Bhaskar News, Rajula | Aug 26, 2014, 09:51AM IST
(પાંચ સાવજોનું ટોળું જોકમાં ત્રાટકીને માલધારીના ઘેંટા બકરાને મારી નાખ્યા બાદ જંગલખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા)
- રાજુલાના જીંજકામાં પાંચ સાવજોએ જોકમાં પડી ૭૩ ઘેંટા-બકરા મારી નાખ્યા
- અન્ય પંદર ઘેંટા-બકરા ઘાયલ : જોકમાં સુતેલા માલધારીઓ માંડ બચ્યા
- અન્ય પંદર ઘેંટા-બકરા ઘાયલ : જોકમાં સુતેલા માલધારીઓ માંડ બચ્યા
રાજુલા: અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પેટની ભુખ ભાંગવા માટે હાહાકાર વર્તાવી રહ્યા છે. ગમેત્યારે ગમે તે ગામમાં ઘુસી માલધારીઓના ઉપયોગી પશુઓનું મારણ કરે છે. રાજુલાના જીંજકામાં તો ગઇરાત્રે પાંચ સાવજોએ પાદરમાં જોકમાં કુદી પડી એક સાથે ૭૩ ઘેંટા-બકરા મારી નાખતા માલધારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. એેટલુ જ નહી ૧૫ ઘેંટા-બકરાને ઘાયલ પણ કરી દીધા હતાં.
ગીર જંગલના ખુંખાર સાવજો ત્રાડો નાખતા શિકાર માટે સામેથી ધસી આવે ત્યારે ઘેંટા-બકરા જેવા ગભરૂ પ્રાણી તો આમ પણ હુમલા વગર જ મરી જાય છે. સાવજની હાજરીનો જ ફફડાટ એવો હોય છે કે અનેક ઘેંટા-બકરા સાવજે પંજો ન માર્યો હોય તો પણ મોતને ભેટે છે. ત્યારે એક સાથે પાંચ પાંચ સાવજો શિકારનો ખેલ ખેલવા આવી પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે જ ખુનની હોળી ખેલાવાની. રાજુલા તાલુકાના જીંજકા ગામે ગઇકાલે રાત્રે કંઇક આવું જ બન્યુ હતું. જીંજકા ગામના પાદરમાં ભરતભાઇ ભરવાડ અને ભીખાભાઇ હરીજન જોક બનાવી પોતાના માલઢોર તેમાં રાખે છે.
ગઇરાત્રે આ બન્નેએ પોતાના માલઢોર જોકમાં પુરી તેઓ પણ બાજુમાં જ સુતા હતાં ત્યારે મધરાત્રે અચાનક જ ભુખ્યા થયેલા પાંચ સાવજો કાળ બનીને જોકમાં પડ્યા હતાં. દુરથી ઘેંટા બકરાની ગંધ પારખી ગયેલા સાવજોએ કુદીને સીધુ જ જોકમાં ઝુંકાવ્યુ હતું અને ટપોટપ ઘેંટા-બકરાને મારવા લાગ્યા હતાં. અહિં સવા સો જેટલા ઘેંટા-બકરા બાંધેલા હતાં. જેમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે સાવજોએ જોતજોતામાં ટપોટપ ૭૩ ઘેંટા-બકરાને મારી નાખ્યા હતાં. જેને પગલે ગામના પાદરમાં દેકારો બોલી ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારના માલધારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો આ રીતે અવાર નવાર ઉપયોગી પશુઓનું મારણ કરે છે.
(પાંચ સાવજોનું ટોળું જોકમાં ત્રાટકીને માલધારીના ઘેંટા બકરાને મારી નાખ્યા બાદ જંગલખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા)
માલધારીઓ માંડ બચી શક્યા
જ્યારે પાંચ સાવજોનું ટોળુ આ જોકમાં ત્રાટકયુ ત્યારે ભરતભાઇ ભરવાડ અને ભીખાભાઇ હરીજન તેમની જોકમાં જ સુતા હતાં. પરંતુ સાવજો જોકમાં ત્રાટકતા જ તેઓ માંડ માંડ બચીને ગામમાં ભાગવામાં સફળ રહ્યા હતાં.
મહા મુસીબતે સિંહોને ગામલોકોએ ખસેડ્યા
પાંચ સાવજો જોકમાં ત્રાટકતા માલધારીઓ તો માંડ બચી શક્યા પણ ૭૩ ઘેંટા-બકરા મોતને ભેટયા. બાદમાં અહિં એકઠા થઇ ગયેલા ગામલોકોએ હાંકલા પડકારા કરી મહા મુસીબતે સાવજોને અહિંથી ભગાડ્યા હતાં.
એક સાથે ૭૩ ઘેંટા-બકરાના મારણના સમાચાર મળતા જ સ્થાનિક આરએફઓ રાઠોડ ૩૦ જેટલા વન કર્મચારીઓ સાથે આ વિસ્તારમાં દોડી ગયા હતાં. સિંહોનુ આ ટોળુ રાત્રે નાગેશ્રી અને વડલી પંથકમાં હોવાનું જાણવા મળેલ છે.
No comments:
Post a Comment