Bhaskar News, Junagadh | Jan 30, 2015, 00:31AM IST
- જૂનાગઢનાં અગ્રણીઓ, સાધુ-સંતો અને પ્રબુદ્ધજનોનો એક જ સૂર
જૂનાગઢ: રાજ્ય સરકારે પ્રવાસન અને યાત્રાધામોનાં વિકાસ માટે દરેક જિલ્લા કલેક્ટરને 10 કરોડની ગ્રાન્ટ વાપરવાની સત્તા આપી છે. કલેક્ટરનાં માર્ગદર્શનમાં પ્રવાસન સમિતી જિલ્લાનાં 3 સ્થળો વિકસાવશે. 10 કરોડની ગ્રાન્ટ ક્યાં વાપરવી તેને લઇને તંત્ર પણ તૈયારીઓ કરી રહ્યું છે. આ ગ્રાન્ટમાંથી જૂનાગઢ શહેર અને આસપાસમાં આવેલા પ્રવાસન ધામમાં મહત્તમ સુવિધાઓ ઉભી કરી શકાય તેમ છે.
10 કરોડની ગ્રાન્ટ ક્યા પ્રવાસન સ્થળ માટે વાપરવી જોઇએ એ અંગે દિવ્ય ભાસ્કરે જૂનાગઢ શહેરની જુદી-જુદી સંસ્થાઓ, અગ્રણીઓ, સાધુ-સંતો સાથે વાત કરી હતી. અને આ અમુલ્ય રકમ પ્રથમ ક્યાં અને કેવી રીતે વાપરવી જોઇએ. એ અંગે સવાલ કર્યો હતો. જેમાં 10 કરોડની ગ્રાન્ટમાંથી ગિરનાર પર્વત અને ભવનાથ, ઉપરકોટનાં વિકાસમાં વાપરવાનો સુર ઉઠ્યો છે.
ગિરનાર, ભવનાથ, ઉપરકોટ, નરસિંહ સરોવર અને હેરીટેજ સ્મારકો શણગારવા જોઇએ
આ ગ્રાન્ટમાંથી ગિરનાર અને ભવનાથને સૌથી વધુ મહત્વ મળવું જોઇએ. આ ઉપરાંત મેળા પૂર્વે ગિરનારની સીડીને પણ ટાંકવાની જરૂર છે. લપસણી થઇ જતાં પ્રવાસીઓ માટે ભય રહે છે.
મહંત ઇન્દ્રભારતી બાપુ, રૂદ્રેશ્વર જાગીર આશ્રમ
ગિરનાર પર્વત ઉપર પહેલા પાણી અને સીડીમાં રૂપિયા વાપરવા જોઇએ. બાદમાં દામોદર કુંડ અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવી જોઇએ. અને તેમાં રૂપિયા ફાળવવા જોઇએ.
ભારતીબાપુ, મહા મંડલેશ્વર
આ રકમમાંથી ગિરનાર પર્વત, ભવનાથ તળેટી, ઉપરકોટ, બૌદ્ધ ગુફાઓ તેમજ
શહેરમાં આવેલી હેરીટેજ વાવનાં વિકાસમાં રકમ વાપરવી જોઇએ. પર્વત ઉપર શૌચાલય
અને પાણી વ્યવસ્થાને વધુ મહત્વ આપવુ જોઇએ.
તનસુખગીરીજી, ભવનાથ મંદિર મંહત
તનસુખગીરીજી, ભવનાથ મંદિર મંહત
ગિરનાર-ભવનાથમાં વિકાસની જરૂર છે. આ ઉપરાંત ચોરવાડમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ ખુબ છે ત્યારે તેના માટે પણ આયોજન કરવું જરૂરી છે. આ ઉપરાંત બીજા સ્થળો પણ મહત્વનાં છે.
રાજેશ ચુડાસમા, સાંસદ જૂનાગઢ
જૂનાગઢમાં આવેલા પ્રવાસન સ્થળ ઉપરાંત શહેરીજનોને ફરવા મળે તે માટે નરસિંહ મહેતા તળાવ, બાગ બગીચા, વિલીંગ્ડન ડેમ, નવાબી કાળની ઇમારતો સુધારવામાં વાપરવી જોઇએ.
સલીમ ગુજરાતી, મધુર સોશ્યલ ગૃપ
જૂનાગઢમાં આવેલા ઐતિહાસ ઇમારતો, મકબરા આવેલા છે. એ જર્જરીત હાલતમાં ઉભા છે. ત્યારે ઐતિહાસિક વારસાની જાળવણી માટે આ રકમ ફાળવવી જોઇએ.
મનોજ ચુડાસમા, પ્રમુખ, ગ્રામ ઉદ્યોગ સેવા સમિતી
ઐતિહાસિક જગ્યાની જાળવણીમાં રકમ વાપરવી જોઇએ. જેમાં પ્રથમ ઉપરકોટ, સક્કર બાગ, ભવનાથ, ગિરનારનાં વિકાસમાં રૂપિયા વાપરવા જોઇએ. જૂનાગઢને વધુ મહત્વ મળવું જોઇએ.
પૂર્ણાબેન હેડાઉ, આશાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ
જૂનાગઢનાં ઇતિહાસનાં સાક્ષી એવા ઉપરકોટમાં વધુ ગ્રાન્ટ વાપરવી જોઇએ. બાદમાં ગિરનાર પર્વત, ભવનાથ તિર્થ ક્ષેત્ર, તેમજ ફરવા લાયક સ્થળોમાં વાપરવી જોઇએ.
પલ્લવીબેન ઠાકર, નારી સુરક્ષા સમિતી
જૂનાગઢ પ્રવાસે આવતા લોકો માટે પ્રવાસન સ્થળનાં દર્શન માટે બસ શરૂ કરવી જોઇએ. અને ટુરીસ્ટ ગાઇડની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. તેમજ પ્રવાસન સ્થળ પર સાઇન બોર્ડ મૂકવા જોઇએ.
હેમાબેન શુકલ, હાટકેશ સહિયર વૃંદ
No comments:
Post a Comment