Saturday, November 3, 2012

પરિક્રમાનો હવાલો હવે મહેસૂલ વિભાગનાં હાથમાં.


Bhaskar News, Junagadh | Nov 03, 2012, 01:51AM IST
 
શિવરાત્રીની ઘટના બાદ તંત્રએ આ વખતે લીધો નિર્ણય : જૂનાગઢ કલેકટરની પત્રકાર પરિષદ
 
કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરીક્રમાને લઇ સુચારૂ આયોજન માટે વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી છે અને ગત શિવરાત્રીનાં મેળા બનેલી ઘટનાને ધ્યાને રાખી લીલી પરીક્રમા માત્રને માત્ર મહેસુલ વિભાગનાં નેતૃત્વ હેઠળ થનાર હોવાનું જિલ્લા કલેકટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું.
 
ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરીક્રમા આડે ગણતરીનાં દિવસો બાકી રહયા છે. લાખો યાત્રાળુઓની સુખાકારી વ્યવસ્થા માટે વહીવટીતંત્રએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. 
 
લીલી પરીક્રમાનાં આયોજન અંગે માહીતી આપતા જિલ્લા કલેકટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, પરીક્રમામાં આવતા લાખો યાત્રાળુઓની સુખ -સુવિધા અને સલામતી જળવાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસુલ વિભાગનાં નેતૃત્વ હેઠળ વિભિન્ન વિભાગો પોત પોતાની કામગીરી કરશે. તેમજ શિવરાત્રી મેળામાં બનેલી ઘટનાને ધ્યાને રાખી એસ.ટી. બસ તથા ખાનગી ટ્રાવેલ્સની મોટી બસને ગિરનાર દરવાજા સુધીજ પ્રવેશ આપવામાં આવશે.
 
આ પ્રકારની બસ ગિરનાર દરવાજા તેમજ ભરડાવાવનાં સ્થળે ડ્રોપીંગ પોઇન્ટ તરીકે કાર્ય કરશે. મનપાની સીટી બસને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી પ્રવેશ આપવામાં આવશે અને ભવનાથ તરફ ટુ વ્હીલરને જ પ્રવેશ મળશે. ઉપરાંત એસટી અને ખાનગી બસનું જરૂરીયાત મુજબ હાજીયાણીબાગ ખાતે પાકીર્ગ કરવામાં આવશે.
 
આરોગ્ય વિભાગ દ્વારા ભવનાથમાં પરીક્રમા દરમિયાન કામચલાવ દવાખાના શરૂ કરવામાં આવશે. જેમાં જીવનરક્ષક દવાઓ સાથે મેડીકલ - પેરામેડીકલ સ્ટાફ હાજર રહેશે. પરીક્રમા રૂટ પર ૨૩ જગ્યાએ પાણીનાં પોઇન્ટ વનવિભાગ અને પાણી પુરવઠા દ્વારા ઉભા કરવામાં આવશે.
 
એસ.ટી.ની ૧પ૦ બસ આ દિવસોમાં દોડશે
 
લીલીપરીક્રમા દરમિયાન આવતા યાત્રાળુને ધ્યાને રાખી એસટી વિભાગ દ્વારા ૧પ૦ જેટલી બસ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શહેરમાં ચારથી પાંચ પીકઅપ સ્ટેન્ડ નકકી કરવામાં આવ્યા છે. ઉપરાંત રેલ્વે વિભાગ પણ વિશેષ ટ્રેન શરૂ કરશે.
 
૧૦ હજાર લીટરની ક્ષમતાનાં પાણીનાં ટાંકા મુકાશે
 
ચાલુ વર્ષે વરસાદ ખુબ ઓછો પડતા જંગલ વિસ્તારમાં પાણીનાં સ્ત્રોત સુકાઇ ગયા છે. પરીક્રમાને ધ્યાને રાખી પરીક્રમા રૂટ પર ૧૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતા પાણીનાં ટાંકા મુકવામાં આવશે.
 
દુધનાં ભાવનું બાંધણું પણ તંત્ર દ્વારા કરાયું
 
કલેકટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે પરીક્રમામાં મોટી સંખ્યામાં લોકો આવતા કયારકે લોકો દુધ વગેરેનાં બમણા ભાવ લેતા હોય છે. ત્યારે દુધનાં ભાવ નકકી કરવામાં આવ્યા છે અને નકકી કરેલા ભાવ કરતા વધુ ભાવ લેનાર સામે પગલા લેવામાં આવશે.
 

No comments: