- જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ : અજાબની ઘટનાવાળી જ સિંહણ હોવાનું અનુમાન
જૂનાગઢ : મેંદરડા તાલુકાના રાજાવડ
ગામની સીમમાં હનુમાનધાર વિસ્તારમાં આજે ગયેલા આંબલા ગામના એક રત્નકલાકાર
યુવાન ઉપર સિંહણે હૂમલો કરતા તેને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવેલ છે. અજાબ ગામની ઘટનાવાળી સિંહણે જ આ હૂમલો કર્યો હોવાનું
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વિશેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર
મેંદરડા તાલુકાના આંબલા ગામમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા
નામુભાઈ અમુભાઈ બાબરિયા (ઉ.વ.૩પ) આજે બપોરે રાજાવડ ગામની સીમમાં આવેલ
હનુમાનધાર વિસ્તારમાં દરગાહે શ્રીફળ વધારવા ગયા બાદ ઝાંખરાની વચ્ચે જઈને
બોર વીણી રહ્યા હતાં. આ દરમિયાન અચાનક જ આવી ચડેલી એક સિંહણે તેના પર હૂમલો
કરી બન્ને પગના સાથળમાં બચકા ભરી લીધા હતાં. ગંભીર ઈજાઓ સાથે આ યુવાનને
સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ગઈકાલે અજાબ
ગામની સીમમાં ખેડૂત ઉપર હૂમલો કરનાર સિંહણે જ આજે પણ હૂમલો કર્યો હોવાનું
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
No comments:
Post a Comment