Bhaskar News, Khambha/ Amreli | Jan 20, 2015, 00:11AM IST
- વાહને હડફેટે લેતા બ્રેઇન હેમરેજ : અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર
ખાંભા,અમરેલી: ગીરકાંઠાના અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ દિપડાની સંખ્યા વધી છે તેની સાથેસાથે વન્યપ્રાણીઓના કમોતની ઘટનાઓ પણ વધી રહી છે. આવી વધુ એક ઘટનામાં ખાંભા તાલુકામાં ઉમરીયા તાતણીયા રોડ પર આજે વહેલી સવારે અજાણ્યા વાહન હડફેટે દિપડીના છ માસના બચ્ચાનું મોત થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. માથામા હેમરેજ થઇ જતા આ બચ્ચાનું મોત થયુ હતુ.
દિપડીના બચ્ચાના મોતની આ ઘટના આજે સવારે ખાંભા તાલુકામાં ઉમરીયાથી તાતણીયા તરફ જતા રોડ પર કાપેલીધાર વિસ્તારમાં બની હતી. અહી ખોડિયાર મંદિર નજીક રસ્તા પર દિપડીના બચ્ચાનો મૃતદેહ પડયો હોવાની ડીએફઓ અંશુમન શર્માને જાણ થતા તેમની સુચનાને પગલે સ્થાનિક આરએફઓ ઝાલા, ફોરેસ્ટર હેરમા, બીટગાર્ડ હરદિપભાઇ વાળા વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા.
વનતંત્રને અહીથી છએક માસની ઉંમરના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગના આ નર બચ્ચુ રસ્તો પસાર કરી રહ્યું હતુ ત્યારે કોઇ અજાણ્યા વાહન હડફેટે ચડી જતા મોતને ભેટયુ હતુ. અકસ્માત સર્જનાર વાહન ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. અકસ્માત સર્જનાર વાહનની ઓળખ મળે તેવા કોઇ સંકેતો આસપાસમાંથી સાંપડયા ન હતા.
4 માસમાં સિંહ દિપડાના કમોતની ઘટનાઓ
ગીરપુર્વ વનવિભાગમાં સિંહ, દિપડાના કમોતની ઘટનાઓ સતત વધતી જાય છે. કારણ કે રેવન્યુ વિસ્તારમાં તેમની વસતી પણ વધતી જાય છે. છેલ્લા ચાર માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ પર નજર
10/8/14 ઉનાના કોઠારીયામાં ભેંસે શિંગડે ચડાવતા સિંહણનુ મોત
03/9/14 જામવાળા નજીક રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે સિંહણનુ મોત
17/9/14 નાગેશ્રી નજીક સિંહનું શંકાસ્પદ મોત
21/10/14 ખાંભાના પીપળવામા સર્પદંશથી સિંહનુ મોત
21/10/14 મહુવાના ભાદ્રોડમાં તાર ફેન્સીંગમાં વિજ કરંટથી સિંહનુ મોત
06/11/14 ઉના તુલશીશ્યામ રોડ પર લેપર્ડ કેટનું વાહન હડફેટે મોત
30/11/14 જસાધારમાં ટી.સીમાં ઇલેકટ્રીક શોકથી દિપડાનુ મોત
01/12/14 ઉનાના સુલતાનપુરમાં ટીસીમાં વિજશોકથી દિપડીનુ મોત
11/12/14 વડાલ ગામે વાહન હડફેટે દિપડાનુ મોત
16/12/14 બગદાણાના ધારાઇ ગામે વિજશોકથી સિંહણનુ મોત
22/12/14 ખાંભાના નવા માલકનેસમાં વિજ કરંટથી દિપડીનુ મોત
19/01/15 ખાંભાના ઉમરીયામાં વાહન હડફેટે દિપડીના બચ્ચાનુ મોત
સવારના 6 થી 7 વચ્ચે બની ઘટના
ગીરકાંઠાના આ ગામોમાં રાત્રીના સમયે વાહન વ્યવહાર નહિવત હોય છે. વહેલી સવારથી વાહનોની અવરજવર શરૂ થાય છે વળી દિપડા કુળનંુ પ્રાણી શિકારની શોધ માટે સવારનો સમય પસંદ કરે છે. સુત્રોએ જણાવ્યું હતુ કે સવારના છ થી સાત વચ્ચે બનાવ બન્યાનું અનુમાન છે.
ખાંભામાં કરાયું પીએમ
બનાવની જાણ થતા વનવિભાગના વેટરનરી ડોકટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાળ દિપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની વનકચેરી ખાતે લઇ જવાયો હતો.
મોત બ્રેઇન હેમરેજથી - RFO
ખાંભાના આરએફઓ શ્રી ઝાલાએ જણાવ્યું હતુ કે બાળ દિપડાએ અજાણ્યા વાહનની ઠોકર લાગતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને બ્રેઇન હેમરેજ થવાના કારણે તેનુ મોત થયુ હતુ. બચ્ચાના મોમાંથી લોહી નીકળી ગયુ હતુ. જયારે વાહન ચાલક નાસી ગયો હતો.
No comments:
Post a Comment