Monday, November 19, 2012

જૂનાગઢમાં પોલીસ તંત્રએ કર્યુ પરિક્રમા રૂટનું ચેકીંગ.


Bhaskar News, Junagadh | Nov 19, 2012, 00:30AM IST
ડોગ સ્ક્વોડ, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે જિલ્લા પોલીસવડાએ સુરક્ષા વ્યવસ્થા તપાસી
 
જૂનાગઢની આગવી ઓળખ બનેલી લીલી પરિક્રમામાં દેશ વિદેશથી સેંકડો યાત્રાળુઓ આવતા હોય છે. જેમની સુરક્ષા વ્યવસ્થા જેના શીરે છે તેવા પોલીસ તંત્રએ આજે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પરિક્રમા રૂટનું ચેકીંગ કર્યુ હતુ.
 
કારતક સુદ એકાદશીથી પ્રારંભ થનારી લીલી પરિક્રમામાં દેશ-વિદેશથી સેંકડો યાત્રાળુઓ ઉમટી પડે છે. સેંકડો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસતંત્ર પણ સાબદું થયુ છે. જેમાં આજે જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ એએસપી જયપાલ રાઠોડ, એલસીબી પીઆઇ હરેશ વોરા, એસઓજી પીએસઆઇ આર.જે.ચૌધરી, તાલુકા પીઆઇ,ભેંસાણ પીએસઆઇ ઝાલા સહિ‌તનો પોલીસ કાફલો પગપાળા સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યુ હતુ.
 
પોલીસ કાફલાની સાથે બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે મુખ્ય માર્ગ પર જ પોલીસની પ૬ રાવટીઓ નાંખવામાં આવી છે. ચૂંટણી અને પરિક્રમા સાથે જ આવતી હોય તેની તૈયારીમાં પોલીસતંત્ર પગે પાણી ઉતારી રહ્યુ છે.
 
પ્રથમ વખત જ પરિક્રમા રૂટ પર સીસીટીવી કેમેરાની નજર
 
જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવી ગુનેગારો પર અંકુશ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે પરિક્રમાનાં રૂટ પર પણ આ વર્ષે પ્રથમ વખત જ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
 
૨પ૦૦ જેટલા જવાનો રહેશે તૈનાત
 
પરિક્રમાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અમરેલી, પોરબંદર અને ભાવનગર પોલીસની મદદ લેવામાં આવશે. જેમાં ૧૬ ડિવાયએસપી, ૧૬ પોલીસ ઇન્સપેક્ટર, ૭૭ પીએસઆઇ, ૮૮૩ પોલીસ જવાન, પ૧ મહિ‌લા પોલીસ, ૧પ૧ ટ્રાફીક પોલીસ, ૧૧ ઘોડેસવાર, ૩પ૯ હોમગાર્ડ્સ, ૪૮૮ જીઆરડી, પ૨ મહિ‌લા જીઆરડી અને ૨૦૦ જવાન એસઆરપીનાં ખડેપગે ફરજ બજાવશે.

No comments: