Bhaskar News, Vanthly | Nov 11, 2012, 02:22AM IST
- સીમમાં ચીકુડીની બાગમાં આજે સવારે ત્રણ સાવજ આવી ચઢતાં લોકોના ટોળાં ઉમટ્યા : કોઇએ કાંકરીચારો કરતાં વિફર્યોવંથલીના બોડકા ગામની સીમમાં એક ચીકુડીની બાગમાં આજે સવારના અરસામાં ત્રણ સાવજ આવી ચઢતા તેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. દરમિયાન ટોળામાંથી કોઇએ કાંકરીચારો કરતાં છંછેડાયેલા સિંહે દોટ મુકીને ‘લાદેન’ ઉપનામ ધરાવતા એક યુવાનને ઘાયલ કરી દેતાં તેને જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.સિંહ પરિવારને જંગલમાં ખદેડવા વન વિભાગની રેસ્કયુ ટીમએ સ્થળ પર દોડી જઇ કવાયત હાથ ધરી છે.
વંથલી પંથકમાં છેલ્લા થોડા દિવસોથી સિંહ પરિવારે ધામા નાખ્યાં છે. બે દિવસ પહેલાં વછપડા ગામની સીમમાં અને ગઇકાલે થાણાપીપળી ગામની સીમમાં જોવા મળ્યા બાદ આજે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ આ સિંહ પરિવાર બોડકા ગામની સીમમાં આવેલ દામજીભાઇ છગનભાઇ દેસાઇની ચીકુડીની બાગમાં આવી પહોંચેલ. આ વાત વાયુવેગે પ્રસરતા આ ત્રણ સાવજને નિહાળવા બોડકા ઉપરાંત ગાંઠીલા સહિતના આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.
દરમિયાન આ ટોળામાંથી કોઇએ પથ્થરો ફેંકી કાંકરીચારો કરતાં સાવજો વિફર્યો હતાં. જે પૈકી છંછેડાયેલા એક સિંહે ટોળા પાછળ દોટ મૂકતાં રમેશભાઇ બાબુભાઇ ચાવડા ઉર્ફે લાદેન નામનો યુવાન ટોળામાં સૌથી આગળ હોય તે આ સિંહથી બચવા દોટ મુકી એક ચીકુડીના ઝાડ પર ચઢવાની કોશીશ કરી હતી પરંતુ તે ચીકુડીના ઝાડ પર આશરો લે તે પહેલાં જ સિંહ તેની પાસે પહોંચી ગયેલ અને પાછળના ભાગેથી હુમલો કરતાં તીક્ષ્ણ પંજાના મારથી પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. વફિરેલા સાવજોને જોઇ ટોળામાં નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા જૂનાગઢથી અધિકારી જાદવ ઝૂની રેસ્કયુ ટીમ સાથે ધટના સ્થળે પહોંચી જઇ સાવજ પરિવારને જંગલમાં ખદેડવા કવાયત હાથ ધરી છે.
No comments:
Post a Comment