Bhaskar News, Dhari | Nov 03, 2012, 01:08AM IST
કોળી યુવાન પર હુમલા બાદ વનવિભાગે ત્રણ પાંજરાઓ ગોઠવ્યા હતા
ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલ એક કોળી યુવક
પર ગઇકાલે દિપડીએ હુમલો કરી ઘાયલ કરી દીધા બાદ ગામલોકોની માંગણીના પગલે
દિપડીને પકડવા વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવાયા હતા. જેમાં ગઇરાત્રે બે
દિપડી સપડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
ધારીના કરમદડીમાં લોકોને રંજાડનાર બે દિપડી પાંજરે સપડાઇ છે. ગઇકાલે
કરમદડીમાં સવારે વાડીમાં કામ કરી રહેલ જયસુખભાઇ કોળી નામના ખેડુત પર એક
દિપડીએ હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતા. આ વિસ્તારમાં દિપડા દિપડીની
સંખ્યા વધારે હોય લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. ગામલોકો દ્વારા આ દિપડા
દિપડીને પાંજરે પકડવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી.
જેને પગલે ડીએફઓ એમ.એમ.મુની તથા આરએફઓ એ.વી.ઠાકર દ્વારા ગામની સીમમાં
ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગઇરાત્રે બે પાંજરામાં દિપડીઓ સપડાઇ ગઇ
હતી. આ બંને દિપડીઓને હાલમાં જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી
છે. આ વિસ્તારમાં હજુ બે દિપડા પણ આંટા મારતા હોવાનુ કહેવાય છે. તો બીજી
તરફ બે પૈકી એક દિપડી બચ્ચાવાળી છે. કોળી યુવાન પર હુમલા બાદ ઉશ્કેરાયેલા
તેના બે ભાઇઓએ એક બચ્ચાને મારી નાખ્યુ હતુ. પરંતુ દિપડીને સામાન્ય રીતે બે
થી ત્રણ બચ્ચા હોય છે. ત્યારે પકડાયેલી દિપડીના બચ્ચા અસુરક્ષિત ન રહે તે
માટે પણ વનવિભાગે પગલા ભરવા પડશે.
No comments:
Post a Comment