમલા બાદ ઉશ્કેરાયેલા તેના બે ભાઇઓએ એક બચ્ચાને મારી નાખ્યુ હતુ. પરંતુ દિપડીને સામાન્ય રીતે બે થી ત્રણ બચ્ચા હોય છે. ત્યારે પકડાયેલી દિપડીના બચ્ચા અસુરક્ષિત ન રહે તે માટે પણ વનવિભાગે પગલા ભરવા પડશે.

ઉશ્કેરાયેલા લોકોએ દીપડાના બચ્ચાંને મારી નાખ્યું.

Bhaskar News, Dhari | Nov 01, 2012, 01:40AM IST
- સવારે દીપડાએ ખેડૂત પર હુમલો કરતાં લોકો વિફર્યો હતા
- ચાર માસના બચ્ચાંને માથામાં બોથડ પદાર્થ મારતાં મગજ બહાર આવી ગયું : વન ખાતાના અધિકારી દોડ્યા


ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં આજે સવારે ખેતીકામ કરતા એક યુવાન પર દપિડાએ હુમલો કર્યાની ઘટના બન્યા બાદ મોડી સાંજે આ યુવકની વાડીમાંથી એક દિપડીના બચ્ચાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા વન વિભાગના અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. દિપડાના હુમલા બાદ તેના બચ્ચાને ઉશ્કેરાયેલા લોકોએ બોથડ પદાર્થથી પતાવી દીધુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

દપિડીના બચ્ચાને મારી નાખવાની આ ઘટના ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં બની હતી. કરમદડી ગામના જયસુખભાઇ રત્નાભાઇ ખીમાણીયાની વાડીમાંથી આશરે ચાર માસની દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. વાડીમાં મૃતદેહ હોવાની જાણ થતા ધારીના ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ મુની, આરએફઓ એ.વી. ઠાકર વગેરે સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આશરે ચાર માસની ઉંમરના આ બચ્ચાના શરીર પર ઇજાના નિશાનો હતા. બચ્ચાના માથા પર ક્રુરતાથી બોથડ પદાર્થ મરાતા તેનું મગજ પણ બહાર નિકળી ગયુ હતુ, નાક, કાનમાંથી લોહી વહી ગયુ હતું. જેને પગલે બે ડોક્ટરની પેનલથી ધારીના ભુત બંગલા ખાતે પોસ્ટ મોર્ટમ કરવા મોડી રાત્રે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે કરમદડી ગામે વાડી માલીક જયસુખભાઇ રત્નાભાઇ ખીમાણીયા પર દિપડાએ હુમલો કર્યો હતો. દપિડાએ તેમને માથાના ભાગે ઇજા પહોંચાડતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. આ ઘટનાને પગલે ઉશ્કેરાઇને કોઇએ દિપડીના બચ્ચાને મારી નાખ્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વનતંત્રએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

અભરામપરામાં વાડીમાં ચડી આવ્યો મહાકાય અજગર.


Bhaskar News, Sawarkundla | Oct 31, 2012, 23:30PM IST
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે વાડીમાં પાછલા કેટલાક દિવસોથી એક મહાકાય અજગર આંટાફેરા મારતો હોય ખેડુતોમાં ભય ફેલાયો હતો. આજે સાંજના સુમારે ફરી આ અજગરે દેખા દેતા સ્થાનિક વનવિભાગના બીટગાર્ડ તેમજ પ્રકૃતપ્રેમીઓને જાણ કરવામાં આવતા આ અજગરને પકડી લઇ સલામત રીતે જંગલ વિસ્તારમાં મુકત કરી દેવાયો હતો.

સાવરકુંડલા પંથકના ગામોમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી અજગર ચડી આવવાની ઘટના વધી પડી છે. સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે આવેલ જયસુખભાઇ નસીતની વાડીમાં આજે સાંજના સુમારે એક મહાકાય અજગરે દેખાદેતા ખેડુતોમાં ભય ફેલાયો હતો. જયસુખભાઇએ વનવિભાગને જાણ કરતા બીટગાર્ડ તેમજ પ્રકૃતપિ્રેમી નીલેશભાઇ મહેતા, ચિરાગભાઇ વગેરે અહી દોડી આવ્યા હતા.

૧૨ ફુટ લાંબો અને ૩૦ કિલો વજન ધરાવતા આ મહાકાય અજગરને પકડી લઇ મિતીયાળા અભ્યારણ્યમાં સલામત રીતે મુકત કરવામાં આવ્યો હતો. આ અજગર પાછલા કેટલાક સમયથી વાડીમાં આંટાફેરા મારતો હોય ખેડુતોમાં ભય ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારમાંથી અવારનવાર વાડી ખેતરોમાં અજગર આવી ચડે છે.

જાબાળની સીમમાં ચાર સાવજો એ કર્યું બે બળદનું મારણ.


Bhaskar News, Sawarkundla | Oct 30, 2012, 01:47AM IST
- રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો આતંક મચાવી રહ્યાં છે

સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં આજે ચાર સાવજના ટોળાએ બે બળદનુ મારણ કરતા માલધારીઓ અને ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે. અહી એક કિશોર સીમમાં સાંજે બળદ ચરાવી રહ્યો હતો. ત્યારે એક્સાથે ચાર સાવજ ત્રાટક્યા હતા.

સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. આ સાવજો દ્વારા અવારનવાર માલધારી તથા ખેડુતોના પશુઓનુ મારણ કરવામાં આવે છે. આવી જ એક ઘટના આજે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં બની હતી. જ્યાં ચાર સાવજોએ બે બળદનુ મારણ કર્યું હતુ.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાબાળ ગામના દડુભાઇ કાળુભાઇ ધાધલનો ૧૪ વર્ષનો પુત્ર લુવારા તરફની સીમમાં નદીના સામાકાંઠે પોતાના બે બળદ અને ભેંસ ચરાવી રહ્યો હતો. ત્યારે શિકારની શોધમાં નીકળેલા ચાર સાવજો ત્યાં આવી ચડયા હતા. આ સાવજો બંને બળદ પર તુટી પડ્યા હતા. અને તેના રામ રમાડી દીધા હતા. જો કે ભેંસ ભાગી છુટી હતી. અને આ કિશોર પણ ત્યાંથી નાસી છુટયો હતો. મોડેથી આ બારામાં વનવિભાગને જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

વિકટર અને ચાંચના દરિયાકાંઠે કુંજનું આગમન.


Bhaskar News, Rajula | Oct 28, 2012, 00:03AM IST
- વિકટર, ચાંચ, કથીવદર, પીપાવાવ સહિ‌ત અમરેલીના કામનાથ સરોવરમાં વિદેશી પક્ષીઓ જોવા મળશે

શિયાળાની ધીમેધીમે શરૂઆત થઇ રહી છે. શિયાળાની ઋતુમાં સાઇબીરીયાથી ફલેમીંગો તેમજ પેલીકન સહિ‌તના પક્ષીઓ અમરેલી સહિ‌ત જિલ્લાના રાજુલા, પીપાવાવ, વિકટર, કથીવદર અને ચાંચ ગામે હજારો માઇલ દુરથી આ પક્ષીઓ શિયાળો ગાળવા અહી આવી પહોંચે છે. હાલમાં વિકટર તથા ચાંચના દરિયાકાંઠે મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓનું આગમન થઇ ચુકયુ છે.

હવે ફલેમીંગો તેમજ પેલીકન પક્ષીઓનું પણ આગમન થશે. શિયાળાની ઋતુમાં સાઇબીરીયાથી ફલેમીંગો અને પેલીકન પક્ષીઓ સહિ‌તના પક્ષીઓ અમરેલી સહિ‌ત રાજુલા જાફરાબાદ પંથકના પીપાવાવ, વિકટર, ચાંચ, કથીવદર સહિ‌તના ગામોના જળાશયો અને દરિયાકાંઠે આવી પહોંચે છે. અહી જળાશયોમાં પાણી ભરેલુ રહેતુ હોય આ પક્ષીઓ આખો શિયાળો અહી વસવાટ કરે છે.

આ ઉપરાંત અહી પક્ષીઓને માછલીઓનો ખોરાક પણ વધુ પ્રમાણમાં મળી રહેતો હોય દર શિયાળામાં અહી આવી પહોંચે છે. હાલમાં વિકટર તથા ચાંચના દરિયાકાંઠે મોટી સંખ્યામાં કુંજનું આગમન થઇ ચુકયુ છે. જો કે હજી પેલીકન, ફલેમીંગો પક્ષીઓ દેખાયા નથી. બાદમાં આ પક્ષીઓ અમરેલીના કામનાથ સરોવર સહિ‌તના જળાશયોમાં પણ આવી પહોંચે છે. કામનાથ સરોવર ખાતે બહોળી સંખ્યામાં લોકો આ પક્ષીઓને નીહાળવા અહી ઉમટી પડે છે. હાલમાં વિકટર ગામે કુંજ પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. હવે ધીમેધીમે પેલીકન તેમજ ફલેમીંગો પક્ષી પણ મોટા પ્રમાણમાં અહી આવી પહોંચશે.

ફલેમીંગો અને પેલીકન સહિ‌તના પક્ષીઓ બે હજાર કિમી દુરથી અહી શિયાળો ગાળવા આવે છે. આખો શિયાળો અહી રહ્યાં બાદ ધીમેધીમે આ પક્ષીઓ પરત પોતાના વતન ફરે છે. શિયાળો પુર્ણ થયા બાદ વતન પરત ફરતા આ પક્ષીઓ અમરેલીમાં પણ ટુંકુ રોકાણ કરે છે. અહીના કામનાથ સરોવર ખાતે આ પક્ષીઓ રોકાય છે.

કામનાથ તથા સલડીના તળાવોમાં પણ પક્ષીઓ આવશે :

અમરેલી તેમજ લીલીયાના સલડી ગામના તળાવોમાં પણ ફલેમીંગો તેમજ પેલીકન સહિ‌તના પક્ષીઓ આવશે. અને અહી ટુંકુ રોકાણ કરી બાદમાં વિદેશ પરત ફરશે. આ પક્ષીઓને નિહાળવા મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ અહી આવે છે.

એક સાથે ૧૧ સાવજોએ કર્યું એક ગાયનું મારણ.


Bhaskar News, Dhari | Oct 16, 2012, 23:48PM IST
- આખીરાત વનરાજોએ ગામમાં લટારો મારી સવારે વિદાય લીધી હતી

ગીરકાંઠાના ધારી તાલુકામાં ડાલામથ્થા સાવજો રિતસર આતંક મચાવી રહ્યાં છે. જંગલ બહાર વસતા આ સાવજો આમ તો આખો દિવસ આરામ કરતા પડ્યા રહે છે. પરંતુ ભુખ લાગે ત્યારે કોઇપણ ગામમાં ઘુસીને પણ પશુઓનું મારણ કરતા ખચકાતા નથી. ગઇકાલે ધારીના હિરાવા ગામે મધરાત્રે એક સાથે ૧૧ સાવજોનું ટોળુ બજારમાં ઘુસી આવ્યુ હતુ અને એક ગાયનું મારણ કર્યું હતું. સવારના છ વાગ્યા સુધી આ સાવજો ગામમા જ રહ્યાં હતા.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો મહદઅંશે સીમમાં જ પડ્યા પાથર્યા રહે છે. પરંતુ તેનો મતલબ એવો જરા પણ નથી કે આ સાવજો પોતાની ખોરાક અને પાણીની જરૂરિયાત પણ સીમમાં જ પુરી કરે છે. અવારનવાર આ સાવજો પાણી અને શિકારની શોધ માટે ગામડાઓમાં ઘુસી જાય છે. ગામડાઓમાં બજારમાં જ કે માલધારીઓના વાડા કે જોકમાં ઘુસી પશુઓનું મારણ કરે છે.

આવી જ એક ઘટના ગઇરાત્રે ધારી તાલુકાના હિરાવા ગામે બની હતી. એક સાથે ૧૧ સાવજોનું ટોળુ મધરાત્રે ગામમાં ઘુસી આવ્યું હતુ. એક સાથે ૧૧ સાવજો ગામમાં ઘુસી આવતા ગામલોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ સાવજોએ ગામમાં એક ગાયનું મારણ કરી પોતાની ભુખ સંતોષી હતી. રાત્રીના ડાલામથ્થા સાવજોએ ત્રાડો નાખતા લોકો થરથરી ઉઠયા હતા. આ સાવજોએ આખી રાત ગામની બજારમાં આમથી તેમ આંટાફેરા માર્યા હતા. સવારે છ વાગ્યે આ સાવજોએ ગામમાંથી વિદાય લીધી હતી.

આવી રીતે સાવજ પાછળ બાઇક દોડાવી કરાઈ છે હેરાનગતિ.

Bhaskar News, Liliya  |  Nov 03, 2012, 09:39AM IST Print Comment

જૂના સાવર કેરાળા પંથકમાં સિંહ દર્શન માટે એકઠા થતા લોકોનું પરાક્રમ

લીલીયા પંથકના બાવળની કાટના જંગલ વિસ્તાર તેમજ જૂના સાવર અને કેરાળા સહિ‌તના વિસ્તારોમાં સાવજો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ સાવજોને નીહાળવા અનેક લોકો વાહનો લઇને આવે છે.

કેટલાક ટીખળીખોર દ્વારા આ સાવજોને હેરાન પણ કરવામાં આવે છે. બે દિવસ પહેલા જુના સાવર નજીક કોઇ ટીખળીખોરોએ સાવજ પાછળ મોટર સાઇકલ દોડાવતાં સાવજને ઉભી પૂછડીયે ભાગવુ પડ્યુ હતુ. ત્યારે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવુ પ્રકૃતિપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. - તસવીરો મનોજ જોષી

આવી રીતે સાવજ પાછળ બાઇક દોડાવી કરાઈ છે હેરાનગતિ
આવી રીતે સાવજ પાછળ બાઇક દોડાવી કરાઈ છે હેરાનગતિ