Tuesday, May 31, 2016

અમરેલી: ઉનાળાના ધખતા તાપમાં ગીર સેકાયું, લીલોતરીનું નામો નિશાન નથી

અમરેલી: ઉનાળાના ધખતા તાપમાં ગીર સેકાયું, લીલોતરીનું નામો નિશાન નથી
  • Bhaskar News, Amreli
  • May 31, 2016, 11:05 AM IST
અમરેલી: ચોમાસાનું આગમન થતા જ ગીર જંગલ ખીલી ઉઠશે. ચારેય તરફ લીલી વનરાઇ લહેરાશે. દાયકાઓથી અડીખમ ઉભેલા વૃક્ષો ફરતે વેલાઓ વિટળાઇ જશે. અત્યારે જેનું નામોનિશાન નઝરે પડતુ નથી તેવા અનેક છોડ ઉગી નિકળશે અને સાથે સાથે અહિંના તૃણભક્ષી પ્રાણીઓનું પેટ ભરવા માટે ઘાસ ઉગી નિકળશે. પરંતુ આ પૂર્વે ઉનાળાના ધોમધખતા તાપમાં ગીર જંગલ હાલ સુકુ ભઠ્ઠ બન્યુ છે. લીલોતરીનું જાણે ક્યાય નામો નિશાન નથી. ફળ-ફુલ કે પાન વગરના વૃક્ષો ઠુંઠ્ઠાની જેમ ઉભા છે. આકાશમાંથી અમૃતધારા વરસે અને ધરતી લીલુડી ચાદર ઓઢે તે દિવસો ઢુંકડા છે. ભરપુર ચોમાસુ જામ્યુ હોય, ગીર જંગલ સોળેકળાએ ખીલ્યુ હોય ત્યારે તેનો પ્રાકૃતિક નઝારો ગમે તેનું મન મોહી લે છે. 
 
ઉનાળામાં આકરા તાપે તપ્યા, નઝર માંડવી ન ગમે તેવો સુકો-સુકો નઝારો

પરંતુ હાલમાં અહિં તેવું કોઇ દ્રશ્ય નઝરે પડતુ નથી. સાવજોના આ ઘરને જાણે નઝર લાગી હોય તેમ નઝર માંડવી ન ગમે તેવો સુકો-સુકો નઝારો છે. અમરેલી પંથકમાં ચાલુ ઉનાળામાં સુર્યનારાયણ આકરા તાપે તપ્યા હતાં. એક સમયે તો અમરેલીમાં તાપમાનનો પારો છેક 47 ડીગ્રી સુધી આંબી ગયો હતો. ગરમીએ અહિંના લોકોને તો તોબા પોકારાવી દીધા સાથે સાથે પ્રકૃતિ પર પણ તેની અસર જોવા મળી. આમ તો આ નઝારો દર વર્ષે જોવા મળે છે.
 
મેહુલીયાના આગમન સાથે જ ગીર તેના નિત્ય ક્રમ મુજબ ખીલી ઉઠશે

હાલમાં ગીરમાં મોટાભાગના વૃક્ષો ફળ-ફુલ કે પાન વગર મોસમનો માર સહેતા ઉભા છે. ઘાસના તણખલાઓ પણ સુકાઇ ગયા છે. જૈવિક વિવિધતા બક્ષતા વેલાઓ કે છોડનું ક્યાય અસ્તીત્વ નથી. પરંતુ ટુંકાગાળામાં ચિત્ર સમુળગુ બદલાશે. મેહુલીયાના આગમન સાથે જ ગીર તેના નિત્ય ક્રમ મુજબ ખીલી ઉઠશે. મધ્ય ચોમાસુ આવતા સુધીમાં તો ખળખળ વહેતા ઝરણા પણ નઝરે પડવા માંડશે. સાક્ષાત સ્વર્ગની અનુભુતિના દિવસો દુર નથી.

No comments: