Saturday, January 31, 2015

ગિરીકંદરાઓ પર જઇ બાળકો અને યુવાનોએ ફરકાવ્યો તિરંગો.

DivyaBhaskar News Network | Jan 28, 2015, 05:45AM IST
ગિરીકંદરાઓ પર જઇ બાળકો અને યુવાનોએ ફરકાવ્યો તિરંગો
26જાન્યુ.એ 66 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી જૂનાગઢમાં અનોખી રહે છે. સંત અને શૂરાની ભૂમિમાં દર વર્ષે સંતો પણ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાય છે. તો યુવાનો જટાળા જોગી એવા ગિરનાર પર્વતની જુદી જુદી ગિરીકંદરાઓ પર આરોહણ કરી ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે.

ભવનાથમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મહંત ઇન્દ્રભારતીજીની આગેવાની હેઠળ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તકે ભવનાથનાં મહંત તનસુખગીરીજી, સ્ટે. ચેરમેન સંજય કોરડિયા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટર યોગી પઢિયાર તેમજ ભવનાથનાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરનાં જીવન જ્યોત કેન્દ્ર, મહિરૂ ફાઉન્ડેશન, રૂપાયતન બાલભવન દ્વારા અંબાજી, દાતાર પર્વત પરનાં સિદ્ધ ધુણા શિખર, જોગણીયા ડુંગર, છીપ્પર, લક્ષ્મણ ટેકરી, ઉપરકોટ, વગેરે, ગિરીમાળાની ટોચ સુધી આરોહણ કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્યાંજ રાષ્ટ્રગીત ગાઇ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. જેમાં અંબાજી મંદિરે નિમીત્ત અને જીજ્ઞેશ જોષીએ તિરંગો ફરકાવવા સાથે ગિરનાર પર રહેતા સંતો તેમજ આવનાર ભાવિકો સાથે રાષ્ટ્રધ્વજને વંદન કરી રાષ્ટ્રગીત ગાયું હતું.

દાતાર પર દિપક અડવાણીએ ધ્વજવંદન કર્યું હતું. તો મિતેષ દવે રૂપાયતનનાં બાળકો દર્શન વાડોલિયા, અંકિત શુક્લા, આદિત્ય મહેતા, ગૌરવ, સહિતને સાથે લઇ છિપ્પરની ટેકરીની ટોચે પહોંચ્યા હતા. અને ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી રાષ્ટ્રગીત ગાયું હતું. બાળકોએ ગિરનાર અને દાતાર પર્વત પર જઇ ધ્વજ વંદન કર્યુ હતું.

ભવનાથ, શહેરની શાળાઓ, વિવિધ સંસ્થાઓમાં આનબાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી./ મેહુલચોટલીયા

No comments: