Monday, November 19, 2012

ગિરનારની આગોતરી પરિક્રમા કરતા સંતો-વનવિભાગ.


જૂનાગઢ, તા.૯:
ગિરનારના સાનિધ્યમાં યોજાતી પરિક્રમામાં દર વર્ષે દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડે છે. ભારતના ખુણે ખુણેથી ઉમટી પડતા ભાવિકોને પરિક્રમા માર્ગ પર કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. એવી સ્થિતિ વચ્ચે આજે સવારથી સાધુ સંતો અને વન વિભાગનો કાફલો પરિક્રમા માર્ગ પર પહોંચી ગયો હતો.પરિક્રમા માર્ગ પર પરિક્રમાર્થીઓ માટે ઉભી કરાયેલી તમામ વ્યવસ્થાનું સાધુ સંતોએ નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે પાણીની પળોજણ વચ્ચે અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવીઓ અને પરિક્રમાર્થીઓને જંગલમાં પાણી માટે વલખા મારવા ન પડે તે માટે વનતંત્રએ પાણીના પોઈન્ટ ઉભા કર્યા છે. આ આગોતરી પરિક્રમામાં વનવિભાગે પરિક્રમાર્થીઓને પાણીનો બગાડ ન કરવા અપીલ કરી હતી.
  • જંગલમાં પાણીના કૂટિયા સહિતના સ્ત્રોતો દૂષિત ન કરવા યાત્રિકોને વનવિભાગની અપિલ : જંગલમાં ત્રણ નવા બોર કરાશે
વર્ષોથી ગરવા ગિરનારની ગોદમાં યોજાતી અને જૂનાગઢની ઓળખ બની રહેલી પરિક્રમામાં પૂણ્યનું ભાથું બાંધવા આવતા લાખો યાત્રિકોને જંગલમાં તમામ સુવિધાઓ મળી રહે અને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ પરિક્રમાર્થીઓ શાંતિથી પરિક્રમા પૂર્ણ કરી શકે તે માટે તમામ તંત્રો આશરે એકાદ મહિના પહેલા તમામ તૈયારીઓ હાથ ધરે છે. પરિક્રમા રૂટને સ્વચ્છ કરવા ઉપરાંત પાણીની વ્યવસ્થા ગોઠવવા, પશુ પક્ષીઓની સુરક્ષા, પરિક્રમા માર્ગ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવવા સહિતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મનપા, વન વિભાગ સહીતના તંત્રોએ પરિક્રમાની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. કેટલીક કામગીરીઓને તો અત્યારથી જ આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે શિયાળાની સવારની ગુલાબી ઠંડી વચ્ચે અંબાજી મહંત તનસુખગીરીબાપુની આગેવાની હેઠળ મહંત ઈન્દ્રભારતીબાપુ, અચ્યુતાનંદજી, અશોકાનંદ, ચાંપરડાના સાધનાનંદ અને મોહનભારથી સહિતના સંતો સાથે એ.સી.એફ. કે.એ.ગાંધી અને આર.એફ.ઓ. પી.જે.મારૂની આગેવાની હેઠળ વનવિભાગના કાફલાએ આજ રોજ આગોતરી પરિક્રમા કરી તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
વનવિભાગે આશરે એકાદ અઠવાડિયા પહેલા જ પરિક્રમા રૂટને સ્વચ્છ બનાવી રસ્તા પર રીપેરીંગ કામ કર્યું હતું. ત્યારે સાધુ સંતોએ જીણા બાવાની મઢી, સરકડીયા હનુમાન, માળવેલા અને બોરદેવી રૂટ પર રસ્તા રીપેરીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ચાલુ વર્ષે કુદરતે વરસાવેલા પ્રકોપને કારણે ચો તરફથી પાણીના પોકારો ઉઠી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરીજનો વેંચાતું પાણી મંગાવી રહ્યા છે.
પાણીના તળ ઉંડા જતા રહ્યા છે. તેમજ શહેરીજનોને પાણી પુરૂ પાડનાર પાણીના સ્ત્રોતો પણ ખાલી પડયા છે. ત્યારે વનવિભાગે પરિક્રમાર્થીઓને શહેરની સુવિધાથી દુર જંગલમાં પાણી માટે વલખા ન મારવા પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ૩૬ કિલોમીટરના પરિક્રમાના રૂટ પર વનવિભાગે વિવિધ સ્થળોએ ર૩ પાણીના પોઈન્ટ ઉભા કર્યા છે. તેમજ જુના બોર કુવાની સફાઈ કરી જીણાબાવાની મઢી, સુખનાળા અને નળપાણીની જગ્યાએ ત્રણ નવા બોર કરવાનું આયોજન કર્યું છે.
પરિક્રમાર્થે આવતા આશરે ર લાખ જેટલા યાત્રિકો તો નિયત સમય કરતા વહેલા જ પરિક્રમા પુરી કરી નાંખે છે. તેમજ પરિક્રમાના ૪ દિવસ દરમિયાન આશરે ૮ લાખ ભાવિકો પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધે છે. ત્યારે વનવિભાગે આ વર્ષે પાણીની તંગીને ધ્યાને રાખી પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થીઓને પીવા સિવાય પાણીનો બગાડ ન કરવા તેમજ પાણીના સ્ત્રોતોને દુષિત ન કરવા અપીલ કરી છે. જેથી પરિક્રમા બાદ પશુ પક્ષી માટે બચેલુ પાણી દુષિત ન થાય અને મૃતઃપાય અવસ્થામાં આવી ગયેલા જંગલી પશુ પક્ષીઓ બચેલા પાણીમાં જીવન નિર્વાહ કરી શકે.
હિંસક પશુઓ અને યાત્રિકોની સલામતી માટે બે રેસ્ક્યૂ ટીમ તૈનાત કરાશે
જંગલમાં યોજાતી ૪ દિવસીય પરિક્રમાને કારણે જંગલમાં રહેતા પશુ પક્ષીઓ ક્યારેક પોતાના ઘરમાં માણસોની દખલગીરી સહન કરી શકતા નથી. પરિણામે ક્યારેક આવા જંગલી પશુઓએ પરિક્રમાર્થીઓ પર હુમલો કર્યાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે આ વર્ષે પરિક્રમા રૂટ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે બે રેસ્ક્યૂ ટીમ તૈનાત કરવામાં આવશે. જમાં એક સાસણની અને એક સકકરબાગની ટીમ રાખવામાં આવશે. આ ટીમ ટ્રાન્ક્યુલાઈઝ ગન, જીપ, એકસપર્ટ સ્ટાફ, આર.એફ.ઓ.ની આગેવાની હેઠળ સતત પરિક્રમા રૂટ પર ફરતી રહેશે. આ ટીમ પરિક્રમાર્થીઓ અને હિંસક પ્રાણીઓને એકબીજાને દુર રાખશે. જો કોઈ સ્થળે હિંસક પશુઓ દેખા દેશે તો આ ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમને પરિક્રમા માર્ગથી દુર લઈ જશે. હિંસક પ્રાણીઓ અને યાત્રિકોને એક બીજાથી ખતરો પેદા ન થાય તે માટે આ ટીમ સતત કાર્યરત રહેશે.
ગિરનાર જંગલને પ્લાસ્ટિક મૂક્ત રાખવા વનવિભાગનું અનોખુ આયોજન
પૂણ્યનું ભાથું બાંધવા આવતા પરિક્રમાર્થીઓ જંગલને કોઈ નુકશાન ન પહોંચે તે માટે તમામ દરકાર રાખે છે. પરંતુ ફક્ત ફરવા કે મોજ મજા કરવા આવતા કેટલાક યાત્રિકો જંગલમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાની મનાઈ હોવા છતા બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી આ પ્લાસ્ટીક ત્યાં જ નાંખીને ચાલ્યા જાય છે. પરિક્રમા બાદ પરિક્રમા રૂટ પર કરવામાં આવતી સફાઈ દરમિયાન ટન બંધ પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્લાસ્ટીકનું પ્રદુષણ ડામવા માટે વન વિભાગે એક અલગ આયોજન હાથ ધર્યું છે. પર્યાવરણની જાળવણી કરવા ઈચ્છતા અને પ્લાસ્ટીકના પ્રદુષણને ડામવા સ્વયંસેવક બની ફરજ બજાવવા ઈચ્છતા પરિક્રમાર્થીઓને થેલા આપવામાં આવશે. આ યાત્રિકો પરિક્રમારૂટ પર ફેંકવામાં આવેલા વેફરના રેપર, પ્લાસ્ટીકના પાઉચ અને પ્લાસ્ટીકની બોટલ રસ્તામાંથી એકત્ર કરીને થેલામાં ભરતા આવશે. બોરદેવી તેમજ વિવિધ સ્થળોએ રાખવામાં આવેલા કન્ટેનરમાં આ કચરો ઠાલવી દેવાશે. આ વર્ષે પરિક્રમાર્થીઆને પૂણ્યની સાથે સાથે પર્યાવરણને દુષિત થતુ અટકાવવાની સેવા કરવાનો પણ મોકો મળી રહેશે.

No comments: