Monday, November 19, 2012

ચાંદગઢની સીમમાં સિંહ પરિવારે કર્યું બળદનું મારણ.


Bhaskar News, Liliya | Nov 09, 2012, 01:37AM IST
લીલીયા તાબાના ક્રાંકચમાં બાવળની બીડના જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહીથી સાવજો છેક અમરેલીના ચાંદગઢ ગામની સીમ સુધી આવી જાય છે. આ ઉપરાંત સાવરકુંડલાની સીમમાં આંટાફેરા મારતા નજરે પડે છે. ત્યારે આજે સવારના સુમારે ચાંદગઢ ગામની સીમમાં સિંહ પરિવારે બે બળદોનો શિકાર કરી મજિબાની માણી હતી.

ગીરના જંગલમાંથી હવે સાવજો રેવન્યુ વિસ્તારમાં વધુ વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને લીલીયાના ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં તો ૨૮ ઉપરાંત સિંહો વસવાટ કરી રહ્યાં છે. આ સિંહ પરિવારો શેત્રુંજી નદીના કાંઠેથી ચાંદગઢ ગામની સીમમાં તેમજ છેક સાવરકુંડલા સુધી આંટાફેરા મારે છે.

ચાંદગઢમાં રહેતા હમીરભાઇ રામભાઇ ખુમાણની માલિકીના બે બળદોનો આજે સવારે ત્રણ સિંહ અને એક સિંહણે શિકાર કરી મારણ કર્યું હતુ. અવારનવાર સિંહો ચાંદગઢની સીમમાં આવી ચડે છે. જેના કારણે લોકોમાં પણ સતત ભય ફેલાઇ છે. સિંહ પરિવારો અહી કાયમી માટે ધામા નાખતા હોય ખેડુતો પણ વાડી ખેતરોએ જતા ભય અનુભવે છે. બે બળદોનુ સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતા હમીરભાઇએ વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટર હિંગુભાઇ, વનરક્ષક અશોકભાઇ ખંખાળ સ્થળ પર દોડી આવી જરૂરી કાગળોની કાર્યવાહી કરી હતી. સિંહ પરિવારના સીમમાં આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

No comments: