Monday, August 4, 2014

વિલીંગ્ડન ડેમ છલકાતાં દેખાયો અદભુત નજારો, જોવા લોકો ઉમટ્યાં.

Sarman Ram, Junagadh | Aug 01, 2014, 01:36AM IST
વિલીંગ્ડન ડેમ છલકાતાં દેખાયો અદભુત નજારો, જોવા લોકો ઉમટ્યાં

 (તસવીર- વિલીંગ્ડન ડેમ છલકાતા લોકો જોવા ઉમટી પડ્યા)
 
વિલીંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર છલકાયા
સોનરખ, કાળવા અને  લોલ નદીમાં ઘોડાપુર


જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જંગલમાંથી નિકળતી સોનરખ, કાળવા અને લોલ નદી બે કાંઠે વહી ગઇ હતી. પરીણામે દાતાર પર્વતની બાજુમાં આવેલા વિલીંગ્ડન ડેમ અને શહેરની મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવર છલકાઇ ગયા હતા. ડેમ ઓવરફ્લો થતા છલકાતી જળરાશિને નિહાળવા શહેરીજનો ઉમટી પડયા હતા.જૂનાગઢ શહેરમાં બપોરનાં સમયે જોરદાર વરસાદ પડયો હતો. શહેરમાં ૪ કલાકમાં જ ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ગિરનાર જંગલમાં પણ ભારે વરસાદ ખાબકયો હતો. જંગલમાં વરસાદ પડતાં નદી-નાળાં છલકાઇ ગયા હતા. તેમજ જંગલમાંથી નિકળતી સોનરખ, કાળવા અને લોલ નદીમાં પણ ભારે પુર આવ્યુ હતુ.

ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત જ આ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેને જોવા લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત દાતાર પર્વતની બાજૂમાં આવેલા વિલીંગ્ડન ડેમ અને શહેરની મધ્યમા આવેલા નરસિંહ મહેતા તળવામાં પણ પાણી આવ્યા હતા. બન્ને જળાશયો એક ઝાટકે ઓવરફ્લો થઇ ગયા હતા. શહેરની શોભા વધારતા બન્ને જળાશયો છલકાઇ જતા તેને નિહાળવા લોકો ડેમ સાઇટ પર ઉમટી પડયા હતા. નરસિંહ મહેતા તળાવ ભરાતા ઝાંઝરડા રોડ અને ઓજી વિસ્તારનાં ઉંડા ઉતરી ગયેલા પાણીનાં તળ હવે ઉંચા આવી જશે. તેમ જ વિલીંગ્ડન ડેમમાંથી પણ શહેરને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે. પાણીનાં બંને મુખ્ય સ્ત્રોતો ભરાઇ જતા જૂનાગઢની પાણી સમસ્યા મહદઅંશે હલ થશે.
 
કાળવામાં ચાર ભેંસ તણાઇ
શહેરની મધ્યમમાંથી નિકળતા કાળવા નદીમાં ભારે પુર આવ્યુ હતુ. જેના કારણે રાયજીનગર પાછળનાં ભાગમાં ચાર ભેંસ તણાઇ ગઇ હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પરંતુ ત્યાર સુધીમાં તો ભેંસ બહાર પણ નીકળી ગઇ હતી.

શાંતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશાયી
ર્વોડ નંબર પાંચનાં નવા ચૂંટાયેલા પ્રતિનિધી પ્રવિણ વાધેલાએ જણાવ્યું હતું કે, વરસાદનાં કારણે શાંતેશ્વર વિસ્તારમાં આવેલા શાંતેશ્વર મહાદેવ મંદિરની ૧૦૦ ફુટ લાંબી દિવાલ પડી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
 
તસ્વીર - મેહુલ ચોટલીયા

No comments: